દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

લતા લહર-૩૩ “યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે…”

  • પ્રકાશન તારીખ11 Oct 2018
  •  

‘લતા મંગેશકર આણંદની મુલાકાતે’ આ સમાચાર એક જિલ્લા કક્ષાના સ્થાનિક દૈનિક અખબાર માટે કેટલા મોટા હોય? વાત છે ૨૦૦૧ના જાન્યુઆરીની, જ્યારે અમે આણંદ-નડિયાદ અને ખેડા જિલ્લાને આવરી લેતા એક દૈનિકના સંપાદનમાં આરંભથી જોડાયા હતા અને પછી કાળક્રમે તે અમારા પરિવારની સંપૂર્ણ માલિકીનું થયું હતું. અમારા ફેમિલી માટે ખરેખર જ ‘સાહસ’ કહી શકાય એવા એ અખબાર ‘નવજીવન એક્સપ્રેસ’માં કરેલા પ્રયોગો તથા તેની સંપાદકીય સફળતાની લાંબી અને અલગ કહાની છે. પરંતુ, તે સમય દરમિયાન અમારા મિત્ર જનકભાઇ પટેલની આણંદમાં આવેલી રેકોર્ડ્સ અને કેસેટની ગુજરાત તેમજ દેશ-વિદેશમાં લોકપ્રિય તેમજ “જાણીતી વેપારી સંસ્થા ‘સૂરમંદિર’ના મોગર ખાતે શરૂ થતા રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઉદઘાટન લતા મંગેશકરના શુભ હસ્તે થશે?” એ વાત હવામાં આવી. તે વખતે એક અલગ જ ઉત્તેજના હતી. પરંતુ, છેલ્લી ઘડી સુધી એક ચિંતા હતી.


આગલા દિવસની બપોર સુધી લતાજી પોતે આવશે કે કેમ એ નક્કી નહોતું. તેમની તબિયતને લીધે પ્રવર્તતી અનિશ્ચિતતાનો આલમ એ હતો કે ઠેઠ આગલી સાંજે તેમનું આગમન કન્ફર્મ થયું અને પછી શરૂ થઈ અમદાવાદના પત્રકાર મિત્રોને નિમંત્રવાની કવાયત. બીજા દિવસે સૌ મીડિયાકર્મીઓ આવ્યા. તે નિમિત્તે મને એક ફરજ આપવામાં આવી હતી. લતાજી આવીને સીધાં સ્ટુડિયોના ઉદઘાટન માટે અંદર જશે અને તે દરમિયાન બહાર મંડપમાં હાજર નિમંત્રિતોનો સમય પસાર કરવા ઉદઘોષક હરીશ ભીમાણી સાથે સ્ટેજ પર રહીને પ્રશ્નોત્તરી કરવાની હતી. તે કાર્યક્રમની રૂપરેખા ફાઇનલ થતી હતી, ત્યારે અમે એક વિનંતિ કરી હતી અને તે માન્ય થઈ હતી.


લતાજી ઉદઘાટન કરીને મંચ પર પધારે તે વખતે મંચ પર વધારાનું કોઇ ના હોવું જોઇએ; એ સામાન્ય શિરસ્તાનું પાલન કરવાની સૂચના હરીશ ભીમાણીએ આપી હતી અને સૌએ તે મંજૂર રાખી હતી (હકીકતમાં તો મંજૂર રાખવાની હતી!). મેં હરીશભાઇને વિનંતિ કરી કે ખાસ કિસ્સામાં મને થોડો વખત સ્ટેજ પર ઉભા રહેવા દે. મારી માગણીનું કારણ કહ્યું કે મારે એ સ્ટેજ શૅર કરવું હતું કે જેના પર લતા મંગેશકર ઉભાં હોય! લતાજી જે સમયમાં હાજર છે એ કાલખંડમાં આપણે પણ હયાત હોઇએ એ જ મોટી વાત છે. તેમની સાથે એક મંચ પર ઉભા રહેવાની થ્રિલ મારે અનુભવવી છે. હરીશભાઇએ તેમની ચિરપરિચિત મુસ્કાન સાથે સંમતિ આપી. એટલે સુરસામ્રાજ્ઞીએ સ્ટેજ પર આવીને હાજર સૌ આમંત્રિતોને ‘નમસ્કાર’ કર્યા, ત્યાં સુધી મંચ પર ઉભા રહેવાની તક મળી. તે વખતે અમારા ‘નવજીવન...’ના સાથી મિત્ર અને આગવી સૂઝવાળા કેમેરામેન સોહંગ બ્રહ્મભટ્ટે, નક્કી થયા અનુસાર, એ ધન્ય ઘડીના ફોટા ઝડપી લીધા. જો કે અમારા માટે સોહંગની કાર્યત્વરાનું મોટું આશ્ચર્ય હજી બાકી હતું.


તે વખતે હજી ફોનમાં કેમેરા ક્યાં આવ્યા હતા? કોઇનો સન્માન સમારંભ, ઉદઘાટન સમારોહ કે લગ્ન જેવા જાહેર પ્રસંગોમાં તો ફોટોગ્રાફરો પાડે એ જ તસવીરી સ્મૃતિ! સોહંગે મોગર ખાતેનો કાર્યક્રમ ચાલતો હતો, તે દરમિયાન પોતે ઝડપેલા ફોટા ડેવલપ કરવા પોતાના એક સહાયકને તાત્કાલિક આણંદ રવાના કર્યો હતો. એ આવી ગયો હોઇ લતા મંગેશકરની એ મુલાકાતના સંભારણા સમી તસવીરોનું એક આલ્બમ લતાજીને આપી શકાય એવી સ્થિતિમાં અમે આવી ગયા હતા. એટલે લતાજી અને તેમની સાથે આવેલા તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર, હરીશ ભીમાણી તથા જાણીતા રેકોર્ડિસ્ટ દમન સુદ વગેરે મુંબઈની ફ્લાઇટ માટે વડોદરા એરપોર્ટ જવા નીકળ્યા, ત્યારે અમારી ગાડી પણ તેમની પાછળ નીકળી.


વડોદરાના હરણી એરપોર્ટ પર સ્વાભાવિક જ સિક્યુરિટીનો સખત બંદોબસ્ત હતો. પણ લતાજીના આગમનના સમાચાર ‘નવજીવન...’માં પહેલા પાને આઠ કોલમમાં પાથરેલા હતા. છાપાની એ દિવસની નકલો આખા પંડાલમાં વહેંચાઇ હતી. લતા મંગેશકરનો મોટો ફોટો પણ એ સમાચાર સાથે લગાવેલો હતો. એરપોર્ટના વ્યવસ્થાપકોને એ કોપી ઉપરાંત તે જ દિવસના ફોટાનું આલ્બમ પણ બતાવ્યું. ત્યાંનું પ્રોટોકોલ મેનેજમેન્ટ સંભાળનારા અધિકારી સાથે પણ અમારા રેવન્યૂ ડિપાર્ટમેન્ટની ઓળખાણને કારણે સુરક્ષા કવચ ભેદી શકાયું. હવે માત્ર સ્ટેજ શેર કરવાની સ્મૃતિ જ નહીં સાક્ષાત સરસ્વતી માતા સાથે રૂબરૂ થવાની ક્ષણ આવી પહોંચી હતી. પ્લેન મુંબઈથી આવ્યા પછી જવાનું હોઇ ફ્લાઇટને હજી સમય હતો. એરપોર્ટના એ ‘વીઆઇપી’ રૂમમાં અમને જોતાં હરીશ ભીમાણી ઓળખી ગયા. તેમને તો મારી ઘેલછાની ખબર હતી.


હરીશભાઇએ ‘દીદી’ સાથે વિધિવત્ પરિચય કરાવ્યો. અમે (હું તથા મારો દીકરો સ્વપ્નિલ) લતાદીદીને પગે લાગ્યા. અમારી સાથેનું આલ્બમ કાઢ્યું. એ જોતાં દીદીએ સંતોષ વ્યક્ત કર્યો... ફોટા માટે અને ઝડપથી તૈયાર થયેલા આલ્બમ બદલ! અમે ‘નવજીવન...’ વિશે થોડી વાત કરી. તેમણે પોતે હિન્દીમાં “નવજીવન કો શુભકામનાએં’’ એમ શાંતિથી લખીને પછી પોતાના હસ્તાક્ષર કર્યા. હરીશભાઇ અને હ્રદયનાથજીએ પણ પોતપોતાના ફોટોગ્રાફ પર તેમના ઓટોગ્રાફ કર્યા. તે પછી પહેલી ફ્લાઇટમાં લતાજી, હૃદયનાથ વગેરે ગયા; જ્યારે હરીશ ભીમાણીના પ્લેનને વાર હતી. હરીશભાઇ સાથે વડોદરા એરપોર્ટ પર કલાક-દોઢ કલાક વાતચીત કરવાનો લહાવો મળ્યો. તેથી આમ જુઓ તો, ‘નવજીવન...’ના સાહસે આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી. પરંતુ, એ અખબારની બેલેન્સશીટમાં આવી એક જ મુલાકાત જમા બાજુએ આવે અને કંપનીએ કરેલો ‘નફો’ લતાજીના સ્વરની માફક ઊંચેને ઊંચે ગયાની અનુભૂતિ થયા કરે છે.


‘નવજીવન...’ની આર્થિક બેલેન્સશીટ જ્યારે બહુ હેરાન કરવા લાગી હતી, એ દિવસોમાં અમિતાભ બચ્ચનની ‘એબીસીએલ’ની નિષ્ફળતાઓ પછીનું તેમનું એક વાક્ય ગુરુમંત્ર જેવું લાગ્યું હતું. બચ્ચનબાબુએ તે જ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ અને ‘મોહબ્બતેં’ કર્યા પછી કહ્યું હતું કે “બિઝનેસ કરવો એ અલગ આવડત માગી લે છે. મને એક્ટિંગ આવડતી હોય તો મારે એમાં જ ધ્યાન આપવું જોઇએ.” અમે પણ ‘અખબાર માલિક’ તરીકેની ભૂમિકામાં અતિ સંવેદનશીલ વ્યક્તિનું કામ નથી; એવા તારણ સાથે એ સાહસમાંથી બહાર નીકળવાનો રસ્તો લીધો. તેમાંથી ઋણમુક્ત થયા. તે પછી ‘કેબીસી’ અને ‘મોહબ્બતેં’ની શોધ કરવાની હતી! ‘કેબીસી’માં આજે પણ જે એટલા જ સ્ફૂર્તિલા લાગે છે અને જેમના જીવનમાંથી અનેક વખત (અનેક લોકોએ પણ) પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે; એવા અમિતજીની આજે વર્ષગાંઠ છે. ત્યારે લતાજીની આ શ્રેણી પૂર્ણ કરવાનો આનાથી વધારે યોગ્ય સમય બીજો કયો હોઇ શકે?


લતાજીની ગાયકીના સમંદરમાં કેટકેટલી જાતની લહેરો છે! તેમણે ૧૭૦ જેટલા સંગીતકારો સાથે કામ કર્યું છે. દરેકને લઈને પણ અભ્યાસપૂર્ણ લેખમાળા થઈ શકશે. તેમણે રફી સાહેબ, કિશોર દા, મન્નાડે, મુકેશ, હેમંતકુમાર, આશા ભોંસલે, ઉષા મંગેશકર વગેરે ગાયક-ગાયિકાઓ સાથે ડ્યુએટ્સ ગાયાં છે તેની છણાવટની પણ સરસ શ્રેણી થઈ શકે. પરંતુ, આજે તો અમિતાભ બચ્ચનના સંવાદો સાથે લતા મંગેશકરનું ગાયેલું ‘સિલસિલા’નું ગાયન વધારે યાદ આવી જાય છે. ‘સિલસિલા’માં લતાજી તેમના ટ્રેડમાર્ક ઊંચા સ્વરમાં ગાય છે, “યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે…” અને એ જ લાગણી આજે આ સ્મોલ સ્ક્રીન પર ‘ફિલમની ચિલમ’ને વિશ્રામ આપતાં થાય છે.


ફિલ્મોના શોખીનોને યાદ હશે જ કે એક જમાનામાં જ્યારે કોઇ સામાન્ય પ્રવાહથી અલગ હોય એવું બાસુ ભટ્ટાચાર્યનું ‘અનુભવ’ કે ‘આવિષ્કાર’ જેવું કોઇ ઓફબીટ પિક્ચર રિલીઝ થાય, ત્યારે તેની જાહેરાતમાં લખાતું હતું કે ‘મર્યાદિત કરાર મુજબ એક જ સપ્તાહ માટે રજૂ થાય છે’. આ શ્રેણી પણ ઓનલાઇન સ્ક્રિન પર મર્યાદિત સમય માટે હતી. આટલા સમય સુધી ‘DivyaBhaskar.com’ના લાખો વાચકો સાથે તેમના ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ જેવાં નવા સમયનાં ક્રાંતિકારી ઉપકરણો દ્વારા શ્રીદેવી અને લતા મંગેશકર વિશેની વાતો કરી શકાઇ તે બદલ ‘ટીમ DivyaBhaskar.com’નો ખૂબ ખૂબ આભાર! આ સિરીઝનું સમાપન કરતાં આપ સૌને શાયર બશીર બદ્રનો આ જાણીતો શેર કહેવાનું મન થાય છે, ચિરાગોં કો આંખોં મેં મહફ઼ૂઝ રખના, બડી દૂર તક રાત હી રાત હોગી, મુસાફિર હૈં હમ ભી, મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી...!
salil_hb@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP