ડૂબકી / જીવનની ડિક્શનરીમાં ‘ના’ શબ્દ ઉમેરીએ

article by vinesh antani

વીનેશ અંતાણી

Apr 21, 2019, 03:41 PM IST

બે પ્રકારના લોકો જોવા મળશે – એક, જેઓ દરેક બાબતની ‘હા’ પાડશે, તેઓ બધાં કામ માટે, બધા જ પ્રકારના સંબંધો જાળવવા માટે, કોઈ પણ જવાબદારી ઉપાડવા તૈયાર હશે. એમની ડિક્શનરીમાં ‘ના’ જેવો કોઈ શબ્દ હોતો નથી. એમને આપણે સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ માનીએ છીએ. બીજા પ્રકારના લોકો બધી બાબત માટે ‘ના’ જ પાડે છે. તેઓ એમને સોંપાયેલું કોઈ પણ કામ કરવા રાજી હોતા નથી. એમને કોઈ જવાબદારી ઉપાડવી નથી. તેઓ નકારાત્મક અભિગમ ધરાવતા લોકો તરીકે ઓળખાય છે.

  • કોઈ પણ કામ કરવા માટે સદા તૈયાર હોવાનો ગુણ સારો છે, પરંતુ એનાં ભયસ્થાનો પારિવારિક સંબંધોથી માંડીને વ્યાવસાયિક ક્ષેત્ર સુધી અસર કરે છે

કોઈ પણ કામ કરવા માટે સદા તૈયાર હોવાનો ગુણ સારો છે, પરંતુ એનાં ભયસ્થાનો પણ છે. એ ભયસ્થાનો પારિવારિક અંગત સંબંધોથી માંડીને વ્યાવસાયિક અને જાહેરજીવનના ક્ષેત્ર સુધી અસર કરે છે. કોઈ પણ સંજોગોમાં સંબંધ સાચવી લેવા માગતા લોકો ના પાડવા તૈયાર હોતા નથી. પતિ-પત્નીએ પરિણામની ચિંતા કરીને એકબીજાની બધી જ વાત-માગણી-વિચારો સ્વીકારી લેવાની જરૂર હોતી નથી. તે માટે યોગ્ય ચર્ચાવિચારણા કરીને મુદ્દા સ્પષ્ટ કરી શકાય. સામેની વ્યક્તિના વૈચારિક સ્વાતંત્ર્યનું સન્માન જાળવીને અસંમતિ પ્રગટ કરી શકવાની મોકળાશ વિકસાવવાથી દાંપત્યજીવન તંદુરસ્ત બને છે. ઘણા વડીલોના પ્રસ્તાવ, વિચારસરણી કે આજ્ઞા અવ્યવહારુ હોઈ શકે. માત્ર તેઓ વડીલ છે તેથી એમની વાત ઉથાપી શકાય જ નહીં એવી માન્યતા પણ ક્યારેક અવ્યવહારુ અને લાંબા ગાળે નુકસાનકારક બની શકે. વડીલોની હઠને લીધે ‘કજોડું’ બનેલાં દંપતીનાં દૃષ્ટાંત જોવા મળે છે.
ઘણાં બાળકો વધારે પડતાં ડિમાન્ડિંગ હોય છે. સંતાનોની અયોગ્ય માગણીઓ સામે ઝૂકી જવાથી છેવટે તો સંતાનોને નુકસાન થાય છે. સ્માર્ટફોન પાછળ વધારે પડતો સમય ગાળતાં સંતાનોને અટકાવી ન શકતાં માતા-પિતાને આખરે સમજાય છે કે એમને એ વ્યસનમાંથી વારવા મુશ્કેલ બન્યું છે.
મિત્રતા પણ એવો જ નાજુક સંબંધ છે. ઘણી વાર આપણે મિત્રોને મદદ કરવા જતાં આપણી જાતનો વિચાર કરતા નથી. વ્યવસાયના ક્ષેત્રમાં આજના સમયની ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે ના પાડવી લગભગ અશક્ય બની ગયું છે. લોકો એમના સિનિયર્સને કે સહકાર્યકર્તાઓને કોઈ કામ માટે ના પાડી શકતા નથી. આપણે ધારી લીધું છે કે એવું કરવાથી આપણી છાપ સારી પડશે નહીં, એ લોકો નારાજ થશે અને આગળ વધવાની તક બંધ થઈ જશે. ગજા ઉપરાંતની જવાબદારી માથે લીધા પછી તેને સંતોષજનક રીતે પાર પાડી શકીએ નહીં તો અપરાધભાવ જન્મે છે. એક સાયકોલોજિસ્ટે કહ્યું છે કે એમના મોટા ભાગના ક્લાયન્ટ્સને ‘ના’ જેવા નાનકડા શબ્દનો ઉપયોગ કરતાં આવડતું નથી. તેઓ જવાબદારીના ઢગ નીચે દબાઈને સ્ટ્રેસના શિકાર બને છે.
ક્યારેક આપણે કરવા માગતા ન હોઈએ એવાં કામ પણ કરવાં પડે છે. એવી મજબૂરી જિંદગીનો હિસ્સો છે, પરંતુ જે કામ કરવાની જરૂર જ ન હોય તેના માટે તો ના પાડી શકાય. આપણી જિંદગી બીજા લોકો માટે જ નથી, પોતાના માટે પણ જીવવાનું હોય છે. સહેલાઈથી હા પાડીને આપણે આપણી સીમાઓનો, શક્તિનો, સમયનો ખ્યાલ રાખતા નથી. આપણા અંગત અગ્રતાક્રમથી વધારે મહત્ત્વ બીજાનાં કામ, ઇચ્છા, માગણીને આપીએ છીએ. જરૂરી નથી કે દરેક બાબત માટે તાત્કાલિક હા જ પાડી દેવી જોઈએ.
હું આકાશવાણીમાં જોડાયો પછી પહેલી વહીવટીય ટ્રેનિંગમાં એક વક્તાએ કહ્યું હતું કે ના પાડવાની એક પદ્ધતિ ‘હા’ પાડવાની છે. સામેની વ્યક્તિને કહો: ‘તમે સોંપેલું કામ કરવા હું તૈયાર જ છું, પરંતુ તે પહેલાં મારે મારાં પોતાનાં ઘણાં અગત્યનાં કામ પૂરાં કરવાનાં છે.’ તમારો જવાબ ‘હા’માં હશે, છતાં તેમાં ‘ના’નો સૂર સામેની વ્યક્તિ સુધી પહોંચી જશે. સુવિચાર જેવું એક વાક્ય છે: ‘અયોગ્ય વ્યક્તિને ના પાડવાથી તમે યોગ્ય વ્યક્તિઓને હા પાડવાની જગ્યા ઊભી કરી શકો છો.’ પોતાનાં સમય અને શક્તિને અગ્રતા આપવી જ પડે. ક્યારેક ‘ના’ શબ્દ સૌથી ગુણકારી શબ્દ બને છે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી