પરખ

article by hemal vishnav

હેમલ વૈષ્ણવ

Sep 05, 2018, 12:05 AM IST

‘લ્યો શેઠ, આ મહિનાનો હિસાબ જોઈ લો.’ કાળુભાઈએ ચોપડો આગળ ધર્યો. ભાડે આપેલી પંદર રિક્ષાનો હિસાબ રજનીકાંત શેઠે ચેક કર્યો અને કાળુભાઈએ આપેલા એમના ભાગના પૈસા ટેબલના ડ્રોઅરમાં સાચવીને મૂકી દીધા.


‘માફ કરજો, પણ આ તમારા શેઠ ત્રણ ફેક્ટરી ચલાવતા હોવા છતાં, રિક્ષા ભાડે આપવાના મામૂલી ધંધામાં શું કરવા પડ્યા હશે? બિઝનેસ સર્કલમાં એમની પીઠ પાછળ વાતો થાય છે. રજની શેઠના બંગલેથી બહાર નીકળેલા એમના મેનેજર નિલેશભાઈને એમના મિત્ર કહી રહ્યા હતા.

શેઠ જરા જુદી માટીના છે, બિઝનેસ સર્કલની પરવાહ કરે એવા નથી

‘અમારા શેઠ જરા જુદી માટીના છે, બિઝનેસ સર્કલની પરવાહ કરે એવા નથી અને આ કાળુભાઈ પણ અલગ પ્રકારનું કેરેક્ટર છે.’ નિલેશભાઈએ માંડીને વાત શરૂ કરી. વખત પહેલાં માત્ર એક રિક્ષાના માલિક કાળુભાઈના વાસ પાસેથી શેઠ કાર લઈને જતા હતા અને કાળુભાઈનો દીકરો એમની અડફેટે આવી ગયો. જોકે, વાંક છોકરાનો જ હતો. કાળુ તો વર્દી પર હતો, પણ ભેગા થયેલા વાસના લોકોએ શેઠની કારનો કાચ તોડી નાખ્યો અને છોકરાની પાટાપિંડીના સારા એવા પૈસા પણ ઓકાવ્યા.


મહિના પછી કાળુભાઈ બંગલો શોધતો આવી પહોંચ્યો. શેઠના પગમાં પાંચસો રૂપિયા મૂકી દેતા બોલ્યો, ‘શેઠજી, ટોળામાં અક્કલ ન હોય. તમે મારા દીકરાની પાટાપિંડીના પૈસા આપ્યા, પણ વાસના લોકોએ તમારી ગાડીને નુકસાન કર્યું એ તો મારે ભરી જ આપવું જોઈએ. દર મહિને પાંચસો રૂપિયા આપીને હું નુકસાની ભરી દઈશ.


શેઠે કાળુભાઈને પારખી લીધો. એ નુકસાની ભરી લે ત્યાં સુધી રાહ જોઈ અને પછી ભાગીદારીમાં રિક્ષા લેવાની દરખાસ્ત મૂકી. આજે કાળુભાઈ અને રજની શેઠ પંદર રિક્ષાના સહિયારા માલિક છે. મેનેજમેન્ટ કાળુભાઈનું અને ઇન્વેસ્ટમેન્ટ શેઠનું. જો શેઠે નુકસાનીના પૈસા ન લીધા હોત તો કાળુભાઈના સ્વમાનને ઠેસ પહોંચી હોત અને એટલે જ શેઠ કાળુભાઈ પાસેથી પચાસ ટકા ભાગ પણ લઈ લે છે, પણ રિક્ષાના ઇન્સ્ટોલમેન્ટ ભરાઈ જાય, પછીના પૈસા કોઈ સારા કામમાં વાપરી નાખે છે. નિલેશભાઈના મિત્ર આ સર્કલમાં બંધાઈને ન રહેનારા રજની શેઠની પારખું નજરને સલામ કરી રહ્યા.

[email protected]

X
article by hemal vishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી