ડૂબકી- વીનેશ અંતાણી / તું, માત્ર તું, હવે રુમી ક્યાંય નથી

article by vinesh antani

Divyabhaskar.com

Dec 09, 2019, 12:41 PM IST
ડૂબકી- વીનેશ અંતાણી
‘મારા અવસાન પછી મારો મકબરો ધરતી પર નહીં, લોકોનાં દિલમાં શોધજો.’ આ શબ્દો તેરમી સદીના સૂફી પરંપરાના મહાન શાયર મૌલાના મુહમ્મદ જલાલુદ્દીન રુમીના છે. એ શબ્દો સાચા પડ્યા છે. આટલી સદીઓ પછી પણ રુમી લોકોનાં હૈયાં પર રાજ કરે છે. એમનાં કાવ્યો એમના સમય જેટલાં જ સાંપ્રતમાં પ્રસ્તુત છે.
રુમીનો જન્મ અત્યારના અફઘાનિસ્તાનના બલ્ખ શહેરમાં 30મી સપ્ટેમ્બર, 1207ના રોજ થયો હતો. પિતા પ્રખર વિદ્વાન હતા. રાજ્યના સમ્રાટ સાથે મતભેદ થવાથી પિતા ત્રણસો અનુયાયીઓ સાથે દેશ છોડીને ચાલી નીકળ્યા. દરેક જગ્યાએ લોકો એમને સન્માન આપતા હતા. એમનો કાફલો ઇરાનના નિશાપુર શહેરમાં પહોંચ્યો ત્યારે સુપ્રસિદ્ધ સૂફી કવિ ખ્વાજા ફરીદુદ્દીન અત્તારને મળ્યા. પિતાની પાછળ આવતા રુમીને જોતાંવેંત ફરીદુદ્દીન બોલી ઊઠ્યા: ‘જુઓ, સાગરની પાછળ મહાસાગર આવે છે.’ રુમી મહાન વ્યક્તિ બનશે એવી એમની ભવિષ્યવાણી સાચી પડી.
મૂળ ઇરાનના, પણ વર્ષોથી યુ.એસ.એ.માં વસતા શાહરામ શિવાએ રુમીના જીવન અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમણે કહ્યું છે: ‘રુમી સત્યના સંદેશવાહક હતા. એમની દૃષ્ટિમાં અકલ્પનીય સ્પષ્ટતા છે.’ રુમીનાં કાવ્યોના દુનિયાની ઘણી ભાષામાં અનુવાદ થયા છે. રુમીએ સામાજિક ને ધાર્મિક જડતા, કટ્ટરવાદી વિચારસરણી અને બંધિયાર માનસિકતાનો વિરોધ કર્યો. ‘તમે આત્માની ખોજ કરો છો? તો તમારી કેદમાંથી બહાર આવો. ઝરણું છોડી સાગરમાં ભળતી નદીમાં વહો. આ જગતથી ઉપર ઊઠો, ત્યાં અનન્ય દૃષ્ટિ પ્રાપ્ત થશે.’ રુમીના સર્જનમાં ગહનતા અને સરળતાનું સંમિશ્રણ છે. ગૂઢ લાગે તેવી વાણીમાં સહજ અર્થબોધ છે. એમનો દરેક શબ્દ આત્માની પારદર્શકતામાંથી પ્રગટે છે. એમણે ઉપદેશાત્મક કથાઓ પણ આપી છે. એમાંથી રોજિંદા જીવનનાં મૂલ્યોનો બોધ મળે છે. રુમી માનતા હતા કે લોકોને ભયભીત કરે તેવો ધર્મ ઝેર સમાન છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે: પ્રેમ. ‘પ્રેમ એટલે અજાણ્યા આકાશ તરફ ઊડવું. પ્રેમ હર ક્ષણે સેંકડો પરદા હટાવી નાખે છે. પહેલા જીવનને બધાં બંધનોમાંથી મુક્ત કરો ને પછી પગ વિના આગળ ડગલું માંડો.’ એ માનતા હતા કે પ્રેમના મૌનમાંથી સાચો તિખારો પ્રગટે છે. ‘ઇશ્વરનો પ્રેમ જ આપણા બળબળતા હૈયાની બળતરા ઠારી શકે.’ આદર્શ જીવન માટે રુમીનો મંત્ર હતો : અપરાધભાવ, ભય અને શરમિંદગીથી મુક્ત જીવનયાત્રા.
રુમી માનતા કે માણસનું અંતિમ લક્ષ્ય ઉન્નત ચિત્તાવસ્થા હોવું જોઈએ. તે જમાનામાં પણ એમણે સંકુચિત ધર્મવ્યવસ્થા, પાખંડી ધાર્મિક પરંપરાઓ સામે પ્રબળ વિરોધ કર્યો. કહેતા: ઇશ્વર સાથે સીધું જોડાણ સાચો માર્ગ છે. ‘ઇશ્વર ધાર્મિક સ્થાનોમાંથી મળશે નહીં. એ તમારામાં જ વસે છે.’ બીજું કાવ્ય છે: ‘એના દરવાજા પર ટકોરો તો મારી જુઓ, પછી જુઓ, એ એનો દરવાજો ખોલી નાખશે. તમારી જાતને ભૂંસી નાખો, એ તમને સૂર્ય જેવા પ્રકાશિત કરી દેશે. શૂન્ય થઈ જાઓ, એ તમને બધું બનાવી દેશે.’ રુમીનો ઇશ્વર કહે છે: ‘ધરતીની ધૂળથી માંડી માનવઅસ્તિત્વની વચ્ચે હજાર પગલાંની છાપ દેખાશે. હું દરેક પગલામાં તારો હાથ પકડી, તારી પડખે જ ચાલું છું.’ માર્ગ ભૂલેલા ઇન્સાનના પ્રાયશ્ચિત્તને વાચા આપતા હોય તેમ રુમીએ કહ્યું છે: ‘મેં એટલું બધું પીધું છે કે અંદર જવાનો કે બહાર નીકળવાનો માર્ગ ખોઈ બેઠો છું. હવે તમે દારૂનો પ્યાલો મારા હાથમાં આપો નહીં, મારા મોઢા પર ઢોળો, કારણ કે હું મારું મોઢું ક્યાં છે તે પણ ભૂલી ગયો છું.’
ઉંમરની ત્રીસીના ઉત્તરાર્ધમાં રુમીના જીવનમાં શમ્સ નામનો ઓલિયો ફકીર આવ્યો. વણજારા જેવું જીવન જીવતા શમ્સ સાથે એ બે વર્ષ જ રહ્યા, પણ એટલા સમયમાં રુમીમાં આમૂલ પરિવર્તન આવ્યું. રુમીએ કહ્યું છે કે શમ્સને મળ્યા પછી એ પુસ્તકિયા કીડામાંથી જીવનના નમ્ર અભ્યાસી બન્યા અને વૈશ્વિક સત્ય અને પ્રેમની સાચી આરાધનાનો માર્ગ શોધી શક્યા.
રુમી વિશે દંતકથા છે. રુમી પ્રેમમાં પડ્યા. પ્રેમિકાને ઘેર ગયા, દરવાજો ખટખટાવ્યો. અંદરથી અવાજ આવ્યો: ‘કોણ છે?’ રુમીએ જવાબ આપ્યો: ‘હું રુમી, તારો પ્રેમી.’ દરવાજો ઊઘડ્યો નહીં. રુમી દિવસો સુધી પ્રેમિકાને દરવાજો ખોલવા કરગરતા રહ્યા. દર વખતે પ્રેમિકા પૂછતી, ‘કોણ છે?’ દર વખતે રુમીનો જવાબ હોય: ‘હું રુમી, તારો પ્રેમી.’ ગાઢ નિરાશામાં ડૂબેલા રુમી પહાડો પર ચાલ્યા ગયા. ઘણા સમય પછી પાછા આવ્યા ત્યારે એ ભીતરથી બદલાઈ ગયા હતા. પ્રેમિકાના ઘરનો દરવાજો ખટખટાવ્યો. પ્રશ્ન પુછાયો: ‘કોણ?’ રુમીએ જવાબ આપ્યો: ‘તું, માત્ર તું, હવે રુમી ક્યાંય નથી.’ પ્રેમિકાએ દરવાજો ઉઘાડી રુમીને પોતામાં સમાવી લીધા.
શાહરામ શિવાએ કહ્યું છે: ‘રુમી જેવી મહાન વ્યક્તિ તમને ગુલાબ સૂંઘવાનું કહેવા અવતાર લેતી નથી. એ પહેલાં તમને આખેઆખા બાળી નાખે છે અને પછી તમારી રાખમાંથી એક નવી વ્યક્તિનું નવસર્જન કરે છે.’
[email protected]
X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી