ડૉક્ટરની ડાયરી- ડૉ. શરદ ઠાકર / હવા ખિલાફ ચલી થી, તો ભી ચિરાગ ખૂબ જલા, ખુદા ભી ખુદ કે હોને કે ક્યા ક્યા સબૂત દેતા હૈ

article by dr. sharad thakar

Divyabhaskar.com

Jan 09, 2020, 05:43 PM IST
ડૉક્ટરની ડાયરી- ડૉ. શરદ ઠાકર
1983નું વર્ષ. શિયાળો વિદાય લઈ રહ્યો હતો. ઉનાળાની ગરમી હજી ભાખોડિયાં ભરતી હતી. બાલાસિનોરની કે.એમ.જી. જનરલ હોસ્પિટલ ખાતે એક જીપ આવીને ઊભી રહી. સવારના અગિયાર વાગ્યા હશે. એક ઊંચો પાતળો યુવાન એની પત્નીને લઈને સીધો મારી ઓ.પી.ડી.માં દાખલ થયો. મને આ ગમ્યું નહીં. બહાર લોબીમાં પચાસેક બહેનો હાથમાં કેસપેપર લઈને પોતાનો વારો આવે એની રાહ જોતી
ઊભી હતી. મારા મનમાં ઊઠેલો અણગમો મારી જીભ સુધી આવે એ પહેલાં જ એ યુવાને અત્યંત વિનમ્ર સ્વરમાં બોલવાનું શરૂ કર્યું.
‘એક્સક્યૂઝ મી સર, હું શિસ્તમાં માનનારો માણસ છું, પણ મારી વાઇફને પ્રેગ્નન્સી છે અને બ્લીડિંગ થાય છે. એટલે હું ક્રમ તોડીને અંદર આવી ગયો.’
મારો ગુસ્સો શમી ગયો. આ માણસ સુશિક્ષિત, સંસ્કારી અને મૃદુભાષી જણાતો હતો. મેં એની પત્નીનો કેસપેપર હાથમાં લીધો. નામ વાંચ્યું: કલ્પનાબહેન મધુકરભાઈ વસા, ઉંમર વર્ષ 25. એડ્રેસના ખાનામાં લખ્યું હતું: વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.
‘શું કરો છો?’ મેં પૂછ્યું. એણે જવાબ આપ્યો, ‘ભેલ (BHEL) કંપનીમાં એન્જિનિયર છું. વણાકબોરી સ્ટાફ ક્વાર્ટ્સમાં રહું છું.’
હું મિ. વસાનાં વાણી-વર્તનથી પ્રસન્ન થયો. મને આ પ્રકારના માણસો ગમે છે. ટૂંકા પણ મુદ્દાસરના જવાબો આપે તેવા. મેં હવે કલ્પનાબહેનની સામે જોયું. ગૌર ચહેરો, મોટી આંખો, આંખોમાં અંજાયેલાં ભય, ચિંતા અને આશંકા. મેં થોડા પ્રશ્નો પૂછ્યા. પછી ચેકઅપ કર્યું. ત્યારે ગામડાંઓમાં હજુ સોનોગ્રાફી આવી નહોતી, એટલે મારે ક્લિનિકલ તપાસ પરથી જ કામ ચલાવવાનું હતું.
ક્લિનિકલ તપાસમાં જે માહિતી મળી એ પચાસ ટકા ચિંતાજનક હતી અને પચાસ ટકા રાહત આપનારી હતી. કલ્પનાબહેનને બ્લીડિંગ તો થતું હતું, પણ ગર્ભાશયનું મુખ બંધ હતું. મેં એમના પતિને કહ્યું, ‘મધુકરભાઈ, તમારી પત્નીને ગર્ભપાત થવાની શક્યતા છે, પણ હજુ થઈ ગયો નથી. જો ઠંડકની ગોળીઓ, કેટલાંક ઇંજેક્શન્સ અને સંપૂર્ણ આરામ આપવામાં આવે તો કદાચ આ ગર્ભ ટકી જશે.’ મધુકરભાઈ પૂછી રહ્યા, ‘આટલું બધું કરવા છતાં પણ કદાચ..?’
‘હા, મેડિકલ સાયન્સ એ શક્યતાઓનું શાસ્ત્ર છે. ગેરંટીનું નહીં. જેમ-જેમ પરિસ્થિતિ બદલાતી જાય તેમ-તેમ શક્યતાઓ પણ બદલાતી રહે.’
મિ. વસા સમજદાર હતા, સમજી ગયા, પણ એમના મનમાં ચાલતી અવઢવ હું પારખી ગયો. મેં પૂછ્યું, ‘કોઈ વાતની તકલીફ છે?’ ‘હા સાહેબ, તકલીફ એક જ વાતની છે, પણ એ મોટી છે. ઘરમાં અમે બે જ સભ્યો છીએ. તમે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપો છો. પત્નીએ ઘરનાં કામ તો કરવાં પડે ને?’
‘ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ. મેડિકલ સાયન્સ એ નથી જોતું કે તમારા ઘરમાં કેટલા માણસો છે. કલ્પનાબહેનને માત્ર જાજરૂ-બાથરૂમ જવા પૂરતાં જ ઊભાં થવા દેજો. એ સિવાયનો સમય કમ્પ્લીટ બેડરેસ્ટ.’
મેં થોડું ટૂંકમાં, થોડું રૂક્ષતાપૂર્વક કહીને વાત પૂરી કરી. બહાર હજુ દર્દીઓની ભીડ જામેલી હતી. એક દર્દીને માટે જેટલો સમય ફાળવી શકાય એટલો હું ફાળવી ચૂક્યો હતો. મિ. વસા સમજી ગયા. પત્નીને લઈને ચાલ્યા ગયા.
પંદર દિવસ પછી ફરી આવી ચડ્યા. ‘સાહેબ, આપની સારવાર અને સલાહ પર ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે. અત્યાર સુધી સારું પણ હતું, પણ આજ સવારથી અચાનક બ્લીડિંગ શરૂ થયું છે.’ મેં ફરીથી તપાસ કરી. પરિસ્થિતિ પહેલાંના જેવી જ ફિફટી-ફિફટી હતી. મેં કહ્યું, ‘ચિંતા કરવાની જરૂર નથી. થોડીક વધુ દવાઓ લખી આપું, આરામનું પ્રમાણ વધારી દેજો.’
મિ. વસા મૂંઝાઈ ગયા. ‘સાહેબ, ઘરે તો સંપૂર્ણ આરામ જ હોય છે, પણ એને ચેકઅપ માટે તમારી પાસે લાવું છું ત્યારે એને તકલીફ પહોંચે છે. હું જ્યાં ફરજ બજાવું છું એ થર્મલ પાવર સ્ટેશન અહીંથી પચીસેક કિ.મી. દૂર આવેલું છે. અહીં આવવાનો રસ્તો ખાડાટેકરાવાળો અને સાંકડો છે. જે સ્ત્રીને બ્લીડિંગ ન થતું હોય એને પણ ચાલુ થઈ જાય.’
હું કહેવા જતો હતો, ‘ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ, નોટ માઇન.’ પણ કહી ન શક્યો. મધુકરભાઈની શાલીનતા જોઈને હું અટકી ગયો. મેં પૂછ્યું, ‘તમે શું સૂચવો છો?’
‘સર, સૂચન કરવાનું મારું ગજુ નહીં! હું માત્ર વિનંતી કરી શકું. જો તમે મહિનામાં બે વાર મારા ઘરે વિઝિટ પર આવી શકો તો...’ એ માણસ વાક્ય પૂરું ન કરી શક્યો. એની વિનમ્રતા એને અટકાવી ગઈ.
‘મને વાંધો નથી. હું આવીશ. તમારે વાહન મોકલવાની પણ જરૂર નથી. અમારી હોસ્પિટલ પાસે ત્રણ વાહનો છે. હું દર મહિને એક વાર ચેકઅપ માટે આવી જઈશ.’ મેં પ્રસ્તાવ સ્વીકારી લીધો.
એનો ચહેરો ખીલી ઊઠ્યો. ‘થેંક્યૂ સર. થેંક્યૂ વેરી મચ. આપની વિઝિટ ફી અને વાહનનો જે ખર્ચ થાય તે હું આપી દઈશ.’
‘તમારે એક પણ રૂપિયો ભોગવવો નહીં પડે. વાહનનો ખર્ચ હોસ્પિટલ ભોગવશે અને વિઝિટ ફી હું લેતો નથી. ટ્રસ્ટીઓ મને પૂરતો પગાર આપે છે. આ જવાબદારી હું માત્ર બે જ કારણોથી સ્વીકારું છું. એક આસપાસના સો કિમી.ના વિસ્તારમાં એક પણ ગાયનેકોલોજિસ્ટ ઉપલબ્ધ નથી અને બીજું કારણ તમારી સંસ્કારિતા. આખા ટાઉનમાં તમારા જેવો વિનમ્ર, સુશિક્ષિત અને શિષ્ટતાપૂર્ણ વર્તન કરનારો એક પણ માણસ મેં જોયો નથી. માટે હું આવીશ.’
પછી તો એક ક્રમ બની ગયો. મેં મહિનામાં એક વાર ચેકઅપ માટે જવાનું સ્વીકાર્યું હતું, પણ ક્યારેય એવું તો બન્યું જ નહીં! દસ-બાર દિવસ માંડ પસાર થાય અને મધુકરભાઈનો ફોન આવી જાય. ‘ડૉક્ટર, મારી વાઇફને બ્લીડિંગ શરૂ થયું છે.’ હું મારું કામ પતાવીને નીકળી પડું. દરેક વખતે પરિસ્થિતિ પહેલાંના જેવી જ હોય. ગર્ભ જીવંત હોય, વિકાસ પામતો હોય અને તેમ છતાં બ્લીડિંગ ચાલુ થઈ ગયું હોય. હું પતિ-પત્નીને હિંમત બંધાવું, ‘ચિંતા કરવાની જરૂર નથી. ટ્રીટમેન્ટમાં હવે કશું જ ઉમેરી શકાય તેમ નથી. દવાઓ ચાલુ રાખો અને આરામ પણ ચાલુ રાખો.’
‘પણ આ બ્લીડિંગ કેમ થયા કરે છે?’ મધુકરભાઈની આંખોમાં ચિંતાનાં ઝાડ ઊગી નીકળે. મારે શો જવાબ આપવો! સોનોગ્રાફીની મદદ વગર હું બ્લીડિંગ થવાનું કારણ કેવી રીતે જાણી શકું? દર વખતે રેડ સિગ્નલ તો બતાવતો જ આવું. ‘અત્યારે તો પ્રોબ્લેમ નથી, પણ જો બ્લીડિંગ વધી જાય અથવા ગર્ભાશયનું મુખ ખૂલી જાય તો આપણે આ ગર્ભને બચાવી નહીં શકીએ.’
મધુકરભાઈએ ઘરકામ કરવા માટે એક છોકરી રાખી લીધી હતી. ભોજન માટે ટિફિન બંધાવી લીધું હતું. જવાબદારીવાળી નોકરી હતી એટલે લાંબા સમયની રજાઓ મળી શકે તેમ ન હતી. બધા જ મોરચા ઉપર એ એકલે હાથે ઝઝૂમતા હતા.
આવી પરિસ્થિતિ વચ્ચે પણ એ સંસ્કારી યુવાને પોતાની વિનમ્રતા છોડી નહીં. બે-ત્રણ વાર બ્લીડિંગ એટલું બધું વધી ગયું હતું કે કલ્પનાબહેનને હું જ્યાં જોબ કરતો હતો તે સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, પણ સદ્્ભાગ્યે પ્રેગ્નન્સી ટકી ગઈ. મધુકરભાઈનાં માતા-પિતા અને સાસુ-સસરા પાંચસો કિમી. દૂર કચ્છમાં રહેતાં હતાં. કોઈ પણ સગું મદદ કરવા આવી શકે તેમ ન હતું. હું મારા ક્વાર્ટરમાંથી નીચે નજર ફેંકતો ત્યારે મને તણાવગ્રસ્ત ચહેરા સાથે હોસ્પિટલના પ્રાંગણમાં લટાર મારતા મધુકરભાઈ જોવા મળતા હતા. મને અને મારા પરિવારને એ થર્મલ પાવર સ્ટેશન બતાવવા પણ લઈ ગયા હતા.
આખરે ડી-ડે આવી પહોંચ્યો. પ્રસૂતિની તારીખને ચાલીસ દિવસની વાર હતી. ત્યારે કલ્પનાબહેન લેબરપેઇન સાથે આવી પહોંચ્યાં. હવે પ્રસૂતિને અટકાવી શકાય એવું રહ્યું ન હતું. 14 સપ્ટેમ્બર, 1983ની વહેલી સવારે દીકરાનો જન્મ થયો. એનું વજન માત્ર 1.9 કિગ્રા. હતું. એ જમાનામાં આજના જેવી નિઓનેટલ કેર ઉપલબ્ધ ન હતી, પણ ઇશ્વરકૃપાથી દીકરો બચી ગયો! આજે એ છત્રીસ વર્ષનો થઈ ગયો છે. પરણી ગયો છે. એક દીકરાનો પિતા પણ બની ગયો છે. મુંબઈ યુનિ.માંથી ફાર્મસી વિષયમાં પીએચ.ડી. કરી ચૂક્યો છે. થોડાં વર્ષો પહેલાં આ પિતા-પુત્રને મળવાનું બન્યું.
ગર્ભાવસ્થા દરમિયાન સોળ-સોળ વાર બ્લીડિંગ થયું હોવા છતાં આ દીકરો બચી ગયો. એ ઘટના મને ઇશ્વરીય શક્તિ પ્રત્યે શ્રદ્ધાવાન બનાવી ગઈ છે. અત્યારે 2019નું વર્ષ ચાલે છે. બરાબર એ જ તારીખ (14 સપ્ટેમ્બર) અને લગભગ એવી જ વિષમતાનો સામનો કરીને મારા ઘરમાં પૌત્રનો જન્મ થયો છે. શું આ માત્ર યોગાનુયોગ હશે? કે પછી આવા સંઘર્ષો અને આ જ તારીખ સાથે મારો કોઈ અકળ સંબંધ હશે!
[email protected]
X
article by dr. sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી