‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

તંબૂરો તમારો જમાનો?

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

ખાસ ચેતવણી : ‘અમારા જમાનામાં તો આમ અને અમારા જમાનામાં તો તેમ’ એવી ડંફાસો મારતા કાકાઓને ખાસ વિનંતી કે જો હજી તમે એમ માનતા હો કે તમારો જમાનો આજ કરતાં સારો હતો તો આગળ વાંચવાનું રહેવા દો! છતાં વાંચવું જ હોય તો દિલ પર હાથ રાખીને અમારા સવાલનો જવાબ આપજો.

  • ફિલ્મો જોવા જવું એ તો જાણે જેલની સજા. સિનેમાહોલમાં ધક્કામુક્કી કરતા ઘૂસવાનું, સીટો ફાટેલી હોય, ત્રાંસી થયેલી સ્પ્રિંગો ખૂંચતી હોય અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરતાં અંદરના પંખા વધારે અવાજ કરતા હોય

હું ખુદ મારી જ વાત કરું તો એ જમાનામાં સવારે કામે જવા માટે ત્રણ જ બસ હતી. એક સવારે 8:50ની, બીજી 9:20ની અને ત્રીજી 9:50ની. પેલી 8:50ની બસ વહેલી પડે અને 9:50ની બહુ મોડી પડે, એટલે 9:20ની બસ જ પકડવી પડે. એ પકડવા માટે ઘરેથી પોણો કિલોમીટર દૂર ચાલીને જવું પડે. છતી મ્યુનિસિપાલિટીએ ખાડા-ખડિયાવાળા રસ્તા અને ગંધાતાં ખાબોચિયાંને પાર કરતાં સિટી બસસ્ટોપે પહોંચીએ ત્યારે ઓલરેડી દોઢ બસ ભરાઈ જાય એટલા પેસેન્જરોની લાંબી લાઇન હોય.


બસ અારામથી આવે, ડ્રાઇવર-કંડક્ટરો ઠાઠથી ચા પીએ, તુચ્છ નજરે પેસેન્જરોની લાઇન સામું જુએ અને પછી બગાસું ખાઈને કંડક્ટર ટિકિટો ફાડવાનું શરૂ કરે ત્યાં સુધીમાં ધૂંંઆપૂંઆ થઈ ગયા હોય. ધીમે ધીમે ટિકિટો ફાડતાં એ ખીચોખીચ બસ ભરે અને છેલ્લે ફક્ત ત્રણ પેસેન્જરોને બાકી રાખીને બસ ઉપાડી મૂકે! કેવી દાઝ ચડે?


એક દિવસ નહીં, બે દિવસ નહીં, રોજેરોજ આવું થાય એને શું તંબૂરો સારો જમાનો કહેવાય?


એ જમાનામાં સાઇકલો બે જ કંપનીઓ બનાવતી. એમાં સાઇઝો પણ બે જ આવતી. કલર તો એક જ, કાળો! આવામાં બાળકો સાઇકલ ચલાવતા શી રીતે શીખે? બિચારું બાળક ત્રીસ કિલોની લોખંડી સાઇકલની ફ્રેમમાં ત્રાંસા પગ નાખીને માંડ-માંડ સાઇકલ ચલાવતા શીખે, એને શું તંબૂરો સારો જમાનો કહેવાય? (‘આજે તો છોકરાંઓને સ્કૂટી માગતાં બાઇક મળી જાય છે’ એમ કહીને એમને ઉતારી ન પાડો. તમારી વાત કરો. સાઇકલ શીખતા બાળકના દસ વાર ઘૂંટણિયાં છોલાઈ જાય એ કંઈ સારો જમાનો કહેવાય?)


મને બાળપણમાં ચિત્રકામનો શોખ હતો, પણ એ જમાનામાં પેન્સિલો બે જ જાતની આવતી. એક ખરાબ અને બીજી બહુ ખરાબ! પહેલી ટાઇપની પેન્સિલની અણી વારંવાર બટકી જ જાય અને બીજી ટાઇપની પેન્સિલની અણી એટલી કડક હોય કે લીટી જ ના પડે! ભાર દઈને લીટી પાડવા જઈએ તો કાગળ ફાટી જાય! આને કંઈ તંબૂરો સારો જમાનો કહેવાય? આવી ને આવી પેન્સિલોને લીધે એ પેઢીના કેટલાંય બાળકોના શોખ જન્મતાંની સાથે મરી ગયા.


ફિલ્મો જોવા જવું એ તો જાણે જેલની સજા. આપણે કોઈ સરકસનાં જાનવરો હોઈએ એમ લોખંડની જાળી બનાવીને લાઇનમાં ઊભા રાખે. ઉપરથી લાલો ડંડા ફટકારે! પરચૂરણ ભરેલી મુઠ્ઠી માંડ અંદર જાય એવા કાણામાંથી ટિકિટ લેવાની અને પછી જાણે ઢોરવાડાના દરવાજા ખૂલે એ રીતે સિનેમાહોલમાં ધક્કામુક્કી કરતા ઘૂસવાનું. સીટો ફાટેલી હોય, ત્રાંસી થયેલી સ્પ્રિંગો ખૂંચતી હોય, માંકડ ચટકા ભરતા હોય અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરતાં અંદરના પંખા વધારે અવાજ કરતા હોય એવા માહોલમાં પિક્ચરો જોવાનાં! એને શું તંબૂરો સારો જમાનો કહેવાય?


આજે જ્યારે ટિકિટ કરતાં વધારે રૂપિયા ખર્ચીને લોકોને પોપકોર્ન ખાવાના પોષાય છે, તો એ સારો જમાનો ના કહેવાય? સાચું કહેજો, કાકા!
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP