Home » Rasdhar » ડૉ. પ્રશાંત ભીમાણી
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

તરંગી વર્તનની વિકૃતિઃ બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  

‘ડૉક્ટર, અમે અમારી દીકરીનું નામ કોણ જાણે ક્યા ચોઘડિયામાં પાડ્યું હશે કે અમે થાકી ગયા છીએ. એ એના નામ ‘મનસ્વી’ પ્રમાણે જ વર્તે છે. આર્કિટેક્ચરના ફાઈનલયરમાં ભણે છે. પણ હવે એને એ ભણવું નથી. એમ.બી.એ. કરવું છે. પછી એને મોટીવેશનલ સ્પીકર બનવાનો ચસકો ચડ્યો છે. પણ હમણાં હમણાં એણે ચોથા બોયફ્રેન્ડ જોડે બ્રેક-અપ કરી લીધું. પછી ચાર દિવસ સુધી એટલું બધું રડતી રહી કે અમે ગભરાઈ ગયા. હમણાંથી ગાડી બેફામ ચલાવે છે. એક્ટિવાચાલક છોકરી સાથે ગાડી અથડાવી મારી હતી. ઈશ્વરકૃપાએ એ છોકરી બચી ગઈ. નહીં તો અમારી દશા બેસી જાત. લોકો માટે હંમેશા ફરિયાદો કરે છે. કોઈના ઉપર વિશ્વાસ મૂકી શકતી નથી. પૈસા વાપરવામાં પણ એનો હાથ ખૂબ છુટ્ટો છે. વાતે વાતે અગ્રેસિવ બની જતી. મનસ્વીની અમને ચિંતા થાય છે.’ સુલોચનાબહેને કહ્યું.
મનસ્વીને આમ તો જાણ હતી કે મારે કંઇ મદદની જરૂર છે. એટલે એણે જ મમ્મીને બહાર વેઈટીંગ રૂમમાં બેસવા કહ્યું અને બધી ડિટેઈલ હિસ્ટ્રી આપી. એની વાતમાં એક મહત્વનો મુદ્દો એ હતો કે એ દર વેકેશને મામાને ત્યાં રહેવા જતી. એ અરસામાં એનાથી દસેક વર્ષ મોટા કઝીન સાકાર એના પર બહુ દાદાગીરી કરતો. એ વખતે મનસ્વી નવમા ધોરણમાં હશે. સાકાર બીજી બધી રીતે તો બહુ સારો હતો. પણ મનસ્વી પાસે બહુ કામ કરાવડાવતો. અને વાતેવાતે મારતો પણ ખરો. મામીને મનસ્વી ફરિયાદ કરે તો મામી પણ સાકારની ભૂલોને ઢાંકીને મનસ્વી પર ગુસ્સો કરતા. આ બધાના લીધે એણે મામાને ત્યાં જવાનું બંધ કરી દીધું. આ વાતનો ગુસ્સો મનસ્વી એના મમ્મી પર કાઢતી. સામે મમ્મીએ પણ મનસ્વી પર હાથ ઉપાડેલો. આમ શારીરિક હિંસાનો ભોગ બનેલી મનસ્વી જાણે પરિવાર અને સમાજ સાથે મનોમન બદલો લેવા તૈયાર થતી ગઈ. અલબત્ત, ઉંમર સાથે પ્રેમની શોધ તો એને હતી જ પણ કોઈના પર વિશ્વાસ મૂકી શકતી નહોતી. પપ્પા જરૂર પડે જોઈએ તેટલા પૈસા આપી દેતા. હોંશિયાર હોવાથી આર્કિટેક્ચરમાં એડમિશન તો મળી ગયું. પણ મૂડ સ્વીંગ્સ, એકલતા, ગુસ્સો તેમજ ડિપ્રેશન વધતાં ચાલ્યાં. મનસ્વીના માનસિક પરીક્ષણ પરથી નિદાન થયું કે તેને ‘બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર’ છે.
ઘણા બધા કિસ્સામાં આ બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડરનું નિદાન યોગ્ય રીતે અને યોગ્ય સમયે થતું નથી. એટલે સારવાર વગરના આવા તરંગી વ્યક્તિઓ ખૂબ સહન કરે છે અને આસપાસના લોકોને પણ સહન કરાવે છે. ૮૦ થી ૯૦% આવા દર્દીઓના ભૂતકાળમાં શારીરીક કે જાતિય સતામણીના કિસ્સાઓ બનેલા હોય છે. આપઘાત કરનારા ઘણા યુવાનો કે યુવતીઓ આ BPDથી પિડાતા હોય છે. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ વિકૃતિ ત્રણગણી વધુ જોવા મળે છે.
આવા દર્દીને ઓળખવા કઈ રીતે?
BPDના દર્દીઓ ‘પોતાનો તિરસ્કાર થશે’ અને ‘પોતાના પ્રિય વ્યક્તિ દૂર થઇ જશે’ એવી અસલામતીથી સતત પીડાતા હોય છે. સંબંધો હંમેશા બનતા રહે છે અને બગડતા રહે છે. આ લોકો માટે સંબંધોમાં ‘ઝીરો કે હંડ્રેડ’ જેવું હોય
છે. હોય તો ખૂબ ઊંડુ પૂરેપૂરુ ઈમોશનલ અટેચમેન્ટ હોય નહીંતર બિલકુલ ન
હોય. ‘માપના સંબંધો’ જેવી કોઈ વાતને સ્વીકારતા જ નથી. સતત જોબ બદલે છે. પ્રેમીઓ બદલે છે. ધર્મ બદલે છે. નીતિ-નિયમો બદલે છે. પૈસાનું ઉડાઉપણું, તરંગી સેક્સ સંબંધો, વ્યસનો, બેફામ ખાધા કરવું કે ચલાવવું, જમવું તેમજ
ગમે તેમ વાહન ચલાવવું. આ બધા મહત્વનાં લક્ષણો છે. જાતને નુકસાન પહોંચાડવું, ઈમોશનલ બ્લેક મેઈલ કરવું, ધમકીઓ આપવી કે આપઘાતના વારંવાર પ્રયાસ થતા
પણ જોવા મળે છે. જીવન પ્રત્યે સતત અસંતોષની ભાવના રહ્યા કરે છે. ખાલીપો, ચિડિયાપણું, ચિંતા કે તીવ્ર ક્રોધ પણ જોવા મળી શકે. મનસ્વીને કોગ્નિટીવ બિહેવીયર થેરપી આપવામાં આવી. સ્ટ્રેસફૂલ પરિસ્થિતિમાં શાંત રહેવા માટે રિલેક્સેશન પણ જરૂરી હતું. એગ્રેસીવનેસને એક્સરસાઈઝ તરફ વાળવામાં આવી. કાઉન્સેલિંગ અને થેરપી દ્વારા દમિત લાગણીઓને વૈજ્ઞાનિક રીતે હળવી કરી શકાય. {
વિનિંગ સ્ટ્રોક : પોતાની વ્યક્તિઓનો પ્રેમ મેળવવા ચેતન કે અચેતન સ્તરે ઘણીવાર આપણે બિનજરૂરી
અને ગજા બહાર ઈમોશનલ થઈ જતા હોઈએ છીએ.સમજણ
અને સંતુલન લાગણીઓને કાબૂમાં રાખી શકે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP