Home » Rasdhar » ડૉ. પ્રશાંત ભીમાણી
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

તમાકુ છોડો નહીંતર એ તમને જીવતા નહીં છોડે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
હવે તો ટૂરિસ્ટ બસવાળાએ પણ કહી દીધું, ‘તમારે આવવું હોય તો બે મિનિટમાં આવી જાવ નહીં તો સાઇટ સીઇંગ માટે બસ ઊપડી જશે.’ આખી બસ અને રમેશચંદ્રનો પરિવાર છેલ્લા અડધા કલાકથી હોટલના રૂમની બહાર રાહ જોઈ રહ્યા હતા, પણ રમેશચંદ્ર ‘પેટ સાફ કરવાની’ મથામણમાં બિઝી હતા. મોડું થવાનું કારણ એ હતું કે એમનો પ્રિય કાચી પાંત્રીસ

તમાકુ છોડવા માટે વૈજ્ઞાનિક પ્રયત્નો કરવા બહુ જરૂરી છે. આ માટે મનોવૈજ્ઞાનિક
મદદ જરૂરી છે

તમાકુનો મસાલો અને ફેવરિટ બ્રાન્ડની સિગારેટ ખલાસ થઈ ગયાં હતાં. છેલ્લાં 20 વર્ષથી તમાકુમય થઈ ગયેલા રમેશચંદ્ર એટલા જબરજસ્ત એડિક્ટ થઈ ગયા હતા કે જ્યાં સુધી તમાકુ મોઢામાં ન ચાવે ત્યાં સુધી ઝાડો ‘સાફ’ ન આવે. આવા કેટલાય રમેશચંદ્રો ભારતભરમાં વસે છે.
કાલે વર્લ્ડ નો ટોબેકો ડે છે. વિશ્વભરમાં દર વર્ષે આશરે 60 લાખથી વધુ મૃત્યુ માત્ર તમાકુને કારણે થાય છે. જે ટી.બી., એચ.આઇ.વી. અને મેલેરિયાથી થતા કુલ મૃત્યુ કરતાં વધુ છે. વપરાશની દૃષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ તમાકુ વાપરતો દેશ છે. વસ્તીના ત્રીસ ટકા લોકો તમાકુના બંધાણી છે. ભારતમાં 1975થી સિગારેટના પેકેટ પર હેલ્થ વોર્નિંગ બતાવવી ફરજિયાત કરવામાં આવેલી છે. 2008થી પબ્લિક પ્લેસીસમાં સ્મોકિંગને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાં બીડી અને પાઉચના સ્વરૂપે આજકાલ તમાકુનું ચલણ ગ્રામીણ અને શહેરોમાં ચરમસીમાએ છે. ધુમાડો કરતા તમાકુમાં સિગારેટ્સ, સિગાર, ચિલમ, હુક્કા અને ધુમાડા વગરના તમાકુમાં ખૈની, ટૂથપેસ્ટ, છીંકણી વગેરે વપરાય છે. બીડી કે સિગારેટના ધુમાડાથી સ્મોકિંગ નહીં કરતા લોકોને જે નકારાત્મક અસરો થાય છે તેઓ પેસિવ સ્મોકર કહેવાય છે. આ પેસિવ સ્મોકિંગના લીધે દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુ પામે છે. સિગારેટના ધુમાડામાં 4 હજારથી વધુ કેમિકલ્સ હોય છે. જેમાંના 250 અત્યંત હાનિકારક મતલબ કેન્સર કરે તેવાં રસાયણો હોય છે. જ્યારે આ ધુમાડો ઘરની દીવાલો, પડદા, સોફા, ટેપેસ્ટ્રી, ખોરાક, ફર્નિચર, બારીબારણાં વગેરેમાં ચોંટે છે. ત્યારે પણ તૃતીય કક્ષાની અસરો જન્માવે છે, જેને ‘થર્ડ હેન્ડ સ્મોક’ કહેવાય છે. આની અસરો શ્વસનતંત્ર, રુધિરાભિષણ તંત્ર અને અન્ય મહત્ત્વનાં તંત્રો પર થાય છે. તમાકુને કારણે થતું ગળાનું, ફેફસાંનું, જીભનું, આંતરડાંનું કેન્સર ખૂબ કોમન છે. યાદશક્તિની તકલીફો, મૂડના ચઢાવ-ઉતાર, આંખોની મુશ્કેલીઓ, કિડનીની બીમારીઓ તેમજ હૃદયરોગને તમાકુ સીધું નિમંત્રણ આપે છે. સેક્સની સમસ્યાઓ તેમજ વર્તન સમસ્યાઓ બહુ ઝડપથી શરૂ થઈ જાય છે.
તમાકુમાં રહેલું નિકોટીન નામનું રસાયણ આ એડિક્શન માટે જવાબદાર છે. જેના પર સમય જતાં શારીરિક અને માનસિક પરાવલંબન થઈ જાય છે. નિકોટિનની સીધી અસર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર થાય છે. મગજના સેરેબ્રલ કોટેક્સ અને લિંબિક સિસ્ટમ નામના પ્રદેશોમાં તેની અસર થાય છે. ડોપામીન તેમજ અન્ય ચેતા-રસાયણની કામગીરી પર નિકોટિનની વિશેષ અસર જોવા મળે છે. વ્યક્તિ તમાકુ લે છે ત્યારે અચાનક ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ કૃત્રિમ રીતે વધે છે. નવું શીખવાની પ્રક્રિયા તેમજ સમસ્યા ઉકેલ સરળ લાગે છે. મૂડ સુધરે છે, ચિંતા ઘટે છે, નિરાશા હળવી બને છે, પણ યાદ રાખો આ બધા ફાયદા કૃત્રિમ, ટૂંકા ગાળાના અને છેતરામણા છે. જેવી તમાકુની અસર ઓછી થાય કે તરત જ વ્યક્તિ ભયંકર તાણ અને વધુ નેગેટિવ ઇમોશનલ સ્થિતિમાં પહોંચી જાય છે. ફરી પાછી એ જ કૃત્રિમ કીક મેળવવા તમાકુ લેવાય છે અને આ ચક્કર ચાલ્યા જ કરે છે.
તમાકુની ભયાનક અસરોથી બધા જ વાકેફ છે, પણ એને છોડી શકતા નથી. આ માટે મનોવૈજ્ઞાનિક મદદ જરૂરી છે. જો મનોબળ મક્કમ કરાય તો અવશ્યપણે ફાયદો થાય છે. તમાકુ છોડવા માટે વૈજ્ઞાનિક પ્રયત્નો કરવા બહુ જરૂરી છે. તેમાં સાદી સલાહથી માંડીને ગ્રૂપ કાઉન્સેલિંગ મદદરૂપ થઈ શકે છે. સાયકોથેરપી, હિપ્નોથેરપી તેમજ કેટલીક દવાઓ આ માટે અસરકારક નીવડે છે. ક્યારેક પ્રમાણ ઓછું કરવા નિકોટિન ગમ, નિકોટિન પેચ, નેસલ સ્પ્રે કે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી ઉપયોગમાં લેવાય છે. અલબત્ત, એટલું નક્કી છે કે તમાકુના વ્યસનીને તમાકુ છોડવાની ઇચ્છા અને તૈયારી હોવી જોઈએ નહીંતર પ્રયત્નો નિષ્ફળ જવાની ઘણી સંભાવના છે. સરકારના અવેરનેસ પ્રોગ્રામ વધુ પ્રભાવશાળી અને અસરકારક થાય તે જરૂરી છે. તમાકુને છોડો નહીંતર એ તમને જીવતા નહીં છોડે. {
વિનિંગ સ્ટ્રોક : કહેવાય છે કે તમાકુના ખેતરને વાડ નથી હોતી, કારણ કે જાનવર પણ સમજે છે. તમે?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP