જાણો પોન્ઝી સ્કીમના જનક ચાર્લ્સ પોન્ઝીને

article by aashu patel

આશુ પટેલ

Nov 21, 2018, 12:05 AM IST

અમદાવાદના એક ખેપાની યુગલની પોન્ઝી સ્કીમમાં સાડા ત્રણ લાખ ગરીબ અને મધ્યમવર્ગી ગુજરાતીઓએ 600 કરોડ રૂપિયાથી વધુ રકમના નામનું નહાઈ નાખવું પડ્યું. એ ન્યૂઝ છેલ્લા થોડા દિવસથી અખબારોમાં અને ટીવી ચેનલ્સમાં ચમકી રહ્યા છે. આ દરમિયાન દેશનાં અનેક રાજ્યોના કેટલાય લોકોએ પણ બહુ ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચમાં પોન્ઝી સ્કીમમાં ફસાઈને પૈસા ગુમાવ્યા એ વિશે પણ સમાચારો આવી રહ્યા છે. કર્ણાટકના માઇનિંગ કિંગ તરીકે કુખ્યાત રાજકારણી અને ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડીની પણ થોડા દિવસ અગાઉ પોન્ઝી સ્કીમ કેસમાં ધરપકડ થઈ હતી. સમયાંતરે ધુતારાઓ પોન્ઝી સ્કીમ્સ લઈને આવતા રહે છે. આવા ધુતારાઓનાં કૌભાંડો બહાર આવતાં રહે છે. તેમના વિશે અખબારો અને ટીવીમાં સમાચારો પ્રસારિત થાય છે. છતાં એવી ઘટનાઓ પરથી ચેતવાને બદલે લોકો તાત્કાલિક પૈસા દોઢા કે બમણા કરી લેવાની લાલચમાં આવા ધુતારાઓની જાળમાં ફસાઈ જાય છે અને પોતાની પરસેવાની કમાણી સામે ચાલીને લૂંટાવી દે છે.

પોન્ઝી સ્કીમ થકી એક હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનારી મુસ્લિમ મહિલાની મુંબઈ પોલીસે ધરપકડ કરી એ પછી હિન્દી ફિલ્મને ટક્કર મારે એવી વાતો બહાર આવી

પોન્ઝી સ્કીમની કેટલીય ઘટનાઓ છેલ્લા થોડાં વર્ષોમાં બનતી રહી છે. પોન્ઝી સ્કીમના જનક એવા મહાખેપાની ઇટાલિયન ઠગ ચાર્લ્સ પોન્ઝીની વાત કરવી છે. ગઈ સદીના આ મહાઠગે અમેરિકા અને કેનેડાના હજારો લોકોને ટાઢા પાણીએ નવડાવ્યા હતા. જોકે, તેની વાત કરતા અગાઉ મુંબઈ પોલીસની ઝપટમાં આવેલી એક મહિલાની વાત કરવી છે જેણે પોન્ઝી સ્કીમ થકી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક સહિત અનેક રાજ્યોના હજારો લોકો પાસેથી પૈસા ખંખેરીને એક હજાર કરોડ રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. આ મહિલા નૌહેરા શેખની મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા 25 ઓક્ટોબરે ધરપકડ થઈ એ પછી તેના વિશે રોજ નવી વાતો બહાર આવી રહી છે.


તિરુપતિના ગરીબ મુસ્લિમ કુટુંબમાં જન્મેલી નૌહેરા તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. નૌહેરા ટીનેજર હતી ત્યારે તેની માતા સાથે બીજા ફેરિયાઓની બાજુમાં બેસીને ફૂટપાથ પર શાકભાજી વેચતી હતી. તે શરૂઆતમાં એક સરકારી સ્કૂલમાં ભણતી હતી, પણ પછી તેણે ઇસ્લામિક શિક્ષણ મેળવવા માટે એક મદ્રેસામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા મૌલવી હતા. એને કારણે પણ કદાચ તેણે મદ્રેસામાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું હશે. જોકે, તેણે નવમા ધોરણથી અભ્યાસ છોડી દીધો હતો.
નૌહેરા યુવાન થઈ ત્યારે તેનામાં મહત્ત્વાકાંક્ષા જાગી હતી. તેણે તિરુપતિમાં લોકો પાસેથી જૂનાં કપડાં ખરીદીને બીજા લોકોને વેચવાનું શરૂ કર્યું હતું. જોકે, તેને એમાંથી બહુ કમાણી થતી નહોતી. એ દરમિયાન તે કેટલીક મહિલાઓના સંપર્કમાં આવી હતી. તેણે એમાંની કેટલીક મહિલાઓને કહ્યું હતું કે તમે મને થોડી આર્થિક સહાય કરો તો હું સોનાનો ધંધો શરૂ કરું. કેટલીક મહિલાઓએ તેના પર વિશ્વાસ મૂકીને તેને પૈસા આપ્યા. નૌહેરાએ સોનીઓ પાસેથી ઘરેણાં લઈને તેની પરિચિત મહિલાઓને વેચવાનું શરૂ કર્યું. એમાં તેને ધીમે-ધીમે સારી આવક થવા લાગી. તેને જેણે પૈસા આપ્યા હતા એવી મહિલાઓને તેણે નફામાંથી ભાગ આપવાનું શરૂ કર્યું. એટલે તેની પરિચિત મહિલાઓનો તેના પરનો વિશ્વાસ વધ્યો.


1997-98માં નૌહેરાએ તેની પરિચિત મહિલાઓનું એક ગ્રૂપ બનાવ્યું અને ધંધાનો વ્યાપ વધાર્યો. એકાદ દાયકામાં તો તે ઘણા પૈસા કમાઈ અને તેણે જે મહિલાઓનું ગ્રૂપ બનાવ્યું હતું તેમને પણ સારું એવું વળતર આપ્યું. તેના ગ્રૂપની મહિલાઓએ તેને કહ્યું કે તારામાં ધંધાની સારી સૂઝ છે તો તું કંપની શરૂ કર. એ પછી નૌહેરાએ 2008માં ‘હીરા ગોલ્ડ’ નામની ફર્મની શરૂઆત કરી. 2012માં તેણે એને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી નાખી. ત્યાં સુધીમાં તો તેનો આત્મવિશ્વાસ આભને આંબવા લાગ્યો હતો. તેણે પોતાની નાની બહેન મુબારક જહાં અને નાના ભાઈ ઇસ્માઇલને પોતાની કંપનીમાં સાથે લઈ લીધાં. તેણે લોકોને 36થી 42 ટકા વ્યાજની લાલચ આપીને ‘હીરા ગોલ્ડ’માં રોકાણ કરવા આકર્ષ્યા. સેંકડો રોકાણકારો ઊંચા વળતરની લાલચમાં રોકાણ કરવા લાગ્યા. નૌહેરાની કંપનીમાં રોકાણ કરવા માટે એટલા લોકો આગળ આવવા લાગ્યા કે તેણે ધડાધડ નવી કંપનીઓ શરૂ કરવા માંડી. આ રીતે તેણે 16 કંપનીઓ ઊભી કરી નાખી. એ દરેક કંપનીના નામમાં પ્રથમ શબ્દ ‘હીરા’ હતો. એ કંપનીઓ ફૂડ, ટ્રાવેલ, કન્સ્ટ્રક્શન, જ્વેલરી અને રિટેઇલ જેવા ધંધાઓ કરતી હતી અને એમની ઓફિસીસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા જેવાં રાજ્યોથી શરૂ થઈ અને પછી કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન, બહેરીન, કતાર, દુબઈ જેવા દેશોમાં પણ ખૂલી ગઈ. તેની ડઝનબંધ ઓફિસીસમાં 500થી વધુ કર્મચારીઓ કામ કરતા થઈ ગયા હતા.


નવ ધોરણ સુધી ભણેલી નૌહેરાએ બિઝનેસ વિસ્તાર્યો એ દરમિયાન કોલંબોની એક ઓપન યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટ અને ડોક્ટરેટ ઇન માર્કેટિંગ જેવી ડિગ્રીઓ પણ મેળવી લીધી હતી. તેણે તેના વતન તિરુપતિમાં જમીયથુન નિસ્વાન નામની અરેબિક મદ્રેસા શરૂ કરી. એ મદ્રેસામાં અત્યારે 875 મુસ્લિમ છોકરીઓ અભ્યાસ કરે છે. નૌહેરાએ આંધ્રપ્રદેશમાં ઇસ્લામિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઊભી કરવાનું આયોજન કર્યું અને એ માટે અખબારોમાં જાહેરાતો પણ આપી હતી.


બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ હૈદરાબાદના કેટલાક રોકાણકારોના પૈસા નૌહેરાની કંપનીમાં ફસાયા હોવાની ખબર પડી એટલે હૈદરાબાદના વિવાદાસ્પદ સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ પોલીસને ફરિયાદ કરી કે નૌહેરા શેખે રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. એ પછી થોડા સમય બાદ મે 2014માં એક હવાલા રેકેટ ઝડપાયું, એમાં નૌહેરાની કંપનીના બે કર્મચારીઓની ધરપકડ થઈ અને નૌહેરાની પડતીની શરૂઆત થઈ. જોકે, એ વખતે નૌહેરા બચી ગઈ હતી. નૌહેરાએ નવેમ્બર 2017માં દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલમાં ભવ્ય સમારંભનું આયોજન કરીને કેટલાય જાણીતા ફિલ્મસ્ટાર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સની હાજરીમાં પોતાના રાજકીય પક્ષની સ્થાપનાની જાહેરાત કરી. તેણે પોતાના પક્ષનું નામ ઓલ ઇન્ડિયા મહિલા એમ્પાવરમેન્ટ પાર્ટી રાખ્યું. 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં તમામ 224 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા. જોકે, તેના પક્ષને માત્ર 0.3 ટકા મત મળ્યા અને તમામ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી. એ પછી તેના પક્ષ વતી ચૂંટણી લડેલા આઠ ઉમેદવારોએ તેની સામે બેંગલુરુ પોલીસ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. બીજી બાજુ મે 2018થી તેની કંપની રોકાણકારોને પેમેન્ટ કરવામાં કાચી પડવા લાગી અને તેની સામે છેતરપિંડીની ફરિયાદો થવા લાગી. છેલ્લે મુંબઈના એક ઇન્વેસ્ટર શાને ઇલાહીની ફરિયાદ પરથી તેની ધરપકડ થઈ. અત્યાર સુધીમાં તેની સામે 500 કરોડ રૂપિયાથી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે.


હવે પોન્ઝી સ્કીમના જનક ઇટાલિયન ઠગ ચાર્લી પોન્ઝીની વાત કરીએ. ચાર્લી પોન્ઝીના ભૂતકાળ વિશે કોઈને બહુ ખબર નહોતી. તેણે પોતાના ભૂતકાળ વિશે અનેક ગપ્પાં ચલાવ્યાં હતાં. તે યુવાનીમાં જહાજ દ્વારા રોમથી અમેરિકાના બોસ્ટન શહેરમાં પહોંચ્યો ત્યારે તેના ખિસ્સામાં અઢી ડોલર હતા, પણ ટૂંક સમયમાં નાનાં-મોટાં તિકડમ કર્યાં પછી બહુ ઝડપથી ધનાઢ્ય બની ગયો. તેણે સિક્યોરિટી એક્સચેઇન્જ કંપની ઊભી કરી અને તેના મિત્રોને કહ્યું કે મારી કંપનીમાં રોકાણ કરશો તો 90 દિવસમાં તમારા પૈસા દોઢા થઈ જશે. તેના મિત્રો, મિત્રોના મિત્રો અને પરિચિતો ધડાધડ પૈસા રોકવા લાગ્યા. ટૂંક સમયમાં તો ચાર્લી પોન્ઝી વૈભવશાળી બંગલાનો માલિક થઈ ગયો, પરંતુ અખબારોએ તેના તિકડમ સામે સવાલ ઉઠાવ્યા. લોકોને શંકા જવા લાગી એટલે તેની પાસે નવા પૈસા આવતા બંધ થઈ ગયા અને રોકાણકારો પોતાના પૈસા પાછા માગવા લાગ્યા. ચાર્લી પોન્ઝીનું તિકડમ ખુલ્લું પડી ગયું અને તેની ધરપકડ થઈ. તે એક વાર જેલમાંથી નાસી છૂટ્યો, પણ ફરી પકડાઈ ગયો. તેણે જેલસજા ભોગવી લીધી પછી તેને ઇટલી મોકલી દેવાયો અને ત્યાં 1949માં તે ગરીબીમાં સબડીને મૃત્યુ પામ્યો, પણ તે તેના જેવા ખેપાની લોકોને લાલચ આપીને ખંખેરવાનો રસ્તો બતાવતો ગયો.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી