લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

યોગીજી મહારાજે પહેરાવેલી કંઠી તોડી નાખનાર યુવક બન્યો મહંત સ્વામીઃ વાત BAPSના મહંત સ્વામીના સંસારીમાંથી સાધુ થવાની

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

એક સમયે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સુગંધ પ્રસરાવનારા પ્રમુખ સ્વામીનું અનુગામી કોણ બનશે એ પ્રશ્ન ખૂબ ચર્ચાતો હતો. પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા એ પછી મહંત સ્વામીમહારાજ BAPSના વડા બન્યા. તેઓ સ્વામીમાંથી પ્રમુખસ્વામી મહારાજના અનુગામી બન્યા, ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર બન્યા, પણ તેઓ સંસારીમાંથી સ્વામી બન્યા તેની ગાથા અત્યંત રસપ્રદ છે. કોઈ માનશે કે BAPSના વડા બનનારા મહંત સ્વામીએ યુવાવયે તો યોગીજી મહારાજે પહેરાવેલી કંઠી તોડી નાખી હતી અને એ પછી સમય જતાં ચાલતી ટ્રેનમાં પ્રમુખ સ્વામીએ તેમને કંઠી પહેરાવી તો ધન્યતાની લાગણી અનુભવી હતી.

છ મહિનાના વિનુને પોતાના ખોળામાં લઈને શાસ્ત્રીજી મહારાજે તેમને નામ આપ્યું, કેશવ. વિનુ લોકોએ આપેલું સંસારી નામ, કેશવ એક સાધુએ આશીર્વાદમાં આપેલું નવું નામ. જોકે ભવિષ્યમાં આ બાળકને કોઈ નવું જ નામ મળવાનું હતું જેના નામે તેની વૈશ્વિક ઓળખ બનવાની હતી.

માંડીને વાત કરીએઃ

શાસ્ત્રીજી મહારાજે ઈ.સ. 1907માં બોચાસણમાં મંદિરના નિર્માણ માટે પ્રયાસો શરૂ કર્યા ત્યારે ચરોતરના જે કેટલાક સમર્પિત ભક્તો સતત તેમની સાથે હતા તેમાં આણંદના પાટીદાર મણિભાઈ નારણભાઈ પટેલ પણ હતા. નારણભાઈ અને તેમના પિતા પુરુષોત્તમભાઈ જોરાભાઈ પણ શાસ્ત્રીજી મહારાજના ખરેખરા સમર્પિત ભક્તો હતા. 1907થી 1929ના ગાળામાં શાસ્ત્રીજી મહારાજ સેંકડો વખત મણિભાઈના ઘરે ઊતર્યા હતા. આણંદમાં મણિભાઈનું ઘર તેમનું કાયમી ઠેકાણું હતું. મણિભાઈ પટેલ 1929માં ધંધાર્થે મધ્યપ્રદેશના જબલપુર ગયા. આ ગાળામાં ગુજરાતમાંથી અનેક લોકોએ ધંધાર્થે ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં સ્થળાંતર કર્યું હતું. (નર્મદા નદીની પરિક્રમા કરીને અદભૂત સાહિત્ય રચીને ગુજરાતને નર્મદા નદીનો પરિચય કરાવનારા અમૃતલાલ વેગડના પિતા પણ કચ્છમાં જબલપુર ગયા હતા. અમૃતલાલ વેગડ શિક્ષણ, ચિત્રકાર, સાહિત્યકાર અને પરક્રમાવાસી હતા. હમણાં જ તેમનું નિધન થયું.) જબલપુરમાં તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક પાટીદારો સ્થાયી થયા હતા, જોકે મણિભાઈએ તમાકુની સારી કમાણી છોડીને મિલ્ક ડેરીનો ધંધો શરૂ કર્યો હતો. જબલપુરમાં નેપિયર ટાઉન કે સિવિલ લાઈન તરીકે ઓળખાતી આવાસ યોજનામાં 23 નંબરનું એમનું મકાન. અહીં ડાહીબાના ખોળે 13મી સપ્ટેમ્બર, 1933ના રોજ પુત્રનો જન્મ થયો. એ દિવસે ભાદરવા વદ નોમ હતી. એ પુત્રને સંસારી નામ મળ્યું, વિનુ. એ વખતે કોઈને કલ્પના પણ નહીં હોય કે મોટો થઈને વિનુ વિનય અને નમ્રતાનો મહાસાગર બનીને મહંત સ્વામી તરીકે વિશ્વભરમાં પંકાશે.

1934ના માર્ચ મહિનામાં છપૈયાની યાત્રાએ નીકળેલા શાસ્ત્રીજી મહારાજ વળતાં જબલપુર પધાર્યા. એ વખતે છ મહિનાના વિનુને પોતાના ખોળામાં લઈને શાસ્ત્રીજી મહારાજે તેમને નામ આપ્યું, કેશવ. વિનુ લોકોએ આપેલું સંસારી નામ, કેશવ એક સાધુએ આશીર્વાદમાં આપેલું નવું નામ. જોકે ભવિષ્યમાં આ બાળકને કોઈ નવું જ નામ મળવાનું હતું જેના નામે તેની વૈશ્વિક ઓળખ બનવાની હતી.
***


જબલપુરમાં ભારતનાં વિવિધ રાજ્યોના લોકોની સાથે રહેતાં વિનુભાઈ મોટા થવા લાગ્યા. બાળપણથી જ તેમનો સ્વભાવ અંતર્મુખી હતો. મિત્રો ખૂબ ઓછા. પોતે ભલાને પોતાનું કામ ભલું. વાંચવાનું ખૂબ ગમે. પુસ્તકો તેમના સૌથી નજીકના મિત્રો. ઘર પાસેના બગીચામાં જઈને પણ તેઓ વાંચતા. અજવાળી રાત હોય ત્યારે ચંદ્રના અજવાળામાં પણ તેમનું વાંચન ચાલતું. બીજા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે જબલપુરની વિખ્યાત ક્રાઈસ્ટ ચર્ચ સ્કૂલમાં કર્યો. ત્રીજા ધોરણથી સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ ક્રાઈસ્ટ ચર્ચ બોયઝ હાઈસ્કૂલમાં કર્યો. રોજ ઘરેથી ચાલીને શાળાએ જવાનું. રસ્તામાં આવતું નાળું બીજાં બાળકો ઓળંગતાં ડરતાં, વાલીઓની મદદ લેતાં, નીડર વિનુભાઈ એકલા નાળું ઓળંગી જતા.

તેમને નાનપણથી એકસાથે ઘણી ભાષાઓ શીખવાની મળી. ઘરમાં ગુજરાતી બોલાય, મધ્યપ્રદેશ હિન્દીભાષી રાજ્ય એટલે ઘર બહાર હિન્દી ભાષા બોલાય અને શાળામાં અંગ્રેજી માધ્યમ. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. ગ્રહણશક્તિ ખૂબ હતી. તેમની સ્મરણશક્તિ એટલી તીવ્ર કે શાળામાં ધોરણ ત્રીજા-ચોથામાં ભણેલી કવિતા આજે 85 વર્ષેય તેમને કંઠસ્થ છે. આ રહી તેમણે વારંવાર ઉચ્ચારેલી કેટલીક પ્રિય પંક્તિઓઃ


He that is down need fear no fall,
He that is humble ever shall have God to be his Guide

તેમના નમ્ર વ્યક્તિત્વ સાથે આ પંક્તિઓનો મેળ પણ ખાય છે. પાંચમા ધોરણમાં પ્રથમ નંબરે આવ્યા ત્યારે તેમને ઈનામમાં પુસ્તક જ મળ્યું હતું. વિનુભાઈ પુસ્તકો વાંચે, પણ છાપાં ના વાંચે. (બોલો, તેમને નાનપણથી જ છાપાંની નિર્થકતા સમજાઈ ગઈ હતી!) ઘરમાં ‘મુંબઈ સમાચાર’ દૈનિક આવે પણ તેમાં કોઈ રુચિ નહીં. નાનપણમાં તેમની કલાસૂઝ પણ વખણાતી. સુંદર ચિત્રો દોરતા. જોકે સુંદર કૃતિ સર્જીને તરત ભૂલી જાય. કહેતા, ચિત્ર કરીએ, પણ આસક્તિ નહીં. કર્યા પછી એનો વિચાર નહીં. રમતગમતમાં ફૂટબોલ તેમની પ્રિય રમત. સરસ રમતા.

ઈ.સ. 1951માં મણિભાઈ પટેલ ધંધા અર્થે પુનઃ આણંદ આવ્યા. એ વખતે વિનુભાઈની વય હતી 18 વર્ષની. જન્મથી પુખ્ત વયના થયા ત્યાં સુધી તેઓ ગુજરાત બહાર રહ્યા. જેવા પુખ્ત થયા કે ગુજરાતે તેમને સાદ કરીને બોલાવી લીધા.

એ સાદ પડવાનો જ હતો કારણ કે અહીં તેમના જીવનનો સૌથી ઉત્તમ વળાંક આવવાનો હતો. જબલપુર જેવા શહેરમાં પાશ્ચાત્ય અસરમાં ઉછરેલા આ યુવકને ચરોતરના નાનકડા ગામડામાં કઠવા લાગ્યું. ગુજરાતી ભાષા પણ તૂટેલી-ફૂટેલી બોલે. જબલપુરની સ્કૂલમાં બધા શિક્ષકો ખ્રિસ્તી. તેમની પાસેથી હિન્દુ ધર્મની વિરુદ્ધનું ખૂબ સાંભળેલું. વિનુભાઈ પર તેમના વિચારો, રીતરિવાજ અને શિસ્તનો ઊંડો પ્રભાવ હતો. કેટલાંક બાવાનાં વર્તન જોઈને વિનુભાઈની બુદ્ધિમાં હિન્દુ ધર્મ વિશે સારી પેઠે પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. જોકે અહીં તો ઘરમાં સ્વામિનારાયણ ધર્મનું જબરજસ્ત વાતાવરણ હતું. તેઓ એ દિવસને યાદ કરતાં કહે છે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનાં ઘરમાં ગુણવાન ગવાય પણ તેમને કદી જોયેલા નહીં.

એ પછી તો સંજોગો એવા સર્જાયા કે વિનુભાઈ નામના યુવાન સ્વામિનારાયણ ધર્મ પ્રત્યે આકર્ષાયા.


શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે પોતાનાં પરિવારજનો સાથે સારંગપુર પણ ગયા હતા. એ પછી ગઢડામાં પ્રતિષ્ઠા હતી ત્યારે તેમનો પ્રથમ વખત પરિચય પ્રમુખસ્વામી સાથે થયો. એ વખતે વિનુભાઈની ઉંમર હતી 17 વર્ષની અને પ્રમુખ સ્વામીની વય હતી 29ની. એ મુલાકાતે વિનુભાઈ પર ઘેરી અસર કરી, પણ હજી એક યાદાગાર બનાવ બનવાનો બાકી હતો.

1951માં યોગીજી મહારાજે મણિભાઈના ઘરે પધરામણી કરી. એક વાર વિનુભાઈ ઘરની બહાર જતા હતા, તે જ દાદરેથી યોગીજી મહારાજ ઘરમાં પ્રવેશતા હતા. યોગીજી મહારાજ તેમને પ્રેમથી મેડા પર લઈ ગયા. કચવાતા મને તેઓ ગયા. યોગીજી મહારાજે પ્રેમથી ઘણી વાતો કરીને કહ્યું કે લો, આ કંઠી ધારણ કરો. એમ કહીને તેમણે વિનુભાઈને કંઠી પહેરાવી દીધી. જબલપુરમાં બેસી ગયેલા પૂર્વગ્રહોને કારણે વિનુભાઈને આ ગમ્યું નહીં. તેમણે કંઠી તોડી નાખી. જોકે યોગીજી મહારાજ તો વાત્સલ્યમૂર્તિ હતા. માત્ર એટલું જ બોલ્યા, ઓહો, બહુ બળિયા છો. એક-બે દિવસ પછી યોગીજી મહારાજે ગામ છોડ્યું ત્યારે તળાવની પાળે મિત્રો સાથે ઊભેલા વિનુભાઈને પ્રેમથી બોલાવ્યા. વાંસામાં ધબ્બો મારી બોલ્યા, અમારી ભૂલચૂક માફ કરજો.
***


આ જ અરસામાં એક બનાવ બન્યો. યોગીજી મહારાજ ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે વિનુભાઈ અન્ય ભક્તો સાથે તેમને મળવા રેલવે સ્ટેશન ગયા હતા. એ વખતે યોગીજી મહારાજે તેમના પર વાત્સલ્યની અસીમ વર્ષા કરી હતી.
***


હવે પ્રમુખ સ્વામીની પુનઃ એન્ટ્રી થાય છે. વિનુભાઈ એક વખત કંઠી તોડી ચૂક્યા હતા, પણ હવે તેઓ કંઠી પહેરવાના હતા. એમાંય ટ્રેન છે. અટલાદરામાં કૃષ્ણાષ્ટમીની ઉજવણી પછી યુવાનો પોતપોતાના ગામ જવા રેલવે સ્ટેશન આવ્યા હતા. પ્રમુખ સ્વામી પણ અમદાવાદ જઈ રહ્યા હતા. વિનુબાઈ પ્રમુખ સ્વામીવાળા, થર્ડ ક્લાસના ડબ્બામાં ચડી ગયા. પ્રમુખ સ્વામીની બાજુમાં બેઠા. પ્રમુખ સ્વામીએ તેમને અભ્યાસ વિશે પૂછ્યું. એ પછી એકદમ પૂછ્યું, ગળામાં કંઠી છે? કંઠી હતી નહીં. પ્રમુખ સ્વામીએ વિનુભાઈને પ્રેમથી સમજાવ્યું કે યોગીબાપા પાસે પહેરી લેજો.

એટલામાં જોડેના સંતે કંઠી આપી અને તે પ્રમુખ સ્વામીએ તેમને પહેરાવી દીધી.

એ વખતે ના તો પ્રમુખ સ્વામીને કે ના તો મહંત સ્વામી (એ વખતના વિનુભાઈ)ને ખબર હશે કે જેમ પ્રમુખ સ્વામી આજે તેમને કંઠી પહેરાવી રહ્યા છે એ જ રીતે એક દિવસ વિશ્વખ્યાક BAPSના વડાનો કાર્યભાર પણ તેમને સોંપશે.
***

યોગીજી મહારાજે પ્રેમથી ઘણી વાતો કરીને કહ્યું કે લો, આ કંઠી ધારણ કરો. એમ કહીને તેમણે વિનુભાઈને કંઠી પહેરાવી દીધી. જબલપુરમાં બેસી ગયેલા પૂર્વગ્રહોને કારણે વિનુભાઈને આ ગમ્યું નહીં. તેમણે કંઠી તોડી નાખી. જોકે યોગીજી મહારાજ તો વાત્સલ્યમૂર્તિ હતા. માત્ર એટલું જ બોલ્યા, ઓહો, બહુ બળિયા છો.

મહંત સ્વામી એટલે સાધુતાનું શિખર. અત્યંત સરળ અને સહજ. બાળક જેવા. તમામ શાસ્ત્રોનો અર્ક અંકે કરેલો પણ ક્યાંય તેનો ભાર નહીં કે પ્રગટપણું નહીં. તેમનું સાધુનામ તો સ્વામી કેશવજીવનદાસજી, પણ જાણીતા મહંત સ્વામી તરીકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો મહંત સ્વામી હતા અને છે, પણ મહંત સ્વામી એવું નામ બોલાય કે જેમની આંખોમાં, સાનિધ્યમાં અને સમગ્ર વ્યક્તિત્વમાં સાચી સાધુતા પ્રતીત થાય છે તેવા એક સ્વામી નજર સામે આવી જાય. ભારતીય સંસ્કૃતિમાં સાચા સાધુનું જે દર્શન અને અપેક્ષા છે તે જાણે કે મૂર્ત સ્વરૂપે જન્મ્યું હોય તેવું લાગે.

તેમના એક સમકાલીન સ્વામી કહે છે, કોઈને આંજી દેવાની કે પ્રભાવ પાડી દેવાની વૃત્તિ માત્ર નહીં. કોઈ ફરિયાદ નહીં, કોઈ માગણી નહીં, કોઈ અપેક્ષા નહીં. કષ્ટોમાં અકળાય નહીં, માન-સન્માનમાં હરખાય નહીં. કોઈના પ્રત્યે રાગ-દ્વેષ નહીં, સાૈના પ્રત્યે અપાર આનંદ અને સૌના માટે નિઃસ્વાર્થ પ્રેમ એ જ એમની કાયમની ભાષા.
****


લાગણી વેળાઃ
એકવાર કંઠી તોડી, પછી એવી પહેરી કે કદીના છૂટે. આવી છે કથા મહંત સ્વામી મહારાજની. ગાંધીજીના જીવનમાં પણ એવું બનેલું જ ને.. બાળપણમાં તેમણે ચોરી કરેલી, માંસ ખાધેલું, જૂઠ્ઠું પણ બોલ્યા હતા. પછી મહાત્મા બનેલા.
positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP