બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ / દીકરીને દીકરાથી ઊતરતી ગણવાની સામાજિક વિકૃતિનો અંત જરૂરી છે

article by aashu patel

Divyabhaskar.com

Dec 04, 2019, 05:03 PM IST
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
નારીને દેવી સ્વરૂપ ગણતા આપણા ભારતીય સમાજમાં ખરેખર નારીઓનું કેટલું સન્માન જળવાય છે અને મોટા ભાગના પુરુષો નારીને કઈ કક્ષાએ જુએ છે એના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. આજની તારીખે પણ દીકરીનો જન્મ થાય ત્યારે અત્યંત દંભી રીતે અંદરની નકારાત્મક લાગણી દબાવીને કૃત્રિમ રીતે હસતાં હસતાં બહાર આવીને કહેવાય કે લક્ષ્મીજી અવતર્યાં છે (ઘણા તો કૃત્રિમ રીતે પણ હસી શકતા નથી), પણ વાસ્તવમાં પુત્રીનો જન્મ થાય ત્યારે મોટા ભાગનાં કુટુંબોમાં જાણે માતમ છવાઈ ગયો હોય એવું વાતાવરણ જોવા મળે છે. દીકરીના જન્મ સાથે કુટુંબના મોટા ભાગના લોકો જાણે દુનિયા લુટાઈ ગઈ હોય એવો વર્તાવ કરતા હોય છે. જો ખોટું બોલવા માટે જીભ ચિરાઈ જતી હોય કે ધરતી ફાટી પડતી હોય અને જૂઠું બોલનારાએ ધરતીમાં સમાઈ જવું પડતું હોય, તો દીકરી વિશે સારું સારું બોલતા હોય એવા કેટલાય કરોડ ભારતીયોની દર વર્ષે જીભ કપાય અને એવો દંભ કરનારાએ કે કરનારીએ જમીનમાં જીવતા સમાઈ જવાનો સમય આવે! દીકરી અવતરે ત્યારે લક્ષ્મી અવતરી એવું કહેવા માટે બોલાતું હોય છે, પણ અંદરથી તો એ દીકરીને જન્મ આપનારી પત્ની પર, પુત્રવધૂ પર લોકોને કાળ ચડતો હોય છે કે આણે છોકરીને જણી અથવા તો વધુ એક વાર છોકરી જણી!
હમણાં મુંબઈની એક લોઅર મિડલ ક્લાસ યુવતીની વ્યથા સાંભળી. તે ગ્રેજ્યુએટ છે. તેને ચાર દીકરી છે અને તેનો વિકૃત પતિ અને તેના પતિના હલકટ પરિવારજનો તેને દીકરો ન આવે ત્યાં સુધી કોશિશ ચાલુ રાખવા માટે દબાણ કરતા હતા. છેવટે તે યુવતીએ વિદ્રોહ કર્યો. તે યુવતીની આવકથી ઘરનું ગુજરાન ચાલે છે, પણ ઘરમાં તેનું કશું ચાલતું નહોતું. અન્ય એક પરિચિત મહિલાએ તેના કુટુંબ સામે એટલા માટે બળવો કરવો પડ્યો કે તેની ત્રણ પૈકી મોટી દીકરી અગિયારમા ધોરણમાં આવી એટલે તેના પતિના બાપ અને મોટા ભાઈએ કહ્યું કે હવે આ છોકરીને ભણાવવાની જરૂર નથી એને પરણાવી દેવાની છે!
દીકરીને દીકરાથી ઊતરતી ગણવાની આપણી સામાજિક વિકૃતિનો પુરાવો આપતી ઘટનાઓ બહાર આવતી જ રહે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચુરુમાં 20 નવેમ્બર, 2019ના દિવસે જોવા મળી હતી. રાજસ્થાનના ચુરુની એક 42 વર્ષીય મહિલા ગુડ્ડીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનો એ પુત્ર તેનું 12મુ સંતાન હતો. એ અગાઉ તેણે 11 દીકરીઓને જન્મ આપ્યો હતો. ગુડ્ડીનાં સગાંસંબંધીઓ અને ગામના લોકો માત્ર દીકરીઓને જન્મ આપવા બદલ તેની મજાક ઉડાવતા હતા અને તેનો પતિ વંશવેલો ટકાવી રાખવા માટે પુત્ર ઇચ્છતો હતો. ગુડ્ડીની 11 દીકરીઓમાંથી ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેની સૌથી મોટી દીકરી 22 વર્ષની છે. ગુડ્ડીની ત્રણ દીકરીઓ પરણીને સાસરે ગઈ એ પછી સગર્ભા બનવામાં સ્વાભાવિક રીતે શરમ આવતી હોય, પણ પતિની ઇચ્છા હોય એટલે ગુડ્ડીબહેન શું કરી શકે! અને આપણો ‘મહાન’ સમાજ અને સગાંવહાલાંઓ ગુડ્ડીના પતિને કાનપટ્ટી નીચે એક ફટકારવાને બદલે ગુડ્ડી પર દબાણ લાવે કે તારે દીકરો જણવો જોઈએ, તારા પતિની ઇચ્છા પૂરી કરવી જોઈએ. આવા વિકૃતિભર્યા કિસ્સાઓ વાંચીએ ત્યારે સાવ શાંત માણસને પણ ક્યારેક એની રગોમાં લોહીને બદલે સલ્ફ્યુરિક એસિડ રહેતો હોય એવી લાગણી થવી જોઈએ, પણ આવી લાગણી બહુ ઓછા માણસોને થતી હોય છે.
અત્યંત દુ:ખદ વાત એ છે કે પુરુષો તો જવા દો, સ્ત્રીઓ પણ સ્ત્રીઓની કટ્ટર દુશ્મન હોય એ રીતે દીકરીઓને ટ્રીટ કરતી હોય છે. કોઈ સ્ત્રી પુત્રને જન્મ ન આપતી હોય તો તેણે મેણાં સહન કરવાં પડે અને કોઈ વાયડી-વિકૃત સાસુ તેની પુત્રવધૂને મેણું મારે કે તેં એવાં કયાં પાપ કર્યાં છે કે એક છોકરો જણી નથી શકતી!
દીકરીને બોજ સમજતા સમાજની વિકૃત માનસિકતાનો હમણાં થોડા દિવસ અગાઉ જ અન્ય એક કિસ્સો પણ બહાર આવ્યો હતો. તમિલનાડુના તિરુનેલવેલીમાં એક કુટુંબમાં જોડિયાં બાળકોનો જન્મ થયો. એમાં દીકરાનું મોઢું જોઈને તો એનો બાપ બહુ જ ખુશ થઇ ગયો, પછી દીકરીનું મોઢું જોઈને એનો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય એવું તેનું મોં થઈ ગયું. તેણે તાત્કાલિક નિર્ણય લીધો અને એક વચેટિયાની મદદથી નવજાત દીકરીને એક લાખ એંસી હજાર રૂપિયામાં વેચી નાખી. જેવા એ એક લાખ એંસી હજાર રૂપિયા એના હાથમાં આવ્યા એ સાથે જ તે જ્વેલરની દુકાને ગયો અને તેણે તેના નવજાત છોકરા માટે સોનાની ચેઇન ખરીદી લીધી!
આવા આઘાતજનક કિસ્સાઓ બનતા રહે છે. જે નવજાત છોકરી વેચાઈ ગઈ છે એની ચિંતા એના બાપને નથી અને એનું માનું તો કોઈ કશું સાંભળવાનું નથી. જોકે, દીકરીને વેચી નાખે એવી માતાઓ પણ આપણા દેશમાં પડી છે. થોડા સમય અગાઉ પૂણેમાં એક મહિલાએ તેની 12 વર્ષની દીકરીને 1 લાખ રૂપિયામાં એક માણસને વેચી દીધી હતી. તેની દીકરીને ખરીદનારો રેપિસ્ટ હતો. એ માતાને ખબર હતી છતાં તેણે પોતાની 12 વર્ષની દીકરીને એ રેપિસ્ટના હાથમાં વેચી દીધી. તે 12 વર્ષની છોકરીને ખરીદનારા માણસે તે છોકરી પર રેપ કર્યો અને પછી તેને પૂણે નજીક ખેડના એક વેશ્યાલયમાં વેચી નાખી. એ પછી તે છોકરી ત્યાંથી કોઈક રીતે નાસી છૂટવામાં સફળ થઈ અને તેને એક એનજીઓની મદદ મળી. એનજીઓની મદદથી તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી અને એ ફરિયાદને આધારે તેની માતા સામે કેસ નોંધાયો. આ કેસમાં પૂણે પોલીસે કહ્યું હતું કે આ છોકરીની માનસિક યાતના 27 મેના રોજ શરૂ થઇ હતી અને 19 સપ્ટેમ્બરે પૂરી થઈ હતી જ્યારે વેશ્યાલયમાંથી નાસી છૂટી. આ કેસની તપાસ કરનારા પોલીસ અધિકારી સતીશ નિકમે કહ્યું હતું કે આ સાતમા ધોરણની વિદ્યાર્થિની સોલાપુરની સ્કૂલમાં ભણતી હતી અને તે વેકેશનમાં બીડ જિલ્લાના પર્લીમાં રહેતી તેની માતાને મળવા જતી હતી. તેના સમર વેકેશનમાં તે તેની મમ્મીને ત્યાં ગઈ હતી ત્યારે એની મમ્મીએ તેને વેચી નાખી હતી. જે માણસે એક લાખ રૂપિયા આપીને આ યુવતીને તેની માતા પાસેથી ખરીદી હતી તે યુવતીને તેણે પછી એક ખેડમાં એક લાખ રૂપિયા લઈને ખેડના તમાશાકેન્દ્રમાં વેચી દીધી હતી. એ તમાશાકેન્દ્રમાં તે 12 વર્ષની છોકરીને ગ્રાહકોની સામે ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પછી એ કેન્દ્રની મુલાકાતે આવનારાઓ પણ તેના પર રેપ કરવા લાગ્યા. તે છોકરીએ ગ્રાહકોની શારીરિક ભૂખ સંતોષવાનો અને નાચવા સામે વિરોધ કર્યો ત્યારે તેને ટોર્ચર કરાઇ હતી.
તે છોકરીએ પોલીસને કહ્યું હતું કે મારે મહિનાઓ સુધી આ ફિઝિકલ અને મેન્ટલ ટ્રોમામાંથી પસાર થવું પડ્યું એના માટે મારી માતા જવાબદાર છે. મારા જેવી ઘણી છોકરીઓ એ તમાશાકેન્દ્રમાં ફસાયેલી છે અને મજબૂરીથી ગ્રાહકોનું મનોરંજન અને તનોરંજન કરવું પડે છે. પોલીસે એ પછી તે છોકરીની માતા, તેની માતાએ તેને જેને વેચી નાખી હતી એ રેપિસ્ટ, રેપિસ્ટે તેને જ્યાં વેચી મારી હતી એ તમાશાકેન્દ્રનો માલિક અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
મગજ બહેર મારી જાય એવા કિસ્સાઓ વાંચીને આક્રોશ ઠાલવનારી કેટલીય વ્યક્તિઓ એ જ દિવસે તેની દીકરીને કોઈ મુદ્દે હડધૂત કરતી હોય એવું મેં જોયું છે! ‘દીકરી તો સાપનો ભારો કહેવાય’, ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ અને ‘દીકરીની અર્થી તો એના સાસરિયેથી જ નીકળે’ એવી શરમજનક કહેવતો ઘણી હલકટ માનસિકતા ધરાવતી વ્યક્તિઓના મોઢે આજના સમયમાં પણ સાંભળવા મળે છે.
દીકરા કરતાં દીકરીને ઊતરતી ગણવાની અને દીકરીઓને બોજરૂપ ગણવાની આ સામાજિક વિકૃતિનો અંત આવવો જરૂરી છે.
X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી