‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

બૈઠે ચાય કી પ્યાલી લેકર પુરાને કિસ્સે ગર્મ કરને, ચાય ઠંડી હોતી ગઈ ઔર આંખે નમ...!

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

ડૉક્ટરની ડાયરી- ડૉ. શરદ ઠાકર
લગભગ બે-ત્રણ મહિના પહેલાંની ઘટના. સવારના પહોરમાં મારી ઉપર ફોન આવ્યો. પુરુષનો અવાજ હતો. ખરજનો અવાજ પણ ખરબચડો નહીં. સંસ્કારિતા અને શાલીનતાના પેકિંગમાં લપેટાયેલો અવાજ. ‘હું ડો. શરદ ઠાકર સાથે વાત કરી શકું?’
‘તમે કરી રહ્યા છો.’ મેં જવાબ આપ્યો. હવે સવાલ પૂછવાનો વારો મારો હતો. ‘તમે કોણ? તમારું નામ?’
‘હું ડો. ઝાલા. મૂળ પોરબંદરનો. હાલમાં અમદાવાદ.’
‘પોરબંદર’ અને ‘ડો. ઝાલા’ આ બે શબ્દનો સરવાળો એક ઝબકારામાં પરિણમ્યો. મારા દિમાગમાં પથરાયેલું વાયરિંગ વીજળીથી પ્રવાહિત થઇ ગયું. અદૃશ્ય એન્ટિનામાં એક આકાર ઉપસ્યો. 2019ના અમદાવાદમાંથી હું ટાઇમ ટ્રાવેલ કરીને 1974-75ના જામનગરમાં પહોંચી ગયો. એમ. પી. શાહ મેડિકલ કોલેજનું કેમ્પસ, આઠ-આઠ બોય્ઝ હોસ્ટેલ્સ, એક ગર્લ્સ હોસ્ટેલ, એક નર્સિંગ હોસ્ટેલ, પી.જી. ક્વાર્ટ્સ અને અમને ભણાવતા સાહેબોના બંગલાઓ અને આ બધાની મોખરે ઊભેલી બે ભવ્ય ઇમારતો. જમણી તરફ એમ. પી. શાહ મેડિકલ કોલેજનું મકાન અને ડાબી બાજુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મશહૂર ઇર્વિન હોસ્પિટલ. આ બધું નજર સામે તરવરી ઊઠ્યું.
તે સમયે ગુજરાતમાં પાંચેક જેટલી જ મેડિકલ કોલેજો હતી. જામનગરની મેડિકલ કોલેજ સૌથી છેલ્લે બંધાયેલી એટલે એનું કેમ્પસ વધારે સુઘડ, સુવ્યવસ્થિત અને વિશાળ હતું. સાડા ચાર વર્ષના બધા મળીને એકાદ હજાર જેટલા વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોય તેવી રીતે રહેતા હતા. અમારા સહિત બધા જ વિદ્યાર્થીઓ ભયંકર તોફાની હતા અને ટેલેન્ટેડ પણ હતા.
ટેલેન્ટ પણ કઇ કક્ષાની હતી? કોલેજ ક્રિકેટટીમનો એક ખેલાડી રણજી ટ્રોફી માટે પસંદ થઇ આવ્યો હતો. વસંત કાચરોલા નામનો એક મેડિકલ સ્ટુડન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ચાર વર્ષ સુધી વેઇટ લિફ્ટિંગમાં ચેમ્પિયન બન્યો હતો. સૌરાષ્ટ્રની બધી જ આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને હરાવીને. દેવેન્દ્ર દેખીવાડિયા જ્યારે ડિબેટમાં ભાગ લેવા માટે ઊભા થતા ત્યારે માઇકમાં એ. કે.-56 મશીનગન ચાલતી હોય એવું લાગતું હતું. અત્યારે એ રાજકોટમાં ડોક્ટર તરીકે મોટું નામ ધરાવે છે, પણ જો રાજકારણમાં ગયા હોત તો ડો. સંબિત પાત્રાને પણ ઝાંખા પાડી દીધા હોત.
ટેલેન્ટનું એક જ ઉદાહરણ આપું. જે. પી. ભટ્ટ નામનો એક વિદ્યાર્થી હતો. મારાથી બે કે ત્રણ વર્ષ પાછળ. કોલેજની ચૂંટણીમાં ઊભો રહ્યો. અમેરિકાની પ્રેસિડેન્સિયલ ઇલેક્શનની જેમ અમારી કોલેજમાં પણ બધા ઉમેદવારોને સ્ટુડન્ટ્સની સામે સ્ટેજ પર ઊભા રહીને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવતી હતી. એમાં જે ઉમેદવાર પોતાની સમયમર્યાદા કરતાં વધારે બોલે તો સાહેબ ઘંટડી મારીને એને બેસી જવાનો સંકેત કરે. લગભગ દરેકને આવી રીતે અટકાવવા પડતા હતા. 1975નું વર્ષ હતું. ઇન્દિરાજીએ કટોકટી લાદી દીધી હતી. જયપ્રકાશ નારાયણ, અટલજી, અડવાણીજી, મોરારજીભાઇ, મધુ દંડવતે અને મધુ લિમયે સહિતના સેંકડો શીર્ષસ્થ નેતાઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. અખબારોનાં મોં પર તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. સરકાર વિરુદ્ધ કોઇ એક હરફ પણ ઉચ્ચારે તો તેના પર ગિરફ્તારીનો ચાબુક વીંઝવામાં આવતો હતો.
ભટ્ટ બોલવા માટે ઊભો થયો. સાવ સુકલકડી અને ચશ્મીશ એવા વિદ્યાર્થીએ સ્પષ્ટ ઉચ્ચારોમાં પોતાની વાત રજૂ કરી. એણે મત આપવા માટે અપીલ કરી. હજુ એ બોલતો જ હતો ત્યાં એની સમયમર્યાદા પૂરી થઇ ગઇ. સાહેબે ઘંટડી વગાડી અને બેસી જવાનો આદેશ આપ્યો.
ભટ્ટે છેલ્લા બોલે સિક્સર ફટકારી દીધી, ‘હા, હું બેસી જાઉં છું. મારે હજુ ઘણું કહેવું છે, પણ મારી કમનસીબી એ છે કે મારું નામ જયપ્રકાશ ભટ્ટ છે અને આ દેશમાં કોઇ પણ પ્લેટફોર્મ હોય, પરંતુ જયપ્રકાશ નામધારી માણસને બોલવા દેવામાં આવતો નથી.’ તાળીઓનો ગડગડાટ અને બીજા દિવસે ભટ્ટ જીતી ગયો.
તમને થશે કે આમાં પોરબંદર અને ઝાલા ક્યાં ખોવાઇ ગયા! ધીરજ રાખો. ઝાલાબાપુ આવી રહ્યા છે. ઝાલા નામના વિદ્યાર્થી અમારા સિનિયર હતા. એમના પિતાજી પોરબંદરમાં જનરલ પ્રેક્ટિશનર હતા. એટલે પૈસેટકે સુખી હતા. અમે બધા લગભગ ખાલી ખિસ્સે ફરતા હતા. કટિંગ ચા પીવી હોય તોય બે વાર વિચાર કરવો પડતો. ત્યારે ઝાલાને બાપુશાહી હતી. તે નાગર હોવા છતાં બધા એમને ઝાલાબાપુ કહીને જ બોલાવતા હતા. આખા વર્ષમાં ઝાલાબાપુ ખાસ ઝળકે નહીં, પણ જ્યારે કોલેજની મ્યુઝિકલ ઇવનિંગ આવે ત્યારે સિંહની જેમ આળસ મરડીને તે ઊભા થઇ જતા. દર વર્ષે યોજાતી અમારી મ્યુઝિકલ નાઇટ્સ જામનગર શહેર માટે સૌથી મોટું આકર્ષણ બની જતી હતી. અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ એન્ટ્રી પાસ મેળવવા માટે મારામારી કરવા સુધી પહોંચી જતા. ઉત્તમ ઓર્કેસ્ટ્રા, અદ્્ભુત ગાયકો અને જીવંત ઓડિયન્સ. એક-એક ગીતના પ્રતિસાદમાં ઓડિયન્સમાંથી તોફાની કોમેન્ટ્સનો પોકાર ઊઠતો જ રહે.
દર વર્ષે ઝાલાબાપુ અચૂક એમાં ભાગ લે. દર વખતે એમનું ગીત પણ એક જઃ ‘ડમ ડમ ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા’ બેઇઝના વોઇસમાં ઝાલાબાપુ મુકેશજીને આબેહૂબ રજૂ કરી દેતા હતા. એમાં પણ જ્યારે આ શબ્દો આવે ‘બિન પિયે મૈં તો ગિરા’ ત્યારે ઝાલાબાપુ આખું શરીર એવી રીતે ડોલાવતા હતા કે એ વખતની એમની ભાવભંગિમા જોઇને અમારા દિલદિમાગ ઉપર પણ નશો છવાઇ જતો.
એક વાર તો ભારે થઇ હતી. જેવું ઝાલાબાપુએ ગાયું કે ‘બિન પિયે મૈં તો ગિરા’ એ સાથે જ ઓડિયન્સમાંથી પંકજ ત્રિવેદીએ રાડ પાડીઃ ‘એ બાપુ તમે પીને જ આવ્યા છો. આ સ્પીકરમાંથી દારૂની વાસ આવે છે.’ પંકજ ત્રિવેદી એટલે અમારી કોલેજનો સૌથી તોફાની સ્ટુડન્ટ. એની કમેન્ટ્સ ક્યારેય ફાલતુ ન હોય. વેરી ઇન્ટેલિજન્ટ. આ ટકોરના જવાબમાં ઝાલાબાપુએ પણ હાથ ઊંચો કરીને પ્રતિભાવ આપ્યો હતો. રાત યાદગાર બની ગઇ હતી.
જિંદગીનાં એ શ્રેષ્ઠ વર્ષો હતાં. ટૂંકી મુદતના સ્વપ્નની જેમ એ ક્યારે ચાલ્યાં ગયાં એની ખબર પણ ન રહી, પણ મારી સ્મૃતિમંજૂષામાં એ હજાર-બારસો ચહેરાઓ અને દસેક હજાર ઘટનાઓ અમૂલ્ય રત્નોની જેમ સચવાઇ રહી છે. એમાંનું એક રત્ન એટલે ઝાલાબાપુ.
40 વર્ષ પછી એમનો ફોન આવ્યો હતો. એમને ક્યાંથી ખબર હોય કે હું એમને ઓળખતો હોઇશ? એમણે તો લેખક શરદ ઠાકરને ફોન કર્યો હતો. મેં પણ ફોડ પાડ્યા વગર પૂછી લીધું, ‘બોલો, શું કામ હતું?’ એમણે રૂબરૂ મળવા માટેનો સમય માગ્યો. મેં તરત જ આપી દીધો, ‘આજે જ આવો. બપોરે એકથી દોઢની વચ્ચે.’
નિયત સમયે એ આવી પહોંચ્યા. સાથે બે યુવતીઓ પણ હતી. ડો. ઝાલાએ પરિચય કરાવ્યો, ‘આ બંને મારી દીકરીઓ છે. બંને મેરિડ છે. બધી વાતે સુખી છે. અમે બધા વર્ષોથી તમને વાંચીએ છીએ.’
‘આભાર! આજે મળવા આવવાનું પ્રયોજન?’ મેં પૂછ્યું.
‘અમે કંઇક આપવા માટે આવ્યાં છીએ. મારી બંને દીકરીઓ પાસે ઘણાં બધાં વસ્ત્રો છે. એમાંથી કેટલાંક ડ્રેસીસ તેઓ તમને આપવા ઇચ્છે છે. તમે ગ્રામીણ વિસ્તારોમાં વસ્ત્રદાનનો યજ્ઞ...’ ડો. ઝાલા બોલતા ગયા. એમની બંને દીકરીઓ પણ ભીની આંખે એમની ભાવના વ્યક્ત કરી રહી હતી. મને આ ગમ્યું. આવું દાન કરી શકવાની ક્ષમતા પામવા માટે શ્રીમંત હોવું પૂરતું નથી, એના માટે સંસ્કારી અને ઉદાર પણ બનવું પડે છે.
મારે એમની ભાવનાનો સ્વીકાર તો કરવો જ હતો, પણ એ સ્વીકાર કંઇક અલગ રીતે કરવો હતો. મારે ઝાલાબાપુને એ વાતની જાણ કરાવવી હતી કે હું પણ એ જ વર્ષોમાં એ જ મેડિકલ કેમ્પસમાં હાજર હતો, જે વર્ષોમાં તેઓ સ્ટેજ ગજાવતા હતા.
મેં કહ્યું, ‘તમારા દાનનો સ્વીકાર હું એક શરતે કરીશ.’
‘શરત? કઇ શરત?’ ડો. ઝાલાની આંખમાં આશ્ચર્ય ઝબકી ઊઠ્યું.
હું 19 વર્ષનો યુવાન બની ગયો, ‘હા, મારી એક જ શરત છે; જો તમે અત્યારે મારી સામે ડમ ડમ ડિગા ડિગા... ગીતની બે પંક્તિઓ ગાઇ સંભળાવો તો જ હું તમે આપેલું દાન સ્વીકારીશ.’
ઝાલાબાપુ પણ 70ને બદલે 22 વર્ષના બની ગયા. આંખમાં પુરાણી ઓળખાણનો તણખો ઊઠ્યો. પળવારમાં એ તણખો મૈત્રીનો લિસોટો બની ગયો. એ ઊભા થઇ ગયા. હું પણ ઊભો થઇ ગયો. ચાર હાથ જકડાઇ ગયા અને બે છાતી બંધાઇ ગઇ. બે દીકરીઓ ત્યાં ઊભી ઊભી અમને શંકાસ્પદ રીતે નિહાળી રહી હતી અને મનોમન પૂછી રહી હતી, ‘આ બંને બિન પિયે ગિર તો નહીં જાયેંગે?!’ [email protected]

x
રદ કરો

કલમ

TOP