દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

સપને કૈસે કૈસે હોતે હૈં? સચ્ચે? કચ્ચે? અચ્છે?

  • પ્રકાશન તારીખ10 Feb 2019
  •  

ટાઇટલ્સ
સપનાં નીંદરના ચોકીદાર હોય છે (છેલવાણી)

એક શિલ્પકારે વીસ વીસ વરસની મહેનત પછી, સેંકડો કારીગરોની મદદથી આરસપહાણનો એક અદ્્ભુત તાજમહાલ બનાવ્યો! વીસ વરસની અથાગ મહેનત પછી આવતી કાલે એ શહેનશાહ શાહજહાંને તાજમહાલ પેશ કરવાનો હતો. અત્યાર સુધી એણે તાજમહાલને કંતાન-લાકડાં બામ્બૂઓથી ઢાંકીને રાખેલો જેથી કરીને કોઈની નજર ન લાગે. શિલ્પકાર પોતાની ટીમ સાથે રાત્રે એ ઢાંકેલા તાજમહાલ પાસે બેઠો. વરસોની મહેનત પછી હરખાયેલા મજૂરોએ ત્યાં મહેફિલ જમાવી. નાચ-ગાણાં, શરાબ-ડિનરની મહેફિલ દરમિયાન એકાદ મશાલ ઊછળી અને તાજમહાલમાં આગ લાગી. ભયંકર આગ! સફેદ દૂધ જેવો તાજમહાલ બળીને કાળોમસ્સ થઈ ગયો. શિલ્પકાર પોતાના અમર સર્જનને ભડભડ બળતા જોઈ રહ્યો. કશું જ કરી ન શક્યો! ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો કે હે ઈશ્વર! આવી તે કેવી ક્રૂર મજાક? મારા સપનાના સર્જનને આમ છેલ્લી ઘડીએ તેં કાળુંડિબાંગ કરી નાખ્યું? મારી મહેનત આ રીતે ભસ્મીભૂત?
હતાશ શિલ્પકાર જમુના તટ પર જઈને ખુદકુશી કરવાનો હતો, પણ એવામાં ધીમે ધીમે વરસાદ પડવાનો શરૂ થયો. કાળો તાજમહાલ ધીરે ધીરે ધોવાતો ગયો, એનો રંગ ઊઘડતો ગયો અને બરાબર એ જ વખતે પ્રભાત થયું અને ઊગતાં સૂર્યનાં સોનેરી કિરણોમાં શ્વેત તાજમહાલ નીખરી ઊઠ્યો. કુદરતે એક કલાકારનાં સ્વપ્નની લાજ રાખી લીધી!
આહ સ્વપ્નો? સપનાં, ખ્વાબ, ડ્રીમ્ઝ! હમણાં ભાજપના લીડર નીતિન ગડકરીએ વ્યંગ્ય કરતાં કહ્યું કે હું કોઈને ખોટાં સપનાં દેખાડતો નથી! આવા વાક્યથી સપનાં તો છોડો, પણ લોકોની ઊંઘ તૂટી શકે છે. આ સપનાં શું હોય છે? કાચથી યે નાજુક અને કથીરથી યે કઠણ. સપનાં મનુષ્ય જીવનને મનુષ્ય જીવન બનાવતી વાત છે. સપનાં અંધની આંખમાં ઊઘડતી રંગોળી જેવી બિસાત છે. થોડા વર્ષ અગાઉ એક સાધુને સપનું આવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ પાસેના ગામમાં કોઈક રાજાનો ખજાનો છે અને જો સરકાર એને ખોદી કાઢે તો ભારતની પ્રજા ન્યાલ થઈ જાય. સાધુને સપનું આવે ત્યાં સુધી તો ઠીક છે, પણ પુરાતત્ત્વ વિભાગ પણ એ સપનાને સાકાર કરવા કોદાળી પાવડા લઈને પહોંચી ગયો. બહુ ખોદ્યું પણ ત્યાં કાંઈ મળ્યું નહીં! વાત વિચિત્ર લાગે પણ આ દુનિયા તરંગ પર જ ચાલે છે.
જર્મન વિજ્ઞાની ફ્રેડરિક કેકુલે વર્ષો સુધી માથાકૂટ કરી કે બેન્ઝિન નામના કેમિકલમાં એના અણુઓની ચેઇન-શ્રૃંખલા કઈ રીતે હોઈ શકે. બેન્ઝિન બહુ અગત્યનું કેમિકલ છે, પણ ફેડરિકને વર્ષોની મહેનત પછી પણ એ રચના સમજાઈ જ નહીં! છેક 1865માં એ એક ઘોડાગાડીમાં જતો હતો અને એક્સિડન્ટ થયો. નદીમાં તણાઈ ગયો. લગભગ બેભાન અવસ્થામાં એણે એક સપનું જોયું કે અણુઓ નાચતા હતા અને એક અણુની પૂંછડી બીજા અણુના મોઢામાં હતી - જાણે સાપે પોતાની પૂંછડી મોંમાં લીધી હોય એમ એક વિચિત્ર રિંગ બનતી દેખાણી અને એમાંથી એને નામની ફોર્મ્યુલા સમજાઈ. એની વરસોની ખોજનો સપનામાં આ રીતે અચાનક જ અંત આવ્યો! સપનાં ઘણીવાર સૂવા નથી દેતાં તો ઘણીવાર નીંદરમાંથી જગાડીને કાયમ માટે ઊંઘ આવે એવી શાંતિ આપી દે છે!

ઇન્ટરવલ :
રૂલા કે ગયા સપના મેરા,
બૈઠી હૂં કબ હો સવેરા? (શૈલેન્દ્ર)

ઘણીવાર સપનાં જોવાની આદત તમારી પોતાની અને આસપાસના લોકોની નીંદર હરામ કરી દે છે. 1999માં અજય દેવગનના પિતા અને ટોપના ફાઇટ માસ્ટર વીરુ દેવગને એક ફિલ્મ બનાવેલી. અમિતાભ, અજય દેવગન, મનીષા જેવાં ટોચનાં કલાકારો અને ભારત-પાક યુદ્ધના બેકગ્રાઉન્ડવાળી ફિલ્મ કરોડોના ખર્ચે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી. એ ફિલ્મમાં વીરુ દેવગને ટાઇટલ્સમાં લખેલું કે, ‘અ ડ્રીમ બાય વીરુ દેવગન’. એ ફિલ્મ ભયાનક ફ્લોપ ગયેલી. ત્યારે ફિલ્મલાઇનમાં લોકો કહેતા કે ફિલ્મ ફ્લોપ થયા પછી વીરુજી પોતાના બેડરૂમમાં જેવા સૂવા જાય કે એમનાં ઘરનાઓ ઉઠાડી મૂકતા છે કે પ્લીઝ, તમે સૂવો નહીં. તમે સૂશો તો ડ્રીમ જોશો અને તમારાં ડ્રીમ બહુ મોંઘાં પડે છે! ફિલ્મ લાઇનમાં ડ્રીમ્ઝ દર શુક્રવારે તૂટે છે કે સાકાર થાય છે. અહીં બીજાનાં ભાગતાં ડ્રીમ્ઝ પર હસનારા ઘણા લોકો હોય છે. ખાસ કરીને મીડિયામાં, પણ ખેર જે આંખોએ સપનાં જોયાં છે એ આંખોમાં આંસુ લાવવાની ફેસિલિટી કલાકારને નથી હોતી. એ જ સપનાં જોનારાની નમણી નિયતિ છે.
વર્ષો પહેલાં એક ચાઇનીઝ કવિતા વાંચેલી કે એક માણસને સપનું આવે છે કે એ પતંગિયું છે અને પછી જાગી જાય છે. ત્યારે એને થાય છે કે મેં સપનામાં ખુદને પતંગિયું બનતું જોયેલું કે એક પતંગિયાએ સપનું જોયું છે કે હું માણસ છું? સ્વપ્ન અને વાસ્તવની ભેદરેખા ભૂંસાઈ જાય એવી ભયાનક વાત છે આ! સપનાં કમાલની ચીજ છે. પ્રિય કવિ વેણીભાઈ પુરોહિતની એક સુંદર પંક્તિ છે - ‘આંખોમાં સ્વપ્નો ચાગલાં’- લાડલાં બાળકોની જેમ આળોટતાં હોય એવું એક કવિ જ પારખી શકે, લખી શકે!
ક્યારેક પેલા સાધુની જેમ અમનેય સપનું આવે છે કે આપણે સંસદ-વિધાનસભાઓ ખોદી કાઢવી જોઈએ, ખબર નહીં કેટલાં હાડપિંજરો, સ્કેન્ડલ મળશે. રાજકારણીઓનાં ઘરોનાં કમ્પાઉન્ડ ખોદવાં જોઈએ, ખબર નહીં કેટલા કરોડો રૂપિયા કે સોનાનાં બિસ્કિટ મળશે. ખોદવાનું તો ઘણું છે આ દેશમાં. કૈં કેટલાય ખજાના ધરબાઈને પડ્યા છે આ ધરતીમાં. બસ, સપનું જોઈ લ્યો એકવાર. ચાલો, આપણે પણ એક સપનું જોઈએ કે શોષણ–કુપોષણ-ધર્મજાતિ વિખવાદ વિનાનો દેશ આપણને મળી આવે! લેટ્સ હેવ એ ડ્રીમ!

એંડ ટાઇટલ્સ:
આદમ : મને ભયાનક સપનું આવ્યું કે હું મર્યા પછી સ્વર્ગમાં હતો અને ત્યાં પણ તું હતી.
ઇવ: પછી?આદમ : જોક પતી ગયો!

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP