Home » Rasdhar » રમેશ તન્ના
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

બળાત્કારઃ શું પુરુષે હજી પૂરા માણસ બનવાની ઘણી વાર છે?

  • પ્રકાશન તારીખ17 Jul 2018
  •  
તમે જો સાંજે ટેલિવિઝન સામે બેસીને જુદી જુદી સમાચાર ચેનલો પર સમાચાર જોવા બેસી જાવ તો એવું લાગે કે ગુજરાત કે ભારતમાં ઠેર ઠેર માત્ર અને સતત અપરાધો જ થઈ રહ્યા છે અને તેમાંય બળાત્કારોનું પ્રમાણ દર કલાકે વધી રહ્યું છે. એક તો 125 કરોડની વસ્તી ધરાવતો, ઉપખંડ જેવો વિશાળ દેશ અને તેમાંય મીડિયાવાળાની ગુનાખોરીને લગતા સમાચારો બતાવવાની નીતિ અને રીતિ એટલે પહેલી છાપ એવી જ પડે કે દેશમાં અપરાધને બાદ કરો તો કશું બનતું નથી.
આ તથ્યવાળા તારણની સાથે કહેવું જ પડે કે ભારતમાં અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે અને સ્ત્રી શક્તિકરણની જાહેરાતો અને યોજનાઓ મધ્યે બળાત્કારો પણ જબરજસ્ત ગતિએ વધી રહ્યા છે. થોડા સમય પહેલાં અમદાવાદની એક યુવતીએ તેના પર ગેંગ રેપ થયો હોવાની ફરિયાદ કરી હતી. આવી ફરિયાદો લગભગ રોજ નોંધાતી રહે છે.

125 કરોડની વસ્તી ધરાવતો, ઉપખંડ જેવો વિશાળ દેશ અને તેમાંય મીડિયાવાળાની ગુનાખોરીને લગતા સમાચારો બતાવવાની નીતિ અને રીતિ એટલે પહેલી છાપ એવી જ પડે કે દેશમાં અપરાધને બાદ કરો તો કશું બનતું નથી.

બળાત્કાર અથવા બલાત્કાર એટલે બળજબરી. જોરજુલમ, સ્ત્રી પર અત્યાચાર. આ તો અર્થ છે શબ્દકોશનો. બળાત્કારનો લોકઅર્થ છે સ્ત્રી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવો. શરીરના બળનો ઉપયોગ કરીને તેના પર હિંસક પશુની જેમ તૂટી પડવું. બળાત્કાર એ સનાતન અને વૈશ્વિક સમસ્યા છે. સદીઓથી સ્ત્રી પુરુષના બળાત્કારનો ભોગ બનતી આવી છે. તેનાં કારણો અનેક છે, પણ નિરાકરણ દેખાતું નથી. રોજ સૂરજ ઊગે છે અને આ પૃથ્વી પર અનેક સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. દેશ વિકસિત હોય કે પછાત, પુરુષ શિક્ષિત હોય કે અભણ, સ્ત્રી પર સતત બળાત્કારો થતા જ રહ્યા છે. બળાત્કાર પુરૂષની કાળી બાજુને રજૂ કરે છે. શારીરિક રીતે કુદરતે એવી સ્થિતિ સર્જી છે કે બળાત્કાર સ્ત્રી ના કરી શકે, પુરુષ જ કરી શકે. માત્ર શારીરિક જ નહીં, (મોટાભાગે) પુરુષની જ માનસિકતા બળાત્કારની હોય છે. બળાત્કાર એ પુરુષનો આગવો અને અબાધિત ગુનો છે.
કોઈ પણ દેશ હોય સ્ત્રી પરના બળાત્કારો અમાનવીય ઢબે થતા અને વધતા જ રહ્યા છે. નાનકડી, પતંગિયા જેવી, માસૂમ બાળા પર મહિનાઓ સુધી સતત બળાત્કાર થતો રહે તેવી ઘટનાઓ પણ બને છે. આવી ઘટનાઓ બતાવે છે કે પુરુષ નામના પ્રાણીએ હજી પોતાના મગજ અને હૃદયમાં કેટલી જંગલિયત ભરીને રાખી છે.
જેમ કાગડા બધે કાળા તેમ બળાત્કારી પુરુષો બધે સરખા. બળાત્કાર એ કોઈ એક દેશનો, એક વર્ણનો, એક ખંડનો પ્રશ્ન નથી. દરેક દેશની મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. પ્રાચીન કાળ હોય કે મધ્યયુગ કે ટેક્નોલોજી અને શિક્ષણથી છલકાતો પ્રગતિશીલ સમય હોય, સ્ત્રીને બળાત્કારીઓએ ક્યારેય બક્ષી નથી.
આપણે સામાન્ય વાતચીતમાં એવું કહેતા હોઈએ છીએ કે અમેરિકા કે અન્ય સુધરેલા દેશોમાં સેક્સનો કોઈ છોછ નથી. ત્યાં તો બધુ સહજ અને સ્વાભાવિક છે. લોકો ખુલ્લામાં પ્રેમાલાપ કરતા જાવા મળે. સ્ત્રીએ ઓછાં, આછાં કે નામપૂરતાં કપડાં પહેર્યાં હોય તો પણ કોઈ તેમની સામે જોતુંય ના હોય. ત્યાંનું પુરુષમાનસ પરિપક્વ છે. પુરુષો સ્ત્રીઓને માત્ર સેક્સની દૃષ્ટિથી જોતા નથી. સ્થિતિ એ છે કે અમેરિકામાં પણ બળાત્કારો થાય જ છે. અહીં દર ૨૨ મિનિટે એક બળાત્કાર થાય છે. ફ્રાન્સમાં દર વર્ષે ૭૫૦૦૦ બળાત્કાર થાય છે તેમાં માત્ર ૧૦ ટકા મહિલાઓ જ ફરિયાદ કરે છે. અહીં સને ૧૯૮૦ સુધી તો બળાત્કારને ગુનો પણ નહોતો ગણાતો. કેનેડા, ઓસ્ટ્રેલિયા,ઈંગ્લેન્ડ, ઈઝરાયલ, નોર્વે દરેક ભૂમિ પર બળાત્કાર થાય છે. દ. આફ્રિકાને તો રેપ કેપિટલ ગણવામાં આવે છે.
કાળા કે ગોરા, શ્યામ કે રૂપાળા દરેક રંગના પુરૂષોની ધરતી પર બળાત્કાર થાય છે. બળાત્કાર મોટી ઉંમરની સ્ત્રીઓ પર થાય છે તો નાની બાળાઓનો પણ ભોગ બનાવાય છે. નાની છોકરીઓ બળાત્કારીઓ માટે આસાન શિકાર હોય છે. યુરોપના રોધરહેમમાં ૧૯૯૭થી ૨૦૧૩ સુધી ૧૪૦૦ બાળકો પર જાતીય અત્યાચાર થયા હતા, જેમાં ૧૧ વર્ષથી નીચેની છોકરીઓ પર સામૂહિક બળાત્કાર પણ કરાયા હતા. વિચાર તો કરો ૧૪૦૦ બાળકો પર દોઢ દાયકા સુધી સતત બળાત્કાર થતા રહે તે કેવી અમાનવીય અને ક્રૂર વાત કહેવાય!
બળાત્કાર એ સામાજિક પ્રશ્ન છે કે જાતીય? એ માનસિક સમસ્યા છે કે શારીરિક? કે પછી આ બધી બાબતો તેની સાથે જોડાયેલી છે?
બળાત્કાર કોઈ પણ સમયકાળમાં થતા આવ્યા છે. લગ્નસંસ્થાને કારણે બળાત્કારો શરૂ થયા, ઔદ્યોગિક ક્રાંતિ પછી તેમાં ઉછાળો આવ્યો, શહેરીકરણે તેમાં ભરતી આણી કે સંચારક્રાંતિને પગલે બળાત્કારો વધ્યા? આ બધાં અનુમાન કે સંશોધનના મુદ્દા છે. એમાંથી જુદાં જુદાં તારણ મળે, પણ મૂળ વાત એટલી છે કે આ એક એવી ગંભીર અને અમાનવીય સમસ્યા છે જેનું નિરાકરણ મળતું નથી.
કડકમાં કડક સજા, અરે, મૃત્યુદંડ સુધીની સજા પણ બળાત્કારીઓને રોકી શકતી નથી. દુનિયાના ઘણા દેશોમાં બળાત્કારના અપરાધ માટે મૃત્યુદંડ છે. ઘણા દેશોમાં આજીવન કારાવાસ છે. ઘણા ઈસ્લામિક દેશોમાં બળાત્કારીને જાહેરમાં ખતમ કરાય છે. ભારતનાં કેટલાંક રાજ્યોએ પણ બળાત્કારીને મોતની સજા માટેના કાયદા બનાવ્યા છે.
બળાત્કારનો ભોગ બનનારી સ્ત્રીની માનસિક સ્થિતિની કલ્પના પણ થઈ શકતી નથી. સ્ત્રી એક સ્ત્રી તરીકે માતા બની શકે છે તે તેની સ્ત્રી તરીકેની સૌથી મોટી સાર્થકતા છે, તો એ સ્ત્રી એક સ્ત્રી તરીકે બળાત્કારનો ભોગ બને છે એ તેની સ્ત્રી તરીકેની સૌથી મોટી કમનસીબી છે. (તેને સંજાગોવસાત્‌ પોતાનું શરીર વેચવું પડે તેના કરતાં પણ બળાત્કાર મોટી વિટંબણા કહેવાય, કારણ કે શરીર વેચવામાં તો તેની કમને તો કમને સંમતિ તો હોય જ છે.) સમાજમાં કે અદાલતમાં વાતાવરણ એવું હોય છે કે સ્ત્રી ફરિયાદ કરવાનું ટાળે છે. સ્ત્રી પક્ષે અદાલતોમાં બળાત્કારને સાબિત કરવાનું અત્યંત ક્ષોભજનક અને વિકટ હોય છે. વૈશ્વિક કક્ષાએ એક લાખ બળાત્કારોમાંથી માત્ર ૧૧૦૦ બળાત્કાર જ સાબિત થઈ શકે છે! બીજી વાત એ છે કે બળાત્કાર કરનારા સ્ત્રીની નજીકનાં સગાં કે સ્વજનોમાંથી જ હોય છે. સમાજ બળાત્કાર સ્ત્રીને ઊતરતી નજરે જોતો હોવાથી પણ સ્ત્રીઓ ફરિયાદ કરતાં અચકાય છે. ક્યાંક ડરને કારણે પણ ફરિયાદ થતી નથી. આ પૃથ્વી પર દરરોજ થતા બળાત્કારોમાંથી દસમા ભાગના બળાત્કારોની ફરિયાદ નહીં થતી હોય અને જે ફરિયાદ થાય છે તેમાંથી પાંચ ટકા બળાત્કારો સાબિત નથી થતા. આ સ્થિતિ દર્શાવે છે કે પુરુષ નામના પ્રાણીએ માણસ બનવા માટે હજી કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે.
બળાત્કારની સમસ્યાનો ઉકેલ છે ખરો કે પછી તેનો સ્વીકાર એ જ વાસ્તવિક ઉકેલ છે? આ સમસ્યાનો ઉકેલ બે છેડેથી શરૂ કરવો જાઈએ. એક છે કડક અને શીઘ્ર સજાનો વિકલ્પ અને બીજો છે પ્રેમ અને ક્ષમાનો રસ્તો. એકમાં ઝડપથી કામ કરવાનું છે બીજામાં ધીરજથી કામ લેવાનું છે. આકરામાં આકરી સજાનો તરત જ કડક અમલ થાય તો જ ફરક પડે. બળાત્કારના ગુનાનો ચુકાદો વધુમાં વધુ છ મહિનામાં આવી જ જાય તેવી જાગવાઈ હોય તો કાયદાની ફડકથી પણ બળાત્કાર ઘટી શકે. બીજો રસ્તો છે પ્રેમનો. પુરુષોના મનમાં સ્ત્રી માટે પ્રેમભાવ અને સન્માન ઊભું કરવાનો. આ કાર્ય બાળવયે શરૂ થવું જાઈએ. તેમાં માતા-પિતા, શિક્ષકો, સમાજ અને સરકાર જુદા જુદા તબક્કે અને સ્તરે જોડાય. આ લાંબાગાળાનો પણ સાચો રસ્તો છે. સ્ત્રી પર કોઈ પણ સંજોગોમાં બળાત્કાર થાય નહીં એવી દૃઢતા પુરૂષના મનમાં નાનપણથી જ અંકિત થવી જાઈએ.
સામૂહિક બળાત્કારનો ભોગ થનારી કોઈ સ્ત્રી આવું કહે તે વાત માનવામાં ના આવે પણ તે હકીકત છે. અમેરિકાના શિકાગોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનનારાં સપના ભાવનાની પણ આમ કહે છે. તેઓ કહે છે કે બળાત્કારીઓને માફ કરી દેવા જોઈએ. તેમણે પોતે પોતાના પર બળાત્કાર કરનારાને માફ કરી દીધા છે. પ્રેમથી તેમને સમજાવવા એ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું તેમનું માનવું અને કહેવું છે. તેઓ શિકાગોમાં રહેતાં હતાં ત્યારે એક ક્રિસમસની રાત્રે ચાર યુવકોએ તેમના પર બળાત્કાર કર્યો હતો. તેમણે કાઉન્સિંગ લીધું. ગોળીઓ ખાધી. ૨૦ વર્ષ સુધી આ વાત કોઈને ના કરી. અમેરિકા છોડી ભારત આવ્યાં. તેઓ વિશ્વખ્યાત હેરડ્રેસર બન્યાં. ક્રિકેટર ધોની, ગાયક કૈલાસ ખેર સહિત અનેક સેલિબ્રિટીના વાળનાં તેઓ માળી છે. તેઓ અનેક પ્રકારની સજ્જતા ધરાવે છે. એક આદિવાસી ગામ દત્તક લઈને તેનું નવસર્જન પણ તેઓ કરી રહ્યાં છે. દૂરદર્શનના સ્ત્રીશક્તિ કાર્યક્રમમાં તેમણે હિંમતથી પોતાની આપવીતી કહી હતી.

નાનકડી, પતંગિયા જેવી, માસૂમ બાળા પર મહિનાઓ સુધી સતત બળાત્કાર થતો રહે તેવી ઘટનાઓ પણ બને છે. આવી ઘટનાઓ બતાવે છે કે પુરુષ નામના પ્રાણીએ હજી પોતાના મગજ અને હૃદયમાં કેટલી જંગલિયત ભરીને રાખી છે.

સપના ભાવનાનીની વાતમાં વજુદ છે. માત્ર સજા એ બળાત્કારની સમસ્યાનો હલ નથી. જો એમ હોત તો અનેક દેશોમાં કડક સજાની જાગવાઈ પછી ત્યાં બળાત્કારો ઘટ્યા હોત. હકીકત કહે છે કે એવું થયું નથી. કોઈ પણ સમસ્યાના પાયામાં હોય છે ચોક્કસ કારણો. એ કારણોને મૂળથી દૂર કરવાં પડે. તેને તટસ્થ રીતે સમજવાં પડે. બળાત્કાર કરનારી વ્યક્તિની તરફેણ કરવાનો કે તેની વકીલાત કરવાનો ઈરાદો નથી, પણ કશુંક એવું બને છે કે એક પુરુષ બળાત્કાર કરે છે. એવું જે ‘કશુંક’ બને છે તેના પર સમાજ અને સરકારે માત્ર બાજનજર નહીં, ચાતકનજર પણ રાખવી પડશે.
ગુનેગાર કે સૂચિત બળાત્કારી પુરુષને સુધારવો પડશે અને એ કામ પ્રેમથી થઈ શકશે.
લાગણી વેળાઃ
જ્યાં સુધી આ પૃથ્વી પર પુરુષ દ્વારા સ્ત્રી પર ઓછામાં ઓછો એક બળાત્કાર થશે, તો પણ સાબિત થશે કે પુરુષ નામના સામાજિક પ્રાણીને હજી માણસ બનવામાં કંઈક ખૂટે છે અને આ જે ખોટ સ્ત્રી જ પૂરી કરી શકશે. બગડેલા પુરુષને કાયદો સુધારી કે બિવડાવી શકે તેના કરતાં સ્ત્રી પોતાના પ્રેમ, લાગણી, મમતા અને વાત્સલ્યથી વધુ સુધારી શકે.
positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP