લઘુકથા / શાંતિ

article by hemal vaishnav

હેમલ વૈષ્ણવ

Jan 16, 2019, 04:23 PM IST

અમેરિકામાં આવેલા વરમોન્ટ રાજ્યના રસ્તા પર દામજીભાઈની મર્સિડીઝ જઈ રહી હતી. ન્યૂ યોર્ક કરતાં અહીં કેટલી શાંતિ હતી! દામજીભાઈએ વિચાર્યું. આમ તો નિકુંજ છેડો ફાડીને જતો રહ્યો ત્યારથી ન્યૂ યોર્કમાં પણ શાંતિ જ હતી ને?


‘ડેડ, આઇ ડોન્ટ કેર ફોર યોર બિઝનેસ.’ નિકુંજે કહી દીધેલું અને ઘણા જ્વેલરી સ્ટોર્સ અને ગેસ સ્ટેશન્સના માલિક દામજીભાઈ કાળઝાળ થઈ ગયેલા. બાપ દીકરા વચ્ચે બોલાચાલી થઈ ગયેલી. ‘ડેડ, તમે કેશ પેમેન્ટ લઈને ટેક્સ ભરતા નથી, પછી શ્રીજી બાવાના ટેમ્પલમાં પૂજા કરો છો.

ઇન્ડિયા થોડા પૈસા ડોનેશનમાં મોકલીને બધા પાસે વાહવાહી કરાવો છો એનો શું મીનિંગ? આ દેશે તમને આટલું આપ્યું છે અને એની જ સાથે ગદ્દારી કરો છો.

એબોવ ઓલ તમારા બિઝનેસ એસોસિયેટની ડોટર સાથે પરણાવવાનો ફોર્સ કરો છો, બટ, આઇ લવ કેથી.’ નિકુંજ તપી ગયો હતો.
‘તમે એક વાર કેથીને મળો તો...’ વચ્ચે પડેલાં શ્યામાબહેન દામજીભાઈની આંખો જોઈને ચૂપ થઈ ગયાં. નિકુંજ ઘર છોડી ગયો હતો. દામજીભાઈને એટલી જ ખબર હતી કે નિકુંજ એની પેઇન્ટર વાઇફ કેથી સાથે વરમોન્ટમાં આઠ વર્ષથી નાનકડો સ્ટોર ચલાવતો હતો. શ્યામબહેનની સાઠમી બર્થડે આવતી હતી અને એ કહેતાં ન હતાં, પણ દામજીભાઈને ખબર હતી કે એમની ઇચ્છા હતી કે નિકુંજ અને કેથી પાર્ટીમાં આવે.


નાનકડા સ્ટોરના કાઉન્ટર પાછળ ઊભેલી ગોરી યુવતી કેથી હશે એમ દામજીભાઈએ માની લીધું. ‘પ્લીઝ, ગિવ ધિસ કાર્ડ ટુ નિક.’ દામજીભાઈએ નિકુંજ આવે એ પહેલાં એની નજરથી બચવા જલદીથી કાર્ડ કેથીને પકડાવી દીધું.


‘વેઇટ’ કેથી દુકાનના અંદરના ભાગમાં ગઈ. શ્રીનાથજીનું પેઇન્ટિંગ લઈ આવી. ‘ધિસ ઇઝ ફોર યુ ડેડ’ શ્રીનાથજીનું પેઇન્ટિંગ જોઈને દામજીભાઈ અવાચક રહી ગયા. કેથીએ કાઉન્ટરના ખૂણે નિકુંજની દામજીભાઈ સાથેની તસવીર તરફ ઇશારો કરતાં કહ્યું, ‘નિક ઓલવેઝ ટોક્સ અબાઉટ યુ...’
વોલેટમાં હતા એટલા પૈસા ખેંચીને કેથીના હાથમાં મૂકીને ભીની આંખે એમણે કેથીના માથે હાથ મૂકી દીધો અને બોલ્યા, ‘ટેલ નિકુંજ હી વોઝ રાઇટ’

[email protected]

X
article by hemal vaishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી