Home » Rasdhar » ડૉ. પ્રશાંત ભીમાણી
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

ઇમોશનલ ડિવોર્સ વધી રહ્યા છે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
‘ડૉક્ટર, અમારા એક ક્લોઝ ફ્રેન્ડ છે. એમના માટે મળવું છે. એક કપલ છે, પણ તમારે બંને જણાની ટ્રીટમેન્ટ કરવાની છે. જયની અને શાશ્વત. એ લોકો એમની ચાલીસીમાં છે. અમે બધા કૉલેજ ફ્રેન્ડ્ઝ. અત્યારે મારા હસબન્ડ રાજીવ અને શાશ્વત સાથે જ બિઝનેસ કરે છે. એ બંને વચ્ચે આમ તમને કોઈ પ્રોબ્લેમ ન દેખાય, પણ અમને જૂના મિત્રો તરીકે એ સ્પષ્ટ દેખાઈ આવે.’ રિયાએ પ્રસ્તાવના મૂકી. અેપોઇન્ટમેન્ટ લઈને ચારેય સાથે આવ્યાં.

સ્વસ્થ સેક્સજીવન એ સફળ લગ્નની પૂર્વશરત હોય છેેે

જયની અને શાશ્વત કૉલેજકાળનાં પ્રેમીઓ, પછી કોઈપણ ફૅમિલી ડિસ્ટર્બન્સ વગર પરણી ગયાં. અત્યારે બે બાળકો. મોટો દીકરો અમેરિકા ભણવા ગયો અને નાનો મુંબઈમાં ભણે. મોટા ઘરમાં બંને એકલાં રહે. જયની પાકી હાઉસવાઇફ અને શાશ્વત મલ્ટિનેશનલ બેન્કમાં જનરલ મેનેજર. ઘણું સારું મિત્રવર્તુળ એમાં માલવ અને રિયા નજીકના મિત્રો. લગ્નને 26 વર્ષ થયાં. બંને વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ ‘દેખાય’ નહીં, પણ અંદરથી એકબીજા પર ચીડ રહે. એકબીજાની કંપની હવે સહન ન થાય. છેલ્લાં 5-7 વર્ષથી આ અંતર એટલું બધું વધી ગયું હતું કે પહેલાં જે ઝઘડાઓ મોટેથી થતા હતા એ હવે અવાજ વગરના ક્રૂર હાવભાવમાં પરિવર્તિત થયા. એકબીજા સામે ઘુરકિયાં કરવાનું વર્તન રૂટિન થઈ ગયું હતું.
ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે જ્યારે એમનાં સંતાનો ઘરે આવે ત્યારે બેસ્ટ કપલનો અભિનય થાય. એમને તો ગંધ સુધ્ધાં ન આવે, પણ છેલ્લે છેલ્લે તો હવે આ એક્ટિંગની પણ અકળામણ થઈ રહી હતી. પ્રેમની એક્ટિંગનું પ્રેશર કૂકર ફાટવાની તૈયારીમાં હતું. બસ, એવા જ કટોકટીના સમયમાં સમયસરનું કાઉન્સેલિંગ મળ્યું. બંને જણને પોતાની ભૂલો ક્યાં છે તેનું દર્પણ-દર્શન કરાવવામાં આવ્યું.
બંને વાતવાતમાં મેણાંટોણાં મારીને શાબ્દિક ઘસરકા મારીને લાગણીને લોહીલુહાણ કરવામાં એક્સપર્ટ બની ગયાં હતાં. ચારિત્ર્ય હનન સુધીના આરોપ-પ્રત્યારોપ થવા માંડ્યા હતા, કારણ કે સેક્સલાઇફમાં બેમાંથી એકેયને રસ નહોતો રહ્યો. માત્ર ક્યારેક ‘મિકેનિકલ સેક્સ’ થઈ જતું એ પણ બે-ત્રણ મહિને એક વાર. બંનેને એવી શંકા કે નક્કી આને એક્સ્ટ્રા-મેરિટલ અફેર હશે જ. ભૂતકાળના ઝીણા-ઝીણા બનાવોને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ થતું. ભાથામાંથી કોણ કયું ભૂતકાળિયું બાણ કાઢે છે તેની સતત હરીફાઈ જામતી.
સાસરિયાંઓ પ્રત્યે બંને અપમાનજનક ઉચ્ચારણો કરતાં રહેતાં. નવાઈની વાત તો એ કે પાછા એ બધા ઘરે આવે કે બહાર મળે ત્યારે એ ‘પ્લાસ્ટિક સુમેળ’ની એક્ટિંગ તો કરી જ શકે. દોષારોપણ દૈનિક ક્રિયા હતી. સામેવાળું કંઈક પૂછે તો માત્ર દીવાલ જેવું મૌન રાખવાની કળા પણ મેળવી ચૂક્યાં હતાં. આજકાલ સંશોધનો જણાવે છે કે હમણાં હમણાં સમાજમાં આવા ઇમોશનલ ડિવોર્સ વધી રહ્યા છે. એકબીજાને આવા ડિવોર્સ આપી ચૂકેલા શાશ્વત અને જયનીને કેટલીક ઉકેલલક્ષી ટિપ્સ અપાઈ.
સૌ પ્રથમ તો વર્ષો પૂર્વે એ બંનેના એક થવાનું કારણ ‘પ્રેમ’ હતો અને છે એ વાત સુદૃઢ રીતે રિએસ્ટાબ્લિશ કરાઈ. બંને આ બાબતે સહમત થયાં.
બંનેને આર્ગ્યુમેન્ટ કરવાની છૂટ હતી, પણ એનું ધ્યેય સમસ્યાલક્ષી રાખવું અને ઉકેલલક્ષી વિચારણા કરવી.
સમીરે વીક એન્ડના દિવસોમાં કોઈ ત્રીજાની હાજરી વગર જયનીની સાથે ક્વોલિટી ટાઇમ આપવો એવું નક્કી થયું.
કોઈ એક એક્ટિવિટી જેમ કે, એક્સરસાઇઝ કે યોગ સાથે મળીને કરવાં એવું નક્કી થયું. સૂતા પૂર્વે બંનેને ‘સેલ્ફ-હિપ્નોસીસ’ ટ્રેનિંગ અપાઈ. એનાથી મન અને શરીરને શાંત કરવાનું એ બંને શીખ્યાં.
લગ્નજીવનની મધુર ધમાલ-મસ્તીવાળી ક્ષણોના ફોટોગ્રાફ એમના રૂમની દીવાલ પર લગાવવાનું કહ્યું, ‘હેપ્પી મેમરી’ આપણા સુખદ સંવેદનોને ફરી જન્માવે છે. શરીરમાં એન્ડોર્ફિન્સ ઝરવાથી આનંદની અનુભૂતિનું પુનઃનિર્માણ થાય છે.
એ વાતનો સ્વીકાર થયો કે કોઈપણ કપલ સંઘર્ષમુક્ત ન હોય, પણ મતભેદ એવી રીતે દૂર કરવા કે મનભેદનું લાંછન ન રહે અને હા, સમસ્યાઓને બેડરૂમમાં આવવાની પરમિશન ન જ આપવી. સંતુલિત અને સ્વસ્થ સેક્સજીવન એ સફળ લગ્નની પૂર્વશરત હોય છે. ‘સ્વસ્થ સંવાદ’ લગ્નસુખની પાયાની શરત છે.
વિનિંગ સ્ટ્રોક : લગ્નમાં ઝઘડો પણ શાણપણથી કરી શકાય છે, જો ધારો તો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP