લઘુકથા / નશો

article by hemal vaishnav

હેમલ વૈષ્ણવ

Jan 09, 2019, 06:46 PM IST

‘ડ્રેસિંગ ટાઇમ સર’ નીલા રૂમમાં પ્રવેશી. નીરવના હાથને ડ્રેસિંગ કરતી નીલાને નીરવનો મિત્ર અંશ ભુખાળવી નજરે જોતો હતો.


‘ટૂ બેડ યાર, એક્સિડન્ટમાં મને વાગ્યું નહીં, નહીં તો આ અપ્સરાને મારી સેવા કરવાનો પણ મોકો...’ રૂમની બહાર જતી નીલા તરફ જોતાં અંશે આંખ મીંચકારી.


‘તું એને છોડ, મને તો મારા હાથ પરની સોનાની લકી નથી મળતી એની ફિકર છે. યાર, સલોનીએ ફ્રેન્ડશિપ ડે પર આપી હતી, મારું અને સલોનીનું નામ હતું એની ઉપર...’


‘ગઈ એ તો, એક્સિડન્ટ જે એરિયામાં થયો હતો ત્યાં આગળની બસ્તી જોઈ હતી? આ તારા હાથને ઈજા થઈ એમાં ત્યાં પડીને, કોઈને પચી પણ ગઈ હશે, આપણે ભાગ્યા વગર છૂટકો ક્યાં હતો?’


ગઈ કાલ રાત્રે ન્યૂ યરની પાર્ટીમાંથી ચિક્કાર પીધેલી હાલતમાં આવતા બન્ને નબીરાઓએ કાર સામેથી આવતા લારીવાળા સાથે કાર ઠોકી દીધી હતી અને એક્સિડન્ટ પછી ભાગી છૂટ્યા હતા. ધનાઢ્ય પિતાઓની વગને કારણે આખો કેસ રફેદફે થઈ ગયો હતો.
‘સર, હવે બીજી નર્સ આવશે, મારે આજે વહેલા જવું પડે એમ છે.’ અંદર આવેલી નીલા બોલી.


‘સિસ્ટર, પણ અમને તમારી સાથે ફાવી ગયું છે, તમારે જ્યાં જવું હોય ત્યાં મોડેથી ડ્રોપ કરી દઉં,’ અંશે કહ્યું.


‘આવી પ્રાઇવેટ નહીં, પણ સરકારી હોસ્પિટલે જવાનું છે, ફાવશે? મારો બાપ ત્યાં દાખલ કરેલ છે. કાલે રાત્રે કોઈ પીધેલાએ એની લારીને ઠોકી દીધી. પોલીસ પુરાવા માગે છે, પુરાવો તો મારી પાસે છે, આજે સવારે હોસ્પિટલ આવવા નીકળી ત્યારે ત્યાં જ સડક પર પડેલો.’ નીલા બોલી.
‘આ લો, અમારી નસોમાં બાપના ખર્ચે પીધેલો દારૂ નહીં, પણ વારસામાં મળેલી ઈમાનદારી વહે છે.’ નીરવ તરફ એણે સોનાની લકી ફેંકી. ‘સોરી સિસ્ટર, તમારા પપ્પાનો ખર્ચો...’


‘હું કમાઉં છું, સંભાળી લઈશ. બીજી વાત, સિસ્ટર ન કહેશો, એ શબ્દનો અર્થ જાણતા નથી એ તમારી ગંદી નજરથી પરખાઈ જાય છે.’ બન્ને નબીરાઓનો નશો ઉતારીને નીલા સડસડાટ રૂમની બહાર જતી રહી.

[email protected]

X
article by hemal vaishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી