Home » Rasdhar » મન્નુ શેખચલ્લી
‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

આપણાં રાજકીય કોકડાં!

  • પ્રકાશન તારીખ14 Jul 2018
  •  

આજકાલ તમે સાંભળતા હશો કે ‘બિહારનું કોકડું ગૂંચવાયું છે...’ કાશ્મીરનું કોકડું તો વરસોથી ગૂંચવાયેલું છે. અનામતનું કોકડું પણ ગૂંચવાતું જ રહે છે. સવાલ એ છે કે આ ‘કોકડું’ છે શું? અને શા માટે તે ગૂંચવાતું જ રહે છે? તો આવા, જરા જરા સ્પષ્ટતા કરી લઇએ...

***

અર્થ જ્યારે દોરીને ‘વ્યવસ્થિત’ રીતે ફીરકીમાં કે પિલ્લામાં લપેટી લેવાને બદલે ‘હંગામી’ ધોરણે (એટલે ટેમ્પરરી રીતે) એકાદ કાગળના ભૂંગળા ઉપર ‘લપેટી’ લેવામાં આવે છે તેને ‘કોકડું’ કહે છે.

***

પ્રકાર કોકડાંના બે પ્રકાર છે. (1) ઉત્તરાયણ વખતે બનતું દોરીનું કોકડું (2) બારેમાસ બનતું રાજકીય કોકડું

***

ઉપયોગ

(1) ઉત્તરાયણ વખતે બનાવેલું દોરીનું કોકડું સામાન્ય રીતે પતંગોની ‘કિન્ના’ બાંધવામાં વપરાય તો ઠીક છે નહિતર છેવટે ‘લંગસિંયા’ બનાવવાના કામમાં આવે છે. (જરા ધ્યાનથી વાંચતા રહેજો. ઉત્તરાયણના કોકડાંનાં લક્ષણો રાજકીય કોકડામાં પણ પ્રગટે છે.)

(2) રાજકીય કોકડાનો હેતુ જ ગૂંચવડો ઊભો કરવાનો હોય છે. આ કોકડાં કદી ઉકેલવાનાં હોતાં જ નથી. ઊલટું, ‘‘કોકડું ગૂંચવાયું... કોકડું ગૂંચવાયું’’ એવી કાગારોળ કરવા માટે જ કોકડાં બનાવવામાં આવે છે.

***

બંધારણ જી હા, કોકડાનું પણ ‘બંધારણ’ હોય છે, પણ આ શબ્દને સાયન્ટિફીક શબ્દ Propertiesના અર્થમાં લેવો. (બાકી હવે પછીના તમામ શબ્દો રાજકીય કોકડાંને જ લાગુ પડે છે, ધ્યાનથી વાંચજો.) કોકડાંઓ સામાન્ય રીતે બીજાની પતંગ ‘કાપી નાંખતી’ વખતે ‘ખેંચી નાંખેલી’ દોરીમાંથી, બીજાની કપાયેલી પતંગની ‘વધી પડેલી’ દોરીમાંથી અથવા દોઢ-ડાહ્યા ફીરકીપકડુઓની બેદરકારીને કારણે ‘ભેગી થયેલી’ દોરીઓની ‘ઝોલ’માંથી બનાવવાં પડતાં હોય છે. ટૂંકમાં જે દોરીનો ‘મુખ્ય ધારાની ફીરકીમાં’ સમાવેશ શક્ય નથી હોતો તેમાંથી જ ‘કોકડાં’ બનાવવાનાં હોય છે.

***

લક્ષણો કોકડામાં ‘અનેક રંગના’ વિવિધ દોરા તથા ‘એક રંગના’ અનેક દોરાઓ લપેટેલા હોવાથી, કોઇપણ દોરો ખેંચતાં તેનો છેડો બીજા દોરાને અડતો હોવાથી ‘‘મને કેમ ખેંચ્યો?’’ અેવી રાડારાડ થતી હોય છે.

***

ઉકેલ ઉત્તરાયણના કોકડાંમાં તો ગૂંચવાયેલી દોરીના સલામત છેડા કાપીને નકામી ‘ગૂંચ’ ફેંકી દેવામાં આવે છે! પણ રાજકીય કોકડામાં એવી હિંમત કોણ કરે?

mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP