મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / ચાલો, આજથી કસરત કરીએ

article by prashant bhimani

Divyabhaskar.com

Dec 04, 2019, 04:44 PM IST
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
ધીમા, પણ મજબૂત પગલે શિયાળો આવી ચૂક્યો છે. આજકાલ જિમ્નેશિયમ, મોર્નિંગ વોકર્સ અને યોગ પ્રેક્ટિશનર્સ બિઝી થવા માંડ્યા છે. શિયાળાનો ભરપૂર લાભ ઉઠાવવા શું કરવું તે માટે જાગૃત લોકો ગૂગલનો સહારો પણ લઈ રહ્યા છે. અવનવા ગૂગલિયા નુસખાઓ અને સોશિયલ મીડિયાની ઝાકમઝાળ વચ્ચે આજે મારે કસરતના મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે વાત કરવી છે.
એ તો હવે જાણીતું છે કે, શારીરિક કસરત માત્ર શરીર માટે નહીં, મન માટે પણ ફાયદાકારક છે. હમણાં જ આ વિશેના વૈજ્ઞાનિક આધારો પણ દુનિયા સમક્ષ આવ્યા છે. જર્નલ ઑફ સાયકોલોજીઃ ઈન્ટરડિસિપ્લિનરી એન્ડ એપ્લાઈડમાં એક પદ્ધતિસરના અભ્યાસમાં આ વિશેની વાત છે. એમાં જુદા જુદા 38 એવા અભ્યાસોમાંથી પુરાવા ભેગા કરવામાં આવ્યા જેમાં એક્સરસાઈઝની તીવ્રતા, સમયગાળો અને પ્રકાર વ્યક્તિના મૂડ પર શું અસરો જન્માવે છે તેનાં વૈજ્ઞાનિક તારણો છે.
કસરતના મુખ્યત્વે બે પ્રકાર છે. એરોબિક ને એનેરોબિક. ચાલવું, દોડવું, સાઇકલિંગ વગેરે એરોબિક કસરતો કહેવાય છે. જેમાં ચરબી ઓગાળવા શરીર વધુ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જ્યારે એનેરોબિક કસરત જેવી કે વેઈટ લિફ્ટિંગ અથવા સ્પ્રિન્ટિંગમાં શક્તિ માટે શરીરમાં લોહી કે સ્નાયુઓમાંથી ગ્લુકોઝ વપરાય છે.
શેનઝેન યુનિવર્સિટીના સંશોધક જ્હોન ચેન મુજબ એરોબિક કસરતની તીવ્રતા વધારવામાં આવે તો હંમેશાં મૂડ વધુ સારો થાય છે એવું નથી. જ્યારે એનેરોબિક કસરતોમાં મધ્યમસરની તીવ્રતા (મતલબ જ્યાં સુધી ક્ષમતા હોય એટલું જ વજન ઊંચકવાથી) મૂડ સૌથી વધુ પોઝિટિવ રહે છે. સાવ હળવી અને ખૂબ ભારે કસરતોની મૂડ પર ખાસ અસરો નથી જણાતી.
હવે જો કસરતના સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો માત્ર 10થી 30 મિનિટની કસરત તમારા મૂડને આનંદિત કરવા પૂરતી છે. ત્રીસ મિનિટથી વધારે કસરત શરીરને ચોક્કસ ફાયદો કરે, પણ મૂડને વધુ ફાયદો કરે છે તેવું કાયમ બનતું નથી. સંશોધકોએ સ્પષ્ટ કર્યું કે માઈન્ડફુલનેસ આધારિત શારીરિક કસરતો જેવી કે યોગ અને તાઈ-ચી મૂડ ઉપર અદ્્ભુત પોઝિટિવ અસરો કરે છે. એનેરોબિક કસરતો સ્ટ્રેસ અને એંગ્ઝાઇટી પર વધુ અસરકારક છે. એનેરોબિક કસરતોમાં વ્યક્તિ જાતે પોતાના શરીર-મનની પ્રગતિ અનુભવી શકે છે અને તાત્કાલિક અસરો દેખાય છે. પોતાના શરીર-મન ઉપર સ્વ-નિયંત્રણની ભાવના મજબૂત કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એનેરોબિક કસરત BDNF (બ્રેઈન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેકર)ના વધારા સાથે સંકળાયેલ છે. આ BDNF મગજના રચનાકીય અને કાર્યલક્ષી લાભદાયી ફેરફારોને વધારે છે. ટૂંકમાં, હેપ્પી હોર્મોન્સ વધવાથી મૂડની મજા વધે છે.
કસરત કરવાથી શરીરમાં વધતા એન્ડોર્ફિન્સ નામના રસાયણ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. તદુપરાંત શરીરમાં સિરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સ સંતુલનમાં આવવાથી ડિપ્રેશન અને સ્ટ્રેસ ઘટે છે. સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે એરોબિક્સ અને એનેરોબિક્સ કસરતનો યોગ અને પ્રાણાયામ સાથે સુમેળ કરવામાં આવે તો એ શરીર અને મન બંને માટે શ્રેષ્ઠ છે. મનગમતું હળવું સંગીત સાંભળતાં રોજનું પિસ્તાળીસ મિનિટ ચાલવાનું આ માટે ઉપયોગી સાબિત થયું છે. કદાચ જિમ્નેશિયમમાં જઈને વજન ન ઊંચકી શકાય તો ઘરનાં કેટલાંક કામ એવાં હોય છે કે જેમાં મદદરૂપ
થઈ શકાય.
અલબત્ત, દરેક વ્યક્તિના કસરત અંગેના પોતાના અનુભવો, ઉંમર, સ્વાસ્થ્ય, સંજોગો, ઋતુ, આસપાસના લોકોનો સહયોગ, કંપની વગેરે બાબતો પણ ચોક્કસ ભાગ ભજવે છે. રોજિંદા જીવનમાં શરીરથી એક્ટિવ રહેવું અને મનથી શાંત રહેવું જરૂરી છે. આ માટે જરૂર પડે તો કાઉન્સેલિંગ ચોક્કસ લઈ શકાય છે. એવું બિલકુલ નથી કે કોઈ માનસિક રોગ હોય તો જ કાઉન્સેલિંગ લેવાય.
આપણે આપણા શરીર અને મન માટે કોઈપણ ભોગે સમય કાઢવો જ પડશે. શિયાળો તો બહાનું છે, કસરત એ જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બનવો જોઈએ. ગમે તે પસંદ કરો, પણ કસરત જરૂર કરો. કસરત એક ચમત્કારિક મૂડ-મંત્ર છે. તન અને મન બંનેની કાળજી માટે કસરત અને યોગને જીવનનો ભાગ બનાવશો તો રોગનો ભોગ ઓછા બનશો. ચાલો, આજથી કસરત ચાલુ કરીશું?
વિનિંગ સ્ટ્રોક : કસરતની મજા આવવી જરૂરી છે. સજા કે મજૂરીની જેમ વર્તન કરતા કસરતિયાઓ વેઠિયાઓથી બહુ જુદા નથી.
[email protected]
X
article by prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી