રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ / ગુજરાતનો ઐતિહાસિક સૂફી યુગ

article by mehboobdesai

Divyabhaskar.com

Jan 02, 2020, 06:48 PM IST

રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ
રમજાન માસના વીસમા રોઝે (હિજરી સન 849, ઈ.સ. 1446) જન્મેલ અને રમજાન માસના બીજા રોઝે (હિજરી સન 917,
ઈ .સ. 1511)અસર (સાંજ)ની નમાઝ બાદ 70 વર્ષ અને અગિયાર માસની વયે અવસાન પામેલ મહમદ બેગડાના શાસનને સૂફી યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મહમદ બેગડાના શાસનકાળમાં જાણીતા સૂફીસંતોની ભરમાર હતી. ગુજરાત પર પંચાવન વર્ષ, એક માસ અને બે દિવસ શાસન કરનાર મહમદ બેગડાના સગા માસા સૂફીસંત શાહ-એ-આલમસાહેબ હતા. જેમની મજાર દરગાહ આજે પણ શાહ-એ-આલમમાં હયાત છે.
શાહ-એ-આલમસાહેબનું અવસાન ઈ.સ. 1875 માં થયું હતું, પણ રોજો પાછળથી 1531માં તાજખાનના નરપાલીએ બંધાવ્યો હતો. નરપાલીએ બંધાવેલો રોજો અમદાવાદના રોજાઓમાં સુંદર ગણાય છે. તેમની કબરની ઉપર સરખેજ જેવી છીપના સુંદર જડતરકામવાળી લાકડાંની છત્રી છે. ઘુમ્મટમાં પણ છીપનું સુંદર જડતરકામ ગ્યાસુદ્દીન અલી અસફ ખાને કરાવેલું છે. પિત્તળનાં નકશીકામવાળી કમાનો પાછળથી મુકાયેલી છે. અમદાવાદમાં એ સમયે પણ પિત્તળનું ઉત્તમ કામ થતું હતું એ સિદ્ધ કરે છે. પડાળીને પૂર્વ છેડે સાત કબરો છે તે શાહ-એ-આલમના પુત્ર-પૌત્રોની છે અને એક નાની ખબર તેમના પોપટની છે. તાજખાન અલીએ આ રોજો બંધાવ્યો તેનો લેખ દરવાજા ઉપર આરસની તકતીમાં છે. એ જ રીતે એ યુગમાં થઇ ગયેલા શેખ સિરાજુદ્દીન અઝીઝુલ્લાહ, પીર સૈયદ ઇમામુદ્દીન અને હજરત સૈયદ મહમદ જોનપુરી જેવા સૂફી સંતોનો પ્રભાવ મહમદ બેગડાના શાસન અને જીવન પર સ્પષ્ટ દેખાતો હતો અને એટલે જ મહમદ બેગડાની અંતિમ ઈચ્છા મુજબ તેને સૂફી સંત અહમદ ખતું ગંજબક્ષના મકબરા દરગાહના પરિસરમાં જ સરખેજમાં દફનાવવામાં આવેલ છે.
મહમદ બેગડાને ચાર રાણીઓ હતી. એ ચારેયને એક એક પુત્ર હતાં. પ્રથમ રાણી રૂપમંજરી, જેની કબર માણેકચોક
(અમદાવાદ)માં છે. તેને મહમદ નામનો પુત્ર હતો . બીજી રાણી શેહપરી (સિપ્રી). જેના પુત્રનું નામ આબાખાન હતું. ત્રીજી રાણી હીરાબાઈનાં પુત્રનું નામ હતું ખલીલખાન (મુઝફ્ફરખાન) અને ચોથી રાણીનાં પુત્રનું નામ હતું અહમદ શાહ. આ ચારે રાણીઓમાં શેહપરી અત્યંત ખૂબસુરત અને પ્રભાવશાળી હતી. તેનો પુત્ર આબાખાન રંગીન મિજાજનો માલિક હતો. એક દિવસ આબાખાનની સવારી ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. પ્રજા એ સવારીને નિહાળવા રસ્તાની બંને બાજુ ઊભી હતી. રસ્તા પરના એક મકાનના કઠેરામાં એક અત્યંત ખૂબસુરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી. આબાખાનની નજર એ કન્યા પર પડી અને આબાખાન પોતાના રંગીન મિજાજને રોકી ન શક્યો. આબાખાને તે કન્યાને પ્રેમભર્યો ઈશારો કર્યો. પ્રજા આબાખાનના આ અપકૃત્યને જોઈ ગુસ્સે ભરાણી અને આબાખાન અને તેના રસાલા પર તૂટી પડી. શાહજાદાના કિંમતી વસ્રોનાં લીરેલીરા ઊડી ગયા. તેના સિપાઈઓ ભાગી ગયા.
આ ઘટનાની જાણ મહમદ બેગડાને થઈ. તેણે રાણી શેહપરી (સિપ્રી) અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવ્યા અને ઘટનાની સત્યતા તપાસી. પ્રજાના નિવેદન સાંભળ્યા અને પછી ઇન્સાફ કરતા કહ્યું, ‘આ સામે પડેલ ઈશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને... ઓહ ભૂલી ગયો. આ તો શાહજાદો છે, તેને પાણીમાં ઝેર ન અપાય. તેને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો.’ રાણી શેહપરી (સિપ્રી) આ સાંભળી ધ્રૂજી ગઈ. મહમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી, ‘જહાંપનાહ, શાહજાદો આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી આકરી સજા ન કરો.’ મહમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઈ રહ્યો. તેના ચહેરા પર તેની બિલકુલ અસર ન હતી. પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો, ‘આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભત્સ ઈશારો કર્યો હતો એ મારી પ્રજાપુત્રી છે. મારી પ્રજાની ઇજ્જત આબરૂની હિફાજત કરવાની મારી પ્રથમ ફર્જ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રૂજી ઊઠશે.’
રાણી શેહપરી (સિપ્રી)એ પોતાની વિનંતી ચાલુ રાખતા કહ્યું, ‘પણ, જહાંપનાહ, આટલી નાની બાબતની આટલી મોટી સજા?’
આ સાંભળી મહમદ બેગડો બોલી ઊઠ્યો, ‘આપની વાત સાચી છે, પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે. તેના હાથ-પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રિબાવશે અને એક મા તરીકે આપ એ જોઈ નહીં શકો. માટે ઝેર દ્વારા મુક્તિ એ જ એના માટે ઉત્તમ સજા છે.’
અને રાણી શેહપરીએ પોતાના એકના એક પુત્રને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું. આખો દરબાર મહમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઈ રહ્યો. થોડી જ પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું અને એક સુલતાન બાપની ફર્જ ભૂલી પોતાના અદ્દલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો. આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહપરી (સિપ્રી)ની મસ્જિદમાં રાણી સિપ્રીની કબર પાસે જ શાહજાદા આબાખાનની કબર મહમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પૂરતી હયાત છે. આવો હતો ગુજરાતનો સૂફી યુગ.
www.mehboobdesai.blogspot.com

X
article by mehboobdesai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી