લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

ટાઢા પડો ટાઢાઃ ગુજરાત એ ના ભૂલે કે જેટલા પરપ્રાંતીયો ગુજરાતમાં છે, એટલા જ ગુજરાતીઓ ગુજરાત બહાર છે 

  • પ્રકાશન તારીખ09 Oct 2018
  •  

ઉત્તર ગુજરાતના હિંમતનગરના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં તંગદિલી ફેલાઈ છે. ગુજરાતનાં શહેરો-નગરો-ગામોમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી રોજગારી માટે આવેલા પરપ્રાંતીય લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યમાં જ્યાં જ્યાં પરપ્રાંતીયો વધુ સંખ્યામાં રહે છે ત્યાં પાકો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવાઈની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં સલામતી અને સુરક્ષાની જવાબદારી જેમના ખભા પર છે તે ઉચ્ચ અધિકારીઓ ગુજરાતી નથી, પરંતુ જેમના પર હુમલાઓ થઈ રહ્યા છે પણ તેઓ બિહાર અને ઉત્તર પ્રદેશનાં મૂળ ધરાવે છે. દરમિયાન શાંતિના ઉદ્દેશ્યથી પરપ્રાંતીય સમાજે અમદાવાદ શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં હજારો લોકો જોડાયા હતા. લોકોએ આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી ભલામણ કરી હતી. પરપ્રાંતીય પરિવારોઓએ ‘અમારી દીકરીને ન્યાય આપો’ અને ‘નિર્દોષોને હેરાન કરવાનું બંધ કરો’નાં પોસ્ટર લગાવ્યાં હતાં.

પરપ્રાંતીયો પર હુમલા કરવાનો ગુજરાતનો સ્વભાવ જ નથી. જો એમ હોત તો ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું હોત. ભૂતકાળમાં જેની નોંધ લેવી ના પડે એવાં નાનકડાં છમકલાં જરૂર થયાં છે, પણ આ વખતે જે થયું છે તે નવી વાત છે. પરપ્રાંતીયો પરના હુમલાઓ બદલાતા ગુજરાતની ચાડી ખાય છે.

આ ઘટના સાથે જોડાયેલી બાબતોની મુદ્દાસર ચર્ચા કરીએ.

(1) ગુજરાતમાં વર્ષોથી પરપ્રાંતીયો રહે છે. આ પ્રવાહ આજકાલનો નથી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, એમ ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાંથી લોકો રોજગારી માટે આવે છે. આમાંથી મોટા ભાગના લોકો શ્રમિકો હોય છે. કંડલા મહાબંદરે લાખો શ્રમિકો કામ કરે છે તેમાં પરપ્રાંતીયોની સંખ્યા સવિશેષ છે. એ જ રીતે જામનગરમાં પણ પરપ્રાંતીય મજૂરોની વસતી ઘણી વધારે છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં એટલી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો છે કે રાજકીય પક્ષો ટિકિટ આપે ત્યારે પરપ્રાંતીયોની વસતીને ધ્યાનમાં લઈને, સ્થાનિકને બદલે જે તે પ્રદેશ કે પ્રાંતની હોય તેવી વ્યક્તિને ચૂંટણીમાં ટિકિટ આપે છે. સુરત, વડોદરા, ભાવનગર, મહેસાણા, ભૂજ, આણંદ, પાટણ.. ગુજરાતનાં એકસોથી વધુ નગરોમાં પરપ્રાંતીયો મોટી સંખ્યામાં ગુજરાતમાં વસે છે. આ પહેલાં ક્યારેય આ રીતે પરપ્રાંતીયો પર હુમલાઓ થયા નથી. આ એક આંચકાજનક, આઘાતજનક અને ચોંકાવનારી ઘટના છે. આ રીતે પરપ્રાંતીયો પર હુમલા કરવાનો ગુજરાતનો સ્વભાવ જ નથી. જો એમ હોત તો ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું હોત. ભૂતકાળમાં જેની નોંધ લેવી ના પડે એવાં નાનકડાં છમકલાં જરૂર થયાં છે, પણ આ વખતે જે થયું છે તે નવી વાત છે. પરપ્રાંતીયો પરના હુમલાઓ બદલાતા ગુજરાતની ચાડી ખાય છે.

(2) આ હુમલાઓને રાજકારણ સાથે સંબંધ હોઈ શકે કે કેમ તે મુદ્દો પણ વિચારવા જેવો છે. 14 માસની બાળા પર દુષ્કૃત્ય થયું એ ઘટના અરેરાટીપૂર્ણ છે. તેની જેટલી કરીએ તેટલી ટીકા ઓછી છે. ગુનેગારોને મહત્તમ સજા પણ થવી જોઈએ. તેની સાથે સાથે એની પણ ચર્ચા કરવી જોઈએ કે જે હુમલાઓ થઈ રહ્યા છે તે શું આ દુષ્કૃત્યના જ પડઘા છે? કેટલાક સ્થાનિક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે તેની પાછળ રાજકારણ છે. ભાજપ પક્ષ તરફથી કહેવાઇ રહ્યું છે પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાઓ પાછળ કોગ્રેંસનો હાથ છે. કોંગ્રેસ પક્ષ ભૂતકાળમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલનને સહયોગ આપી ચૂક્યો છે. કોંગ્રેસને તેમાં સફળતા ના મળતાં હવે તેમણે પરપ્રાંતિયો પરના હુમલાનો નવો મોરચો ખોલ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જો એમાં તસુભાર પણ તથ્ય હોય તો તે આજના ગુજરાત માટે જોખમી અને આવતી કાલના ગુજરાત માટે અતિ જોખમી છે. જો રાજકારણીઓ આ ટૂંકો રસ્તો અવારનવાર અપનાવતા થઈ જશે તો શાંતિ અને સલામત ગુજરાતની છાપ ખરડાશે.

(3) ગુજરાતે એ ભૂલવાનું નથી કે જેમ પરપ્રાંતીયો અહીં ગુજરાતમાં ધંધા-રોજગાર માટે આવે છે એ જ રીતે ગુજરાતીઓ પણ ગુજરાત બહાર જાય છે. સ્થળાંતર કરનારી વિશ્વની કેટલીક અગ્રીમ પ્રજામાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ભારતનું ભાગ્યે જ એવું કોઈ રાજ્ય હશે જ્યાં ગુજરાતી પ્રજા નહીં હોય. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલાંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરાલા, પ. બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, હરિયાણા.. ભાગ્યે જ કોઈ રાજ્ય એવું હશે જ્યાં ગુજરાતીઓ ના હોય. એ જ રીતે દરિયા પાર પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે.

(4) એક અંદાજ એવો છે કે ગુજરાતની 6.25 કરોડની વસતીમાં આશરે એક કરોડ પર પ્રાંતીયો છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી તેઓ ધંધા-રોજગાર માટે અહીં આવ્યા છે. તો તેની સામે સમગ્ર વિશ્વમાં, ગુજરાત બહાર, ગુજરાતીઓની વસતી એક કરોડની છે. ભારત બહાર વસતા NRGની સંખ્યા આશરે બે કરોડની છે તો તેમાં 65થી 70 લાખ જેટલા તો ગુજરાતીઓ છે. એ જ રીતે ગુજરાત બહાર ભારતમાં આશરે 40-50 લાખ કે તેથી વધુ ગુજરાતીઓ વસે છે. પર પ્રાંતીયો પર હુમલા કરતાં પહેલાં ગુજરાતીઓએ ભૂલવા જેવું નથી કે આપણાં ભાઈ-બહેનો પણ બહાર વસે છે. જો ઉત્તર પ્રદેશ કે બિહારમાં વસતા ગુજરાતીઓ પર ત્યાંના સ્થાનિકો હુમલા કરશે તો? ભલેને ત્યાંના ગુજરાતીઓની કોઈ ભૂલ ના હોય, તેઓ બળાત્કાર ના કરે કે લૂંટફાટ ના કરે, બિલકુલ નિર્દોષ જ હોય, તો પણ જ્યારે પ્રદેશવાદનું ઝેર પ્રસરે છે ત્યારે આવું કશું જોવાતું જ નથી. જો તેઓ પોતાના ભાઈઓ પર થઈ રહેલા હુમલાનો બદલો લેવાનું શરૂ કરશે તો શું થશે તેની કલ્પના કરવા જેવી છે. રાતોરાત ઉચાળા ભરીને પોતપોતાના પ્રદેશમાં જતા પરપ્રાંતીયો ત્યાં જઈને જો ગુજરાતીઓ વિશે ઝેર ઓકે તો તેને કારણે વેરભાવ જ વધે.

(5) આજના વિકાસનું જે મોડેલ છે તેમાં એક પ્રદેશના લોકો બીજા પ્રદેશમાં જવાના જ. તેના કારણે સમસ્યાઓ પણ થવાની જ. 14 માસની બાળા પર જેણે બળાત્કારનો પ્રયાસ કર્યો હશે તે વ્યક્તિની માનસિકતાનો અભ્યાસ કરો. એ એકલો અહીં રહેતો હશે. તેની પત્ની વતનમાં હશે. તેને જાતીય સુખ નહીં મળતું હોય. હવે ટેક્નોલોજીના કારણે લોકો મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મો સતત જોયા કરે છે. શ્રમિકો માટે તો એ મોટું મનોરંજન બની રહે. આવી ફિલ્મો જોયા પછી ઉત્તેજિત થયેલો પુરુષ સાન-ભાન ગુમાવી બેસે છે અને પછી તે છોકરીની ઉંમર પણ જોતો નથી. આ આખી મનોવિજ્ઞાનની ઘટના છે. આપણે વિકાસની પાછળ આદુંનું આખું ઝાડ ખાઈને પાછળ પડ્યા છીએ. સ્થાનિક કક્ષાએ રોજગારી ના હોય ત્યારે લોકો બહાર જાય છે અને ઘણા પ્રશ્નો થાય છે. તેનો કોઈ ઠોસ ઉકેલ તો દેખાતો નથી, પરંતુ તેની અસર ઘટે તેવા પ્રયાસો જરૂર કરવા જોઈએ.

(6) દરેક પ્રજાની પરિપાટી હોય છે. જીવવાનો તેમનો પોતાનો અભિગમ હોય છે. પરપ્રાંતિયોના આવવાથી ગુજરાતી પ્રજા પર શી શી અસર થઈ છે તેનો ઝીણવટથી અભ્યાસ કરવો જોઈએ. કેન્સર હોસ્પિટલના પૂર્વ નિયામક પદ્મશ્રી ડો. પંકજ શાહ માને છે કે પરપ્રાંતીય યુવાનોના કારણે ગુજરાતમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. એ જ રીતે માંસાહાર પણ વધ્યો છે. એક સોફ્ટ ક્લ્ચરમાં જ્યારે મલ્ટી કલ્ચર ઉમેરાય ત્યારે ફરક તો પડતો જ હોય છે. ગુજરાતીઓ ભલે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિની છેડછાડ સામે આંખ-મીંચામણાં કરે પણ તેમણે તેનાં પાયાનાં તત્ત્વો જો હચમચી જતાં હોય તો સાવધ અને સક્રિય થઈ જવું જોઈએ.

આખી ચર્ચાનો એટલો જ સાર છે કે પર પ્રાંતોમાંથી ગુજરાતમાં ધંધા-રોજગાર માટે આવેલા લોકો પર ગુજરાતીઓ પ્રેમ અને હેતના હુમલાઓ કરતા રહ્યા છે તે જ યોગ્ય છે. તેના સિવાયના હુમલાઓ તાત્કાલિક બંધ કરવા જોઈએ.

લાગણી વેળાઃ
વેરના શમે વેરથી, વેર કાયમ પ્રેમથી જ શમે.
positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP