Home » Rasdhar » સલિલ દલાલ
દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

શ્રીદેવી... મૈં ખ્વાબોં કી શહજાદી! - 2

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  

શ્રીદેવીએ પોતાના ખરેખરા આગમનના વર્ષ ૧૯૮૩માં જ તે સાલની સૌથી વધુ વકરો કરાવનારી ટૉપ ટેન ફિલ્મોમાં માત્ર ‘હિમ્મતવાલા’ જ નહીં, છઠ્ઠા ક્રમે ‘મવાલી’ અને ‘જસ્ટિસ ચૌધરી’ (નંબર ૮) પણ આપી. આમ ૧૦માંથી ત્રણ એટલે કે જનતાની સ્વીકૃતિના માપદંડમાં ૧૦ પૈકીની ત્રીસ ટકા હિટ ફિલ્મો આપીને ચાર વર્ષ પહેલાંની ‘સોલવા સાવન’થી થયેલી ઢીલી શરૂઆતને ભૂલાવી દીધી. એ ઓછું હોય એમ, તે જ સાલ સોને પે સુહાગા સરખી ‘સદમા’ જેવી અદભૂત કૃતિ આપીને ‘ક્લાસ’ અને ‘માસ’ બન્નેના હૈયામાં સ્થાન પાકું કરી લીધું. હિન્દી સિનેમાની બૉક્સ ઓફિસના ઇતિહાસમાં આવી જબ્બર શરૂઆત એક અપ્રતિમ અને ઐતિહાસિક ઘટના હતી. એવી રીતે ‘ડલ ડેબ્યુ’ કર્યા છતાં સુપરહિટ કરિયર કરનાર માધુરી દીક્ષિતથી માંડીને સચિન તેન્દુલકર સુધીના દાખલા પછી તો મળ્યા જ છે ને? માધુરીનું ૧૯૮૪નું ‘અબોધ’ કે સચિને પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ (૧૯૮૯, કરાંચી)માં કરેલા ૧૫ જ રન આજે કોણ યાદ રાખે છે? (શું માધુરી અને સચિન સામે પ્રેરણા માટે ‘શ્રી’ના ‘શ્રી સવા’નો દાખલો હશે?)

શ્રીદેવીએ ડગુમગુ પગલાં તો ‘સોલવા સાવન’થી હિન્દી સિનેમામાં માંડ્યાં હતાં; પરંતુ, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓમાં તો એ સ્થાપિત અભિનેત્રી હતી. શ્રીદેવીને શ્રધ્ધાંજલિના દિવસોથી લગભગ બધા જાણે જ છે કે તેમનો જન્મ ૧૯૬૩ની ૧૩મી ઓગસ્ટે થયો હતો અને ઇન્ટરનેટ કહે છે કે તેમનું નામ ‘શ્રી અમ્મા યંગર અય્યપન’ હતું, જે કદાચ સાચું નથી. તેમનું નામ નાનપણથી ખરેખર તો ‘અય્યપન શ્રીદેવી’ હતું. નામની રીતે દક્ષિણમાં પિતાનું નામ પહેલું લખાય છે. શ્રીદેવી અભિનેત્રી તરીકે પોતાના ચાહકોના પત્રોનો જવાબ આપતાં, તે સમયના સ્ટાર્સની માફક, પોતાનો ફોટો મોકલતાં અને તેમાં એ સહી A. Sreedevi તરીકે કરતાં. (શ્રીદેવીના નામ અંગેની મારી દલીલ પૂરી થઈ... I rest my case!)

શ્રીદેવીએ પોતાના ખરેખરા આગમનના વર્ષ ૧૯૮૩માં જ તે સાલની સૌથી વધુ વકરો કરાવનારી ટૉપ ટેન ફિલ્મોમાં માત્ર ‘હિમ્મતવાલા’ જ નહીં, છઠ્ઠા ક્રમે ‘મવાલી’ અને ‘જસ્ટિસ ચૌધરી’ (નંબર ૮) પણ આપી.

. શ્રીદેવી’ નામની એ બાલકીએ ૧૯૬૭માં માત્ર ૪ જ વર્ષની ઉંમરે એક તામિલ ફિલ્મ ‘કન્દન કરુનાઇ’થી કેમેરાનો સામનો કરવાની શરૂઆત કરી દીધી હતી. એટલું જ નહીં, ૧૯૭૮ એટલે કે ૧૫ વર્ષની ઉંમર સુધીમાં ૪૨ તામિલ, ૨૨ મલયાલમ, ૪ કન્નડ અને ૨૦ તેલુગુ મળીને ૮૮ જેટલી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી લીધું હતું! અગિયાર વરસની કારકિર્દીમાં ૮૮ ફિલ્મો જે બાળકીએ કરી હોય અને તે પણ ચાર જુદી જુદી ભાષાઓમાં તેની ટેલેન્ટને હિન્દી પડદે પોતાનો છાકો બેસાડવામાં વાર લાગે કે? પણ નવાઇ પમાડે એવી વાત તો બીજી હતી. આશ્ચર્ય એ હતું કે શ્રીદેવીએ ચાર વર્ષની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હોઇ, સ્કૂલે જવાનું તો શક્ય જ નહોતું બન્યું. એક શિક્ષક રાખ્યા હતા, જે ફુરસદે ભણાવતા... એટલે કે ‘બેબી’ની ફુરસદે!

બેબી શ્રીદેવી’ને શૂટિંગ માટે હૈદ્રાબાદ, બેંગ્લોર, ત્રિચિ કે મદ્રાસ જ્યાં જવાનું થાય ત્યાં તેમના રસાલામાં ટ્યુશન ટીચર પણ સાથે જાય. કેમેરા અને કલમ (એ ક્રમમાં!) સાથે તાલમેલ કરીને બચપણ વિતાવવા છતાં પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત ત્રણ અન્ય ભાષાઓની ફિલ્મોમાં ‘બેબી’ સફળ રહી! વળી, એકાદ-બે નહીં, સંખ્યાબંધ પિક્ચર્સ અને તે પણ દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ જોડે કર્યાં. તેને લીધે જ તો કારકિર્દીના એક તબક્કે શ્રીદેવીનું નામ ‘પેરોટ’ અર્થાત ‘પોપટ’ પડી ગયું હતું. જો કે ભાષાવિજ્ઞાનીઓ કહેતા હોય છે કે, કોઇપણ ભાષા સાવ નાની ઉંમરે સ્વાભાવિક ક્રમમાં જ બાળક શીખી શકતું હોય છે. તેથી તેલુગુ ઉપરાંત તામિલ કે મલયાલમ સંવાદો ગોખી લેવા સહેલા પડ્યા હોય એ શક્ય છે. પરંતુ, રટણ એ કાંઇ અભિનયનો પર્યાય બની શકે? અને તે પણ ફિલ્મોની એક્ટિંગનો?

સિનેમાની અદાકારી નાટક કે ભવાઇ અથવા રામલીલા જેવાં પરંપરાગત માધ્યમો કરતાં કેવી અલગ છે એ કોણ નથી જાણતું? સ્ટેજ પર ભજવાતી કૃતિમાં સંવાદોની અદાયગી કદાચ વધારે અગત્યની હોય છે. જ્યારે સિનેમામાં ચહેરાના બારીક ભાવ પણ વિશાળ પડદા ઉપર અનેકગણા મોટા થઈ દેખાતા હોઇ, ત્યાં તમારી આવડતની માફ્ક જ અણઆવડત પણ ૭૦ એમ એમમાં ઉઘાડી પડી જાય! એ રીતે જોવા માટે શ્રીદેવીની ઉપર જણાવી એ સાઉથની ૮૮ ફિલ્મો છે. પરંતુ, આપણે ગુજરાતીઓ કે પછી વિંધ્યાચળ પર્વતથી ઉપરના પ્રદેશોના ચાહકો માટે શ્રીદેવીની બાળકલાકાર તરીકેની એક હિન્દી ફિલ્મ ‘રાની મેરા નામ’ છે.

રાની મેરા નામ’ ૧૯૭૨માં આવી હતી અને ૯ વર્ષની ઉંમરે હિન્દી પડદે દેખાયેલો શ્રીદેવીનો એ પ્રથમ ‘અભિનય’! કેમ કે સંવાદ તો કોઇ બીજા પાસે ડબ કરાવ્યા હશે. પરંતુ, અભિનય તો ખુદ ‘બેબી શ્રીદેવી’એ જ કરવાનો હતો, જે આજે પણ આપણે જોઇ શકીએ છીએ, ઇન્ટરનેટની મહેરબાનીથી. આજે તો ‘યુ ટ્યુબ’ પર એહસાન કાસીમ નામના કોઇ દયાળુ આત્માએ ‘રાની મેરા નામ’માં ‘શ્રી’ની ભૂમિકા અને ટાઇટલમાં નામ આવે એ જોઇ શકીએ એવી નવેક મિનિટની ક્લિપ મૂકી છે. (https://www.youtube.com/watch?v=MEVQ5SQ6Ym8) તેમાં ફિલ્મની શરૂઆતમાં જ પોતાના પરિવારના સભ્યોને નજર સમક્ષ ગોળીઓથી વિંધાતા જોતી બાળકીની ભૂમિકામાં સ્તબ્ધ થઈ ચોંકવાના, ડરવાના, રડવાના એમ જુદા જુદા ભાવ ચહેરા પર શ્રીદેવીએ વ્યક્ત કરવાના હતા. એ જોશો તો તમે ‘બેબી શ્રીદેવી’ની અભિનયક્ષમતાનો નાની ઉંમરનો નાનો નમૂનો જોઇ શકશો.

રાની મેરા નામ’ ૧૯૭૨માં આવી હતી અને ૯ વર્ષની ઉંમરે હિન્દી પડદે દેખાયેલો શ્રીદેવીનો એ પ્રથમ ‘અભિનય’!

એટલે ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી’ એ જૂની કહેવતમાં ‘કલાકારનાં લક્ષણ કેમેરાની બારીમાંથી’ ઉમેરો કરવો પડે એવી એ ક્લિપ છે. તેથી ‘જુલી’ શ્રીદેવીની પ્રથમ હિન્દી ફિલ્મ એવી ‘વિકિપિડિઆ’ના આગમન અગાઉની પ્રચલિત માન્યતાને પણ એ ક્લિપ ખોટી પાડે છે. ‘જુલી’માં શ્રીદેવી હીરોઇન લક્ષ્મીની બહેનની ભૂમિકામાં હોવાથી સંવાદો નહીંવત હતા. પરંતુ, એક ક્રિશ્ચિયન યુવતિ અને હિન્દુ યુવાનની લવસ્ટોરી હોઇ જુલીના પરિવારનાં મોટાભાગનાં દ્દશ્યોમાં ઓમપ્રકાશ અને નાદીરાની સાથે શ્રીદેવીની હાજરી જરૂર હતી. તેથી રોલ લાંબો કહેવાય એવો હોવા છતાં તે ‘દો કલિયાં’ કે ‘ઘર ઘર કી કહાની’ અને ‘વારિસ’ની ‘બેબી સોનિયા’ જેવો નહોતો એમ કહી શકાય. ‘બેબી સોનિયા’ની ઓળખ આજની જનરેશનને ‘રણબીર કપૂરનાં મમ્મી’ તરીકે આપી શકાય અને અગાઉના પ્રેક્ષકો માટે તેમને ‘નીતુસિંગ’ કહીએ એટલું પૂરતું થાય. નીતુસિંગ અને રીશીકપૂરે તેમના જમાનામાં એક જોડી તરીકે મચાવેલી ધૂમ અને છેવટે લગ્ન સુધી પહોંચેલી તેમની લવસ્ટોરીની વળી આખી જુદી વાર્તા છે. પરંતુ, નીતુસિંગ અને શ્રીદેવીનું પણ, અમારી દૃષ્ટિએ, એક કનેક્શન છે.

(ક્રમશઃ)

salil_hb@yahoo.co.in ​​

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP