પાડાના વાંકે પખાલીને ડામ

article by aashu patel

આશુ પટેલ

Sep 26, 2018, 03:13 PM IST

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સ કોઈ સ્ટારને લઈને ફિલ્મ સાઇન કરે ત્યારે તેમની ફિલ્મના બજેટમાં એક નોંધપાત્ર રકમ ઉમેરાઈ જાય છે. એ રકમ તેમણે ફિલ્મસ્ટારના સપોર્ટ સ્ટાફ માટે ફાળવવી પડે છે. સફળ ફિલ્મસ્ટાર્સને ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ કરોડો રૂપિયાની ફી આપતા હોય છે, પણ તેમના સપોર્ટ સ્ટાફ માટેય પ્રોડ્યુસર્સે દરેક ફિલ્મદીઠ તગડી રકમ ખર્ચવી પડે છે.

ફિલ્મસ્ટાર્સ સેટ પર પોતાના ડ્રાઇવર, મેનેજર, સ્ટાઇલિસ્ટ, હેર સ્ટાઇલિસ્ટ (હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે હેરડ્રેસર માટે હેર સ્ટાઇલિસ્ટ શબ્દ વપરાતો થઈ ગયો છે), સ્પોટબોય અને જિમ ટ્રેનર, બોડીગાર્ડ્સ સહિતના સ્ટાફને સાથે લઈ જાય છે. (કેટલાંક સ્ટાર્સ તો ન્યુટ્રિશનિસ્ટને પણ શૂટિંગ પર સાથે લઈ જાય છે!) એ બધાને દરરોજ પ્રોડ્યુસરે પૈસા ચૂકવવા પડે છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની એક હિરોઇને થોડા મહિનાઓ અગાઉ મુંબઈના એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે મારો 25 વ્યક્તિનો સ્ટાફ છે! આમાંથી મોટા ભાગનો સ્ટાફ તે હિરોઇન સેટ પર જાય ત્યારે તેની સાથે હોય છે અને એ સ્ટાફ માટે પ્રોડ્યુસરે એક લાખથી વધુ રકમ શૂટિંગના દરેક દિવસે ખર્ચવી પડે છે.

મૃણાલ સેનની બંગાળી ફિલ્મ ‘મૃગયા’માં અભિનય કર્યા બાદ મિથુન અત્યંત સફળ સ્ટાર બની ગયો હતો. મૃણાલ સેને કહેલું કે મિથુનનો હેરડ્રેસર મારા કરતાં વધુ કમાણી કરે છે!

માત્ર ફિલ્મનું શૂટિંગ હોય ત્યારે જ પ્રોડ્યુસરે સ્ટારના સ્ટાફને પૈસા ચૂકવવા નથી પડતા, ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ પ્રોડ્યુસરનાં ખિસ્સા હળવાં થતાં રહે છે. સ્ટાર ફિલ્મ સંબંધિત પ્રેસ કોન્ફરન્સમાં કે ફિલ્મની બીજી કોઈ પ્રમોશનલ ઇવેન્ટમાં જાય ત્યારે પણ તે હેર સ્ટાઇલિસ્ટ, મેનેજર, ડ્રેસ ડિઝાઇનર, મેકઅપમેન અને સ્પોટબોયને સાથે લઈ જાય છે. પ્રોડ્યુસરે તેમને એક કલાક માટે તગડા પૈસા ચૂકવવા પડે છે. ટોચના સ્ટાર્સના સ્ટાફ માટે આ રકમ એક લાખથી સવા લાખ રૂપિયા સુધીની હોય છે. ફિલ્મસ્ટારે ફિલ્મના પ્રમોશન માટે મુંબઈથી બીજાં શહેરોમાં જવાનું હોય તો ત્યાં પણ તેઓ પોતાના મેનેજરને, હેરડ્રેસરને અને ડ્રેસ ડિઝાઇનર તથા મેકઅપ મેનને લઈ જાય છે. એ બધાની એર ટિકિટ અને કોઈ શહેરમાં રાતે હોટેલમાં રોકવાનું થાય તો એનો ખર્ચ પણ પ્રોડ્યુસરે ભોગવવો પડે છે.


એક મજેદાર કિસ્સો એક જાણીતા ફિલ્મમેકર ફ્રેન્ડે કહ્યો. થોડા સમય અગાઉ એક સુપરસ્ટારે તેની ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના જુહૂ વિસ્તારસ્થિત તેના બંગલાથી થોડા મીટર દૂર એક ફાઇવસ્ટાર હોટેલમાં હાજરી આપવા જવાનું હતું. એ દિવસે તે સુપરસ્ટાર ઘરે જ હતો. તેને ફિલ્મના પ્રમોશન સિવાય બીજે ક્યાંય જવાનું નહોતું. તેનો ડ્રાઇવર તેની કારમાં તેને તેના બંગલાથી થોડા મીટર જ દૂરની ફાઇવસ્ટાર હોટેલમાં લઈ ગયો અને એ ઇવેન્ટ પત્યા પછી પાછો બંગલા સુધી મૂકવા ગયો. એ થોડા મીટરના ડ્રાઇવિંગ માટે ફિલ્મના પ્રોડ્યુસરે તેને દસ હજાર રૂપિયા ચૂકવવા પડ્યા.


જાણીતા ફિલ્મ રાઇટર-ડિરેક્ટર ફ્રેન્ડ સંજય છેલ પાસેથી સ્ટાર્સના સ્ટાફ વિશે ઘણી રસપ્રદ વાતો જાણવા મળી. તેઓ કહે છે, ફિલ્મસ્ટાર્સ તેમના ડ્રાઇવર, મેનેજર, મેકઅપમેન, જિમ ટ્રેનર, હેર સ્ટાઇલિસ્ટ અને સ્પોટબોય સહિતના સ્ટાફને શૂટિંગ પર સાથે લઈ જાય છે. ટોચનાં સ્ટાર્સના આવા સ્ટાફ માટે શૂટિંગના દરેક દિવસે પ્રોડ્યુસરે એક લાખથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલીસ દિવસ ચાલે તો સ્ટારના સ્ટાફના પેમેન્ટ પાછળ પ્રોડ્યુસરના ચાલીસથી સાઠ લાખ રૂપિયા ખર્ચાઈ જાય.


આ હિસાબે કોઈ જાણીતાં હીરો-હિરોઇનના સ્ટાફ માટે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં પ્રોડ્યુસરના વધારાના એંસી લાખથી એક કરોડ વીસ લાખ રૂપિયા ખર્ચાઈ જાય. કોઈ પ્રોડ્યુસર મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવતો હોય તો તેણે સ્ટાર્સના સ્ટાફ પાછળ કેટલો ખર્ચ કરવો પડે એનો અંદાજ લગાવી શકાય. એમાંય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક હેર સ્ટાઇલિસ્ટના પેમેન્ટની રકમ સાંભળીએ તો ચક્કર આવી જાય. 2014માં ‘કિક’ ફિલ્મના શૂટિંગ દરમિયાન જેકલિન ફર્નાન્ડિઝની હેર સ્ટાઇલિસ્ટને પ્રોડ્યુસરે એટલી મોટી રકમ ચૂકવી હતી કે બોલિવૂડમાં એવી અફવા ફેલાઈ હતી કે એ ફિલ્મ માટે જેકલિનને જે રકમ મળી હતી એનાથી વધુ રકમ તેની હેરડ્રેસરને મળી હતી! બોલિવૂડની કેટલીક ટોચની હિરોઇન્સની હેર સ્ટાઇલિસ્ટ્સ એવી છે જેમને એક ફિલ્મ માટે એટલી ફી મળે છે જે ઘણી નવી હિરોઇનોની ફી કરતાં વધુ હોય છે!

(બાય ધ વે, મિથુન ચક્રવર્તીએ તેની કરિયરની શરૂઆતમાં ઊંચા ગજાના ફિલ્મસર્જક મૃણાલ સેનની બંગાળી ફિલ્મ ‘મૃગયા’માં અભિનય કર્યો હતો. એ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ પછી મિથુન બોલિવૂડનો અત્યંત સફળ સ્ટાર બની ગયો હતો ત્યારે તેના હેરડ્રેસરને મોટી રકમ મળતી હતી. એના સંદર્ભમાં મૃણાલ સેને કહેલું કે મિથુનનો હેરડ્રેસર મારા કરતાં વધુ કમાણી કરે છે!)


ફિલ્મસ્ટાર્સના સ્ટાફના ઊંચા પેમેન્ટ વિશે સંજય છેલ કહે છે, ‘ફિલ્મનું શૂટિંગ બહારગામ હોય ત્યારે સ્ટાર્સ તેમના સ્ટાફને સાથે લઈ જાય છે. એ વખતે તેઓ આગ્રહ રાખે છે કે તેમના મેનેજરની એર ટિકિટ બિઝનેસ ક્લાસની જ બુક કરાય. વિદેશોમાં શૂટિંગ વખતે પણ સ્ટાર્સ પોતાના સ્ટાફને સાથે લઈ જાય છે. કેટલાંક સ્ટાર્સની તો જીદ હોય છે કે તેમના સ્ટાફને પણ એ જ હોટેલમાં રાખવામાં આવે જ્યાં સ્ટાર્સ માટે બુકિંગ થયું હોય. અગાઉ સેક્રેટરી ફિલ્મસ્ટાર્સનું બધું કામ સંભાળતા હતા ત્યારે પ્રોડ્યુસર્સ સ્ટાર્સના સેક્રેટરીને પાછળથી ગાળો આપતા હતા, પણ અત્યારનાં સ્ટાર્સના મેનેજર્સની સરખામણીએ કહી શકાય કે અગાઉ સ્ટાર્સના સેક્રેટરી હતા એ માણસાઈવાળા હતા. હવે નવાં-નવાં છોકરા-છોકરીઓ સ્ટાર્સના મેનેજર તરીકે ગોઠવાઈ ગયાં છે એ બધાં કોર્પોરેટ સ્ટાઇલથી કામ કરે છે, એમને આંખની શરમ નથી નડતી.


એક ફિલ્મ પ્રોડ્યુસર પોતાનું નામ છુપાવવાની શરતે કહે છે કે ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મસ્ટાર્સના સ્ટાઇલિસ્ટ સ્ટારના એક લુક માટે પચાસ હજાર રૂપિયા ચાર્જ કરે છે. એટલે જેટલી વાર સ્ટાર જુદાં કપડાંમાં હાજર થાય એટલી વાર મને પચાસ હજારનો ફટકો પડે. માની લો કે સ્ટાર કોઈ શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપે, કોઈ મીડિયા હાઉસની મુલાકાત લે અને કોઈ મોલમાં યોજાયેલી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપે તો એ બધી વખત તેનાં કપડાં અલગ-અલગ હોય. એ કપડાં સિલેક્ટ કરવા માટે તેના સ્ટાઇલિસ્ટને દરેક વખતે પચાસ હજાર રૂપિયા આપવા પડે! આ રીતે ક્યારેક સ્ટાઇલિસ્ટને એક દિવસના એક લાખથી બે લાખ રૂપિયા ચૂકવવા પડે.


સ્ટાર્સના સપોર્ટ સ્ટાફ પાછળ થતા આવા અનાપસનાપ ખર્ચ અટકાવવા માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા પ્રયાસો કરે છે, પણ સ્ટાર્સ તરફથી કોઈ સહકાર નથી મળતો. તેઓ પોતાના સપોર્ટ સ્ટાફ માટે પ્રોડ્યુસર્સ પાસેથી પૈસા લેવાનું બંધ કરે તો તેમણે સ્ટાફને પૈસા ચૂકવવા પડે. વિખ્યાત ફિલ્મનિર્માતા મુકેશ ભટ્ટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે આ મુદ્દે ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ટોચનાં અનેક સ્ટાર્સને મળીને તેમને વિનંતી કરી હતી કે તમે જોઈએ તો તમારી થોડી વધુ ફી લઈ લો, પણ તમારા સ્ટાફને પૈસા ચૂકવવાની પ્રોડ્યુસર્સને ફરજ ન પાડો. એ વખતે કેટલાંક સ્ટાર્સ એ માટે સહમત થયાં હતાં, પણ કોઈ સ્ટારે વાસ્તવમાં એ વાત અમલમાં મૂકી નહોતી.


બાય ધ વે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમિર ખાન એક અપવાદરૂપ સ્ટાર છે જે પોતાના સપોર્ટ સ્ટાફ માટે પ્રોડ્યુસર્સ પાસે પૈસા નથી ઓકાવતો. તે પોતે જ પોતાના સપોર્ટ સ્ટાફને પેમેન્ટ ચૂકવે છે.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી