Home » Rasdhar » સલિલ દલાલ
દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

શ્રીદેવી... મૈં ખ્વાબોં કી શહજાદી - 3

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

શ્રીદેવીના ‘બેબી’ દિવસોમાં મમ્મી રાજેશ્વરીદેવીને અનુસરવા માટે મીનાકુમારી અને મધુબાલા જેવાં જૂનાં ઉદાહરણો ઉપરાંત નીતુસિંગ અથવા તો ‘બેબી સોનિયા’નો તાજો દાખલો નજર સમક્ષ હતો. એ સૌએ પણ પ્રથમ બાળ કલાકાર તરીકે અને પછી સાવ કાચી ઉંમરે હિરોઇન તરીકે કામ કરવાનો આરંભ કરી દીધો હતો. એટલું જ નહીં, ‘બેબી સોનિયા’ને તેનાં મમ્મી રાજીસિંગે એકલે હાથે ઉછેરીને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે સંખ્યાબંધ પિક્ચરો અપાવ્યાં અને ૧૫ જ વર્ષની ઉંમરે સાઉથની ‘રિક્ષાકરન’ નામની ફિલ્મની હિન્દી રિમેક ‘રિક્ષાવાલા’માં હીરોઇન તરીકે ચમકાવી. તેના હીરો રણધીર કપૂર હતા. ‘બેબી સોનિયા’ની અને ‘બેબી શ્રીદેવી’ની કારકિર્દી સરખાવો, તો ઘણું સામ્ય લાગશે. ‘બેબી શ્રીદેવી’ને તેમનાં મમ્મી ‘સોલવા સાવન’થી હિન્દી પડદે લઈને આવ્યાં, ત્યારે ’૭૯ માં તો બરાબર ૧૬ વર્ષની ઉંમર હતી. પરંતુ, એ જ પિક્ચરની મૂળ તામિલ આવૃત્તિ ‘16 વયતિનિલે’ મમ્મીએ કરાવી તે વખતે શ્રીદેવીને હજી ચૌદ વરસ થયાં હતાં.

૧૪ વર્ષની વયે કોઇ છોકરીની ખોટે-ખોટી ‘સ્વીટ 16’ ઉજવાય એ તો હજી સમજાય; પણ શ્રીદેવીના કિસ્સામાં તો ૧૨ જ વર્ષની ઉંમરે પુખ્ત પાત્ર ભજવવાનું તેમના નામે છે. જો કે ખુદ શ્રીદેવીએ ૨૦૧૭માં ‘મૉમ’ રિલીઝ થવાના દિવસોમાં વીર સંઘવીના કાર્યક્રમમાં એક મોટા આશ્ચર્યનો ખુલાસો કર્યો હતો. ‘શ્રી’એ કહ્યું હતું કે, દક્ષિણની એક ફિલ્મમાં સાડી પહેરીને પુખ્ત વયની અભિનેત્રી તરીકે રોમેન્ટિક પાત્રમાં એન્ટ્રી કરી, ત્યારે તેમની ઉંમર સાડા દસ વર્ષની જ હતી! તેમના કહેવા પ્રમાણે, તે સમયે પોતે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતાં હતાં. ટૂંકમાં, બહુ ઊંડા ન ઉતરીએ તો પણ એટલું તો ચોક્કસ કે સાડા દસ કે ઇવન બાર એ કાંઇ હીરોઇન બનવાની ઉંમર તો નહોતી જ. સાથે સાથે એ વાત પણ સાચી છે કે તામિલ કલ્ચરમાં છોકરી પ્રથમવાર માસિક ધર્મમાં બેસે તેની ઉજવણી (પ્યુબર્ટી સેલિબ્રેશન) આજે પણ લગ્ન જેવી ધામધૂમથી થાય છે. પોતાની દીકરી ‘મોટી થઈ ગઈ છે’ એવું સમાજમાં જાહેર કરવાનો અને જૂના, બાળ-લગ્નના, જમાનામાં તો પુત્રી પ્રજનનક્ષમ થઈ હોઇ લગ્ન માટે ઉપલબ્ધ હોવાની ઘોષણા સમાન એ વિધિ હતો. નવા સમયમાં શ્રીદેવી અને અગાઉ રેખા જેવા કિસ્સાઓ જોતાં એમ લાગે કે એક બાળ-અભિનેત્રી હવે તરુણ અવસ્થામાં આવી હોઇ તેની ઉંમર હીરોઇન થવાને લાયક થઈ ચૂકી હોવાનો ફિલ્મી દુનિયાને ઇશારો કહી શકાય!

૧૪ વર્ષની વયે કોઇ છોકરીની ખોટે-ખોટી ‘સ્વીટ 16’ ઉજવાય એ તો હજી સમજાય; પણ શ્રીદેવીના કિસ્સામાં તો ૧૨ જ વર્ષની ઉંમરે પુખ્ત પાત્ર ભજવવાનું તેમના નામે છે.

‘શ્રી’ના કિસ્સામાં ૧૯૭૫નું વર્ષ કુમારાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો એવો તરુણાઇનો સમય હતો અને તે વર્ષની તેમની ફિલ્મોની સાવ નાની યાદી જોતાં પણ સમજાય છે. તે લિસ્ટમાં શ્રીદેવીની ૧૯૭૫માં રિલીઝ થયેલી ‘જુલી’ છે જેમાં તેમને ભાગે ઓછામાં ઓછા, બલ્કે નહીંવત, સંવાદો આવ્યા હતા. છતાં ટાઇટલમાં ‘બેબી શ્રીદેવી’ને બદલે માત્ર ‘શ્રીદેવી’ લખાયું હોઇ એમ કહી શકાય કે ૧૯૭૪-૭૫ના એ દિવસોથી હિન્દી સિનેમા માટે તેમનો ‘બેબી અવતાર’ પૂરો થઈ ગયો હતો. તો તામિલ ફિલ્મમાં બાર જ વર્ષે મલ્ટિસ્ટારર ‘દસાવતારમ’માં પોતે રામાવતાર માટે ‘સીતાજી’નો નાનકડો (વનવાસ સુધીનો) રોલ કર્યો હતો અને તેમાં પણ શ્રીદેવીના ભાગે ભાગ્યે જ કોઇ સંવાદ આવ્યા હતા. તે પછીના વર્ષે ૧૯૭૬માં, શ્રીદેવીની કમલ હાસન સાથેની પ્રથમ ફિલ્મ ‘મુન્દ્રુ મુડીચુ’ આવી. કમલનું નામ ઘણાં ગુજરાતી છાપાં જે રીતે લખે છે તે ‘કમલ હસન’ વાંચતાં તે મુસ્લિમ નામ હોવાની સંભાવના સંભળાઇ શકે છે. પરંતુ, એવું નથી.

એ બેમિસાલ એક્ટરનું ખરેખરું નામ ‘કમલાસન’ છે, જેનો અર્થ થાય છે કમળના ફુલ પર જેમનું આસન છે, તે ભગવાન. આપણે જાણીએ જ છીએ કે તામિલમાં ઘણી જોડણીઓમાં અંગ્રેજી મૂળાક્ષર ‘એચ’ લગાડવાનો થતો હોય છે. જેમ કે જયલલિતા કે સિલ્ક સ્મિતા હોય, પણ સ્પેલિંગ વાંચો તો એ ‘જયલલિથા’ કે ‘સિલ્ક સ્મિથા’ વંચાય. ‘કમલાસન’માં પણ ‘આસન’ પહેલાં ‘એચ’ આવે છે. તેથી તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ હોય કે શ્રીદેવી સાથેની હિન્દી ‘સદમા’, એ બધાના ટાઇટલમાં ‘કમલ હાસન’ લખાયું હતું. પરંતુ, કાળક્રમે કેટલાંક ગુજરાતી અખબારો અને મેગેઝીનમાં ‘હાસન’ બની ગયા ‘હસન’! કમલાસન હીરો, શ્રીદેવી હીરોઇન અને રજનીકાન્ત વિલન હોય એવી ‘મુન્દ્રુ મુડીચુ’ આવી, ત્યારે તો ‘શ્રી’એ સનસનાટી કરી દીધી હતી.

તે વખતે શ્રીદેવીની ઉંમર હતી માત્ર ૧૩ વર્ષ. એવી કુમળી વયે શ્રીદેવીએ રજનીકાન્તની માતા (ઓરમાન માતા)ની ભૂમિકા કરી હતી અને તે પણ માત્ર ગણત્રીની મિનિટો માટે નહીં. લગભગ અડધા પિક્ચરમાં એ સ્ટેપ મધર બને છે! ઓરમાન માતા અને પુત્રને કેન્દ્રમાં રાખતી ‘મુન્દ્રુ મુડીચુ’ની વાર્તા એવી છે કે કમલ હાસન અને શ્રીદેવી એકબીજાને પ્રેમ કરતાં હોય છે. પરંતુ, ખલનાયક રજનીકાન્ત મિત્રતા બતાવીને કમલની (અને સરવાળે એ કપલની) નિકટ આવે છે. એકવાર રજની પોતાના એ ‘દોસ્ત’ (કમલ) અને બેનપણી (‘શ્રી’) સાથે પિકનિક પર જાય છે અને ત્યાં તરતાં આવડતું હોવા છતાં અકસ્માતે ડૂબી રહેલા મિત્ર કમલને બચાવતા નથી. એક રીતે જોઇએ તો એ ખૂન જ કહી શકાય. એટલે કમલ હાસનનો રોલ તો ફિલ્મનો એક કલાક પૂરો થતાં અગાઉ પતી જાય છે. એ ફિલ્મ ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ છે. તેમાં ઇંગ્લિશ સબટાઇટલ પણ છે. શ્રીદેવીની ટેલેન્ટને જોવી હોય તો ભાષા સમજ્યા વગર પણ તે ફિલ્મ જોઇ કાઢો. (https://www.youtube.com/watch?v=qVnSRqCPc8c&t=3897s) તો અમારી જેમ તમે પણ માનશો કે, ત્યાર પછીની અડધી ફિલ્મ શ્રીદેવી પોતાના ૧૩ જ વર્ષના નાજુક ખભા પર જે કુશળતાપૂર્વક ઉંચકી જાય છે, એવો અભિનય કેટલીક અભિનેત્રીઓને ત્રીસ વરસની ઉંમરે પણ નથી આવડતો.

તામિલ ફિલ્મમાં બાર જ વર્ષે મલ્ટિસ્ટારર ‘દસાવતારમ’માં પોતે રામાવતાર માટે ‘સીતાજી’નો નાનકડો (વનવાસ સુધીનો) રોલ કર્યો હતો અને તેમાં પણ શ્રીદેવીના ભાગે ભાગ્યે જ કોઇ સંવાદ આવ્યા હતા.

શ્રીદેવી જન્મજાત કલાકાર હોવાની એ ફિલ્મ અમને તો સૌથી મોટી સાબિતી લાગી છે. એ તામિલ ફિલ્મ સ્વીકારતા પહેલાં માતા રાજેશ્વરીદેવી મુંઝવણમાં હતાં. ‘શ્રી’ તો સગીર બાળકી હોઇ કોન્ટ્રાક્ટ પર સહી તો રાજેશ્વરીદેવીને કરવાની હતી. કેમ કે તામિલ સિનેમાની એ અમર કૃતિ ‘મુન્દ્રુ મુડીચુ’માં દીકરીએ અડધો અડધ સમય વિલનના પિતાની પત્ની, એટલે કે ખલનાયકની ઓરમાન માતા, બનવાનું હતું. એ ફિલ્મના ડાયરેક્ટર કે. બાલાચંદરે ‘મુન્દ્રુ મુડીચુ’માં પોતાને પુખ્ત હીરોઇનનો પ્રથમ સળંગ લાંબો રોલ આપ્યો હતો એ વાત શ્રીદેવીએ સદા યાદ રાખી હતી. એક ટીવી ઇન્ટરવ્યૂમાં “અમિતાભ બચ્ચન સાથે કામ કરીને તમે ઘણું શીખ્યાં હશો. એટલે એ તમારા ‘ગુરૂ’ કહી શકાયને?” ત્યારે ‘ન્યૂઝ 24’ ચેનલ પર ઇન્ટરવ્યૂ કરી રહેલાં અનુરાધા પ્રસાદને વચ્ચેથી રોકીને શ્રીદેવીએ તરત કહ્યું હતું કે “ના, મારા ગુરૂ તો બાલાચંદર સર...” તો સામાપક્ષે સાઉથના સંખ્યાબંધ સ્ટાર્સને તક આપનારા એ નિર્દેશક કે.બાલાચંદરે 2011માં ‘હિન્દુ’ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ‘શ્રી’ માટે આપેલો અભિપ્રાય તો ‘સદમા’ની રિવર્સ થિયરી જેવો હતો.

(ક્રમશઃ)

salil_hb@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP