તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શું ગુજરાતીઓ કે ભારતીયો સારા પ્રવાસીઓ બની શકશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડણક- શ્યામ પારેખ
​​​​​​​ભૂટાન જતા ભારતીય પ્રવાસીઓથી ગભરાતા એક્ટર સિદ્ધાંત કાર્ણિકે તાજેતરમાં, ભૂટાન જતા ભારતીયોને બૂમબરાડા ન પાડવા અને સારું વર્તન કરવા શિખામણ આપી.
સ્વિટ્ઝર્લેન્ડના ગસ્ટાડની આર્સેન્સિયલ નામની એક હોટેલ ભારતીય પ્રવાસીઓને ઉદ્દેશીને ઘણી બધી સૂચનાઓ લખી છે. બ્રેકફાસ્ટની વસ્તુઓ સાથે નહીં લઇ જવાથી માંડીને શાંતિ જાળવવા જેવી સૂચનાઓ આપી.
થાઈલેન્ડના પટાયાની વોકિંગ સ્ટ્રીટમાં ક્લબની બહાર કૂતરાંઓ અને ભારતીયોને પ્રવેશ નથી એવાં બોર્ડ.
ઇન્ડોનેશિયાના બાલીના એક રિસોર્ટમાં તાજેતરમાં, એક ભારતીય કુટુંબને રૂમમાંથી ચોરી કરેલા સામાન સાથે પકડી પાડવામાં આવ્યું.
ઉઝબેકિસ્તાનની ફ્લાઈટમાં બદગુમાન ભારતીય સેક્સ ટૂરિસ્ટ્સના ડરથી અન્ય ભારતીય પ્રવાસીઓ કુટુંબો સાથે પ્રવાસ કરતા ડરે છે.
સિંગાપોરની પ્રખ્યાત ક્રૂઝમાં ભારતીય પ્રવાસીઓના ઝુંડ ધરાવતી શિપ્સમાં અન્ય લોકો જવાનું પસંદ કરતા નથી.
મને વર્ષો પહેલાંનો એક બનાવ યાદ આવે છે. ઘટના છે સિંગાપુરના પ્રખ્યાત ચાંગી એરપોર્ટની. અમદાવાદથી સિંગાપુર જતા ખૂબ ઉત્સાહ સાથે જ્યારે સિંગાપુર એરપોર્ટ પર ઊતર્યા ત્યારે જે દૃશ્યો જોવા મળ્યાં અને જે અનુભવો થયા તે આંખ ઉઘાડી દે તેવા હતા. સેંકડો ગુજરાતી અને ભારતના અન્ય ભાગથી આવેલા પ્રવાસીઓનાં ટોળાં ચાંગી એરપોર્ટને રીતસર ધમરોળી રહ્યા હતા. ફ્લાઇટમાંથી બહાર નીકળી અને અરાઈવલ ક્ષેત્ર તરફ જતા, ચાલવાની જગ્યાએ ફર્શ પર પથરાઈને પડેલું એક ટોળું મળ્યું. જોરજોરથી ઠહાકા મારીને નાસ્તો ઝાપટી રહેલું અને તેજ વાસવાળાં અથાણાં અને થેપલાં આરોગતું તથા આસપાસની દુનિયાથી પર આ થેપલાંગેંગ સિંગાપોરના સિક્યોરિટી અધિકારીઓ અને અન્યોની નજરે સ્વાભાવિક રીતે અળખામણી સાબિત થઈ રહી હતી.
થોડું આગળ ચાલ્યા અને ટોઇલેટમાં ગયા તો ત્યાં તો રીતસર રમખાણો ચાલી રહ્યાં હતાં. કોઈ ચડી-બનિયાન પહેરીને અને કોઈ ટાવેલ લપેટીને બ્રશ કરી રહ્યા હતા. તો વળી કોઈ દાઢી કરી રહ્યા હતા અને એકબીજા સાથે જોરજોરથી બરાડા પાડીને અન્ય દેશના સ્થાનિક પ્રવાસીઓની મજાક ઉડાવી તેમને છોભીલા પાડી રહ્યા હતા.
એક અન્ય ઘટના. હાલમાં સેક્સ ટૂરિઝમ માટે બદનામ થઇ ગયેલું તથા ભૂતકાળમાં બાળકો અને કુટુંબ માટેના મશહૂર ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાણીતું બનેલું થાઈલેન્ડનું શહેર એટલે પટાયા. ત્યાંનો વોકિંગ સ્ટ્રીટ વિસ્તાર 24 કલાક ચાલતી ખાણી-પીણીની દુકાનો, નાઈટ ક્લબ્સ અને સેક્સ-શોપ્સને કારણે દુનિયાભરના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
આ વિસ્તારની મોટાભાગની પ્રખ્યાત ક્લબ્સના દરવાજા પર જ બોર્ડ મારેલું હોય છે કે ભારતીય પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ છે. ક્યાંક લખેલું હોય છે કે પાકિસ્તાનીઓ, નાઈજીરિયન અને બાંગ્લાદેશીઓ માટે પણ પ્રવેશ બંધ છે, પરંતુ આ યાદીમાં પહેલું નામ સામાન્ય રીતે ભારતનું જોવા મળે છે. આમ કેમ? એ જાણવું હોય તો આ વિસ્તારમાં એક 10 મિનિટની લટાર મારવાથી જાતે જ સમજાઈ  જશે. દુનિયાભરના પ્રવાસીઓનો જ્યાં મેળો ભરાય છે તેવા આ વિસ્તારમાં આપણા પ્રવાસીઓનું વર્તન ઊડીને આંખે વળગે તે રીતે ખરેખર છાકટું અને અશોભનીય દેખાય છે.
ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને મંદી જેવી હાલત હોવા છતાં અને ભારતીયો સિવાય અન્ય ટૂરિસ્ટ વધારે ગમતા હોય છે. તેનું કારણ માત્ર રંગભેદ જ નથી, પરંતુ વિદેશની ધરતી ઉપર આપણું વર્તન હોય છે. કોઈપણ પ્રવાસી પોતાના દેશનો અને પોતાની સંસ્કૃતિનો પ્રતિનિધિ ગણાય છે. શું આપણી સંસ્કૃતિ આટલી છીછરી છે એવું આપણે દુનિયાભરમાં સાબિત કરવા માંગીએ છીએ?
આપણી સામેની ફરિયાદો દૂર કરવી ખૂબ સરળ છે. ઘાંટા કે બૂમબરાડા પાડીને બોલવાનું કે જોરજોરથી મોબાઈલ પાર વાત કરવાનું બંધ કરીએ. લાઈનો તોડીને કે ધક્કામુક્કી કરીને ચાલવું, કે અન્યોને શરીરસ્પર્શ થાય તેમ ચાલવું, ઊભા રહેવું કે લાઈનમાં થોડું અંતર રાખ્યા સિવાય અડીને ઊભા રહેવું સાહજિક નથી. આપણી આગળ પાછળ આવતા લોકોને નડીએ નહીં તેમ ચાલવું જરૂરી છે. જ્યાં-ત્યાં ખાવું કે ગંદગી ફેલાવવી કે પછી બ્રેકફાસ્ટ કે લંચ ટેબલથી વસ્તુઓ લઈને ચાલ્યા જવું યોગ્ય નથી. આટલા મુદ્દાઓ ઉપર જો ધ્યાન આપીશું તો દેશની અને આપણી છાપ ઘણી સુધારી શકીશું. એરપોર્ટથી લઇ, પ્લેન અને વિદેશમાં તો બધે જ આવા લોકોની વર્તણૂક ટોળાશાહીની તાકાતને લીધે અયોગ્ય બની જાય છે.  
dewmediaschool@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો