મહેનત કરનારની મજાક ઉડાવો છો?

article by varsha pathak

વર્ષા પાઠક

Sep 05, 2018, 12:05 AM IST

મુંબઈમાં રહેતી રેખા મધ્યમવર્ગીય ગૃહિણી છે. પરિવારમાં કોઈ મોટો આર્થિક પ્રોબ્લેમ નથી, પણ રેખાને આર્થિક સ્વતંત્રતાની ધૂન વર્ષોથી લાગી છે. પહેલાં જોબ કરતી હતી. એ છોડી દીધા પછી ઘરમાં રહીને પણ નાનો-મોટો કોઈ ને કોઈ વ્યવસાય કર્યા કરે. ત્રણેક વર્ષ પહેલાં એણે ગુજરાતના એક જાણીતા ગૃહઉદ્યોગમાંથી ખાખરા મંગાવીને મુંબઈમાં વેચવાનું શરૂ કર્યું.

આ કામ સહેલું નહોતું. એક તો આ કામનો કોઈ અનુભવ નહીં, બીજું હવે એ સાવ નાની નહોતી રહી. લગભગ પંચાવન વર્ષની ઉંમર થઈ ગયેલી. વળી, ખાખરા પાપડના ક્ષેત્રમાં તો દિનબદિન કોમ્પિટિશન વધી રહી છે. એકલદોકલ સ્ત્રીથી માંડીને મોંઘી ફૂડપ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ ખાખરા વેચે છે. રેખાએ સાવ સિમ્પલ કહેવાય એવો બિઝનેસ મંત્ર અપનાવ્યો. ઓવરહેડ્સ, એટલે કે બિઝનેસમાં બને એટલો ખર્ચ ઓછો કરવાનો. અઠવાડિયે પાંચથી છ વાર ગુજરાતથી ટ્રકમાં મુંબઈની એક જગ્યાએ ખાખરાના બોક્સીસ ઊતરે. રેખા રાતે લગભગ દસ વાગ્યે કાર લઈને ઊપડે અને એમાં જાતે જ માલ ભરીને ઘેર લઈ આવે. પછી મોડી રાત સુધી બેસીને એના પર લેબલિંગ કરે, બીજે દિવસે જ્યાં જે ઓર્ડર પહોંચાડવાના હોય એ છૂટા પાડીને થેલામાં ભરે. સવારે ગાડી લઈને પાછી ડિલિવરી માટે નીકળી પડે.

આપણા મહાન દેશમાં ખોટા ધંધા કરો તો વાંધો નહીં, પણ ઈમાનદારીથી શ્રમ કરો તો બાપડાં બિચારાં ગણાઈ જશો

એ દરમ્યાન ફોન પર નવા ઑર્ડર નોંધવાનું ચાલુ હોય. વિના સંકોચે એ કહે છે કે મને હરવા ફરવાનો શોખ છે અને એ શોખ હું મારા કમાયેલા પૈસામાંથી પૂરો કરું છું, એની મને ખુશી છે.આટલું વાંચીને તમે કદાચ કહેશો કે આવી મહેનત કરનારી બીજી અનેક સ્ત્રીઓ હોય છે. દેશની અસંખ્ય સાવ ગરીબ કહેવાય એવી સ્ત્રીઓએ પણ ઘરમાં ખાખરા પાપડ વણીને, વેચીને ઘર ચલાવ્યું છે, પોતાનાં સંતાનોને ઉચ્ચ કેળવણી આપી છે. વાત સાચી છે, પણ અહીં બીજા લોકોના રિએક્શન્સની વાત કરવી છે. સાવ ગરીબ સ્ત્રીઓ જીવનનિર્વાહ માટે કામ કરતી હોય ત્યારે લોકો એના પ્રત્યે સહાનુભૂતિ દાખવે, પણ મિડલ ક્લાસ ગૃહિણી આવું મહેનતનું કામ કરે ત્યારે કોઈવાર વિચિત્ર ગણાતા પ્રતિભાવ આવે. રેખાના પાર વિનાના મિત્રો છે અને એમાંથી મોટાભાગના શ્રીમંત કહેવાય એ વર્ગના છે. એમાંથી એક જણે વાતવાતમાં ટિપ્પણ કરી લીધી કે, ‘રેખા, કંઈ નહીં ને તેં હવે ખાખરા વેચવાનું શરૂ કર્યું?’ સહેજ પણ ખચકાયા વિના રેખાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘હા, કોઈ ડાયમંડ વેચે તો કોઈ ખાખરા.’


રેખાએ ઉચ્ચારેલું આ એક વાક્ય મને બરાબર અપીલ કરી ગયું છે. વાત તો સાચી કે પ્રામાણિકપણે કોઈપણ કામ કરવામાં શાની શરમ? કમનસીબે આપણે ત્યાં નાના ગણાતા કામને કે એ કામ કરનારને આદરની દૃષ્ટિએ જોવાની પરંપરા જ નથી. શ્રીમંત પરિવારની સ્ત્રી ડિઝાઇનર ડ્રેસીસ વેચતું બુટિક ખોલે તો સહુ એની વાહવાહ કરે, એની આવડત અને મહેનતની પ્રશંસા કરે, પણ એ જ બુટિકમાં વેચાતાં કપડાંમાં ગાજ બટન ટાંકતી કે ઘેર બેસીને સાડીને ફોલ મૂકતી સ્ત્રીઓ દયાનું પાત્ર ગણાઈ જાય. એવું કહેવાય કે, ‘અરેરે, બિચારી દુઃખિયારીએ પેટ ભરવા આવું કામ કરવું પડે છે.’ અને જોવાનું એ કે શ્રમજીવીને ઘૃણા કે દયાનું પાત્ર ગણનારા પોતે કોઈવાર કંઈ કામ નથી કરતા હોતા. બાપને કે પતિને પૈસે તાગડધિન્ના કરતી સ્ત્રીઓ સામાન્ય નોકરી કરતી સ્ત્રીઓને પોતાના વર્તુળમાંથી બહાર રાખે છે.’ બાપડીનો વર કમાતો નથી એટલે પોતે ઢસરડા કરવા પડે છે.’ એવું બોલીને આળસુ મહિલાઓ આપબળે ઊભી રહેલી સ્ત્રીઓનું અવમૂલ્યન કરવાની મૂર્ખાઈ દર્શાવી દે છે. ખોટા રસ્તે પૈસા કમાતા પતિઓનું એમને અભિમાન છે અને સામેવાળી મહેનતુ નારી માથું ઊંચું રાખવાને બદલે નીચું જોઈ જાય છે, એ વળી વધુ મોટી મૂર્ખાઈ છે.


શરમ તો ત્યારે આવવી જોઈએ જ્યારે તમે કંઈ કામ કર્યા વિના પડ્યા રહો, ખુદની અય્યાશી માટે બીજા પર આધાર રાખો, ચોરીચપાટી કરો. પણ ના, આપણે ત્યાં બાપને પૈસે જલસા કરતા શ્રીમંત ઘરના છોકરા પોતાની જાતને પેલા ટ્યુશન્સ કરીને કોલેજ ફી રળી લેતા ગરીબ પણ મહેનતુ છોકરાથી ઊંચી માને છે. એમાં જોકે એમનો વાંક નથી, કારણ કે આ સંસ્કાર મા-બાપ પાસેથી મળે છે. પૈસેટકે સુખી લોકો વિદેશમાં વેકેશન ગાળીને પાછા ફરે ત્યારે અહોભાવપૂર્વક કહે છે કે ત્યાં તો નોકર મળે જ નહીં, ઘરનું બધું કામ જાતે જ કરી લેવું પડે વગેરે, પણ આ જ લોકો ઇન્ડિયા પાછા ફરે ત્યારે પોતાના હાથે કામ કરતી સ્ત્રીઓને બાપડી બિચારી કહે અને એમને ત્યાં કામ કરતી બાઈ સાથે અપમાનજનક વર્તણૂક કરે. બાય ધ વે, અમેરિકામાં પણ ઘરકામ માટે જોઈતા હોય તો નોકર મળી જ જાય છે, પણ એમનો પગાર આપણા દેશી બાંધવોને વધુ પડતો લાગે છે, એટલે પછી પરાણે વાસણ કપડાં ધોઈ લે છે. બીજી વાત એ કે ત્યાં મોટાભાગના મિડલ ક્લાસના લોકો પણ એવું કરે છે એટલે કોઈને નાનપ નથી લાગતી. આપણે ત્યાં ઘરમાં એકથી વધુ બાઈ કામ કરતી હોય એ અભિમાન લેવાની બાબત છે.

ત્યાં સુખી ઘરના છોકરા સ્કૂલ કોલેજના વેકેશન દરમ્યાન પોકેટ મની કમાવા માટે ફાસ્ટફૂડ જોઇન્ટ્સમાં કૂક કે વેઇટર તરીકે કામ કરે, છાપાં નાખવા જાય તો એમાં શરમ નથી ગણાતી. પોતે શોપિંગ કરવા જે મોલમાં જાય ત્યાં સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા લોકો દેખાય તો ત્યાં જવાનું બંધ કરી દેતા લોકો પણ મને મળ્યા છે. ‘ત્યાં તો કેવું ક્રાઉડ આવે છે’ આવું કહીને નાકનું ટીચકું ચડાવતા લોકો એવું કહેવા માગે છે કે, ‘ત્યાં તો શ્રમજીવી વર્ગ આવે છે, જ્યાં આપણા જેવા અપ્રામાણિક બિઝનેસમેન, લાંચિયા ઓફિસર્સ, સ્ટાફનું લોહી ચૂસનારા સાહેબો, કરચોરી કરનારા મોટા માણસોએ કે મહેનતથી દૂર ભાગનારાં આપણાં ફટવી મારેલાં સંતાનોએ ન જવાય.’


કેવું આશ્ચર્ય છે! આપણો દેશ ભલે ગરીબ છે અને મોટાભાગના લોકો હજી મહેનત મજૂરી કરે છે, પણ ‘ડિગ્નિટી ઓફ લેબર’, ‘શ્રમનું ગૌરવ’ જેવા શબ્દો આપણે ત્યાં અજાણ્યા છે. [email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી