Back કથા સરિતા
અંકિત દેસાઈ

અંકિત દેસાઈ

સાહિત્ય (પ્રકરણ - 34)
લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

કાશ ઍન જીવી હોત

  • પ્રકાશન તારીખ14 Apr 2019
  •  

ઍન ફ્રેન્કની ડાયરીનો કાન્તિ પટેલે સરસ અનુવાદ કર્યો છે. આખી ડાયરીમાંથી પસાર થઈએ તો ઍન અને તેના પરિવારે તેમજ લાખો યહૂદીઓએ કેવી માનવસર્જિત, અમાનવીય યાતનાઓ ભોગવવી પડી એનો ચિતાર મળે. ઍન ફ્રેન્ક તેર વર્ષની ઉંમરથી એટલે કે વર્ષ 1942થી તેનું યાતનાનામું લખવાની શરૂઆત કરે છે અને ડાયરીનો છેલ્લો પત્ર પહેલી ઓગસ્ટ 1944ના દિવસે લખાય છે. પછી આઠ મહિના સુધી ઍન ફ્રેન્ક જીવે છે, પરંતુ તેણે લખેલી ડાયરી પ્રાપ્ય નથી. ખબર નહીં શુંયે વેઠ્યું હશે તેણે...
છેલ્લા છેલ્લા પત્રોમાં ઍન આશા સેવે છે કે હવે તેમણે ઝાઝો સમય યાતનાઓ વેઠવી નહીં પડે અને તે ફરીથી સ્કૂલે જઈ શકશે કે રસ્તાઓ પર કોઈ પણ રોકટોક વિના ફરી શકશે! સ્વતંત્રતા અને ગમતું કરવા મળે તો એ સિવાય કોઈ ટીનએજ છોકરીને બીજી ઇચ્છા પણ શું હોય? 1944ના જુલાઈ મહિનામાં હિટલર પર તેના જ સૈન્યના કોઈ અધિકારીએ હુમલો કર્યો હતો. અલબત્ત, હિટલર બચી ગયેલો, પરંતુ ઍનને ક્યાંક ક્યાંક એવી આશા બંધાય છે કે બીજા દેશોની સાથે હિટલરના સૈન્યમાં જ બળવો થાય તો નાઝીઓને વેરવિખેર થતાં કોઈ નહીં અટકાવી શકે!
ઍન અને તેનો પરિવાર પચીસ જેટલા મહિનાથી અજ્ઞાતવાસમાં રહેતા હતા અને એ મહિનાઓ દરમિયાન નરક કોને કહેવાય એની ધરતી
પર જ ખબર પડી ગઈ હતી. બની શક્યું હોત કે ઍન અને તેનો પરિવાર હેમખેમ રહી શક્યો હોત. યુદ્ધ તો આમેય થોડા સમયમાં પૂરું થવાનું હતું, પરંતુ એ સમય જ એવો હતો કે માણસ તેની હેવાનિયતની ચરમસીમાએ પહોંચેલો. એટલે એક ડચ વ્યક્તિએ ચંદ પાઉન્ડના ઇનામ માટે નાઝીઓને
ઍન ફ્રેન્કના પરિવાર અને તેમની સાથે અજ્ઞાતવાસમાં રહેતા બીજા લોકોની બાતમી આપી હતી. જેને કારણે ઍન અને તેના પરિવાર અને અન્ય ચાર યહૂદીઓની ધરપકડ થઈ હતી. એ સમયે યહૂદીઓ નાઝીઓને હાથે ચડે એટલે તેમનું એક જ સરનામું હોય. એ સરનામું એટલે ગેસ ચેમ્બર! જોકે, તેની ડાયરીના દસ્તાવેજ દ્વારા તે જગતને એટલું જરૂર કહેતી ગઈ કે, ક્યારેય યુદ્ધ નહીં કરવું. ક્યારેય નહીં. ઍન અને તેની બહેનનું મોત જુદી રીતે લખાયેલું હશે એટલે તેમને એક
ટ્રાન્ઝિટ કૅમ્પમાં મોકલવામાં આવેલાં, પરંતુ ઍનની માતા તો ગેસ ચેમ્બરમાં હોમાઈ જ ગયેલી.
ઍન અને તેની બહેન જે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેલાં ત્યાં ગંભીર રોગચાળો ફાટી નીકળેલો, જેમાં હજારો યહૂદીઓની સાથે ઍન અને તેની બહેન પણ મૃત્યુ પામ્યાં! એવું અનુમાન લગાવાય છે કે 1945ના ફેબ્રુઆરી કે માર્ચમાં ઍન ફ્રેન્કનું રોગચાળામાં મોત થાય છે. કમનસીબી જુઓ કે હિટલર એ જ વર્ષે એપ્રિલમાં આત્મહત્યા કરે છે અને તેની સાથે જ યહૂદીઓની યાતનાઓ પૂરી થાય છે.
ઍનની નિયતિમાં ડાયરીરૂપે અમર થવાનું લખાયું હશે એટલે તે સ્વતંત્રતા જોવા સુધ્ધાં ન રહી શકી. તેણે તો હંમેશાં સ્વતંત્રતા ઝંખી હતી. જોકે, એ ભલે સ્વતંત્રતા ન પામી શકી, પરંતુ તેની ડાયરીના દસ્તાવેજ દ્વારા તે જગતને એટલું જરૂર કહેતી ગઈ કે, ક્યારેય યુદ્ધ નહીં કરવું. ક્યારેય નહીં. જોકે, માણસની જાત ઇતિહાસમાંથી બોધ જ ક્યાં લે છે?
ankitdesaivapi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP