લઘુકથા / આખરી ખુશી

article by hemal vishanav

હેમલ વૈષ્ણવ

Jan 30, 2019, 07:35 PM IST

શુ ભાંગીની અંતિમ યાત્રા નીકળવાની તૈયારી હતી. પતિ સુજિત અંતિમ યાત્રાની બધી વિધિ વડીલોની સૂચના પ્રમાણે કરી રહ્યો હતો. સુજિતની બાજુમાં બેસી ગયેલા અચ્યુતને જોતાં જ શુભાંગીની પાડોશણ પ્રજ્ઞાએ મોં મચકોડ્યું.‘આવી ગયા છેલ્લી ઘડીએ લહેરીલાલા, છેલ્લા મહિનાથી કોમામાં હતી ત્યારે ભાઈ એવરેસ્ટની સફરે ઊપડી ગયા હતા.’


‘સુજિતભાઈના કઝિન બ્રધર છે, યુકે રહે છે. એવરેસ્ટની સફર માટે આવેલા, મહિના પહેલાં શુભાંગીની ખબર કાઢવા આવ્યા હતા. તમે માનશો? શુભાંગી બિચારી કેન્સરના છેલ્લા સ્ટેજમાં અને આ ભાઈએ એની પાસે ભજિયાં બનાવડાવ્યાં હતાં. એ તો ભજિયાં ખાઈને ચાલતા થયા, પણ એ થાકને કારણે શુભાંગીની તબિયત બગડી, બીજે દિવસથી હોસ્પિટલે ગઈ તો પાછી આવી જ નહીં.’ પ્રજ્ઞાની વાતમાં અચ્યુત માટે ભારોભાર તિરસ્કાર હતો.


‘અચ્યુતભાઈ, શુભાંગી તો ગઈ, પણ તમારો ખૂબ આભાર. એવરેસ્ટ જતા પહેલાં તમે મળવા આવેલા ત્યારે જાણે શુભાંગી બીમાર હોય જ નહીં એમ બોલેલા કે શુભાંગી, યુકેમાં તારા હાથનાં ભજિયાંની ખોટ બહુ સાલે, તો એ કેટલા વખત પછી ખાટલો છોડીને કિચનમાં ગઈ. એ રાત્રે એ બહુ થાકી ગયેલી, પણ બહુ ખુશ હતી. કહેતી હતી કે બધાએ બીમાર છું કહીને પાંગળી કરી મૂકી, એક અચ્યુતભાઈએ જ મારી સાથે જાણે હું નોર્મલ હોઉં એમ વાત કરી. એ રાત્રે તો એ કોમામાં ગઈ, પણ તમે એની છેલ્લી સભાન પળોમાં જિંદગી ભરી દીધી.’


‘લોકોને જમાડવામાં એને ખુશી મળતી, આ જો ભજિયાં આપતી વખતે હાથ લૂછવા એણે પેપર નેપ્કિન આપેલો, એ મારી સાથે જ લઈ ગયેલો. મને ખબર હતી કે આ છેલ્લી વાર એના હાથનાં ભજિયાં.., તારા ઘરની બહાર નીકળીને ખૂબ રડેલો.’ શુભાંગીની નનામીનાં ફૂલો વચ્ચે અચ્યુતે ધીરે રહીને પેપર નેપ્કિન મૂકી દીધો અને મનોમન જ બોલ્યો, ‘ગુડ બાય ભજિયાં ક્વીન.’

[email protected]

X
article by hemal vishanav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી