‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

સેલિબ્રિટીની નવરી બજાર

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

આપણા દેશમાં નવરી સેલિબ્રિટીઓની બજાર મોટી થતી જાય છે.


થોડા દિવસ પહેલાં સલીમ ખાન (સલીમ-જાવેદવાળા) એક ટીવી શોમાં પધાર્યા હતા. બધા એમને અહોભાવથી જોઈ રહ્યા હતા. સલીમ ખાને જાવેદ અખ્તર સાથે ઘણી સુપરહિટ ફિલ્મો લખી છે, પરંતુ સલીમ ખાને એ શોમાં શું કર્યું? વારાફરતી છ-સાત જોક્સ કીધા! તાલિયાં, તાલિયાં.

  • રામગોપાલ વર્માને પ્રેક્ષકો ફિલ્મમેકર તરીકે ‘માફ’ પણ કરી ચૂક્યા છે!

કમ સે કમ એક સ્ક્રિપ્ટ-રાઇટિંગના અનુભવ વિશે સાંભળવા આપણે તરસતા રહ્યા, પણ સલીમ ખાને એ વિશે એક વાક્ય પણ ન કહ્યું.

સલીમ સાહેબ આજની નવરી બજાર સેલિબ્રિટીના લેટેસ્ટ ‘ડેબ્યુટાન્ટ’ સ્ટાર છે. એમની લખેલી છેલ્લી ફિલ્મ (મિ. ઇન્ડિયા) આવ્યાને 30 વર્ષ થઈ ગયાં. ટૂંકમાં, સલમાન, અરબાઝ અને સોહિલ ખાનના ‘બાપ’ હોવા સિવાય એમણે 30 વર્ષમાં બીજું કંઈ જ કર્યું નથી છતાં એ આપણી ‘નવી સેલિબ્રિટી પ્રતિભા’ છે!


એમના જોડીદાર જાવેદ અખ્તરની છેલ્લી ચાર ફિલ્મો ફ્લોપ થયાંને 26 વર્ષ થયાં. જનાબ એ પછી ફિલ્મોમાં ગીતો લખતા થઈ ગયા. એમનું લખેલું છેલ્લું ફાલતુ ગાયન કયું હતું અને છેલ્લું ‘યાદગાર’ ગાયન કયું હતું તે કોઈને ઝટ યાદ નથી આવતું. છતાં જાવેદ અખ્તર સેલિબ્રિટી છે! એ સેલિબ્રિટી રહેવા માટે શું કરે છે? સિમ્પલ... વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહે છે! બસ.


આવી જ એક મહાન સેલિબ્રિટી છે મહેશ ભટ્ટ. આ સાહેબે ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું છોડી દીધાને આજે 19 વર્ષ થયાં. ભટ્ટ સાહેબ આજકાલ શું કરે છે? ફિલ્મોમાં રૂપિયા રોકે છે અને વિવાદાસ્પદ નિવેદનો કરે છે, બસ.


અનુ મલિક એનાથી ઊંચી ચીજ છે. મ્યુઝિક ડિરેક્ટર તરીકેની એમની કારકિર્દી પતી ગયાને આખો દસકો વીતી ગયો. હવે ભાઈસાહેબ કોઈ ને કોઈ ટેલેન્ટ શોના જજ તરીકે ટીવીમાં આવીને સ્પર્ધકોનું અપમાન કરતા ફરે છે. રામગોપાલ વર્માને તો પ્રેક્ષકો ફિલ્મમેકર તરીકે સંપૂર્ણપણે ‘માફ’ પણ કરી ચૂક્યા છે! એ ભાઈસાહેબ ઝનૂનમાં આવીને, એકાદ ફિલ્મ બનાવી નાખે તો લોકો થિયેટરમાં જતા ડરે છે! છતાં એ ભાઈ ટ્વિટરના બાદશાહ છે, બોલો.


આપણા દેશમાં કહેવાય છે કે રાજકારણીઓ કદી નિવૃત્ત થતા નથી. કબરમાં ટાંગ લટકતી હોય કે મસાણમાં લાકડાં વાટ જોઈ રહ્યાં હોય, એવા બુઢ્ઢાઓ પણ દેશના રાજકારણમાં ઘોંચપરોણા કર્યા વિના રહી શકતા નથી. જોકે, અમેરિકામાં એવું નથી.

ત્યાં તમે માત્ર બે ટર્મ માટે પ્રેસિડેન્ટ બની જાવ પછી આખી સિસ્ટમ તમને શોભાના ગાંઠિયા જેવી સેલિબ્રિટી બનાવીને સાચવ્યા કરે છે. બિલ ક્લિન્ટન હજીયે એટલા ચાર્મિંગ અને હેન્ડ્સમ છે. એ ધારે તો ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી શકે, પરંતુ એમણે ફરજિયાતપણે શું કરવાનું? વર્ષમાં બે-પાંચ વાર જાહેરમાં આવીને સુષ્ટુ-સુષ્ટુ ભાષણો આપવાનાં, બસ.


જોકે, અમેરિકા તો નવરી સેલિબ્રિટીઝનું ‘હોલસેલ’ બજાર છે! ટીવીના કારણે ચાર બિટલ્સમાંનો એકાદ બુઢ્ઢો સંગીતકાર બગલ ઘોડી વડે ચાલતો ન થઈ જાય ત્યાં લગી સેલિબ્રિટી બનીને વાહ-વાહ લૂંટતો રહે છે.

આપણે ત્યાં પણ હવે એ સિસ્ટમ આવી ગઈ છે. કવિતા ન કરતા શાયરો, લખવાનું ભૂલી ચૂકેલા લેખકો અને ફિલ્મ બનાવવાનું છોડી ચૂકેલા ફિલ્મકારો, રિટાયર કે રિટાર્ટેડ થઈ ચૂકેલા અધિકારીઓ (કાત્જુ જેવા) અને પ્રેક્ટિકલી કશું ન ઉકાળી રહ્યા હોય એવા સો કોલ્ડ મહાનુભાવો આપણી સેલિબ્રિટીઓની નવરી બજારમાં ધક્કામુક્કી કરતા ઊભા છે.
એ તો સારું છે કે ગુજરાતીમાં ‘હજી લખી રહેલા’ લેખકો અને કવિઓ આપણી સેલિબ્રિટીઓ છે!
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP