• article by nagindas shanghavi

તડ ને ફડ / ચૂંટણીનાં પરિણામો અને આપણે

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Dec 26, 2018, 04:08 PM IST

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યો જીતી લેવાનો ભાજપી અપેક્ષાભંગ થયો અને માત્ર મિઝોરમમાં ભાજપી મોરચાનો પ્રાદેશિક પક્ષ જીત્યા. આ પરાજય પછી નરેન્દ્ર મોદી પર ટીકાઓ, ઉપહાસ અને શિખામણોને વરસાદ વરસી રહ્યો છે અને ગઈ કાલ સુધી મોદીની ખુશામતખોરી કરનાર લોકો આજે તેમનાથી દૂર જઈ રહેલા દેખાય છે.

લોકમાન્ય ટીળકે સો વર્ષ અગાઉ કહેલી વાત વધારે ચોટડૂક છે. પૂણે શહેરની ગંદકીની ચર્ચા કરતાં તેમણે લખેલું કે બધા લોકો રસ્તામાં અને ખૂણેખાંચરે સતત ગંદકી કરે, કચરો ફેંકે તો ખુદ ભગવાન પણ શહેરને સ્વચ્છ રાખી શકે નહીં

આવા બધા મોસમી મિત્રોની અાવનજાવનથી ખાસ કશો ફરક પડતો નથી, પણ પરાજયને સમજવા અને મૂલવવા માટે તેની કારણ મીમાંસા તો થવી જ જોઈએ. લોકશાહીના નાગરિક તરીકે આપણો અભિગમ રોગીઓ જોડે કામ પાડનાર ડોક્ટર જેવો હોવો જોઈએ. દર્દી કોણ છે તે મહત્ત્વનું નથી, રોગ કયો છે અને કેવો છે તે જાણવું વધારે જરૂરી છે, કારણ કે આપણું સામૂહિક ભાવિ તેની સાથે સંકળાયેલું છે. પક્ષોની ચડઉતર કે સત્તાંતરોથી નાગરિકોને કશો લાભ કે કશી હાનિ થવાની નથી.


મિઝોરમમાં મર્યાદિત વિજય મળ્યો અને તેલંગણામાં તદ્દન છેદ ઊડી ગયો તેનું ખાસ કશું મહત્ત્વ નથી. ત્રણ હિન્દીભાષી રાજ્યોનાં પરિણામ જ વધારે મહત્ત્વનાં છે અને વધારે ચર્ચાઈ રહ્યાં છે.


હિન્દુત્વવાદી પરિબળોના પૂંછડા જેવા ભાજપના રાજકીય આગેવાનો ધર્મઝનૂનની ઉપયોગિતા સ્વીકારે છે, પણ તેની મર્યાદા પણ સ્વીકારે છે અને તેથી રામમંદિર માટે આદરવામાં આવેલી ઝનૂની ઝુંબેશમાં ભાજપનો એક પણ વરિષ્ઠ આગેવાન જોડાયો નથી. આ વખતની ચૂંટણી ઝુંબેશમાં પોતાનું હિન્દુપણું સાબિત કરવાની બાબતમાં કોંગ્રેસી આગેવાનો પાછ‌‌ળ રહ્યા નથી. દુનિયાના તમામ સમાજોમાં આમજનતાના ધર્મ-વિશ્વાસનો ગેરલાભ ઉઠાવવામાં રાજકારણીઓ કશી કસર રાખતા નથી, પણ કેવળ ધર્મના આધારે ચૂંટણી જીતી શકાતી નથી. ચૂંટણીના જય પરાજયમાં અનેક પરિબળોની અસરપરસ ગૂંથણી મુખ્ય ભાગ ભજવે છે.


ચૂંટણીમાં પછડાટ મળે ત્યારે અમે લોકોનો ચુકાદો સ્વીકારી લઈએ છીએ તેવું કહેવાની આપણે ત્યાં ફેશન થઈ પડી છે, પણ આ વાક્યનો કશો અર્થ નથી, કારણ કે હારેલા આગેવાનો બીજું કશું કરી શકે તેમ નથી. ચૂંટણીનાં પરિણામ બંધનકર્તા છે. ખેડૂતોની ઉપેક્ષા કરવાથી ભાજપને ફટકો પડ્યો અને કરજ માફીનું વચન આપવાના કારણે કોંગ્રેસ પક્ષ ફિનિક્સ પક્ષીની માફક પોતાની રાખમાંથી ફરી પાછો બેઠો થયો. સત્તા ગ્રહણ કર્યા પછી ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઓછા વધતા અંશે ખેડૂતોનાં કરજ માફ કર્યાં છે.

આ નક્કર વાસ્તવિકતા ભાજપના ભાવિ માટે ખતરનાક છે. ખેડૂતો બેહાલ છે તેથી તેમણે લીધેલાં કરજ માફ થવાં જોઈએ તેવી દલીલ કરવામાં આવે તો પેટિયું રળવા માટે કરજ કરીને રિક્ષા લેનાર અને ચલાવનાર કરજ માફી મેળવવા માટે વધારે લાયક છે. આવી કરજ માફી અન્ય ગરીબ કરદાતાઓના ભોગે કરવામાં આવે છે અને સરકારી ખજાનો ભરવા માટે વધારે કરવેરા ઉઘરાવવા પડે છે, પણ આપણે ત્યાં ગરીબ ખેડૂતો કરતાં શ્રીમંત ઉદ્યોગપતિઓ સીધી કે આડકતરી રીતે સરકારી ખજાનામાંથી નાણાંની ઉચાપત કરતા હોય છે અને તે ધંધા વિકાસને અપાયેલા પ્રોત્સાહન તરીકે ઓળખાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અગાઉની ભાજપ સરકારોએ પણ ખેડૂતોની કરજ માફીનો રસ્તો અપનાવ્યો છે.


કરજ માફીમાં નાણાકીય નુકસાન કરતાં સમાજની નીતિમત્તાને વધારે નુકસાન થાય છે અને લીધેલું કરજ પાછું ન ચૂકવવું અને તાગડધિન્ના કરવા દેવું કરીને પણ ઘી પીવું, તેવી મનોવૃત્તિ સમાજ માટે વિઘાતક બની જાય છે.


છેલ્લા કેટલાય વખતથી આપણો સમાજ ભિખારી મનોવૃત્તિ ધરાવતો માગણ સમાજ બનતો જાય છે અને લોકો સરકાર પાસેથી, રાજ્ય પાસેથી, રાષ્ટ્ર પાસેથી કંઈ ને કંઈ સતત માગતા જ રહે છે. કરજ માફી આપો, અનામત આપો, વીજળી આપો, પાણી આપો અને સ્વચ્છતા આપો. આપણે જાતે કશું કરવું નથી, રસ્તામાં પડેલો કાગળનો ટુકડો પણ ઊંચકીને કચરાપેટીમાં નાખવો નથી અને બધી સફાઈ સરકારે, મ્યુનિસિપાલિટીએ કરવાની છે. આ સંદર્ભમાં લોકમાન્ય ટીળકે સો વર્ષ અગાઉ કહેલી વાત વધારે ચોટડૂક છે.

પૂણે શહેરની ગંદકીની ચર્ચા કરતાં તેમણે લખેલું કે બધા લોકો રસ્તામાં અને ખૂણેખાંચરે સતત ગંદકી કરે, કચરો ફેંકે તો ખુદ ભગવાન પણ શહેરને સ્વચ્છ રાખી શકે નહીં. સ્વચ્છતા તો એક નમૂનો છે, પણ બીજા પાસેથી બધી અપેક્ષા રાખવાની મનોવૃત્તિ પર પ્રહાર કરનાર અમેરિકન પ્રમુખ જ્હોન કેનેડીએ પોતાની શપથવિધિ પ્રસંગે કહેલું તેમ દેશ તમારા માટે શું કરે છે તેના કરતાં તમે દેશ માટે શું કરો છો તેનો વિચાર કરજો. પણ આપણી ભિખારી મનોવૃત્તિ આપણા રાજકારણમાં અને આપણી ચૂંટણી ઝુંબેશમાં સૌથી વધારે પ્રબળ પરિબળ બની ગયું છે અને આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ તેનો અતિરેક થયો છે.


હજુ આ પ્રવાહ પૂરો થયો નથી. આમાં દેશના તમામ ખેડૂતોને કરજમુક્તિનો લાભ ન મળે ત્યાં સુધી અમે વડાપ્રધાનને જંપવા-ઊંઘવા દેવાના નથી, તેવું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગર્જી-ગર્જીને કહે છે અને લોકો તેને તાળીઓથી વધાવે છે. આવા નેતાઓ અને આવો સમાજ દુર્ગતિના પંથે ચાલે છે.


અહીં માત્ર નીતિમત્તાની વાત નથી. ઘણાં વર્ષો અગાઉ અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે કહેલું તેમ આપણે અનુભવે સમજ્યા છીએ કે પ્રામાણિકતા જ શ્રેષ્ઠ રાજનીતિ છે. ચૂંટણીમાં થયેલા સર્વાંગી પરાજય અંગે ભાજપી આગેવાનો ચિંતા કરે છે અને તેમણે ચિંતા કરવી જરૂરી છે, કારણ કે વધારે મહત્ત્વની રાષ્ટ્રીય ચૂંટણીનાં ઢોલનગારાં વાગવાની શરૂઆત થઈ ગઈ છે.


પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વૈચારિક દેવાળિયાપણું દર્શાવી આપ્યું છે. કોંગ્રેસ પક્ષ અને ઇન્દિરા ગાંધીના કુટુંબકબીલાને ગાળો ભાંડવા સિવાય તેમણે બીજી કશી મહત્ત્વની વાત કરી નથી. આવી ગાળાગાળીથી તાળીઓ મળે છે, મત મળતા નથી તેવો પોતાનો અનુભવ નરેન્દ્ર મોદી ભૂલી ગયા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં તેમણે કેટકેટલાં વચનો આપેલાં તે હકીકત યાદ કરવા જેવી છે. એ વચનોનું પાલન થયું નથી અને વચનપાલનમાં મળેલી નિષ્ફળતા તે મોદી સરકારના ગળે બંધાઈ ગયેલો ઘંટ છે, પણ લોકો આગેવાનોએ આપેલી આશાથી દોરવાય છે અને દારુણ આફત કે બીમારીમાં પણ આશા માણસને અને સમાજને ટકાવી રાખે છે.


રાજ્યોમાં મળેલા પરાજયના કારણે ભાજપી મોરચામાં ગણગણાટ શરૂ થયો છે અને કેટલાક સાથીઓએ ટીકાઓ કરવા માંડી છે. આ ટીકાઓ વીતી ગયેલી ચૂંટણીમાં મળેલા પરાજયના કારણે છે કે આવતી ચૂંટણી વખતે વધારે ટિકિટો મેળવી લેવા માટેનો પ્રયાસ છે તે કહેવું શક્ય નથી, પણ અકાલીદળ અને નીતીશકુમારના જનતાદળ (યુનાઈટેડ) જેવા ભાજપના મુખ્ય સાથીદાર પક્ષો તેલ અને તેલની ધારને તપાસી રહ્યા છે.


પાંચ રાજ્યોમાં મળેલો પરાજય અમિત શાહની ચૂંટણી વ્યવસ્થાની ખામીના કારણે છે તેવી મીમાંસા સાચી નથી. ચૂંટણી વ્યવસ્થાથી જીતી શકાતી નથી, પણ લોકમાનસના પ્રવાહના કારણે જીતી શકાય છે. 1977માં જનતાપક્ષ પાસે કે 1989માં જનતાદળ પાસે વ્યવસ્થાના નામે મોટું મીંડું જ હતું અને છતાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ સત્તા ગુમાવી હતી.


વિરોધ પક્ષોના ગઠબંધનની ચર્ચા જોરશોરથી ચાલે છે, પણ આવું ગઠબંધન થવાનો કોઈ અણસાર આજે દેખાતો નથી. ભારતના વિરોધ પક્ષો પોતાનું નાક જાતે કાપવામાં ઘણા હોશિયાર છે.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી