અમારી નજીક આવ્યા તો ખેલ ખતમ!

article by aashu patel

આશુ પટેલ

Nov 28, 2018, 12:05 AM IST

આંદામાનના નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર જવાનું જોખમ ખેડનારા 27 વર્ષીય ક્રિશ્ચિયન મિશનરી એવા અમેરિકન યુવાન જોન એલન ચાઉને એ ટાપુના આદિવાસીઓએ મારી નાખ્યો એની નોંધ દુનિયાભરનાં અખબારોએ લીધી, કારણ કે એ સામાન્ય હત્યાની ઘટના નહોતી.

અમેરિકન સાહસિક જોન એલન ચાઉને તીર મારી પતાવી દેનાર આદિવાસીઓની દુનિયાને ચીમકી

આંદામાન્સના નોર્થ સેન્ટિનલ ટાપુ પર વસતા આદિવાસીઓ દુનિયા સાથે કોઈ જ સંપર્ક રાખતા નથી અને કોઈ માણસ તેમના ટાપુ પર જાય તો તેને મારી નાખે છે. આ ટાપુ વિશે અને વિશ્વ સાથે સંપર્કમાં આવવા ન માગતા ત્યાંના આદિવાસીઓ વિશે તથા માર્યા ગયેલા અમેરિકન સાહસિક જોન એલન ચાઉ વિશે વાત કરીએ.


અમેરિકાના વોશિંગ્ટન રાજ્યનો રહેવાસી જોન ફૂટબોલ કોચ હતો અને ઇરાકના કુર્દસ્તાનમાં નિરાશ્રિત યુવાનોને તથા સાઉથ આફ્રિકાના ગરીબ યુવાનોને ફૂટબોલ ટ્રેનિંગ આપવા માટે તેણે ઘણો સમય ફાળવ્યો હતો. તેને નવીનવી જગ્યા એક્સપ્લોર કરવાનું ગમતું હતું. થોડા સમય અગાઉ વાઇલ્ડર એડવેન્ચર વેબસાઇટ ‘આઉટબાઉન્ડ કલેક્ટિવ’ને તેણે મુલાકાત આપી હતી. એમાં તેણે કહ્યું હતું કે હું બાળક હતો ત્યારે ‘રોબિન્સન ક્રૂઝો’ અને ‘ધ સાઇન ઓફ બીવર’ જેવી બુક્સ વાંચતો હતો એ સમયથી જ મારામાં સાહસવૃત્તિ આવી હતી અને દુનિયાના વિવિધ વિસ્તારો એક્સપ્લોર કરવાની મહત્ત્વાકાંક્ષા મારામાં જાગી હતી. એક વાર તો પર્વતારોહણ દરમિયાન જોનના પગમાં સાપ કરડ્યો હતો અને એ વખતે ડોક્ટરોને એવી દહેશત હતી કે જોને કદાચ પોતાનો પગ ગુમાવવો પડશે. સદ્્ભાગ્યે જોનનો પગ બચી ગયો હતો. જોકે, તેણે એ ઘટનાથી ડરીને સાહસો ખેડવાનું બંધ કર્યું નહોતું.


પરંતુ થોડા દિવસ અગાઉ જોને જીવલેણ સાહસ કરવાનું જોખમ ઉઠાવી લીધું. જોનને આંદામાન્સનો નોર્થ સેન્ટિનલ ટાપુ આકર્ષતો હતો. નોર્થ સેન્ટિનલ ટાપુ 59.67 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો છે. એની લંબાઈ 7.8 કિલોમીટર અને પહોળાઈ 7 કિલોમીટર છે. એની ફરતે 31.6 કિલોમીટરનો દરિયાનારો છે. 2011ની વસ્તી ગણતરી વખતે એવો અંદાજ મુકાયો હતો કે એ ટાપુ પર 10 ઘર છે અને કુલ 15 વ્યક્તિઓ રહે છે, જેમાં બાર પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

પછી સુધારીને એવો અંદાજ મુકાયો હતો કે ત્યાં 40 વ્યક્તિઓ રહે છે. જોકે, કેટલાક સ્કોલર્સનો અંદાજ એવો છે કે ત્યાં 400 લોકો રહે છે. જોને વાંચ્યું હતું કે એ ટાપુ પર એવા આદિવાસીઓ રહે છે જેમનો દુનિયા સાથે કોઈ જ સંપર્ક નથી. એ ટાપુ પર જવાની કોઈ હિંમત નથી કરતું અને સરકારે પણ ત્યાં જવા પર પ્રતિબંધ મૂકેલો હતો. થોડા સમય અગાઉ ભારત સરકારે એ ટાપુ સહિત અન્ય 28 ટાપુઓ પર જવાનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો એવો દાવો એક્ટિવિસ્ટ્સ કરી રહ્યા છે. જોકે, સરકારે એ પ્રતિબંધ ઉઠાવી લીધો હોય તો પણ ત્યાંના લોકો સાથે સંપર્ક કરવા પર તો પ્રતિબંધ છે જ. ત્યાં રહેતા આદિવાસીઓ બહારની કોઈ પણ વ્યક્તિને જુએ તો જીવતી નથી છોડતા એ જોન બરાબર જાણતો હતો.


તેમ છતાં જોન ત્યાં જવા માટે આતુર હતો. તેણે આંદામાનના રહેવાસી કે. એસ. એલેક્ઝાન્ડરની મદદ લીધી. તે અગાઉ પાંચ વખત પોર્ટ બ્લેર આવી ચૂક્યો હતો. એ દરમિયાન તેની એલેક્ઝાન્ડર સાથે દોસ્તી થઈ હતી. એલેક્ઝાન્ડરે છ માછીમારોને તૈયાર કર્યા, જે જોનને નોર્થ સેન્ટિનલ ટાપુ પર લઈ જવા તૈયાર થયા. તેણે પોતાને નોર્થ સેન્ટિનલ ટાપુ સુધી લઈ જવા માટે 25 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. જોકે, માછીમારોએ શરત મૂકી કે અમે છેક નોર્થ સેન્ટિનલ ટાપુ સુધી નહીં આવીએ. અમે તને એ ટાપુના કિનારાથી થોડે દૂર સુધી પહોંચાડીશું. ત્યાંથી તું ડિંગીમાં કિનારા સુધી જજે. જોને એ શરત સ્વીકારી લીધી.


માછીમારોએ જોનને સેન્ટિનલ ટાપુના કિનારા સુધી પહોંચાડવાની ના પાડી એની પાછળ એ કારણ હતું કે એ ટાપુ પર રહેતા સેન્ટિનલીઝ આદિવાસીઓ ટાપુની નજીક જનારાઓની પણ ભૂતકાળમાં હત્યા કરી ચૂક્યા હતા. 2006માં એક રાતે બે માછીમારો તેમની બોટમાં રાતે ઊંઘી ગયા હતા એ વખતે તેમની બોટ સેન્ટિનલ ટાપુના કિનારા નજીક પહોંચી ગઈ હતી. સેન્ટિનલીઝ આદિવાસીઓએ તેમને જોયા અને તેમના પર તીરોની વર્ષા કરીને તેમને મારી નાખ્યા હતા. વર્ષો અગાઉ આંદામાનમાં સુનામી આવ્યો ત્યારે એ ટાપુના લોકો સલામત છે કે નહીં એ જાણવા માટે સરકારી અધિકારીઓએ હેલિકોપ્ટર દ્વારા કોશિશ કરી હતી. એ વખતે ત્યાંના લોકોએ હેલિકોપ્ટર તરફ તીરો છોડ્યાં હતાં. વસ્તી ગણતરી કરવા માટે પણ હવાઈ સર્વેક્ષણ થકી જ અનુમાન કરાય છે.


આ બધી માહિતી જોન પાસે હતી. છતાં તેણે 15 નવેમ્બરે સેન્ટિનલ ટાપુ પર જવાનું જોખમ ઉઠાવ્યું. આંદામાન-નિકોબારના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દીપેન્દ્ર પાઠકના કહેવા પ્રમાણે પેલા છ માછીમારો જોનને 14 નવેમ્બરની સવારે સેન્ટિનલ ટાપુથી પાંચસો મીટર દૂર સુધી લઈ ગયા. ત્યાંથી જોન એક ડિંગીમાં બેસીને સેન્ટિનલ ટાપુના કિનારે પહોંચ્યો. તે એ ટાપુ પર ગયો ત્યારે તેને જોઈને ત્યાંના આદિવાસીઓએ તેના પર તીરોનો મારો ચલાવ્યો. માછીમારોએ આદિવાસીઓને તેના પર તીર છોડતા જોયા પણ ખરા. એમાંથી એક તીર તેને લાગ્યું અને બીજું તીર તેના હાથમાં રહેલા બાઇબલમાં ખૂંપી ગયું. આંદામાન-નિકોબારના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દીપેન્દ્ર પાઠકે પત્રકારોને કહ્યું કે માછીમારોના કહેવા પ્રમાણે તે એ જ દિવસે બપોરે તેમની બોટ પર પાછો આવ્યો. તેણે તેના જખ્મો પર દવા લગાડી અને ખાધું. એ પછી તેણે સેન્ટિનલીઝ આદિવાસીઓ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે ડાયરીમાં નોંધ લખી.


જોને ડાયરીમાં એવી પણ નોંધ કરી હતી કે તે આદિવાસીઓમાંના કેટલાકે તેના તરફ સારો વર્તાવ કર્યો હતો, પણ કેટલાક તેના પર રોષે ભરાયા હતા. તેણે એવું પણ લખ્યું હતું કે મારો વર્તાવ તો તેમના પ્રત્યે સારો હતો તો પછી તેઓ મારા પ્રત્યે શા માટે રોષે ભરાયા હશે? જોને પોતાની નોંધમાં એ પણ ઉમેર્યું હતું કે તે સેન્ટિનલીઝ આદિવાસીઓને ક્રિશ્ચિયન બનાવવા માગતો હતો અને એ ટાપુ પર જીસસનું રાજ્ય (કિંગ્ડમ ઓફ જીસસ) સ્થાપવા માગતો હતો.


એક વખત મોતના મુખમાંથી પાછા આવેલા જોને ફરી વાર સેન્ટિનલ ટાપુ પર જવાનું જોખમ ઉઠાવ્યું. એ વખતે તે પોતાની સાથે મેડિકલ કિટ, ફૂટબોલ સહિત કેટલીક ભેટો લઈ ગયો જે તે સેન્ટિનલીઝ આદિવાસીઓને આપવા માગતો હતો. એ વખતે ફરી વાર આદિવાસીઓએ તેના પર હુમલો કર્યો. પેલા માછીમારોએ દૂરથી જોયું કે આદિવાસીઓ કોઈનું શબ ઘસડીને લઈ જઈ રહ્યા હતા. તેઓ પાછા પોર્ટ બ્લેર પહોંચી ગયા અને તેમણે જોનના મિત્ર કે. એસ. એલેક્ઝાન્ડરને સમાચાર આપ્યા કે નોર્થ સેન્ટિનલીઝ ટાપુના આદિવાસીઓએ જોનને મારી નાખ્યો છે.


એલેક્ઝાન્ડરે જોનના પરિવારને જાણ કરી અને જોનની માતાએ ચેન્નાઈની અમેરિકન કોન્સ્યુલેટનો સંપર્ક કર્યો. એ પછી પોલીસે પેલા છ માછીમારોની અને જોનના મિત્ર એલેક્ઝાન્ડરની ધરપકડ કરી. તેમણે તેને સેન્ટિનલ ટાપુ પર લઈ જવામાં મદદ કરી હતી એ માટે તેમની ધરપકડ કરાઈ હતી. જોકે, જોનના પરિવારે પોલીસને અપીલ કરી કે એ બધાને છોડી મૂકો. જોન પોતાની મરજીથી સેન્ટિનલ ટાપુ પર ગયો હતો. એ માટે તેમને સજા ન થવી જોઈએ. જોનના પરિવારે એવું પણ કહ્યું કે જોન એવું કહી ગયો હતો કે મને સેન્ટિનલીઝ લોકો મારી નાખે તો તેમના પ્રત્યે કોઈ રોષ ન દાખવશો.


જોન એલન ચાઉએ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર જવાનું સાહસ ખેડ્યું એના કારણે આ અંતરિયાળ ટાપુ પર આખી દુનિયાના મીડિયાની નજર મંડાઈ છે. દુનિયામાં આવા કેટલાક વિસ્તારો છે જ્યાંની પ્રજા આખી દુનિયાથી અલિપ્ત રહે છે. આવી પ્રજાઓ અને આવી જગ્યાઓ વિશે ક્યારેક વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી