એવરીથિંગ ઇઝ ફેર ઇન ઇલેક્શન્સ!

article aashu patel

આશુ પટેલ

Dec 05, 2018, 12:05 AM IST

આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના રાજકારણીઓ ચૂંટણીઓ જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. ઝૂંપડપટ્ટીઓમાં દારૂ વહેંચવાથી માંડીને ગરીબ સ્ત્રીઓને સાડીઓ આપવાની વાત તો જૂની થઈ ગઈ. ચૂંટણીની આગલી રાતે મતદારોને પૈસા વહેંચવાની પણ નવાઈ રહી નથી. મુંબઈ જેવા શહેરમાં પણ આવું બધું સહજ ગણાય છે, તો બિહાર, ઉત્તર પ્રદેશ કે હરિયાણા જેવાં રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં તો ચૂંટણી જીતવા માટે કેવા ખેલ થતા હશે એની કલ્પના કરી જ શકાય. ચૂંટણીમાં મની પાવરની જેમ મસલ પાવરનો ઉપયોગ પણ સામાન્ય થઈ ગયો છે.

હમણાં થયેલી રાજ્યોની ચૂંટણીમાં ઉમેદવારોએ મતદારોને રાજી કરવા જાતજાતના ગતકડાં કર્યા

આજની તારીખે દેશના ઘણા વિસ્તારોમાં ગુંડાઓ વિધાનસભ્ય કે સંસદસભ્ય બનીને જલસા કરી રહ્યા છે. તેઓ મની પાવર અને મસલ પાવરથી ચૂંટણી જીતીને વિધાનસભા કે સંસદ સુધી પહોંચી જાય છે, પણ ચૂંટણી જીતવા ઘણા ઉમેદવારો મની પાવર અને મસલ પાવર સિવાય પણ ઘણાં તિકડમ અજમાવે છે. હમણાં દેશનાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જોઈએ કે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં જીત મેળવવા માટે જુદા-જુદા પક્ષોના ઉમેદવારોએ કેવાં-કેવાં ગતકડાં કર્યાં છે.


આપણા દેશના 99.99 ટકા રાજકારણીઓ પબ્લિકને પોતાના પગનાં જૂતાં સમાન ગણતા હોય છે. તેમને પબ્લિકનું કામ માત્ર ચૂંટણી વખતે મત મેળવવા પૂરતું જ હોય છે. નફ્ફટ રાજકારણીઓ ચૂંટણીઓ આવે ત્યારે પબ્લિકનાં જૂતાં સાફ કરવા પણ તૈયાર થઈ જતા હોય છે. થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે રાષ્ટ્રીય આમજન પાર્ટીના ઉમેદવાર શરદસિંહ કુમારે રસ્તા પર બેસીને લોકોનાં જૂતાં પોલિશ કરવાનો રસ્તો અપનાવ્યો હતો. બાય ધ વે, રાષ્ટ્રીય આમજન પાર્ટીનું ચૂંટણી ચિહ્્ન પણ જૂતાં છે. શરદકુમાર સિંહ ગૌરવથી પત્રકારોને કહે છે કે કોઈ જૂતાંનું ચૂંટણી ચિહ્્ન લેવા તૈયાર નહોતું, પણ અમે એ સ્વીકારી લીધું. અમારા માટે આ ચિહ્્ન આશીર્વાદ સમાન છે.


મધ્યપ્રદેશના શરદસિંહ કુમારે ચૂંટણી જીતવા લોકોનાં જૂતાં પોલિશ કર્યાં એ હકીકત જાણીને તમને નવાઈ લાગી હોય તો હવે તેલંગણાના અપક્ષ ઉમેદવાર અકુલા હનુમંત વિશે જાણો. અકુલા હનુમંતે પણ ચૂંટણી જીતવા માટે જૂતાંનો સહારો લીધો છે. તેલંગણાના જગતિયાલ જિલ્લાના કોરુટ્લાની વિધાનસભા બેઠકના આ ઉમેદવાર પોતાની સાથે સ્લિપર્સના કોથળા ભરીને નીકળે છે અને મતદારોને સ્લિપર્સની ભેટ આપીને તેમને કહે છે કે હું ચૂંટાયા પછી તમારાં કામો ન કરું કે તમારી અપેક્ષાઓ પૂરી ન કરું તો આ સ્લિપર્સથી મને ફટકારજો. અકુલા હનુમંત સ્લિપર્સની સાથે પોતાની સહી કરેલી સ્લિપ પણ આપે છે, જેમાં તેઓ લોકોને પોતે આપેલાં વચનો પૂરાં કરવાની ખાતરી આપે છે.


મધ્યપ્રદેશના જ અન્ય એક નેતા રાજેશ સોનકર વિશે પણ જાણવા જેવું છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઇન્દૌરની સાંવેર બેઠક પરથી વિજેતા બનવા માટે ભાજપના ઉમેદવાર રાજેશ સોનકર ઘરે-ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા હતા એ વખતે તેઓ એક ઘરમાં ગયા ત્યારે એક સ્ત્રી વાસણ માંજી રહી હતી. સોનકર તરત જ તેની બાજુમાં બેસી ગયા અને વાસણ માંજવા બેસી ગયા! પેલી મહિલા તેમને ના પાડતી રહી, પણ સોનકર વાસણ ઘસતા રહ્યા. વાસણ ઘસી લીધા પછી સોનકરે કહ્યું કે તમારો મત મને જ આપજો. હું આ જ રીતે તમારી સેવા કરતો રહીશ!


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં ગુના બેઠક પરથી લડી રહેલા સપાક્સના ઉમેદવાર જગદીશ ખટીકે તો પ્રચાર માટે અનોખો કીમિયો અજમાવ્યો હતો. તેઓ જે પણ વિસ્તારમાં પ્રચાર માટે જતા હતા ત્યાં રસ્તા પર જે કોઈ મળે તેમના પગ પકડી લેતા હતા અને જે-તે વ્યક્તિ તેમને જ્યાં સુધી ચૂંટણી જીતવા માટે આશીર્વાદ ન આપે ત્યાં સુધી તેના પગ પકડી રાખતા હતા! પોતાનાથી અડધી ઉંમરની વ્યક્તિઓને પણ તેઓ બેધડક પગે લાગતા હતા. આ વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો ઇન્ટરનેટ પર થોડી મહેનત કરીને જગદીશ ખટીકનો વીડિયો જોઈ શકો છો, જેમાં તેઓ કોઈ પણ ઉંમરની વ્યક્તિઓના પગ પકડીને આશીર્વાદ માગી રહ્યા છે. તમને લાગશે કે આવી રીતે કંઈ થોડા મત મળી જાય? પણ ભારતવર્ષમાં કંઈ પણ શક્ય છે. અગાઉ જગદીશ ખટીક આ રીતે ચૂંટણી પ્રચાર કરીને બે વાર વિધાનસભ્ય બની ચૂક્યા છે! 2008માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આ રીતે ચૂંટણી લડીને જીત્યા હતા. એ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા હતા. આ વખતે ભાજપની ટિકિટ ન મળી એટલે તેઓ સપાક્સ વતી ચૂંટણી લડ્યા હતા.


તેલંગણાના સંગારેડ્ડી વિધાનસભા મતવિસ્તારમાંથી શાસક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ વતી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર ચિંતા પ્રભાકર જાતે ગરમ નાસ્તો બનાવીને મતદારોને ખવડાવે છે. તેઓ લોકોને ગળે મળીને તેમની સમસ્યાઓ પૂછે છે અને ખાતરી આપે છે કે હું ચૂંટાઈને આવીશ તો તમારી સમસ્યા દૂર કરી આપીશ. એક વૃદ્ધાએ તેને કહ્યું કે મને પેન્શન નથી મળી રહ્યું તો ચિંતા પ્રભાકરે તેમને ગળે લગાવીને કહ્યું કે મને તમારો દીકરો જ સમજો. તમારી સમસ્યાનો હું ઉકેલ લાવી દઈશ.


તેલંગણાની સિડ્ડિપેટ વિધાનસભા બેઠક પરથી તેલંગણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા હરીશ રાવે ચૂંટણીપ્રચાર માટે વાળંદોનું સમર્થન માગ્યું હતું અને રાવના સમર્થનમાં સિડ્ડિપેટના ઘણા વાળંદોએ જાહેરાત કરી હતી કે તેઓ ગ્રાહકોના વાળ મફત કાપી આપશે. જોકે, કેટલાક ઉમેદવારો તો વાળંદોની મદદ માગવાને બદલે મત માગવા માટે જાતે જ વાળંદની ભૂમિકામાં આવી ગયા હતા. તેલંગણાના ભુપાલાપલ્લી મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર મધુસૂદન ચારી થોડાક સમય અગાઉ સુધી તેલંગણા વિધાનભાના સ્પીકર હતા. તેમણે ઘણા લોકોની દાઢી કરી આપી હતી, તો વાળંદ પાસે દાઢી કરાવવા ગયેલા કેટલાય લોકોના ચહેરા પર સાબુ લગાવી આપ્યો હતો. તો અન્ય એક ઉમેદવારે મતદારોના વાળ કાપી આપ્યા હતા.


મતદારોની ખુશામત કરવામાં બધા પક્ષના ઉમેદવારો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેલંગણાની મુશીરાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસી ઉમેદવાર અનિલકુમાર યાદવે ચૂંટણીપ્રચાર દરમિયાન રસ્તા પર બેસીને ઢોંસા બનાવ્યા અને લોકોને પ્રેમથી ખવડાવ્યા હતા. તેમની હાજરીમાં કેટલાક લોકો બોલતા હતા કે આ સર્વિસ માત્ર સાત ડિસેમ્બર (એટલે કે મતદાનના દિવસ) સુધી જ મળવાની છે. જોકે, એવી કટાક્ષની પરવા કર્યા વિના અનિલકુમાર યાદવે રસ્તા પર ઢોંસા બનાવીને લોકોને ખવડાવવાનું ચાલુ રાખ્યું હતું. આટલું ઓછું હોય એમ તેમણે પ્રચાર દરમિયાન લોકોનાં કપડાંને ઈસ્ત્રી કરી આપવાની સર્વિસ પણ આપી હતી.


મહબૂબનગર વિધાનસભા પરથી તેલંગણાના શાસક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ વતી ચૂંટણી લડી રહેલા શ્રીનિવાસ ગૌડે તો કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર જઈને મજૂરોને બાંધકામમાં મદદ કરી હતી. મજૂરોએ સંકોચ પામીને તેમને રોકવાની કોશિશ કરી તો તેમણે કહ્યું હતું કે હું તમારો ભાઈ જ છું. શ્રીનિવાસ ગૌડે મુશીરાબાદના કોંગ્રેસી ઉમેદવાર અનિલ કુમાર યાદવની જેમ લોકોનાં કપડાં ઇસ્ત્રી કરી આપવાનું કામ પણ કર્યું હતું. તેલંગણાના કેટલાક ઉમેદવારોએ તો ચૂંટણીપ્રચાર દરમિયાન બાળકોને નવડાવી આપવાનું કામ કર્યું હતું. એક ઉમેદવારે તો ચૂંટણીપ્રચાર દરમિયાન યુવાનોને પણ નવડાવ્યા હતા.

X
article aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી