દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમઃ સમાજનિષ્ઠ અને જીવનસાધક પરાગજીભાઈ નાયકની સ્મૃતિમાં તેમનાં અમેરિકા વસતાં સંતાનોએ શિક્ષણયજ્ઞ ચાલુ રાખ્યો છે

article by ramesh tanna

રમેશ તન્ના

Oct 08, 2018, 12:05 AM IST

ગુજરાતની ભૂમિની એ વિશેષતા છે કે આ પ્રદેશને સમયાંતરે સમાજને પ્રતિબદ્ધ લોકો મળતા રહ્યા છે. તેમાંય દક્ષિણ ગુજરાતના અનાવિલ સમાજે તો અનેક સમાજ સેવકોની ભેટ ધરી છે. આવા જ એક કર્તવ્યનિષ્ઠ અને સ્થિતપ્રજ્ઞ મહાનુભાવ હતાઃ પરાગજીભાઈ નાયક જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા પછી કોઈ એક બંધનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે હવે આવા મોટા ડેમ, મોટાં કારખાનાં વગેરે ભારતનાં નવાં તીર્થધામો છે. આવાં તીર્થધામોનું નિર્માણ અને સર્જન કરવામાં અનેક સિવિલ એન્જનિયરોનું પ્રદાન મળ્યું. પરાગજીભાઈ નાયક આવા જ એક સિવિલ એન્જિનિયર હતા. ચીફ એન્જિનિયર તરીકે તેમના નેજા હેઠળ અનેક મહત્વના પ્રોજેક્ટો થયા જે નૂતન ભારતના ઘડતરમાં મહત્વના હતા.

સુરતમાં રહેતા ધોબી પરિવારની દીકરી મેઘના આ ટ્રસ્ટના સહયોગથી બી.ઈ. થઈ છે. સુરત મહાનગરપાલિકાનાં સફાઈ કર્મચારી મંજુબહેનનો દીકરો ભાવેશ આ સંસ્થાની મદદથી ઈલેક્ટિકલ એન્જનિયર બન્યો છે. ગણદેવી તાલુકાના વેગામના એક આદિવાસી પરિવારની યુવતિ જૈમિની નામની યુવતિ ડોકટર બને. આ ટ્રસ્ટની મદદથી એ થયું છે અને થઈ રહ્યું છે.

પરાગજીભાઈને આજે લોકો સરળ, સહજ, કર્તવ્ય પરાયણ, સમાજનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ તરીકે આદર અને પ્રેમ સાથે યાદ કરે છે. પોતાની હયાતિમાં તેમણે પોતાના પરિવારજનોના, વતન હાંસાપારોના, આજુબાજુનાં ગામોના અનેક બાળકોને, તેમાં છોકરીઓનો પણ સમાવેશ થઈ જ જાય, ભણાવ્યા. તેઓ માનતા હતા કે સમાજનું ઉત્થાન શિક્ષણ વિના શક્ય નથી. તેઓ એક યા બીજી રીતે સહયોગ આપી, આર્થિક ટેકો કરી, માર્ગદર્શન કરીને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ અભિમુખ કરતા. તેમની વિદાય પછી તેમનાં સંતાનોએ આ વારસો સાચવ્યો અને આગળ વધાર્યો. તેમનાં અમેરિકા રહેતાં સંતાનો મનુભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈ, નયનાબહેન, હંસાબહેનએ પોતાનાં માતા કુસુમબહેન અને પિતા પરાગજીભાઈની સ્મૃતિમાં ચેરિટેબલ ટ્ર્સ્ટ સ્થાપ્યું. 2008થી અત્યાર સુધી આ ટ્રસ્ટના નેજા હેઠળ 28 લાખથી વધુ રૃપિયાની સ્કોલરશીપ ઉચ્ચ શિક્ષણ મેળવતા ગરીબોને અપાઈ છે.

સુરતમાં રહેતા ધોબી પરિવારની દીકરી મેઘના આ ટ્રસ્ટના સહયોગથી બી.ઈ. થઈ છે. સુરત મહાનગરપાલિકાનાં સફાઈ કર્મચારી મંજુબહેનનો દીકરો ભાવેશ આ સંસ્થાની મદદથી ઈલેક્ટિકલ એન્જનિયર બન્યો છે. ગણદેવી તાલુકાના વેગામના એક આદિવાસી પરિવારની યુવતિ જૈમિની નામની યુવતિ ડોકટર બને. આ ટ્રસ્ટની મદદથી એ થયું છે અને થઈ રહ્યું છે. આવાં તો અનેક ઉદાહરણો છે. પરાગજીભાઈ જેમને પોતાનો માનસ પુત્ર માનતા હતા તે મહેશભાઈ નાયક આ ટ્રસ્ટનું સંચાલન કરી રહ્યા છે. તેઓ નવસારી પાસેના હાંસાપોર ગામમાં રહે છે. તેઓ કહે છે અમને આનંદ છે કે અનેક જરૃરિયાતમંદ અને ગરીબ પરિવારોને આ સંસ્થાએ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરી છે.
દરિયાપાર વસતા આવા અનેક પરિવારો દ્વ્રારા ગુજરાતમાં શિક્ષણ માટે સહયોગ અપાઈ રહ્યો છે.

***


પ્રોફેશનલી સજજ સિવિલ એન્જિનિયર અને હૃદયથી સ્થિતપગ્ન પરાગજીભાઈ નાયકને ઓળખવા જેવા છે.


પરાગજીભાઈનો જન્મ નવસારી પાસે આવેલા હાંસાપોર ગામમાં ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૧૨માં થયો હતો. પિતાજી નારણજીભાઈ સાધારણ આવક ધરાવતા ખેડૂત હતા. તેમને ચાર દીકરાઓ અને ચાર દીકરીઓ. માતાનું નામ ગંગા બા. પરાગજીભાઈ હાંસાપોર પછી બાજુના ગામ મંદિરમાં ભણેલા. ભણવામાં તેજસ્વી હતા. પરાગજીભાઈના કાકા જીવણભાઈ રેલવેમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ પરાગજીભાઈને ભણાવવા માટે ભરૂચ પોતાની સાથે લઈ ગયા. પરાગજીભાઈ ગંભીરતાથી ભણ્યા. તે પછી તો મુંબઈ, વડોદરા અને કરાંચીમાં ભણ્યા. એન્જિનિયર થયા. એ જમાનામાં અનાવિલ સમાજમાં એન્જિનિયર થનારા પ્રારંભના કેટલાક યુવાનોમાં તેમનો સમાવેશ થતો હતો.

વિવિધ જગ્યાએ નોકરી કરતા તેમણે પોતાની સજ્જતા, કાર્યદક્ષતા, પ્રામાણિકતા અને ગુણવત્તાના આગ્રહના પગલે ખૂબ સુંદર કામ કર્યું. ચીફ એન્જિનિયર તરીકે તેમના નેજા હેઠળ ભારતના ઘણા મોટા પ્રોજેક્ટોનું નિર્માણ થયું.

પરાગજીભાઈની વ્યવસાયિક સજ્જતા ખૂબ જાણીતી હતી તો પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારી જેવા તેમના ગુણોથી લોકો પ્રભાવિત થતા. તેમણે પોતાના પરિવાર ઉપરાંત સમાજના અનેક યુવક અને યુવાનોને ભણાવીને તેમને રોજગારી અપાવી. નજીકના અને દૂરના પરિવારજનોના એક એક સભ્યનું અંગત ધ્યાન રાખ્યું અને તેમને જીવનમાં સ્થિરતા આપી.

માદરે વતન હાંસાપોર માટે પણ તેમણે ઘણું કર્યું. ગામમાં પાણીની સુવિધા માટે વારિગૃહ સહિત લોકકલ્યાણનાં અનેક કાર્યો કર્યાં. પોતાની જમીન ગામની શાળાને આપી. આ ઉપરાંત આજુબાજુનાં ગામોમાં હોસ્પિટલો, શાળાઓ, મંદિરો તથા અન્ય સંસ્થાઓમાં અનુદાન આપ્યાં. તેઓ જીવનનાં પરમ સાધક હતા. સર્વ ધર્મ સમભાવમાં માનતા હતા. તેમની આધ્યાત્મિક ઊંચાઈ ઘણી હતી. હિન્દુ ધર્મ ઉપરાંત અન્ય ધર્મોનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. ધ્યાનમાં બેસીને પોતાની જાતને શોધવાનું તેમને ગમતું. અંદરની અને બહારની શાંતિ તેમને હાથવગી હતી. તેમને ભગવદ્‌ ગીતા કંઠસ્થ અને હૃદયસ્થ હતી. તેઓ સ્થિતપ્રજ્ઞ પુરુષ હતા.

જેમ સારસ્વત ફાધર વાલેસે વિહારનો પ્રયોગ કરીને જુદા જુદા લોકોના ઘરે નિવાસ કર્યો હતો તે રીતે પરાગજીભાઈ પણ વિહાર કરતા હતા. આવી તેમની કોઈ યોજના નહોતી, પરંતુ કોઈ યોગી કે સંત વિવિધ સ્થળે જઈને ભૂમિને પવિત્ર કરે તથા લોકોને શાંતિ આપે તેવું અહીં બન્યું હતું. સગાં-સ્વજનોના ઘરે તેઓ જતા અને થોડા દિવસ રોકાતા. એ વખતે સગાં-સ્વજનની કોઈ તકલીફ હોય કે સમસ્યા હોય તો ઉકેલ લાવી આપતા. ઘણા લોકોનાં જીવનને તેમણે ઉજળા પથ પર લાવી આપ્યું હતું.

તેમના જીવનસંગિની કુસુમબહેન માત્ર તેમનાં ધર્મપત્ની નહોતાં. તેઓ કર્મસંગિની પણ હતાં. પરાગજીભાઈમાં સમાજ માટે જે ઉમદા ભાવના હતી તેને તેમણે પોષી હતી. તેઓ પ્રેમ, વાત્સલ્ય અને મમતાના મૂર્તિ હતાં.
***

“નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પરમ શ્રદ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. બધી ઈન્દ્રિયોને વશમાં રાખીને,બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય, દૃઢ, અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાસી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે.”

ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ભક્તનાં લક્ષણો દર્શાવતાં આ મુજબ કહ્યું હતું. (અનાસક્તિ યોગઃ મહાત્મા ગાંધી.)


શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્‌ ગીતામાં પોતાને પ્રિય એવા ભક્તનાં જે જે લક્ષણો દર્શાવ્યા છે તે તમામ લક્ષણો આપણે પરાગજીભાઈના વ્યક્તિત્વ, કતૃત્વ અને જીવનમાં ભળી ગયાં હતાં.
ભગવદ્‌ ગીતા તો તેમને હૃદયસ્થ હતી. કંઠસ્થ તો હતી જ, પણ તેઓ સતત ભગવદ્‌ ગીતાને જીવતા. પોતાના જીવનનો અર્થ અને મર્મ, સાધ્ય અને સાધન બધું તેઓ ગીતામાંથી પામ્યા હતા. ગીતાપાઠ એ તેમના માટે જીવન પાઠ હતો.


એક વખત એક બાળકીએ તેમને પૂછ્યું હતું કે તમે શા માટે એકની એક આ બધી વસ્તુઓ વારંવાર વાંચો છો ? ત્યારે તેમણે કહ્યું હતું કે આ બધું વારંવાર વાંચવુ પડે અને જીવનમાં ઉતારવું પડે. જેમ વધારે ઘૂંટાય તેમ વધુ અનુભવ થાય.


તેમને ભગવાનમાં પરમ શ્રદ્ધા હતી. આદર્શ ભક્ત એ કહેવાય છે જે પોતાનું બધું ભગવાનને સોંપી દે છે. પરાગજીભાઈને પરમ તત્વમાં અચળ શ્રદ્ધા હતી. જેથી તેઓ ચિંતારહિત રહેતા. માણસ માત્ર, ચિંતાને પાત્ર. માણસ ચિંતા વિના બિલકુલ રહી શકતો નથી, જ્યારે પરાગજીભાઈ જીવનમાં ક્યારેય ચિંતા ના કરતા.


તેમનામાં શ્રદ્ધા ભરપૂર હતી, પણ અપેક્ષાઓ બિલકુલ નહોતી. જ્યારે સાચી શ્રદ્ધા જન્મે છે ત્યારે અપેક્ષાઓ આપોઆપ મરવા લાગે છે. તેઓ ક્યારેય કોઈ પાસેથી અપેક્ષાઓ રાખતા નહીં. પોતાના સંતાનો પાસેથી પણ તેમણે ક્યારેય પ્રથમ રેન્કની અપેક્ષા રાખી નહોતી. શ્રેષ્ઠ અને યોગ્ય રીતે ભણો એવું તેમનું માનવું હતું.

પરાગજીભાઈ કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેતા. સાદું જીવન અને ઓછી જરૂરિયાતો તેમના જીવનનો સિદ્ધાંત હતો. તેમનાં સંતાનોને જ્યારે તેમને કોઈ પ્રસંગે કોઈ ચીજ-વસ્તુ આપવાનું મન થતું ત્યારે ખૂબ તકલીફ પડતી.

ધાર્મિક વ્યક્તિઓ મોટા ભાગે અંધશ્રદ્ધાના પ્રદેશમાં ઝડપથી આવી જતા હોય છે, મૂળ ભાવના બાજુ પર રહી જાય અને ધાર્મિકતાના પગલે વિધિ-વિધાન, માન્યતાઓ, બાધા, આખડીઓ વગેરેનું વર્ચસ્વ વધી જાય. પરાગજીભાઈ આ બધાથી પર હતા. તેઓ શુભાશુભમાં માનતા નહોતા. પોતાના જીવનની પ્રથમ નોકરી તેમણે અમાસના રોજ શરૂ કરી હતી તો ઈંગ્લેન્ડ તાલીમ માટે ગયા ત્યારે પણ અમાસ જ હતી.


જો અંદરનો પ્રકાશ સાચુકલો હોય તો બહારની અમાસ પણ તમને નુકસાન કરી શકતી નથી.
રામ રાખે તેમ રહીએ... આ મનોભાવથી પરાગજીભાઈ જીવતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમની શ્રવણશક્તિ ઓછી થઈ ગઈ. તેમનાં સંતાનોએ કહ્યું કે હિયરિંગ એઈડ લાવી દઈએ. તેમણે ના પાડી. કહ્યું કે ‘મારે હિયરિંગ એઈડ જાઈતા નથી. હું વાંચીને મારો સમય પસાર કરીશ. અને જા આંખો નબળી પડશે તો હું કશું જ નહીં કરું.’


પરાગજીભાઈની એક આંખમાં જન્મથી જ વિઝન નહોતું. જોકે તેમને આ વાતની ઘણી મોડી ખબર પડી હતી. એક વખત એક આંખ બંધ રાખીને કશુંક જાવાનું હતું ત્યારે તેમને ખબર પડી કે મારી એક આંખ ખોટી છે.
***


પરાગજીભાઈ કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેતા. સાદું જીવન અને ઓછી જરૂરિયાતો તેમના જીવનનો સિદ્ધાંત હતો. તેમનાં સંતાનોને જ્યારે તેમને કોઈ પ્રસંગે કોઈ ચીજ-વસ્તુ આપવાનું મન થતું ત્યારે ખૂબ તકલીફ પડતી. પરાગજીભાઈને શું આપવું ? તેમને કશું જ જોઈતું જ ના હોય.
***


સુરતમાં તેમનાં ભાણી શ્રદ્ધાબહેન દેસાઈના ઘરે એક વખત રહેવા ગયા. શ્રદ્ધાબહેને શાક બનાવ્યું. તેમણે ભૂલથી પાપડનો ખારો શાકમાં નાખી દીધો. શ્રદ્ધાબહેનનું ધ્યાન જ ન રહ્યું. પરાગજીભાઈએ તો કશું જ કહ્યા વગર જમી લીધું. જ્યારે શ્રદ્ધાબહેન જમવા બેઠાં અને તેમણે શાક ચાખ્યું ત્યારે ખબર પડી કે શાક તો એકદમ ખારું છે. શ્રદ્ધાબહેને ભીની આંખે પરાગજીભાઈને કહ્યું કે બાપા, તમે મને કહ્યું પણ નહીં ?
સ્થિતપ્રજ્ઞ એવા પરાગજીબાપાએ ક્હ્યું કે મને એમ કે આજે તે તારા ટેસ્ટનું શાક બનાવ્યું હશે.
કેટલી પોઝિટિવિટી !
***


લાગણી વેળાઃ
ગુજરાતના સાચુકલા વિકાસ અને માનવતાના ઉજાસમાં આવા અનેક પરાગજીભાઈ નાયકોનું પ્રદાન છે. એમનાં નામ ચમકે કે ના ચમકે તેનાથી તેમનું પ્રદાન ભૂસાઈ જતું નથી.

X
article by ramesh tanna

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી