Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 35)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

બોલિવૂડના નવોદિત એક્ટર્સ પણ કાસ્ટિંગ કાઉચનાે ભોગ બને છે!

  • પ્રકાશન તારીખ18 Oct 2018
  •  

તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સામે અવાજ ઉઠાવ્યો એ પછી લગભગ દરરોજ કોઈ ને કોઈ યુવતી ફિલ્મ અભિનેતા સામે અથવા તો પાવરફુલ વ્યક્તિ સામે સેક્સપ્લોઇટેશનના આક્ષેપ મૂકી રહી છે. હોલિવૂડમાં શરૂ થયેલી ‘મી ટુ’ ઝુંબેશ આપણા દેશમાં પણ વેગ પકડી રહી છે. બોલિવૂડમાં હિરોઇનોનું સેક્સપ્લોઇટેશન ઓપન સિક્રેટ સમાન છે. (અને સેક્સપ્લોઇટેશનના ઘણા કિસ્સાઓમાં નવોદિત હિરોઇનોની કે હિરોઇન બનવા ઇચ્છતી યુવતીઓની રોલ મેળવવાની લાલચ પણ જવાબદાર હોય છે.) બોલિવૂડમાં યુવતીઓના સેક્સપ્લોઇટેશન વિશે ઘણું લખાઈ ગયું અને હજી લખાશે એટલે એ મુદ્દે અહીં વાત નથી કરવી. વાત કરવી છે બોલિવૂડમાં યુવાનોના સેક્સપ્લોઇટેશન વિશેની. યસ, બોલિવૂડમાં અભિનેતા બનવા આવતા યુવાનો પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બને છે.
2015માં અગાઉ ટોચના હીરો રણવીર સિંહે ઓન કેમેરા આપેલા ઇન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું કે બોલિવૂડમાં યુવાનો પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બને છે. તેણે કહ્યું હતું કે, ‘મને પણ આનો અનુભવ થઈ ગયો છે. હું રોલ મેળવવા સંઘર્ષ કરી રહ્યો હતો એ દિવસોમાં મારો પોર્ટફોલિયો (ફોટોગ્રાફ્સ) લઈને એક નામાંકિત ફિલ્મમેકરને મળવા ગયો હતો. એ ફિલ્મમેકરે મારો પોર્ટફોલિયો બાજુમાં મૂકીને મને છેડવાનું શરૂ કરી દીધું. તેણે હિંમતપૂર્વક મારી સાથે નેગોશિએશન પણ શરૂ કર્યું.’ (રણવીર સિંહના કહેવાનો ભાવાર્થ એ હતો કે તે ફિલ્મમેકરે તેને કહ્યું કે તું મારી સાથે સેક્સ્યુઅલ રિલેશન રાખે તો હું તને રોલ આપું!)

રણવીર સિંહ અને આયુષમાન
ખુરાના જેવા ટોચના હીરોએ કબૂલ્યું કે સંઘર્ષના સમયમાં અમારી પાસે પણ રોલના બદલામાં સેક્સ્યુઅલ રિલેશનની માગણી કરાઈ હતી

રણવીર સિંહે તો સફળતાની ટોચ પર પહોંચ્યા પછી એ અનુભવ વિશે બોલવાની હિંમત કરી હતી અને એ કિસ્સો જાહેર કરતી વખતેય ફિલ્મમેકરનું નામ લેવા જેટલી હિંમત તો નહોતી જ કરી, પણ 2011માં નવોદિત અભિનેતા યુવરાજ પરાશરે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ડિરેક્ટર ઓનિર વિરુદ્ધ મીડિયા સામે જઈને ધડાકો કર્યો હતો કે ઓનિરે મારા પર રેપ કર્યો હતો. ‘માય બ્રધર નિખિલ’ અને ‘બસ એક પલ’ સહિત અનેક ફિલ્મો બનાવનારા ઓનિર વિરુદ્ધ યુવરાજ પરાશરે અવાજ ઉઠાવ્યો એ પછી ઓનિરે તેની સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી હતી.
યુવરાજ પરાશરે વર્ષો સુધી સંઘર્ષ કર્યો એ પછી તેને ‘ડુન્નો વાય... ના જાને ક્યોં’ નામની ફિલ્મ મળી હતી, જેમાં તે લીડ રોલમાં હતો. એ ફિલ્મમાં ઝિનત અમાન અને હેમા માલિની પણ હતાં. સજાતીય સંબંધો પર આધારિત એ ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઈ ગઈ એ પછી યુવરાજનો સંઘર્ષ ફરી શરૂ થયો. તેણે જાણીતા ફિલ્મમેકર્સને મળીને પોતાની ફિલ્મની સીડી બતાવીને પોતાની પ્રતિભા પારખવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. સફળ ફિલ્મમેકર્સની ફિલ્મમાં તક મેળવવા માટે તે મથી રહ્યો હતો એ દરમિયાન ઓનિરે તેને મળવાની તૈયારી દર્શાવી. ઓનિર જેવા પ્રતિષ્ઠિત ડિરેક્ટરે યુવરાજની ફિલ્મ જોવાની તૈયારી દર્શાવી એથી યુવરાજ ખુશ થઈ ગયો.


આગળની વાત યુવરાજ પરાશરના જ શબ્દોમાં વાંચો, ‘ઓનિરે મને 11 જાન્યુઆરી, 2011ની રાતે તેના ઘરે બોલાવ્યો. હું તેના ઘરે જઈને તેને મારી ફિલ્મ બતાવવા આતુર હતો. એ અગાઉ મેં મધુર ભંડારકરને પણ મારી ફિલ્મ બતાવવાની કોશિશ કરી હતી, પણ તે સતત બિઝી હોવાને કારણે મને સમય નહોતા આપી શકતા. એ દરમિયાન ઓનિર જેવા પ્રતિષ્ઠિત ડિરેક્ટરે મારી ફિલ્મ જોવાની તૈયારી દર્શાવી એથી હું ઉત્સાહમાં હતો. હું રાતના પોણા અગિયાર વાગ્યે ઓનિરના ઘરે પહોંચ્યો ત્યારે તેણે મને શરાબ પીવાનો આગ્રહ કર્યો. અમે તેના લિવિંગ રૂમમાં શરાબ પીતાં-પીતાં મારી ફિલ્મ જોવાનું શરૂ કર્યું. અમે અડધી ફિલ્મ જોઈ એ પછી તેણે મને કહ્યું કે હવે બેડરૂમમાં બેસીને બાકીની ફિલ્મ જોઈએ. બેડરૂમમાં હોમ થિયેટર સિસ્ટમ વધુ સારી છે. હું તેની સાથે તેના બેડરૂમમાં ગયો. તેણે ત્યાં બાકીની ફિલ્મ જોવાનું શરૂ કર્યું, પણ પછી અચાનક તેણે ફિલ્મ પોઝ કરી દીધી અને તે મારા પર સવાર થઈ ગયો. મેં તેને અટકાવવાની કોશિશ કરી, પણ તેણે મારી વિનંતી અવગણી અને મારી સાથે સેક્સ માણ્યું. તેણે મારી છાતી પર બચકાં પણ ભર્યાં. હું હતપ્રભ થઈ ગયો હતો. તે સેટિસ્ફાય થઈ ગયો પછી ઊભો થયો. મેં તેને કહ્યું કે એટલિસ્ટ મારી પૂરી ફિલ્મ તો જોઈ લો. જોકે, તેણે એમાં રસ ન દાખવ્યો. એ પછી હું ત્યાંથી તરત જ રવાના થઈ ગયો. તેણે બીજા દિવસે સવારે મને મેસેજ કરીને પૂછ્યું કે તારી છાતી પર પડેલાં ચકામાં કેમ છે.’


16 જાન્યુઆરી, 2011ના દિવસે અભિનેતા યુવરાજ પરાશરે મીડિયા સામે આ ધડાકો કર્યો એ પછી ઓનિરે ઉશ્કેરાઈને મીડિયા સામે જાહેર કર્યું હતું કે, ‘યુવરાજ પરાશરે ચીપ પબ્લિસિટી મેળવવા મારા પર રેપનો આક્ષેપ મૂક્યો છે અને હું તેની સામે બદનક્ષીનો કેસ કરવાનો છું.’ ઓનિરે સ્પષ્ટતા કરી હતી કે, ‘યુવરાજ સાથે મારા સેક્સ્યુઅલ સંબંધની વાત સાચી છે, પણ મેં તેના પર રેપ નહોતો કર્યો. મેં તેની સહમતિથી તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યો હતો અને મેં તેને ક્યારેય એવું નહોતું કહ્યું કે તું મારી સાથે સેક્સ્યુઅલ રિલેશન રાખીશ તો હું તને મારી ફિલ્મમાં અભિનયની તક આપીશ. ઓનિરે એવો દાવો પણ કર્યો હતો કે મારી ઊંચાઈ ઓછી છે અને યુવરાજ ઊંચા અને મજબૂત બાંધાનો યુવાન છે. હું તેના પર બળજબરી કઈ રીતે કરી શકું?’


થોડા સમય અગાઉ હીરો આયુષમાન ખુરાનાએ પણ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કબૂલ્યું હતું કે બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનું અસ્તિત્વ છે અને મને પણ એનો અનુભવ થઈ ગયો છે. આયુષમાને કહ્યું હતું કે ‘હું ટીવી પર એન્કરિંગ કરતો હતો એ દિવસોમાં બોલિવૂડની ફિલ્મોમાં રોલ મેળવવા માટે કોશિશ કરતો હતો. એ સમય દરમિયાન એક કાસ્ટિંગ ડિરેક્ટરે મારી પાસે સેક્સ્યુઅલ ફેવર માગી હતી. તેણે મને સીધું જ કહ્યું હતું કે, ‘હું તને ફિલ્મોમાં કામ અપાવીશ, પણ તારે બદલામાં સેક્સ્યુઅલ રિલેશન માટે તૈયાર રહેવું પડશે.’ મેં તેને કહ્યું કે હું સ્ટ્રેઇટ ન હોત તો મેં આ વાત પર વિચાર કર્યો હોત, પણ હું સ્ટ્રેઇટ છું (એટલે કે ગે નથી) એટલે હું આ નહીં કરી શકું.’


એ પછી આયુષમાને ઉમેર્યું હતું કે, ‘જે લોકો બોલિવૂડમાં તક મેળવવા આતુર હોય અને આવી શરતો સ્વીકારી લે તો હું તેમને મારા ત્રાજવાથી જજ નહીં કરું, પણ કાસ્ટિંગ ડિરેક્ટર રોલ અપાવવાના બદલામાં સેક્સ્યુઅલ ફેવર માગે એ અનૈતિક છે. જોકે, કાસ્ટિંગ ડિરેક્ટર્સ કે બીજા કોઈના શરણે જનારાઓને હું એટલું જ કહીશ કે છેલ્લે તો તમારી પ્રતિભાના જોરે જ તમે આગળ આવી શકશો.’


હજી થોડા દિવસ અગાઉ જ ટીવી એક્ટર આયુષ આનંદની સ્ફોટક મુલાકાત મુંબઈના એક પ્રખ્યાત અંગ્રેજી અખબારમાં પહેલા પાને છપાઈ હતી. એ મુલાકાતમાં આયુષ આનંદે કહ્યું હતું કે મને એક કાસ્ટિંગ ડિરેક્ટરે ધમકી આપી હતી કે તું સેક્સ્યુઅલ રિલેશન માટે તૈયાર નહીં થાય તો તારી કરિયર ખતમ થઈ જશે. આયુષ આનંદે વર્ણન કર્યું હતું કે કઈ રીતે એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેને પોતાના ઘરે બોલાવ્યો હતો અને પછી કઈ રીતે તેણે સેક્સ્યુઅલ રિલેશન માટે દબાણ કર્યું હતું. અત્યારે ‘પરફેક્ટ પતિ’ સિરિયલમાં હીરોનો રોલ કરી રહેલા આયુષ આનંદે તે કાસ્ટિંગ ડિરેક્ટરને સેક્સ્યુઅલ રિલેશન માટે ના પાડી દીધી ત્યારે તે કાસ્ટિંગ ડિરેક્ટરે તેને કહ્યું હતું કે તું આવો જ એટિટ્યૂડ રાખીશ તો મુંબઈના રસ્તાઓ પર ભટકતા સ્ટ્રગલર્સની જેમ વર્ષો સુધી રઝળતો રહીશ અને તને ક્યારેય કામ
નહીં મળે!
આવા તો ઘણા કિસ્સાઓ છે, પણ એ વિશે ફરી ક્યારેક વાત.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP