બ્લેક એન્ડ વ્હાઈટ / સ્ટિંગ ઓપરેશન્સ કઈ રીતે થતાં હોય છે?

article by aashu patel

આશુ પટેલ

Dec 26, 2018, 06:20 PM IST

‘તમારી હોટેલમાં હનીફ સૈયદ કામ કરે છે?’


મુંબઈના પત્રકાર ભુપેન પટેલ દુબઈની ‘હિલ્ટન’ હોટેલના એક મેનેજરને પૂછી રહ્યા હતા. મેનેજરના ચહેરા પર અસ્વસ્થતા ઊભરી આવી. તેણે કહ્યું કે તમે હોટેલ છોડીને જતા રહો પ્લીઝ.
ભુપેને કહ્યું, ‘હનીફ અહીં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે એવી મને ખબર પડી છે.’

સ્ટિંગ ઓપરેશન્સ કરનારા પત્રકારોએ કેવાં જોખમો ઉઠાવવાં પડતાં હોય છે એનો ચિતાર જાણીતા પત્રકાર ભુપેન પટેલે
તેમની બુકમાં આપ્યો છે

એ વખતે હોટેલનો બીજો એક કર્મચારી તેમની પાસે આવ્યો. હનીફ સૈયદનું નામ સાંભળીને તેના ચહેરા પર પણ ભયની લકીર તરી આવી. તેણે પણ કહ્યું કે, ‘તમે અહીંથી જતા રહો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો.’


થોડી વાર કોશિશ કર્યા પછી ભુપેન પટેલ એ હોટેલની બહાર નીકળ્યા અને ત્યાંથી થોડે દૂર જે હોટેલમાં ઊતર્યા હતા એ તરફ ચાલવા લાગ્યા. તેઓ થોડે દૂર પહોંચ્યા હતા ત્યાં અચાનક એક કાર તેમની બાજુમાં આવીને ઊભી રહી. એમાંથી બે માણસ ઊતર્યા. એમાંના એક માણસે ભુપેનનો હાથ આમળીને તેમનું માથું કારના બોનેટ પર ઝુકાવીને તેની તલાશ લીધી. એ દરમિયાન દુબઈ પોલીસની એક કાર આવી એમાંથી બે પોલીસ ઓફિસર્સ ઊતર્યા અને તેમણે અગાઉ આવેલા બે માણસ સાથે વાત કરી એટલે ભુપેનને હાશકારો થયો કે ચાલો આ બધા દુબઈ પોલીસના ઓફિસર્સ છે. અગાઉ જે બે જણા આવ્યા હતા એ ખાનગી કારમાં હતા અને તેમણે સાદાં કપડાં પહેર્યાં હતાં એટલે ભુપેનને ટેન્શન થઈ ગયું હતું.


જોકે, ભુપેનનું ટેન્શન વાસ્તવમાં ખતમ નહોતું થયું. ભુપેનને પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસ ઓફિસર્સે કારમાં જ તેમની પૂછપરછ શરૂ કરી દીધી હતી. 14 કલાક સુધી તેમને બેસાડી રખાયા અને વચ્ચે વચ્ચે તેમની પૂછપરછ ચાલતી રહી.
એ પછી ઘણી ઘટનાઓ બની. ભુપેને એ રાત દુબઈ પોલીસના જ લોકઅપમાં વિતાવવી પડી. એ પછી દુબઈ પોલીસનો એક સિનિયર ઓફિસર આવ્યો. તેણે ભુપેનની પૂછપરછ કરી અને છેવટે ભુપેનનો છુટકારો થયો.
***


‘પત્રકાર તરીકે મેં ઘણાં જોખમ ઉઠાવ્યાં છે, પણ દુબઈના રસ્તા પર જે રીતે મને આંતરવામાં આવ્યો હતો અને પછી લોકઅપમાં ધકેલી દેવાયો હતો એ સમય હજી જ્યારે યાદ આવી જાય છે ત્યારે મારાં રુવાડાં ઊભાં થઈ જાય છે.’ મુંબઈના જાણીતા પત્રકાર ભુપેન પટેલ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં કહે છે.


ભુપેન પટેલને પત્રકાર તરીકેની લાંબી કરિયરમાં આવા ઘણા દિલધડક અનુભવો થયા છે. જેની વાતો તેમણે ‘ધ એનેટોમી ઓફ અ સ્ટિંગ’ બુકમાં લખી છે, જે પેંગ્વિન ઇન્ડિયા દ્વારા થોડા દિવસો અગાઉ પ્રકાશિત થઈ છે. એના સંદર્ભમાં અમે તેમની સાથે વાત કરી.


કોઈ માણસને પૂરતા મેડિકલ એક્ઝામિનેશન વિના જ પાગલખાનામાં ધકેલી દેવાનાં કારસ્તાન હોય કે મુંબઈ પોલીસની વેબસાઇટ હેક કરનારા સુધી પહોંચવાનું હોય, ભુપેન પટેલ બેધડક સ્ટિંગ ઓપરેશન કરીને સ્ટોરી બ્રેક કરતા રહ્યા છે. તેમણે મુંબઈનાં અનેક અંગ્રેજી અખબારોમાં રિપોર્ટરથી માંડીને સિનિયર લેવલ પર ફરજ બજાવી છે. અત્યારે તેઓ એક જાણીતા અંગ્રેજી દૈનિકમાં એડિટર (ઇન્વેસ્ટિગેશન્સ) તરીકે ફરજ બજાવી રહ્યા છે.


મુંબઈમાં એક કાઝી દ્વારા વિદેશીઓને સેક્સ માટે છોકરીઓ પૂરી પાડવાનું રેકેટ નિકાહના ઓઠા હેઠળ ચાલતું હતું. ભુપેને પોતાની હિંમતવાન અને બોલ્ડ કલીગ જર્નાલિસ્ટ ક્રાંતિ વિભુતેને શબનમ નામની મુસ્લિમ યુવતી તરીકે ઓળખાવીને એક એજન્ટની મદદથી તે ખેપાની કાઝી સુધી પહોંચ્યા હતા અને સ્પાય કેમેરાની મદદથી કાઝીનું સેક્સ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. કાઝી વિદેશથી આવતા પુરુષો સાથે પૈસા નક્કી કરીને તેમને છોકરીઓ પૂરી પાડતો હતો. વિદેશી પુરુષો (જેમાં વધુ પડતા આરબો રહેતા) સાથે તે કોઈ છોકરીનાં લગ્ન કરાવતો અને પછી બે-ચાર દિવસ પછી તે પાછો જાય એ અગાઉ કાઝી જે તે છોકરીના તલાક કરાવી દેતો હતો.


ભુપેન મુંબઈના એક નામાંકિત અંગ્રેજી અખબારમાં સિનિયર ક્રાઇમ કોરસ્પોન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા એ દિવસોમાં એક વાર એડિટરે તેમને અખબારમાં છપાયેલી એક ટચૂકડી જાહેરખબર બતાવીને કહ્યું કે આ રેકેટ એક્સ્પોઝ કરવાનું છે. સાથી ફિલ્મ્સ ઇન્ટરનેશનલ નામની એક ફિલ્મ પ્રોડક્શન કંપની દ્વારા અપાયેલી એ જાહેરખબરમાં એટલું જ કહેવાયું હતું કે એક હિન્દી ફિલ્મ માટે લીડ એક્ટર્સની જરૂર છે.

નવોદિતો અરજી કરી શકે છે. ભુપેન એ સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરતાં કહે છે, ‘એ અસાઇનમેન્ટ આપ્યા પછી એડિટરે મારી જુનિયર કલીગ અને એક વર્ષથી ક્રાઇમ રિપોર્ટર તરીકે અમારી ટીમમાં જોડાયેલી રુહી ખાન તરફ જોઈને કહ્યું કે આ અસાઇનમેન્ટમાં રુહીને સાથે રાખજે. તારે એના કાસ્ટિંગ એજન્ટ બનવું છે કે ફ્રેન્ડ એ નક્કી કરી લેજે! રુહી લંડનથી ભણીને મુંબઈ પાછી આવી હતી. તે તરત જ આ સ્ટિંગ ઓપરેશન માટે તૈયાર થઈ ગઈ.

અખબારમાં જે જાહેરખબર છપાઈ હતી એમાં જે ઓફિસનું એડ્રેસ અપાયું હતું, એ અંધેરી-કુર્લા રોડ પરના એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હતી. મેં અને જુહીએ એ ઓફિસમાં જતાં અગાઉ રિહર્સલ કરી લીધું જેથી કોઈ બ્લન્ડર ન થાય. એ સ્ટિંગ ઓપરેશન માટે મેં મારું નામ ભુપેન શાહ અને રુહીનું નામ રુહી અહમદ રાખવાનું નક્કી કર્યું. બીજા દિવસે હું અને રુહી એ ઓફિસમાં પહોંચ્યાં. અમે જુહીની બેગમાં સ્પાય કેમેરા ફિટ કર્યો હતો.

એ ઓફિસમાં બે રિવોલ્વિંગ ચેર પર બે માણસ બેઠા હતા. એમાંના એકનું નામ મહેશ પંચોલી હતું અને બીજાનું નામ સલીમ શેખ હતું. પંચોલીએ કહ્યું કે અમે બે હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છીએ. એમાંની ‘પ્યાર કી આખરી મંઝિલ’ ફિલ્મ માટે અમારે હીરો-હિરોઇન જોઈએ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ સલીમે જ લખી છે. ફિલ્મમાં એક પ્રેમી અને પ્રેમિકાની સ્ટોરી છે. એન્ડમાં બંને મરી જાય છે. સલીમ શેખે તેના ખિસ્સામાં હાથ નાખ્યો.

અમને લાગ્યું કે તે કદાચ તેનું વિઝિટિંગ કાર્ડ કાઢતો હશે, પણ તેણે એ ફોર સાઇઝનાં આઠ પેજ કાઢ્યાં અને અમારા તરફ લંબાવતાં કહ્યું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ છે. પંચોલીએ કહ્યું કે ફિલ્મનાં હીરો-હિરોઇન અમે પસંદ કરી લીધાં છે. તે બંને અમને દોઢ-દોઢ લાખ રૂપિયા આપવાનાં છે. અમે ચહેરા પર નિરાશાના ભાવ લાવીને કહ્યું કે તો પછી અમે જઈએ. પંચોલીએ કહ્યું કે અરે! તમે નિરાશ ન થાઓ. અમારી ફિલ્મમાં બે હીરો અને બે હિરોઇન છે એટલે તમને પણ અ‍મે રોલ આપી શકીશું.

એ પછી અમારી સાથે વાત કરતાં-કરતાં તે અવારનવાર બોલતો રહ્યો કે અમે જેને હીરો-હિરોઇન તરીકે પસંદ કર્યાં છે એ બન્ને અમને દોઢ-દોઢ લાખ રૂપિયા આપવાનાં છે. તેમને કલ્પના પણ નહોતી કે તે બંને જે કહી રહ્યા છે એનું વીડિયો રેકોર્ડિંગ રુહીની બેગમાં ફિટ કરેલા સ્પાય કેમેરામાં થઈ રહ્યું છે.’


એક્ટર બનવા માગતાં યુવક-યુવતીઓ પાસેથી પૈસા પડાવવાની લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવવાની તેમની મોડસ ઓપરેન્ડી સ્પાય કેમેરામાં કેદ કરીને ભુપેન અને રુહીએ સ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી