વાત અમિત શાહના અકલ્પ્ય પુરુષાર્થની

  • પ્રકાશન તારીખ14 Aug 2019
  •  

દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
આજથી લગભગ નવ વર્ષ પહેલાંની વાત છે. ટી.વી. ન્યૂઝ ચેનલ પર સમાચાર આવી રહ્યા હતા કે, આતંકવાદી શોહરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમિત શાહની ધરપકડ કરી છે.
હાલના કેન્દ્રિય ગૃહપ્રધાન શાહ એ વખતે ગુજરાતના ગૃહપ્રધાન હતા. ધરપકડ થોડી મિનિટો પછી થવાની હતી આમ છતાં મોઢા પર ભારે સ્વસ્થતા રાખીને અમિત શાહે જાણે એમના દુશ્મનોને ચેલેન્જ આપતા હોય એ રીતે મરીઝનો આ શેર ટાંક્યો:
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે
25 જુલાઇ, 2010ના એ દિવસે કદાચ મોટા ભાગનાઓને અમિત શાહના આ આત્મવિશ્વાસમાં વધુ પડતી ખુમારીનાં દર્શન થયાં હશે, પરંતુ આજે નવ વર્ષ પછી તેઓ ભારતના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે એ બાબતમાં કોઈને શંકા હોવી જોઇએ નહીં.
ફક્ત 2014 કે 2019ની લોકસભામાં મેળવેલી જ્વલંત જીત જ નહીં, પરંતુ ટ્રિપલ તલાક વિધાયક પાસ કરાવવાથી માંડીને જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક નિર્ણય સુધીમાં અમિત શાહનો સૌથી મોટો રોલ રહ્યો છે, એ વિશે કોઈ દલીલ રહેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેનું જે ટ્યુનિંગ છે એવું ટ્યુનિંગ ભૂતકાળમાં કોઈપણ સત્તાધારી પક્ષના બે ટોચના રાજકારણીઓમાં જોવા મળ્યું નથી. ભાજપના કેટલાક મિત્રો મોદી શાહની જોડીને ફિલ્મ શોલેના જય–વીરુની જોડી સાથે સરખાવે તો એમાં કોઈ નવાઈ નથી. નરેન્દ્ર મોદી માટે એમ કહેવાય છે કે તેઓ ખૂબ અતડા અને જિદ્દી છે. પ્રધાનમંડળના એમના સાથીદારો હોય કે આરએસએસના હોદ્દેદારો, મોદી દરેકથી થોડું અંતર રાખતા હોવાનું કહેવાય છે. એક અમિત શાહને બાદ કરતાં. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવાની હોય કે પુલવામાના આતંવાદી હુમલાનો પાકિસ્તાનને પ્રતિ જવાબ આપવાનો હોય, દરેક વ્યૂહરચના મોદી–શાહ સાથે મળીને ઘડે છે. રાજકીય વર્તુળોમાં એમ કહેવાય છે કે નોટબંધીનો જે નિર્ણય લેવાયો એની ખબર અમિત શાહ સિવાય પ્રધાનમંડળમાં કોઈને નહોતી. મોદી અને અમિત શાહ વચ્ચેની આ અંગતતા જોકે આજકાલની નથી. 90ના દાયકાના અંતમાં જ્યારે ભાજપના આંતરિક રાજકારણને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે મોદીના જૂના વફાદારોમાંથી મોટા ભાગનાઓએ એમનો સાથ છોડી દીધો હતો. એ વખતે પણ અમિત શાહ મોદીને સંપૂર્ણ વફાદાર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેવા માટે જોકે ફક્ત વફાદારી શબ્દ પૂરતો નથી, પરંતુ એમના માટે જે તે વ્યક્તિની રાજકીય આવડત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમિત શાહ માટે પહેલેથી જ કહેવાય છે કે તેઓ ચેસના માહેર ખેલાડીની માફક સામેનો પ્રતિસ્પર્ધી જે ચાલ ચાલે એની આગળની ચાર ચાલ વિચારી રાખે છે. 2001ની સાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં અમદાવાદ સિવાય ગુજરાતના બીજા ભાગોમાં ભાગ્યે જ કોઈએ અમિત શાહનું નામ સાંભળ્યું હતું. કેશુભાઈની વિદાય પછી મોદી જેવા મુખ્ય પ્રધાન બન્યા કે એમણે અમિત શાહને ગૃહપ્રધાન બનાવી દીધા. ત્યાર પછી જેટલી ચૂંટણીઓ આવી એના સફળ સંચાલનની જવાબદારી અમિત શાહ પાસે જ રહેતી હતી. ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવામાં અમિત શાહ પહેલેથી જ એક્કા ગણાય છે.
22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈમાં જન્મેલા અમિત શાહનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું માણસા ગામ. અમિતભાઈના પિતા અનિલચંદ્ર શાહ પીવીસી પાઇપનો બિઝનેસ કરતા હતા. સ્કૂલનો અભ્યાસ મહેસાણામાં કર્યા પછી અમિતભાઈ અમદાવાદ શિફ્ટ થયા અને અમદાવાદની સીયુ શાહ સાયન્સ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા ત્યારે પિતાના ધંધામાં મદદગાર થવા ઉપરાંત ‘એબીવીપી' તરફથી રાજકીય રીતે પણ સક્રિય થયા હતા. નાનપણથી જ તેઓ આરએસએસની શાખામાં જતા હતા. 1982માં પહેલી વખત એમની ઓળખાણ નરેન્દ્ર મોદીની સાથે આરએસએસની શાખામાં થઈ હતી, એ વખતે મોદી આરએસએસ પ્રચારક હતા. 1987માં અમિતભાઈ ભાજપમાં જોડાયા. ભાજપ યુવા મોરચામાં તેઓ ઉપપ્રમુખ અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. 1991ની લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ચૂંટણી સંચાલનની જવાબદારી અમિતભાઈને મળી અને તેઓ પ્રકાશમાં આવ્યા. એ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ કરતાં કોંગ્રેસની પકડ ઘણી વધુ હતી. મોદી અને શાહે મળીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુષ્કળ કામ કરીને ભાજપની સફળતાનો પાયો નાખ્યો. 1998માં ‘અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેન્ક'ના પ્રમુખ પદની ચૂંટણી જીતીને અમિત શાહે બધાને આશ્ચર્યમાં નાખી દીધા હતા, કારણ કે મોટે ભાગે આ ચૂંટણી જાતિ આધારે જિતાતી હતી અને અમિતભાઈ વૈષ્ણવ વાણિયા હોવાથી એમના માટે આ ચૂંટણી જીતવી અઘરી હતી.
2010માં જ્યારે એમની ધરપકડ થઈ અને એમણે જેલમાં જવું પડ્યું ત્યારે એમના વિરોધીઓ માનવા લાગ્યા કે અમિત શાહની કારર્કિદી હવે પૂરી થઈ ગઈ. અકલ્પીય લડાયક ક્ષમતા ધરાવતા અમિત શાહ જોકે જેલમાં રહીને પણ નિરાશ થયા નહીં અને એમણે એમના શોખનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં. મહાશ્વેતા દેવીએ લખેલા ‘હજાર ચુરાશિર મા' અને ‘અર્ણય અધિકાર' એમનાં માનીતાં પુસ્તકો છે. જ્યારે મહાશ્વેતા દેવીનું અવસાન થયું ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવામાં અમિત શાહ પ્રથમ હતા. એમનાં માતા સંપૂર્ણપણે ગાંધીવાદી હોવાથી અમિત શાહે ગાંધી સાહિત્યનો પણ અભ્યાસ કર્યો છે. જોકે, એમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોની સૌથી વધુ અસર રહી છે અને એ બાબત તેઓ છુપાવતા પણ નથી.
અમિત શાહ જ્યારે જામીન પર છૂટ્યા ત્યારે એમને ગુજરાત પ્રવેશ માટે કોર્ટે મનાઇ ફરમાવી હતી. અમિતભાઇએ દિલ્હી રહેવાનું નક્કી કર્યું અને ઘણા લાંબા સમય સુધી તેઓ અરુણ જેટલીના ઘરે તેમજ ગુજરાત ભવનમાં રહ્યા અને ત્યારથી જ એમની સફળતાની બીજી ઇનિંગ શરૂ થઈ એમ કહી શકાય.
ગુજરાતમાં ઘણાએ અમિત શાહના નામનું નહાઈ નાખ્યું હતું ત્યારે બીજી તરફ તેઓ દિલ્હીમાં પોતાનો પાયો મજબૂત કરી રહ્યા હતા. ભાજપના સિનિયર રાજકારણીઓ ઉપરાંત મીડિયા સાથે પણ સતત સંપર્કમાં રહીને નવા સંપર્કો વિકસાવતા હતા. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી અમિત શાહને ભાજપના મહામંત્રી બનાવવાની સાથે જ ઉત્તરપ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો. પક્ષમાં કેટલાક માનતા હતા કે ઉત્તરપ્રદેશના રાજકારણને સમજવું શાહ માટે સહેલું નથી. જોકે, 2014ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80 બેઠકોમાંથી 73 બેઠકો જિતાડીને અમિત શાહ રાષ્ટ્રીય ફલક પર છવાઈ ગયા. ત્યાર પછીનો ઇતિહાસ તો જાણીતો જ છે. બંગાળ એક એવું રાજ્ય હતું કે વાજપેયી અને અડવાણીએ પણ ત્યાંથી વધુ બેઠકો મેળવવાની આશા છોડી દીધી હતી. આ જ બંગાળમાં અમિત શાહે 50થી વધુ રેલીઓ કરી અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો શ્રેષ્ઠ દેખાવ કર્યો. 2019 સુધીમાં અમિત શાહ એટલા શક્તિશાળી બની ગયા કે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ નહીં હોય તો પણ સંગઠનમાં એમનું જ વજન રહે. ઉપરાંત પ્રધાનમંડળમાં પણ તેઓ જ સર્વેસર્વા ગણાય. આજે ભલે તેઓ ટેક્નિકલી કેન્દ્રિય ગૃહપ્રધાન છે, પરંતુ ભાજપશાસિત દરેક રાજ્યમાં તેમનો બોલ જ છેલ્લો બોલ ગણાય છે. સતત સફળતાને કારણે મેળવેલા આત્મવિશ્વાસની ઝલક એમના લોકસભાનાં ભાષણો દરમિયાન પણ દેખાઈ રહી છે. એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ એમનો ભાવી વારસદાર શોધી કાઢ્યો છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP