જ્યાં સુધી માણસનાં સપનાં ખૂટતાં નથી, ત્યાં સુધી એનું સોળમું વર્ષ પૂરું થતું નથી

article by ramesh tanna

રમેશ તન્ના

Oct 06, 2018, 12:05 AM IST

‘જ્યાં સુધી માણસનાં સપનાં ખૂટતાં નથી ત્યાં સુધી એનું સોળમું વર્ષ પૂરું થતું નથી...’ આ અવતરણ મને ખૂબ સ્પર્શ્યું. જ્યાં સુધી સપનાં જોતાં રહીએ અને એને સાકાર કરવાની મથામણ કરતાં રહીએ ત્યાં સુધી જીવનરસ તરબતર રહે છે. સોળ વર્ષ તરૂણ-તરૂણીઓ જે સપનાં જુએ તે ભવિષ્ય ઘડતરની દિશામાં પા પા પગલી હોય છે. એટલું તો સમજી જ શકાય છે કે પોતે કઈ અને કેવી કારકિર્દી બનાવવી છે તે આ ઉંમરે સ્પષ્ટ થવું જોઈએ. તેની સાથે વ્યક્તિ અહર્નિશ સપનાં જુએ છે અને મહેનત કરે છે તેની સોળ વર્ષની ઉંમર કાયમ રહે છે તે વાત સાચી છે."

આ વિચાર વિદ્યાનનો ગદ્યખંડ એક દાદીએ પોતાના પુત્રોને લખતા પુસ્તકમાંથી લીધો છે. એ પુસ્તકનું નામ છે, "બારે બુદ્ધિ, સોળે સાન." લેખિકા છે બકુલા ઘાસવાલા. ગુજરાતી ભાષાનું આ એક અનોખું પુસ્તક છે. કોઈ દાદીમાએ પોતાના પૌત્રોને ખાસ પ્રયોજનથી પત્રો લખ્યા હોય, વૈચારિક પત્રો સાહિત્યિક સ્તર ધરાવતા એ પત્રોનું પુસ્તક પ્રકાશિત થયું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે.

આ પુસ્તકમાં લેખિકા બકુલા ઘાસવાલા જાણીતાં લેખિકા, અનુવાદિકા અને કર્મશીલ છે. તેમનો ઝોક હંમેશાં રેશનલ થિન્કિંગ તરફ રહ્યો છે. પોતાના પૌત્રોના યજ્ઞોપવિતના અવસરે તેમણે પુસ્તક ઉપરાંત વિચારનું પ્રકાશન પણ કર્યું. તેઓ પોતે કહે છે તેમ, "આ પ્રયાસ યજ્ઞોપવિત સંસ્કાર અને હ્યુમેનિસ્ટ સેરિમનીનો સમન્વય છે." આ પુસ્તક વાંચતાં આપણને એમ લાગે કે એક દાદીમા પોતાના પૌત્રોના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં રોજબરોજની જિંદગીમાં ઉપયોગી થતી વાતો કરી રહ્યાં છે. તેમના ખભા પર હાથ મૂકીને શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની રીત સમજાવી રહ્યાં છે તો ક્યારેક પૌત્રોના ગાલ પર હાથ મૂકીને ખોરાક વિશે રસપ્રદ ચર્ચા કરી રહ્યાં છે.

સાદી ભાષામાં લખાયેલાં આ પુસ્તકમાં સંસ્કાર અને વિચારનો મોટો ખજાનો છુપાયેલો છે. સૂવાના સમયે પૌત્રો દાદીમાની પથારીમાં આવીને, અપાર જિજ્ઞાસા સાથે બેસી ગયા હોય અને દાદીમાં કોઈ રસપ્રદ વાર્તા કહેતાં હોય તે રીતે અનેક મુદ્દાઓની વાત અહીં કહે છે.

આ પુસ્તકમાં લેખિકાએ પત્રો અને કાવ્યો દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી છે. લેખિકા પોતે વિવિધ પ્રકારના સ્વજનો સાથે સંયુક્ત પરિવારમાં રહેલાં. તેઓ બાળપણથી અનાવિલ રીતરસમથી રસાયેલી જીવનશૈલીમાં જીવેલાં અને ઘડાયેલાં. આ દાદીમા નોખાં અને અનોખાં છે. શ્રદ્ધાના ચીલા પર ચાલતાં પરંપરાગત દાદીમા નથી આ. આ તો શ્રદ્ધા અને બુદ્ધિના સંગમ પર ઊભેલાં નવા જમાનાનાં દાદીમા છે. તેમણે પોતાની જીવનશૈલીને માનવીય મૂલ્યોથી સભર રાખવાની કોશિશ કરી છે. તેઓ પરંપરાને ચાહે પણ પરંપરાની રાહ પર આંખો બંધ કરીને એક ડગલુંય ના ચાલે. બુદ્ધિની એરણ પર પરંપરાને ચકાસે પછી આગળ વધે. તેમણે પોતે અનાવિલોના રીત-રિવાજોનો ઊંડાણ અને નિસબતથી અભ્યાસ કર્યો. સામાજિક સુધારાનો અભિગમ કેળવીને તેમણે સમજદારીસભર સંવાદિત સમાજનું સમનું સેવ્યું. પિતૃસત્તાને તેમણે પડકારી. પોતાના ઉછેરમાં તેમણે બિનસાંપ્રદાયિક પ્રગતિશીલ વલણને ઉમેર્યું.

પોતાના નાના પૌત્ર આદિ (અદ્વૈત)ના બારમા વર્ષને તથા મોટા પૌત્ર રાજિતના સોળમા વર્ષને ધ્યાનમાં રાખીને તેમને જે જે મુદ્દા સૂઝ્યા તેના વિશે પત્રો તૈયાર કર્યા અને તેનું બન્યું પુસ્તક.

સાદી ભાષામાં લખાયેલાં આ પુસ્તકમાં સંસ્કાર અને વિચારનો મોટો ખજાનો છુપાયેલો છે. સૂવાના સમયે પૌત્રો દાદીમાની પથારીમાં આવીને, અપાર જિજ્ઞાસા સાથે બેસી ગયા હોય અને દાદીમાં કોઈ રસપ્રદ વાર્તા કહેતાં હોય તે રીતે અનેક મુદ્દાઓની વાત અહીં કહે છે. જેમ કે પ્રથમ પ્રકરણનો ઉઘાડ જુઓઃ

"પ્રિય રાજિત અને અદ્વૈત,

ભણવા માટે ગુરૂ પાસે જવાનો સંસ્કાર તે ઉપનયન. જેને આપણે સાદી રીતે જનોઈ આપવાનો રિવાજ કહીએ છીએ... જન્મ પહેલાંથી બાળક માટે શારીરિક-માનસિક-આધ્યાત્મિક સંસ્કાર આપવાનો વિચાર આપણા ધાર્મિક ગ્રંથો અને રીત-રિવાજોમાં થયો છે. જે સોળ સંસ્કાર કહેવાય છે.


દરેક વ્યક્તિએ સારા નાગરિક હોવું, જવાબદારીથી પોતની દરેક ફરજનું પાલન કરવું, વર્ગ-વર્ણ-લિંગ-જાતિભેદથી ઉપર ઉઠીને સમાનતા પૂર્વક વ્યવહાર કરવો અને સારા માણસ બનવું તે જ સંસ્કારપ્રથાનું સાચું અર્થઘટન છે... જનોઈમાં જે ગાયત્રી મંત્રનું મહત્ત્વ છે તેને અને રેશનલ અભિગમને સમન્વયથી સમજવાની જરૂર છે. મૂળ તો ગાયત્રી એ મંત્ર નથી, તે એક છંદ છે. સવિતા એ સૂર્ય ઉપાસના છે. અહીં એવી આશા છે કે સૂર્ય મારી બુદ્ધિને પ્રેરે, એટલેકે મારી મેધા, પ્રજ્ઞા અને વિવેક જાગૃત થાય જેથી હું વિવેકબુદ્ધિપૂત વલણ રાખી શકું."

લેખિકા કહે છે, ભારતીય માનસ વસુધૈવ કુટુંમબકમની વિભાવનાથી કેળવાયેલું છે. તેની સાથે જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે તેની સમજ પણ છે તેથી વૈશ્વિક માનવતાવાદ વિશે વિચારી શકાય છે. અહીં પણ વૈશ્વિકીકરણ, સાંસ્કૃતિકીકરણ, ઔદ્યીગિકીકરણ, શહેરીકરણ વિરૃપતાનું જોખમ તો છે જ, છતાં સકારાત્મક વિચારી આજે દુનિયાભરમાં માનવતાવાદી વલણોના વિકાસની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ તેવી માન્યતા ધરાવાતા લોકો સાથે હું સંમત છું... સ્વથી સમષ્ટિ સુધી એટલે કે પોતાના વિશે, પરિવાર, પાડોશી, સ્વજનો-મિત્રો, ગામ, શહેર, રાજ્ય, રાષ્ટ્ર, વિશ્વ અને અંતરિક્ષ સુધી જાણવું સમજવું જરૂરી છે.

આ પુસ્તકમાં લેખિકા સોળ સંસ્કાર વિશે ચર્ચા અને મંથન કરે છે. ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્કરણ, અન્નપ્રાશન, ચૌલકર્મ, કર્ણવેધ, ઉપનયન, વેદારંભ, સમાવર્તન, વિવાહ, વાનપ્રસ્થ, સંન્યસ્ત અને અંતિમ સંસ્કાર એમ સોળ સંસ્કાર વિશે સમજ આપે છે. સોળ સંસ્કાર એ પારણાંથી પાલખીની માનવની જીવનયાત્રા છે જેની શરૂઆત માના ગર્ભકમળથી થાય છે આ સંસ્કારો જીવનપદ્ધતિ છે જેનાથી સમતોલ અને સુખી પારિવારિક જીવન શક્ય છે.

***

દાદી પોતના પૌત્રોને પત્રમાં સ્પષ્ટ લખે છેઃ "હું વ્યક્તિસ્વાતંત્ર્યની પ્રખર હિમાયતી છું પણ સ્પષ્ટ સમજું છું કે સ્વતંત્રતા અને જવાબદારી સાથે જ જાય છે કેટલાંક મૂલ્યો શાશ્વત (નિત્ય) હોય છે. દરેક સમયે તેનું પાલન યોગ્ય જ છે. જેમ કે માતા-પિતાને અને વડીલોને આદર, બાળકોની અને અક્ષમની સંભાળ, પર્યાવરણનું સંરક્ષણ, સત્ય-અહિંસા-પ્રામાણિકતાનું પાલન, સંગઠનની ભાવના, સમાનતાનું જતન જેવી બાબતો દરેક સમયે યોગ્ય જ છે."

***

આ પુસ્તકમાં લેખિકાએ બુદ્ધિ, સાન, વાન, મેધા, પ્રજ્ઞા, વિવેક વગેરેના અર્થો સવિસ્તાર સમજાવ્યા છે. એ પછી તેની પાછળની ભાવનાને પણ રજૂ કરી છે. એક આખું પ્રકરણ તેમણે કહેવતોને ફાળવ્યું છે.

પોતાના પૌત્રોને તેઓ 46 કહેવતો દ્વારા સમજ આપવાનો પ્રયાસ કરે છે. કહેવતોમાં જમાનાભરનું ડહાપણ હોય છે. કહેવત એટલે શાણપણનો ખજાનો. અહીં લેખિકા કઈ કઈ

કહેવતો સમજાવે છે ? થોડાંક ઉદાહરણોઃ

સોળે સાન એટલે અણસારે સમજવું, સાનમાં સમજવું, અધર પર ગુલાબ ફરકવું એટલે જુવાની શરૂ થવી. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે એટલે કે લક્ષ્મી પાસે જ રાખવી અને વિદ્યા સ્મૃતિમાં જ રાખવી. પુત્રનાં લક્ષણ પારણાંમાંથી અને વહુના બારણામાંથી. બહુ તંત્ બળવંત એટલે કે બળ કરતાં અક્કલ વધુ ચડે. બાપનો કૂવો હોય માટે ડૂબી મરાય નહીં. બળ કરતાં બુદ્ધિ ચડે. બારે બુદ્ધિ, સોળે સાન વળ્યાં તો વળ્યાં નહીં તો પથ્થર પહાણ... ભણે તેની વિદ્યા, મારે તેની તલવાર અને પાળે તેનો ધરમ, મા લગી મોસાળ અને બાપ લગી કુટુંબ, રખપત તો રાખપત (જાતને સાચવીએ એટલી જ આબરૂ સચવાય) વરમાંથી ઘર થાય, હસે તેનું ઘર વસે, હજાર કામ મૂકીને નાવું અને સો કામ મૂકીને ખાવું... આ બધી કહેવતો દ્વારા લેખિકા એક ચોક્કસ સમજ આપવા માગે છે.

***

આ પુસ્તકમાં જુદા જુદા સંસ્કારની સમજ આપવા ઉપરાંત દાદીમા પોતાના પૌત્રોને જીવનમાં ઉપયોગી થાય તેવી અનેક બાબતોનો પણ સ્પર્શે છે.

તેઓ ઘરની વિશાળતા કરતાં મનની મોકળાશ વધારે જરૂરી છે તે સમજાવે તો સગપણની સાંકળની વાત પણ કરે. પોતાના પૂર્વજોની અનેક પેઢીઓની માહિતી આપીને તેમના ગૌરવને જીવંત કરે તો પૂર્વજોની અલંકારો કે રોજબરોજના ઉપયોગની વસ્તુઓનો મહિમા રેશનલ રીતે સમજાવે.

દાદીમા શાળા, યોગ, પ્રવાસ, રમત-ગમત, જન્મદિવસની ઉજવણી, સંબંધો, પાડોશીઓ, શીરો, ખાન-પાન, શારીરિક બંધારણ, સપનાં, લિંગભાવની સભાનતા, સોળે સાન(મેરી મરજી) પ્રેમની વિભાવના, યુવાનીના ઉંબરે, સલાહ ના આપો, ઓળખ, ઉપનિષદના વિચારો... એમ અનેક વિષયોને આવરી લે છે. પુસ્તકના અંતભાગમાં તેઓ કવિતાઓ મૂકીને તેને વધુ સમૃદ્ધિ બક્ષે છે.

આ પુસ્તક સમાજના મોંઘેરા ઘરેણાંસમું છે. તેમાં દૃષ્ટિપૂર્વક વિષયો પસંદ થયા છે અને સમજદારી સાથે તેનું આલેખન થયું છે. જીવાતા જીવનમાં, સહજ રીતે બાળકમાં સમજ અને સંસ્કારનું વહન થતું હોય છે અને તેમાં સૂકા ભેગું લીલું બળે ત્યારે ધુમાડો જ ધુમાડો થતો હોય છે. આવા ધુમાડાથી આખું આકાશ ભરેલું છે ત્યારે એક દાદીમા કોડિયામાં દીવો પ્રગટાવીને આવે છે. અને તેના અજવાળામાં સાચા સંસ્કાર બતાવે છે.

લાગણી વેળાઃ

મન મરજી

એક છોકરો અને એક છોકરી,

પ્રેમમાં પડ્યાં તો થયું શું?

બન્ને કહે, અમારી મરજી

છોકરાને તો એ રમત,

છોકરીની એ છોકરમત,

છોકરીનો એ આંધળોપાટો,

છોકરાની એ સંતાકૂકડી,

છોકરાએ આપી ખો

છોકરીને ભારે પડી ખો

છોકરી તો થઈ મા

સામે સણસણતો સવાલઃ

ક્યાં છે બાપ?

એ છોકરો ને છોકરી,

પ્રેમમાં પડ્યાં તો ખોટું શું?

એમની મરજી બીજું શું

આવી મનમરજી ચાલે?

બકુલા ઘાસવાલા
[email protected]

X
article by ramesh tanna

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી