લેખક ચપટીમાં વંચાઈ જાય અને વિચારતાં કરી મૂકે તેવી માઈક્રો-વાર્તાઓ સર્જવા માટે જાણીતા છે.

સુપરસ્ટાર

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

ધૂમ તડકામાં સુપરસ્ટાર ઋતુરાજના‘મનોરથ’ બંગલાની સામે પ્રશંસકોની ભીડ જામી હતી. બાર વરસનો દગડુ ટોળાની વચ્ચે ફરીને હેટ, છત્રી વગેરે વેચી રહ્યો હતો. મનોમન એ પ્રાર્થના કરતો હતો કે ઋતુરાજ ટેરેસ પર જેટલો મોડો દેખાય એટલું સારું. જેથી આ તડકામાં એની ચીજો વધારે વેચાય.


દગડુનું નસીબ નબળું નીકળ્યું. ઋતુરાજ સમયની પાબંદી માટે જાણીતો હતો. બરાબર બાર વાગ્યે એણે ટેરેસ પર એન્ટ્રી મારી અને ટોળું એને પાસેથી નિહાળવા બંગલાના દરવાજા સુધી દોડી ગયું. દગડુના હાથમાંનો છત્રી અને હેટ ભરેલો થેલો ટોળાના ધક્કાથી નીચે પડી ગયો. બે-ત્રણ છત્રીના તો દાંડા પણ તૂટી ગયા, પણ ટોળાને પરવાહ ન હતી. આજની જે કમાણી થઈ હતી એ તો આ તૂટેલી છત્રીઓની નુકસાની જ ચાવી ગઈ. દગડુની આંખ ભરાઈ આવી.


દગડુના ખભે એક મજબૂત હાથ પડ્યો. ‘અંદર ચલ’ બંગલાનો ચોકીદાર દગડુને કહી રહ્યો હતો. થોડીક વારમાં તો દગડુ ઋતુરાજની સામે ટેરેસ પર ઊભો હતો. દગડુને માન્યામાં નહોતું આવતું.
‘કેટલી કમાણી કરી લે છે?’ ઋતુરાજે પૂછ્યું.


‘માલિક, આજ તો નુકસાની જ છે. ત્રણ છત્રી તૂટી.’ દગડુનો અવાજ ભરાઈ આવ્યો.


‘આજ પછી તું આ ચીજો વેચશે નહીં અને ભણવાનું શરૂ કરશે, સમજ્યો?’ ઋતુરાજના અવાજમાં આજ્ઞા હતી.


માત્ર ત્રણ મિનિટ ટેરેસ પર ઊભો રહેતો ઋતુરાજ બીજી વીસ મિનિટ સુધી ઊભો રહ્યો ને ટોળાને દેખાય એમ દગડુની દરેક હેટ, દરેક છત્રી પર પોતાના ઓટોગ્રાફ કંડારતો રહ્યો.


‘હવે આ ચોકીદાર સાથે નીચે જા, એક-એક આઇટમના લોકો દસ હજારથી પણ વધારે રૂપિયા આપશે. બસ, ખોટા રસ્તે પૈસા ન વાપરતો.’ ઋતુરાજે બંગલામાં જવા પીઠ ફેરવી. ટોળાએ આજે એમના વહાલા સ્ટારનું સુપરહિટ પર્ફોર્મન્સ મન ભરીને માણ્યું હતું. કલાક પહેલાં દગડુ ટોળાની આસપાસ ફરતો હતો અને હવે ગેટની બહાર આવેલા દગડુની આસપાસ ટોળું જમા થઈ ગયેલું હતું.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP