‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

સાંભળો, વાહનોની વાતો...

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો ‘ભારત બંધ’ પતિ ગયા પછી બધાં વાહનો ભેગાં થયાં છે...


ખટારો : (ગુસ્સાથી ઘરઘરાટી કરતાં) આ 21 પક્ષોએ ભારત બંધ કરીને શું ધાડ મારી? અમારી ડ્યૂટી તો ચાલુ જ હતી.


બાઇક : (આળસ મરડતાં) હું તો બોલી યેે નંઇ, ને ચાલી યે નંઇ...


CNG રિક્ષા : બધા પેટ્રોલ-ડીઝલનું ઝૂડે છે, પણ સીએનજી માટે અમારે દોઢ દોઢ કલાક લાઇનોમાં ઊભા રહેવું પડે છે! એનું કંઇ કરો ને?


SUV કાર : તું તો બોલતી જ નહિ! કેરોસીન ભરીને તું જ પ્રદૂષણ ફેલાવે છે. મારું તો પરફ્યૂમ સ્પોઇલ થઇ જાય છે!


ખખડી ગયેલી કાર : એ ચાંપલી! તને ક્યાં કશો ભાવ વધારો નડે છે?


SUV કાર : હા, પણ હું VIPઓની કાર છું! અમારા વિના કોઇ બંધ બંધ જ ના થાય.


ઠાઠિયું સ્કૂટર : જવા દે ને... જ્યારે બંધ હોય ત્યારે જ પક્ષોવાળા આવીને ખાલી 100નું પેટ્રોલ પૂરાવે છે, હવે તો એમાંય 30 કિલોમીટરથી વધારે નથી ફરાતું...


બાઇક : (સ્ટાઇલમાં) હું તો બોલી યે નંઇ ને ચાલી યે નંઇ...


ST બસ : એ બાઇકડી! તું ચૂપ મર ને? જ્યારે પણ બંધ હોય છે ત્યારે અમારી જ વાટ લાગે છે. બધા અમને જ સળગાવી મારે છે.


જૂનું ટાયર (વચ્ચે કૂદી પડતાં) : ના હોં! એમ તો અમે બી સળગીને ભોગ આપીએ છીએ!


પોલીસ જીપ (સાઇરન વગાડતાં) : એય! અહીં ઉશ્કેરણીજનક વાતો કોણ ફેલાવી રહ્યું છે?


બાઇક (વ્હાલી થતાં) : હું તો બોલી યે નંઇ ને ચાલી યે નંઇ...


સીટી બસ : ચૂપ બેસને દોઢડાહી? મારા તો કાચ ફોડી નાંખ્યા મૂવાઓઅે!


બાઇક (સ્ટાઇલમાં) : પણ મને કંઇ ના થયું...


ખટારો : ક્યાંથી થાય? તું જ તો બધી પાર્ટીના કાર્યકરોને ફેરવે છે.


બાઇક (શરમાતાં) : હાય હાય! હું એમને નથી ફેરવતી, એ લોકો મને ફેરવે છે... જે દહાડે બંધ હોય ને, એ રાત્રે મળેલા પૈસામાંથી હાઇવે ઉપર ખાણી-પીણીની પાર્ટી થાય છે!


ખટારો (ધુમાડો છોડતાં) : અેક મિનિટ યાર! હવે કોઇ સિરિયસલી વાત કરશે? આ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવાના છે કે નહિ?

(બધા ચૂપ થઇ જાય છે. કોઇ પાસે જવાબ નથી)

(એવામાં એક ખખડી ગયેલી ઘોડાગાડી આવીને ઊભી રહે છે. બધા તેને વિચિત્ર નજરે જોઇ રહે છે.)


ઘોડાગાડી : સોરી, મને કોઇઅે યાદ કરી? દર વખતે મને જ ભ્રમ કેમ થાય છે?
mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP