ફેક રેપ કેસીસ: સૂકા ભેગું લીલું પણ બળી જાય ત્યારે...

article by aashu patel

આશુ પટેલ

Sep 12, 2018, 12:05 AM IST

22 ઓગસ્ટ, 2001ના દિવસે હરિયાણાના ફરીદાબાદની એક ટીનેજર છોકરીએ ફરિયાદ કરી કે મારા બે કાકાએ મારા પર રેપ કર્યો છે. તેણે ફરિયાદમાં કહ્યું કે મારા બંને કાકા મને રાતે તેમના ઘરે ઉપાડી ગયા. તેમણે મને બાંધી દીધી અને પછી તેમની માતા, બહેન, પત્ની અને બાળકોની સામે મારા પર રેપ કર્યો છે. તે છોકરીની ફરિયાદના આધારે પોલીસે તેના બંને અંકલની ધરપકડ કરી. છોકરીનો મેડિકલ ટેસ્ટ કરાયો એમાં સ્પષ્ટ થયું કે તેના પર રેપ થયો નથી કે તેની સાથે કોઈએ શારીરિક સંબંધ પણ નથી બાંધ્યો, પણ છોકરીના આરોપના આધારે તેના બંને કાકા સામે કેસ ચાલ્યો અને ફરીદાબાદની ટ્રાયલ કોર્ટે બંનેને 10-10 વર્ષની જેલસજા ફટકારી. તેના કાકાઓએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી, પણ હાઇકોર્ટેય તેમની એ સજા યથાવત્ રાખી. બેમાંથી એક કાકા જય સિંહે તો 10 વર્ષ જેલમાં સજા ભોગવી પણ લીધી અને બીજા કાકા શામ સિંહે 7 વર્ષ જેલમાં ગાળ્યાં.

ડેન્જરસ ટ્રેન્ડ: આપણા દેશમાં
રેપ અને ગેંગરેપના ખોટા કેસોનું પ્રમાણ વધી રહ્યું છે

શામ સિંહે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને છોકરીની ફરિયાદનાં બરાબર 17 વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં સાબિત થયું કે પેલી છોકરીએ તેના બંને કાકા વિરુદ્ધ રેપની ખોટી ફરિયાદ નોંધાવી હતી, કારણ કે તેણે એક છોકરાને લખેલા પ્રેમપત્રો પકડાઈ ગયા એટલે તેના કાકા જય સિંહે તેને તમાચો માર્યો હતો અને શામ સિંહે ઠપકો આપ્યો હતો. એને કારણે તે છોકરીએ ઉશ્કેરાઈને બંને કાકા વિરુદ્ધ રેપની ફરિયાદ કરી દીધી હતી. જય સિંહ અને શામ સિંહને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો, પણ એ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં જય સિંહની યુવાનીનાં 10 વર્ષ અને શામ સિંહના 7 વર્ષ જેલમાં વેડફાઈ ચૂક્યાં હતાં
આપણા દેશમાં આવી ફેક રેપ કેસની એટલે કે રેપની ખોટી ફરિયાદોની ઘટનાઓ વધી રહી છે. આવી ફરિયાદોને કારણે ખરેખર રેપનો ભોગ બની હોય એવી ઘણી સ્ત્રીઓ સામે પણ શંકા ઉઠાવાય છે. ગયા વર્ષે એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ સંસ્થાએ ફેક રેપ કેસીસ વિશે એક સ્ટોરી તૈયાર કરી હતી એમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. એ સંસ્થાએ એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારની સિનિયર જર્નાલિસ્ટ રુક્મિણી શ્રીનિવાસનનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો. ડેટા જર્નાલિસ્ટ તરીકે જાણીતાં રુક્મિણી શ્રીનિવાસન મુંબઈથી દિલ્હી શિફ્ટ થયાં પછી તેમણે 2013માં દિલ્હીમાં નોંધાયેલા 460 રેપ કેસીસનો અભ્યાસ કર્યો હતો. એ તમામ કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા આવી ગયા હતા.


2012માં આખા દેશની પબ્લિકને હચમચાવી દેનારા નિર્ભયા ગેંગરેપ કેસ પછી મીડિયામાં હોબાળો મચી ગયો હતો કે દિલ્હીમાં સ્ટ્રેન્જર એટલે કે અજાણી વ્યક્તિઓ દ્વારા રેપની ઘટનાઓ વધી રહી છે, પણ શ્રીનિવાસને 2013માં નોંધાયેલા 460 એવા કેસીસનો અભ્યાસ કર્યો કે જેના ટ્રાયલ કોર્ટે ચુકાદા આપી દીધા હતા તો તેમને ખબર પડી કે 460 રેપ કેસીસમાંથી માત્ર 12 (12 ટકા નહીં, માત્ર 12) કેસ જ એવા હતા કે જેમાં સ્ટ્રેન્જર દ્વારા રેપ થયો હોય! કુલ કેસીસ પૈકી 38 ટકા જેટલા કેસીસ એવા હતા કે જેમાં પેરેન્ટ્સે દીકરીને તેના બોયફ્રેન્ડ સાથે સેક્સ માણતાં પકડી પાડી હતી અને તેના પર દબાણ કર્યું હતું કે તે પોતાના પ્રેમી સામે રેપની ફરિયાદ નોંધાવે. તો 24 ટકા કેસીસ એવા હતા કે જેમાં યુવતીએ ફરિયાદ કરી હતી કે તેના પ્રેમીએ તેને લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.


જે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ ગયા વર્ષે ફેક રેપ કેસીસ વિશે સ્ટોરી કરી હતી એમાં દિલ્હી કમિશન ફોર વુમન સંસ્થાના 2014ના એક રિપોર્ટને પણ ટાંક્યો હતો. એ રિપોર્ટમાં કહેવાયું હતું કે દિલ્હીમાં 2013માં જેટલા રેપ કેસીસ નોંધાયા હતા એમાંથી 53 ટકા ફેક હતા. એ સ્ટોરીમાં ફેક રેપ કેસીસના વિકટીમના ઇન્ટરવ્યૂ પણ કરાયા હતા, જેમના પર રેપની ખોટી ફરિયાદ કરી હોવાનું ફરિયાદી યુવતીએ કોર્ટ સમક્ષ સ્વીકારી લીધું હોય.


આવા ફેક રેપ કેસીસના કેટલાક કિસ્સાઓમાં તો ફરિયાદી યુવતીની પાછળથી ધરપકડ થાય એવું પણ બને છે. ગઈ 27 એપ્રિલે મથુરા પોલીસે ફેક રેપ કેસ થકી હરિયાણાના એક યુવાનના પિતા પાસેથી 35 લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરવા માટે રાજસ્થાનના અલવરની એક 22 વર્ષીય યુવતીની તેના ત્રણ સાથીદારો સાથે ધરપકડ કરી હતી. તે યુવતી વૃંદાવન પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને તેણે કહ્યું હતું કે 20 વર્ષના પ્રવીણ સિંહે મારા પર રેપ કર્યો છે. એ પછી જોકે તે ફરિયાદ નોંધાવ્યા વગર ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેણે રજિસ્ટર્ડ પોસ્ટથી પોલીસને અરજી મોકલી હતી કે પ્રવીણ સિંહ સામે કાનૂની કાર્યવાહી કરો. એ પછી તેણે અને તેના સાથીદારોએ પ્રવીણના પિતા પાસે માગણી કરી હતી કે 35 લાખ રૂપિયા આપો નહીં તો તમારા દીકરા સામે રેપ કેસ ફાઇલ કરીશું. તે યુવતીના બે સાથીદારોએ પોતાની ઓળખ વકીલ તરીકે આપી હતી. યુવતી અને તેના સાથીદારો જે રીતે વર્તી રહ્યા હતા એ જોઈને પોલીસને પણ શંકા જાગી હતી. છેવટે પોલીસે છટકું ગોઠવીને તે યુવતી અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી. પછી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ રીતે રેપ કેસની ધમકી આપીને તે ગેંગે કેટલાય માણસો પાસેથી પૈસા પડાવ્યા હતા.


હવે મધ્યપ્રદેશનો આ કિસ્સો જાણો. ગ્વાલિયરની એક યુવતીએ મોહન સિંહ નામના એક માણસ સામે રેપની ફરિયાદ કરી. એ પછી કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે તે યુવતીએ વિરોધાભાસી નિવેદનો આપ્યાં. છેવટે તેણે સ્વીકારી લીધું કે મેં રેપની ખોટી ફરિયાદ કરી હતી. 23 મે, 2018ના દિવસે ગ્વાલિયરની કોર્ટે તે યુવતીને રેપની ખોટી ફરિયાદ કરવા માટે 3 વર્ષની સજા ફટકારી અને 1000 રૂપિયાનો દંડ કર્યો. તે યુવતીએ કોર્ટને વિનંતી કરી કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મહેરબાની કરીને મને ઓછી સજા કરો. જોકે, કોર્ટે સજા ઘટાડવાની તેની વિનંતી ફગાવી દીધી હતી.

2013માં ભુવનેશ્વરની એક યુવતીએ તેના ફ્રેન્ડ જીતેન્દ્ર કુમાર બિશ્વાલ અને તેના બે ફ્રેન્ડ વિકાસ સેઠી અને રંજિત સેઠી સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી. તે ત્રણેયની ધરપકડ થઈ. જોકે, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટમાં સાબિત થયું કે તે યુવતી પર રેપ થયો જ નહોતો

ગયા મે મહિનામાં જ આવો એક કિસ્સો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ બન્યો હતો. 7 મે, 2018ના દિવસે એક 26 વર્ષીય યુવતીએ રવીન્દ્ર કુમાર નામના એક માણસ સામે રેપની ફરિયાદ નોંધાવી. તેણે ફરિયાદમાં કહ્યું કે રવીન્દ્ર કુમારે મને નોકરી આપવાના બહાને મળવા બોલાવી હતી અને પછી તેના મિત્રો સાથે મળીને મારા પર ગેંગરેપ કર્યો હતો, પણ એ કેસમાં તપાસ પછી બહાર આવ્યું કે તે રવીન્દ્ર કુમારના કોઈ વિરોધીએ તે યુવતીને ગેંગેરેપની ખોટી ફરિયાદ કરવા માટે 40,000 રૂપિયા આપ્યા હતા. તે યુવતીની તેના બે સાથીદારો સાથે ધરપકડ કરાઈ.

છેલ્લે ભુવનેશ્વરના એક કિસ્સા સાથે વાત પૂરી કરીએ. 2013માં ભુવનેશ્વરની એક યુવતીએ તેના ફ્રેન્ડ જીતેન્દ્ર કુમાર બિશ્વાલ અને તેના બે ફ્રેન્ડ વિકાસ સેઠી અને રંજિત સેઠી સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી. તે ત્રણેયની ધરપકડ થઈ. જોકે, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટમાં સાબિત થયું કે તે યુવતી પર રેપ થયો જ નહોતો. તે યુવતીના અને સાક્ષીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ અને બીજાં અનેક સબળ કારણો ધ્યાનમાં લઈને ગઈ 20 જુલાઈએ ભુવનેશ્વરની સેશન્સ કોર્ટે આરોપીઓને નિર્દોષ ગણીને મુક્ત કરવાનો આદેશ આપ્યો. જોકે, પોલીસે માત્ર બે આરોપી વિકાસ સેઠી અને રંજિત સેઠીને જ છોડવા પડ્યા, કારણ કે તે ત્રીજા આરોપી અને તે યુવતીના એક્સ ફ્રેન્ડ જીતેન્દ્ર કુમાર બિશ્વાલે આ ચુકાદો આવ્યો એના બે મહિના પહેલાં જ 12 મેના દિવસે જેલના ટોઇલેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી