Divya Bhaskar

Home » Rasdhar » ડૉ. પ્રશાંત ભીમાણી
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

મને ટોચ પર રહેવાનો થાક લાગે છે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
31 વર્ષની નિકેતાના ચહેરા પર 51 વર્ષ જેટલો થાક દેખાતો હતો. ‘ડૉક્ટર, આમ જુઓ તો મારી ગણતરી શાંત અને શરમાળ લોકોમાં થાય, પરંતુ છેલ્લા 2 વર્ષથી મારા બિહેવિયરમાં અને મારી ઇમ્પ્રેશનમાં ખૂબ ચેઇન્જ આવ્યો છે. મારું ચીડિયાપણું વધતું જાય છે. મારી મમ્મી પર મને ખૂબ

યોગ, ધ્યાન અને પ્રાણાયામ સાથે સંતુલિત આહાર અને વિહાર સ્વાસ્થ્યને મજબૂત
બનાવે છે

ગુસ્સો આવે છે. હું અને મમ્મી એકલાં જ રહીએ છીએ. મારા ડેડી હું 2-3 વર્ષની હોઈશ ત્યારે જ અમને છોડીને કોઈ બીજી સ્ત્રી સાથે રહેવા જતા રહ્યા. અમે મુંબઈમાં બે એકલાં જ રહીએ છીએ. ઓફ કોર્સ પૈસાની કમી નથી. મારી મમ્મી પણ ઘણી સોશિયલ સંસ્થાઓમાં સક્રિય છે. મુંબઈ જેવા શહેરમાં પ્રેસ્ટિજિયસ મલ્ટિનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ.ની પોસ્ટ ઉપર છું, પણ મને એ વાતનો જરાય આનંદ નથી આવતો. હું ચોવીસ કલાકમાં છત્રીસ કલાક જેટલું કામ કરું છું. લગભગ ત્રાસેલી રહું છું. સતત વ્યગ્રતા રહે છે. ઓફિસમાં સ્ટાફ સહેજ ભૂલ કરે તો ગાળાગાળી કરી બેસું છું. પછી પસ્તાવો થાય છે. શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે. માથું ભારે રહે છે. ભૂખ મરી ગઈ છે. કામમાં રસ પડતો નથી. છતાંય ડેડલાઇન્સ અને મિટિંગ્સમાંથી નવરી પડતી નથી. મમ્મી કહે છે, ‘મેરેજ કરી લે, પણ મારાં તો જાણે કામ સાથે જ લગ્ન થઈ ગયાં છે.’ જીવનમાં બહુ રસ નથી પડતો. લોકોની એલર્જી થવા લાગી છે. ગ્રૂપમાં કે પાર્ટીમાં જવાનું અવોઇડ કરું છું. આઇ એમ ટોટલી બર્ન્ડ આઉટ.’
આજકાલ આ બર્ન આઉટ મતલબ ચારેબાજુથી થાકની લાગણી યુવાનોમાં વધતી ચાલી છે. કામનું કિલિંગ પ્રેશર યુવાનોમાં બ્લડપ્રેશર વધારી રહ્યું છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની જરૂરિયાતો વચ્ચે વ્યક્તિ પિસાતી જાય છે. લાગણીશૂન્યતા અને સંવેદનાવિહીન વર્તન વધતું જાય છે. અતિ વ્યસ્ત ટાઇમટેબલમાં પણ કોઈ ઓચિંતાં કામ આવી પડે ત્યારે અત્યંત નિચોવાઈ જવાય છે. એમાં પણ પાછી જો વ્યક્તિ પરફેક્શનિસ્ટ હોય તો મામલો ઓર બગડે છે. પોતે પોતાની જાત પાસે કામ લેવામાં નિષ્ફળ જાય છે એટલે અપરાધભાવના વધતી જાય છે.
આજકાલ મોટિવેશન સ્પીચીઝના ઓવરડોઝને કારણે વ્યક્તિ જાણે અજાણે સફળતા મેળવવા હવાતિયાં મારે છે. રીતસર ઢસડાય છે. રાતોરાત કહેવાતી ‘સક્સેસ’ વ્યક્તિના સ્વાસ્થ્યનો દાટ વાળી નાખે છે. આવી બર્ન આઉટની સમસ્યાની સાથે કેવી રીતે કામ લેવાય?
} સૌ પ્રથમ કામના કલાકો નિયત કરવા અત્યંત જરૂરી છે. મોટે ભાગે એ લોકો જ અકારણ માનસિક થાકનો ભોગ બને છે, જે લોકો કોઈ વાહિયાત તરંગને કારણે પોતાના શરીર અને મનને એબ્યુઝ કરે છે.
} જીવન એ કામ, વ્યક્તિગત અને પારિવારિક બાબતોમાં વહેંચાયેલું હોવું જરૂરી છે. આ વહેંચણી સંતુલિત હોવી અનિવાર્ય છે. જો આ ક્ષેત્રોમાં યોગ્ય રીતે સમય અને શક્તિની ફાળવણી ન થઈ તો આજે નહીં તો કાલે સમસ્યા ઊભી થઈ સમજો.
} મહત્ત્વાકાંક્ષા બહુ જરૂરી અને સારી બાબત છે, પરંતુ એ જ સર્વસ્વ હોય તો પછી સરવાળે તમારી પાસે જીવનના બીજા આનંદ ઓછા થતા જશે. સફળતાના મોટિવેશનના ઓવરડોઝની સાઇડ ઇફેક્ટમાં સાયકોલોજિકલ બર્ન આઉટની શક્યતા છે.
} યોગ, ધ્યાન અને પ્રાણાયામ સાથે સંતુલિત આહાર અને વિહાર સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. 6થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ અને પોતાના માટે પણ રોજનો અડધાથી એક કલાક ફાળવવો જરૂરી છે.
} અપેક્ષાઓની સ્પીડ અને પ્રમાણ વધતા જાય છે એવા સંજોગોમાં પોતે કેવી રીતે જીવવું છે- માત્ર સમૃદ્ધિથી કે સુખ અને શાંતિ સાથે તે નક્કી કરવું પડે.
} જરૂર પડે નિષ્ણાતની સારવાર લેવામાં સંકોચ ન કરવો, દરેક સમસ્યા એ માનસિક રોગ ન ગણાય. સ્વસ્થ લોકો પણ સાયકોલોજિસ્ટને મળી જ શકે. {
વિનિંગ સ્ટ્રોક : અતિશય મહત્ત્વાકાંક્ષાનો અનિયંત્રિત અગ્નિ સૌ પ્રથમ માનસિક શાંતિને બાળે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP