મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર / ભગવાન માનવ પાસે માનવતાનો પુરાવો માગે તો...

article by raeesh maniar

Divyabhaskar.com

Jan 06, 2020, 05:36 PM IST
મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર
મારા આંગણે દોડતા આવેલા હસુભાઈને મેં બહારથી જ પેપર પકડાવ્યું અને દરવાજો બંધ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
પણ હસુભાઈ બાંગ્લાદેશી ઘૂસણખોરની જેમ ઘરમાં ઘૂસી જ ગયા અને પેપર ફગાવી દીધું!
મને નવાઈ લાગી, શ્વાન અસ્થિ ફગાવે પણ હસુભાઈ પસ્તીય ન ફગાવે.
મને કહે, ‘તાજું પેપર નહીં, જૂનો પુરાવો આપો! નાગરિકતાના પુરાવાના મુદ્દે દેશ સળગી રહ્યો છે!’
આ ગરમાગરમ ટોપિક લઈ અમે સાંધ્યસભામાં પહોંચ્યા.
ભગુ ભાજપી સહુને સમજાવી રહ્યો હતો, ‘મિત્રો! શું આ પણ એક સ્વચ્છતા અભિયાન નથી? એન.આર.સી. પ્રમાણે દરેક સાચો નાગરિક પોતાની ભારતીયતાનો 1971 પહેલાંનો પુરાવો આપી દે તો દેશમાંથી કચરો સાફ થઈ જાય!’
1970માં જન્મેલા હોવા છતાં છેલ્લાં 14 વરસથી પોતાને 35ના ગણાવતાં કુમુદકુમારી બોલ્યાં, ‘મારા જેવું કોઈ 1971 પછી જન્મ્યું હોય તો?’
‘તમારો ન હોય તો તમારા પૂર્વજોનો પુરાવો જોઈશે. નહીં તો તમને ઘૂસણખોર ગણીને ‘ડિટેન્શન સેન્ટર’માં નાખવામાં આવશે.’ કનુ કોંગ્રેસી બોલ્યો.
‘પુરાવો હડપ્પા કે મોહેં-જો-દરોથી ખોદીને લાવવો પડશે!’ ચિંતિત હસુભાઈ બોલ્યા.
‘એ બંને પાકિસ્તાનમાં છે એ યાદ રાખજો!’ મેં એમને જી.કે. આપ્યું.
ડિજિટલી વેલઈક્વિપ્ડ, વેલ-લિન્ક્ડ, ફાસ્ટ ટેગધારી ધનશંકર બોલ્યા, ‘મારી પાસે તો આધાર, પાન, ડ્રાઈવિંગ લાઈસન્સ, ફાસ્ટ ટેગ બધું જ છે, મને કોઈ ચિંતા નથી.’
કનુ કોંગ્રેસી બોલ્યો, ‘આમાંનું કશું નહીં ચાલે! તમારો અથવા તમારા પૂર્વજોનો 1971 પહેલાંનો પુરાવો જોઈશે.’
પૂર્વજોનું નામ પડતાં હસુભાઈ બોલ્યા, ‘ડાર્વિન આમાં મદદરૂપ થઈ શકે?’
ભગુ ભાજપી દુ:ખ સાથે બોલ્યો, ‘એક્ચ્યુઅલી, 2014 પછી આપણને જે કંઈ હાલાકી ભોગવવી પડે છે એનું કારણ નેહરુ પરિવાર છે!’
કનુ કોંગ્રેસીએ ભગુ ભાજપી સાથે શાબ્દિક ઝપાઝપી કરવા નવો એંગલ કાઢ્યો, ‘સરકાર 1971 પહેલાંના પુરાવા માંગે છે, એનો અર્થ તો એ થયો ને કે તમારી સરકારે પોતે આપેલા આધાર અને PAN કરતાં નેહરુ-ઈન્દિરાના સમયના રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટને વધુ ભરોસાપાત્ર ગણ્યા!’
‘હુ વાટ કરે? આઢાર નિરાઢાર? PAN ખરેલું પાન? તો બઢુ લિંક હુ ખાવા કરાયવું?’ બાબુ બગડ્યો.
‘બાબુડિયા! તારી અત્યારની પરમિટ પણ નહીં ચાલે! PAN પણ ગયું, સુરાપાન પણ ગયું!’ હસુભાઈએ બાબુને ગભરાવ્યો.
‘હુ વાટ કરે! ફરીથી આખો ડેશ પુરાવા લેઈને લાઈનમાં ઊભો રેહે?’
ધનશંકર બોલ્યા, ‘ના! ફરીથી શિક્ષકો ભણાવવાનું પડતું મૂકી, ઘરે ઘરે પુરાવા ચેક કરવા જશે! ક્યોંકિ શિક્ષક કભી સાધારણ નહીં હોતા! વો સર્વશક્તિમાન તો વસ્તીગણતરી, કુટુંબનિયોજન, મધ્યાહ્્ન ભોજન કુછ ભી કર સકતા હૈ!’
‘પણ મોદીજીએ કહ્યું છે કે આ માત્ર આસામ માટેનો કાયદો છે, હાલ તુરત દેશમાં નહીં આવે!’ મેં દલીલ કરી.
‘એટલે કે મોડોવહેલો આવશે જ!’ સોસાયટી-અધિપતિ શાંતિલાલ દેશાધિપતિના મન વિશે થોડું વધુ જાણતા હતા.
‘પણ 1971 પહેલાંનાં માંઈ-બાપ જ નઠી બયચાં, તો પુરાવા કાંઠી બચે?’
હસુભાઈ બોલ્યા, ‘સરકાર જ આપણા વાલીની જગ્યાએ છે! આપણે અનાથ નથી કે મારપીટ વગર મોટા થઈએ!’
‘સરકાર માંઈ-બાપ ધારે ટિયારે કરંટ આપીને કરન્સી પરટ લઈ લેય, ધારે ટેની જમીનમાં બુલેટ ટ્રેન દોડાવી દેય! ધારે ટાંઠી ટેક્સ ઓકાવી લેય!’
‘નિરાશ્રિતોને બાંગ્લાદેશ પાછા ન સ્વીકારે તો?’ ધનશંકરને ચિંતા થઈ.
‘એમના માટે દરેક રાજ્યમાં 15-15 માળના ડિટેન્શન સેન્ટર બનાવવાનાં શરૂ થઈ ગયાં છે!’
‘તો બાંગ્લાદેશીઓએ ખુશ થવું જોઈએ. ઝૂંપડપટ્ટી છોડી બહુમાળીમાં રહેવાનું મળશે!’
હસુભાઈએ વિચાર્યું, ‘ક્યાંક ઝૂંપડપટ્ટીવાસીઓ જાણી જોઈને ભારતીયતાના પુરાવા સંતાડી ન રાખે, જેથી એમને ઝૂંપડીને બદલે ડિટેન્શન સેન્ટરમાં રહેવા-ખાવા મળે!’
બાબુ બોલ્યો, ‘હા, ખાવાનું સરકારી મળહે, અડધી જવાબડારી સરકારે ઉપાડી લીઢી. પીવાનું લોકોએ જાટમહેનટે હોધવું પડહે!’
‘આપણા ટેક્સના પૈસે નિરાશ્રિતોને પોષવાના?’ કદી ટેક્સ ન ભરનાર શાંતિલાલ આક્રોશથી બોલ્યા.
કનુ કોંગ્રેસી બોલ્યો, ‘લાગે છે, નિરાશ્રિતો માટે શુદ્ધીકરણ પ્રક્રિયા બનાવવામાં આવશે. જેમ કોંગ્રેસમાંથી આવેલાને તમે સ્વીકારો છો, એમ બાંગ્લાદેશીઓનું શુદ્ધિકરણ કરી કેમ ન આવકારો?’
ભગુ ઘડીભર તો આ વિચારથી લલચાયો, પણ પછી બોલ્યો, ‘કસાબને બિરિયાની ખવડાવનારાઓ! તમારે અમને કંઈ શીખવવાની જરૂર નથી. અમે તમારા કોંગ્રેસરાજ જેવી ભૂલો નથી કરવાના! અમારી ભૂલો પણ મૌલિક હશે!’
હસુભાઈ બોલ્યા, ‘કાલે નારદ મારા સપનામાં આવ્યા.…
નારદ બોલ્યા, ‘હું ભગવાનનો પ્રતિનિધિ છું.’
મેં કહ્યું, ‘એનો કોઈ પુરાવો? આઈ.ડી?’
નારદ બોલ્યા, ‘તંબૂરો!’ પહેલાં મને લાગ્યું કે નારદજી સુરતી બોલ્યા. પછી ખ્યાલ આવ્યો કે તંબૂરો એમનું આઈ.ડી જ છે ને!
‘ભગવાને મને પૃથ્વી પર જઈ બધા માણસોની માણસાઈના પુરાવા ચેક કરવા કહ્યું છે!’
મેં પૂછ્યું, ‘માણસ પાસે માણસાઈની રિયલ ‘આઈ.ડી’ છે કે એની માણસાઈ ‘વાયડી’ છે, એ કઈ રીતે ખબર પડે?’
નારદ બોલ્યા, ‘સહેલું છે, તમારા આત્માને પરમાત્મા.com પર login કરાવી જાતને જગન્નાથ સાથે link કરી જુઓ!’
મેં તરત બેવાર પરમાત્મા.com ખોલી જોયું, પણ link સીધી ‘નિત્યાનંદ.com’ અને ‘નિર્મલબાબા.com’ પર રિડાયરેક્ટ થઈ ગઈ!
‘ઓહો! સર્વર હેક થઈ ગયું લાગે છે!’ નારદ ભાગ્યા.
‘પાછા આવો ત્યારે ભગવાનના હોવાનો પુરાવો લઈ આવજો. ખરેખર તો એના વગર અમે નિરાશ્રિત છીએ!’ મેં કહ્યું.
હસુભાઇનું સપનું સાંભળીને મેં વિચાર્યું, ‘જ્યાં સુધી આપણી માણસાઈનો કોઈ પુરાવો મળી ન જાય ત્યાં સુધી આ જીવન એક જાતનું ડિટેન્શન સેન્ટર જ છે ને!’
[email protected]
X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી