નીલે ગગન કે તલે- મધુ રાય / કહો, કહો કવયિત્રી કેડિત્સુ

article by madhu rye

Divyabhaskar.com

Jan 09, 2020, 03:59 PM IST
નીલે ગગન કે તલે- મધુ રાય
હેલો, હેલો, વાચક, વાચક! તમારે ચકિત થવું છે? તો આવો, આપણે નાગાલેન્ડની વાત કરીએ. આસામને ભેટીને ઊભેલા ભારતના આ ટચુકડા રાજ્યમાં સદીઓથી વસેલા છે મોંગોલ અણસારના પહાડી લોકો ‘નાગ’ કે ‘નાક’. તેઓ સદીઓ પહેલાં આસામના ‘અહોમ’ પ્રજાના આગમનનીયે પહેલાં મોંગોલિયા કે ચીન તરફથી કે શી ખબર કઈ દિશાએથી અહીં આવી વસેલા છે, ‘નાગ’ અથવા ‘નાક’ બંને શબ્દોનો બર્મીઝ ભાષામાં અર્થ છે, કાનમાં કુંડલ પહેરતા લોકો અને વળી કોઈ કહે છે કે તે નાગા નહીં ‘નગ’ છે જેનો અર્થ પહાડ કે પહાડી થાય છે. નાગાલેન્ડમાં 20 જેટલી જુદી જુદી ‘ટ્રાઇબો’ છે અને લગભગ એટલી જ ભાષાઓ પણ છે. દરેકના તહેવારો, રીતરિવાજો, પહેરવેશ, ભાષા અને ભોજનસામગ્રી અલગ અલગ છે. પ્રથમ તે સર્વ ટ્રાઇબો પ્રકૃતિપૂજક હતી, પણ બ્રિટિશરોએ તે પ્રદેશ જીતી લીધા બાદ ત્યાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થતાં હવે સમસ્ત રાજ્ય ખ્રિસ્તી ધર્મ પાળે છે અને હવે ‘ઇન્ડિયન ઇંગ્લિશ’ તેમની રાજભાષા છે.
સન 1944માં સુભાષબાબુની આગેવાનીમાં અાઝાદ હિન્દ ફોજે જાપાનીઝ સૈન્યની કુમકથી બર્મા ઉપર ચડાઈ કરીને નાગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રવેશી ભારતને આઝાદ કરવાનો પ્રયત્ન કરેલો, જે અલબત્ત નિષ્ફળ ગયેલો. નાગા લોકોનો બ્રિટિશરોને સતત પોકાર હતો કે અમારે તમારા સુધારા નથી જોઈતા, અમને છૂટા કરો, અમને અમારાપણું સાચવવા દો. ભારતની આઝાદી પછી આટલો હિસ્સો આસામમાં જોડાયેલો રહેલો હતો અને તેમાંથી અલગ થવાની ચળવળ થતાં નાગાલેન્ડ છેક 1963માં ભારતનું 16મું રાજ્ય બન્યું છે. અન્ય રાજ્યોથી ઘેરાયેલા જમીનના આ ટુકડાને ‘આઝાદ’ કરવાનાં આંદોલનોને ખાળવા તે રાજ્યનાં સંસાધનો ખર્ચાઈ જાય છે, જેથી તે રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ થતી નથી. નાગાલેન્ડ પ્રાકૃતિક સમૃદ્ધિ અને નેત્રરંજક પશુપંખીઓની ભૂમિ છે વગેરે વગેરે વગેરે.
આ અને નેટ ઉપરથી લાધેલી નાગાલેન્ડ વિશેની અત્યંત વિસ્મયકારી અન્ય વાતો ભારતવર્ષના પશ્ચિમતમ છેવાડે આવેલા ગુજરાત રાજ્યના આ ગાફેલ લેખકને ચકિત કરે છે, કેમ કે મધ્ય ભૂમિમાં વસતા ભારતીયોને રાષ્ટ્રના પૂર્વતમ છેડે વસેલા આ અનેરા રાજ્ય વિશે ભાગ્યે જ કશી માહિતી છે કે અરે! કુતૂહલ પણ છે, પણ એકાએક આ ગુજરાતી લેખકને નાગાલેન્ડનું આવું બધું નેટ ફંફોસીને જોવાનું કૌતુક શેં થાય છે?
અહો! ગુજરાતી સાહિત્ય પરિષદના 31મા જ્ઞાનસત્રના અતિથિ વિશેષ પ્રો. થિયિએસિનુઓ કેડિત્સુ નાગાલેન્ડનાં કવયિત્રી છે અને ખ્રિસ્તમસ પછીની પ્રથમ સવારે પાલનપુરના વિદ્યામંદિરના નયનરમ્ય કેમ્પસમાં પોતાનો, પોતાની ભૂમિનો, પોતાની જાતિનો, ભાષા–ભૂષા, રહનસહન અને સાહિત્યનો પરિચય પોતાના પુષ્પ–પ્રપાત–શા ઉદ્્બોધનમાં આપતા શ્રોતાઓ ડોલાવે છે.
કવિની શૈલી, કંઠસ્વર, હાવભાવ, દેહભંગિમા અને કથન સમગ્ર સુરમ્ય, સૌમ્ય ને હૃદયંગમ છે. આ કવયિત્રીના પરિવેશમાં એવી એક ગરિમા છે કે પરિષદ પ્રમુખ તેમનો ઉલ્લેખ માય સિસ્ટર કહીને કરે છે ને શ્રોતાજનો હર્ષથી ઊભા થઈ કરતલ ધ્વનિના નાદથી વધાવે છે, જય હો, જય હો. નાગાલેન્ડના આ ગરવા કવિ તે આ જ્ઞાનસત્રનો અવિસ્મરણીય પ્રસાદ.
બીજો આહ્્લાદક પ્રસંગ હતો બીજા પર્વનો જેમાં સુશ્રી સ્વાતિ જોશી, સૌમ્ય જોષી, પ્રબોધ પરીખ તથા પરેશ નાયક જેવા પ્રચંડ બૌદ્ધિકોએ વિશ્વની વિધવિધ પ્રતિભાઓ વિશે પોતપોતાનું દર્શન રજૂ કર્યું. સૌમ્યની કેશવાળી તથા બ્રેખ્ત વિશેનું મંતવ્ય વિશેષ ઉલ્લેખનીય હતાં.
ત્રીજો ઉપહાર આ સત્રનો હતો વિશ્વખ્યાત ચિત્રકાર અતુલ દોડિયા સાથે એક સાંજ. પીયૂષ ઠક્કરના સંચાલન હેઠળ ચિત્રકારે પોતાની ચિત્રકલાના આરંભથી આજ સુધી એમણે અનુભવેલા અન્ય ચિત્રકારો તેમ સાહિત્યકારોના પ્રભાવ વિશે ચિત્તાકર્ષક રજૂઆત કરી જેમાં દોઢેક કલાકનો સમય કોઈ રોમાંચક ફિલ્મ જેટલી ત્વરાથી વીતી ગયો.
આ લીટીઓ લખતા લેખકને બીજા દિવસે પાછા ફરવાનું હતું. છતાં બીજા દિવસના પર્વમાં રહેવાય તેટલું રોકાઈને ચંદ્રકાંત શેઠ, પ્રફુલ્લ રાવલ, સુશ્રી સેજલ શાહ, સુશ્રી સરૂપ ધ્રુવ, ભાઈશ્રી સમીર ભટ્ટ વગેરેનાં વક્તવ્ય સાંભળી દોટ મૂકેલી ગાંધીનગરની બસ પકડવા.
આ લીટીઓના લખનાર દર વર્ષે ભારતચર્યા કરવા આવે છે ને બને તો પરિષદનાં આવાં પર્વોમાં હાજર રહેવા દર વર્ષે કોશિશ કરે છે, કેમ કે તે રીતે 33 કરોડ સાહિત્યકારોનાં દર્શન થાય છે ને કદિક અણચિંતવ્યો લહાવો મળે છે નાગાલેન્ડ જેવા જાદુઈ પ્રદેશોની જાણકારીનો.
જય કિશોર જાદવ!
[email protected]
X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી