Home » Rasdhar » જયેશ અધ્યારુ
‘સિનેફાઈલ’ જયેશ અધ્યારુ ન્યુ ઍજ મનોરંજનના રસિયા છે. ફિલ્મો, હાસ્ય, પોપ કલ્ચર પર એમની કલમ દોડતી રહે છે.

ઓનલાઈન ઈઝ ધ ન્યૂ ટીવીઃ બદલ રહે હૈં હમ યહાં...

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

‘નેટફ્લિક્સ’ પર થોડા દિવસો પહેલાં જ આવેલી વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’નું એક દૃશ્ય છે. એક કોન્સ્ટેબલ, એની પત્ની અને બે ટીનએજ દીકરા ટીવીની સામે જમી રહ્યાં છે. ટીવી પર જાદુ-ટોનાવાળી કોઈ માઈન્ડલેસ સિરિયલ ચાલી રહી છે. પણ મોટો દીકરો એ સિરિયલમાં એવો ઓતપ્રોત થઈ ગયો છે કે એની સામેથી જમવાની થાળી હટાવી લેવા છતાં એનું ધ્યાન ટીવી પરથી હટતું નથી. પછી બાપા દીકરાની જરા પુંગી બજાવે એવું ચાલે અને થોડી વારમાં સીન કટ. સિરીઝની મેઇન સ્ટોરી સાથે તો એ સીનને સંબંધ છે જ, પરંતુ ભારતીય ટેલિવિઝન વ્યુઈંગના બદલાઈ રહેલા ચહેરા પર પણ તે એક કટાક્ષ છે, કહો કે મૅટા હ્યુમર છે. ટીવીમાં ડૂબેલા એ દીકરાને ભારતના હજુયે ટેલિવિઝનને વફાદાર રહેલા દર્શકો સાથે સરખાવો તો એના ખિજાઈ રહેલા પપ્પા ભારતમાં ઈન્ટરનેટ રિવોલ્યુશન અને તેને પગલે આવેલા સ્ટ્રીમિંગ વીડિયો સર્વિસીસના પ્રતીક છે.

આમ તો તમે એક વેબ પ્લેટફોર્મ પર આ આર્ટિકલ વાંચી રહ્યા છો એટલે એવું માની શકાય કે તમે ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ જેવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસીસથી અને થોડા સમયથી ચારેકોર સંભળાવા લાગેલા ‘સેક્રેડ ગેમ્સ’ જેવાં નામોથી પરિચિત હશો જ. લેકિન ધારો કે તમે પણ પેલા ટીવીમાં ડૂબેલા ટાબરિયા જેવા દર્શક હો અથવા તો ‘પીકે’ના આમિરની જેમ ‘દૂસરે ગોલે’ સે આવ્યા હો, તો પેશ છે થોડું બૅકગ્રાઉન્ડ.

ઈન્ટરનેટ પર આપણે જે કંઈ વીડિયો સામગ્રી જોઈએ છીએ તેનો મોટો ભાગ યુટ્યુબ, ફેસબુક અને વ્હોટ્સએપ ખાઈ જાય છે. પરંતુ આ તમામ મફતિયાં પ્લેટફોર્મ છે અને એટલે જ તેમાં એક સારા વીડિયોની સામે દસ કચરાછાપ વીડિયો જોવા પડે છે. તેનો જબ્બર વિકલ્પ છે ‘OTT’ યાને કે ‘ઑવર ધ ટોપ’ સર્વિસીસ. ભારતમાં ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’, ‘હોટસ્ટાર’, ‘VIU’ ‘ઓલ્ટ બાલાજી’, ‘Zee 5’, ‘Voot’ ઈત્યાદિ આવી સર્વિસીસ છે. તેના પર તમને ફિલ્મો, જૂની-નવી સિરિયલ્સ, માત્ર તે વેબસાઈટ માટે બનેલી સિરિયલ્સ વગેરે સામગ્રી જોવા મળે છે. આ સર્વિસીસમાં ‘નેટફ્લિક્સ’ અને ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર કંઈ પણ જોવા માટે તમારે એમનું માસિક-વાર્ષિક લવાજમ ભરવું પડે. જ્યારે બાકીની સર્વિસીસ કેટલુંક કન્ટેન્ટ ફ્રી આપે છે, જેને નવી ટર્મિનિલોજીમાં ‘ફ્રીમિયમ’ (ફ્રી+પ્રીમિયમ) કહે છે. લવાજમ ભર્યા પછી તેની કોઈ સિરિયલ-ફિલ્મમાં વચ્ચે કોઈ જ કમર્શિયલ બ્રેક કે જાહેરખબર ન આવે.

ઈન્ટરનેટ પર આપણે જે કંઈ વીડિયો સામગ્રી જોઈએ છીએ તેનો મોટો ભાગ યુટ્યુબ, ફેસબુક અને વ્હોટ્સએપ ખાઈ જાય છે. તેમાં એક સારા વીડિયોની સામે દસ કચરાછાપ વીડિયો જોવા પડે છે.

આ તમામમાં સૌથી વજનદાર નામ છે, ‘નેટફ્લિક્સ’. મૂળે અમેરિકન એવી આ કંપની એક સમયે કુુરિયર દ્વારા DVD ભાડે આપતી હતી. પછી બદલાતી હવામાં ઈન્ટરનેટ ક્રાંતિ સૂંઘીને તેમણે પોતાના બિઝનેસને સંપૂર્ણપણે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગમાં કન્વર્ટ કરી નાખ્યો. આપણે ત્યાં અનિલ અંબાણીએ આ કંપનીના જ મોડલને અનુસરીને 2008માં ‘બિગ ફ્લિક્સ‘ નામે સર્વિસ શરૂ કરેલી. આ માટે એમણે વિવિધ શહેરોમાં વીડિયો લાઈબ્રેરીઓ પણ શરૂ કરેલી. તેના લોંગ ટાઈમ સભ્ય રહી ચૂક્યા હોવાને નાતે હું કહી શકું કે તે ખરેખર સારી સર્વિસ હતી. પણ પછી તેમણે પોતાના તમામ સ્ટોર્સ રાતોરાત સંકેલીને ‘બિગ ફ્લિક્સ’ને પણ ‘નેટફ્લિક્સ‘ની તર્જ પર પૂરેપૂરી ઓનલાઈન કરી નાખી. જો ‘વિકિપીડિયા’નું કહેવું માનીએ તો તે ભારતની સૌથી પહેલી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ હતી. હવે તો જોકે બિગ ફ્લિક્સ પણ મહિને પાંચસો રૂપિયાનું તોતિંગ લવાજમ માગે છે. નેટફ્લિક્સનું માસિક ભાડું પણ 500થી શરૂ થાય છે. જ્યારે એમેઝોનની પ્રાઈમ વીડિયો સર્વિસ વર્ષે 1000 રૂપિયા માગે છે. બાકીની આવી સર્વિસીસ 100-200 રૂપિયાના માસિક ભાડે જોવા મળે છે. એટલે એક રીતે જોઈએ તો અત્યારના તબક્કે આ મનોરંજનના ‘એલિટિસ્ટ’ વિકલ્પો છે. નેટફ્લિક્સ 2014માં ભારતમાં પ્રવેશ્યું. પરંતુ એટલિસ્ટ બે વર્ષ સુધી તે લગભગ સુષુપ્તાવસ્થામાં હતું. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ભારતમાં ‘જિયો સ્ટોર્મ’ આવ્યું તેનો ઘણો ફાયદો નેટફ્લિક્સને થયો છે. ઈન ફેક્ટ, નેટફ્લિક્સે જિયોને થેન્ક્સ કહ્યું અને એવો ટમકો પણ મૂક્યો કે દરેક દેશ પાસે આવું જિયો હોવું જોઈએ. જોકે એપ્રિલમાં ન્યુઝ આવેલા કે જિયો અને નેટફ્લિક્સ મળીને વધુ ઓડિયન્સ સુધી પોતાનું કન્ટેન્ટ પહોંચાડવા બંધબારણે કંઈક મસલતો કરી રહ્યાં છે. પોપ કલ્ચરના રસિયાઓ માટે તો આ ‘બસ કર પગલે, અબ રુલાયેગા ક્યા?’ ટાઈપના ન્યુઝ છે!

આ બધામાં એક બીજો ટ્રેન્ડ પનપી રહ્યો છે અને તે છે ઈડિયટ બોક્સ ટીવીને સ્માર્ટ ટીવી બનાવવાનો. નવાં LED ટીવીને હવે બડી આસાનીથી ઈન્ટરનેટ સાથે જોડી શકાય છે. એ માટે 3500 રૂપિયાની ‘ગૂગલ ક્રોમકાસ્ટ’, ‘એમેઝોન ફાયર સ્ટિક’ જેવી પેનડ્રાઈવનુમા ડિવાઈસ આવે, જે ટીવીમાં લગાવી દો એટલે તમારું ટીવી ઈન્ટરનેટ સાથે જોડાઈ જાય! હવે તો ‘જિયો ગીગા ફાઈબર’ અને તેને સંલગ્ન સેટ ટોપ બોક્સની જાહેરાત પછી ટીવીમાં ઈન્ટરનેટ અને એ રીતે મનપસંદ કન્ટેન્ટ મન પડે તે સમયે જોવાનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે કોઈ ટીવીને ઈડિયટ બોક્સ કહેશે, તો ટીવી જાતે જ શત્રુ સ્ટાઈલમાં ‘ખામોશ’ કહેશે!

ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સને પોતાનું ‘ઓરિજિનલ’ કન્ટેન્ટ બનાવવાનો બહુ હરખ હોય છે. ઓરિજિનલ કન્ટેન્ટ યાને કે સીધું તે પ્લેટફોર્મ માટે જ બનેલી વીડિયો સામગ્રી. આવી નેટફ્લિક્સ માટે જ બનેલી ઓરિજિનલ ફિલ્મ ‘Okja’ને ગયા વર્ષે નેટફ્લિક્સે ‘કાન (Cannes) ફિલ્મ ફેસ્ટિવલ’માં મોકલી હતી. પર્યાવરણ બચાવવાનો મેસેજ આપતી આ મસ્ત ફિલ્મને તો પૂરી થયે ચાર મિનિટ લાંબું સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું (આપણેય તે આ ફિલ્મની વાત કરીશું), પણ સ્ટાર્ટિંગમાં સ્ક્રીન પર જેવો ‘નેટફ્લિક્સ’નો લોગો આવ્યો કે તરત જ ઓડિયન્સે ‘બૂઉઉઉ’ કરીને તેનો વિરોધ કર્યો. કારણ એવું છે કે એક મોટો વર્ગ નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર બનેલી ફિલ્મોને સિનેમા ગણતા જ નથી. ઈવન લેજન્ડરી ફિલ્મમેકર સ્ટિવન સ્પીલબર્ગે પણ કહ્યું કે ઓસ્કર્સમાં નેટફ્લિક્સ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. કેમ કે, તે ‘બ્રિક એન્ડ મોર્ટાર’ યાને કે ઈંટ-પથ્થરોનાં બનેલાં પરંપરાગત થિયેટરોમાં લાગેલી ફિલ્મ નથી, અને અલ્ટિમેટલી તો ટેલિવિઝન માટેની જ સામગ્રી છે (ક્લાસિક સિનેરસિયાઓ તો એનિમેટેડ ફિલ્મોને પણ સિનેમા નથી ગણતા. એમની વ્યાખ્યા પ્રમાણે એનિમેશનમાં કેમેરાનો લેન્સ ઑપન થતો નથી, તે પૂરેપૂરી કમ્પ્યુટર પર બને છે, એટલે એ સિનેમા નથી!). આ વર્ષે તો ખુદ નેટફ્લિક્સ જ રિસામણે ગયું અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ જ ન લીધો.

ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સને પોતાનું ‘ઓરિજિનલ’ કન્ટેન્ટ બનાવવાનો બહુ હરખ હોય છે. ઓરિજિનલ કન્ટેન્ટ યાને કે સીધું તે પ્લેટફોર્મ માટે જ બનેલી વીડિયો સામગ્રી. આવી નેટફ્લિક્સ માટે જ બનેલી ઓરિજિનલ ફિલ્મ ‘Okja’ને ગયા વર્ષે નેટફ્લિક્સે ‘કાન (Cannes) ફિલ્મ ફેસ્ટિવલ’માં મોકલી હતી

હવે નેટફ્લિક્સે આપણા દેશમાં ગિયર શિફ્ટ કર્યું છે અને જુલાઈના પહેલા અઠવાડિયામાં વાજતે-ગાજતે ભારત માટેની પોતાની પહેલી ઓરિજિનલ વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ રિલીઝ કરી છે. ‘સેક્રેડ ગેમ્સ’ (જેને વરિષ્ઠ ફિલ્મમેકર કમલ સ્વરૂપે ‘પવિત્ર ક્રીડાઓ’ કહેલી) એ વાસ્તવમાં NRI લેખક વિક્રમ ચંદ્રાની 2006માં આવેલી એ જ નામની દળદાર ક્રાઈમ નવલકથા પર આધારિત છે. ‘સેક્રેડ ગેમ્સ’ની આઠ એપિસોડ્સની પહેલી સિઝન અત્યારે લોન્ચ થઈ છે. બીજી સિઝન મોટે ભાગે આવતા વર્ષે રિલીઝ થશે (વેબ સિરીઝની જબ્બર પોપ્યુલારિટીનું એક કારણ આ સિઝન કલ્ચર પણ છે. તે અમુક હપ્તામાં પૂરી થઈ જાય, બબ્બે હજાર એપિસોડ્સ સુધી દાળમાં પાણી નાખી નાખીને લંબાયે ન રાખે). સેક્રેડ ગેમ્સ ચર્ચામાં આવી તેનું એક કારણ છે તેની સાથે જોડાયેલાં મોટાં નામ. એક તો આ સિરીઝ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે જેવા મોટા ડિરેક્ટરોએ બનાવી છે. વળી, તેમાં મુખ્ય ભૂમિકાઓમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે સરીખા સ્ટાર્સ છે. સિરીઝમાં આગળ વધતા જઇએ તો નીરજ કબિ (‘તલવાર’ ફેમ), પંકજ ત્રિપાઠી (‘ગેંગ્સ ઓફ વસેપુર’, ‘નીલ બટે સન્નાટા’, ‘બરેલી કી બરફી’ ફેમ), સુરવીન ચાવલા, આપણા ગુજરાતી કપલ મુનિ ઝા અને સેજલ શાહ-ઝા પણ દેખાય છે.

આ શૉ ચર્ચામાં આવવાનું બીજું મોટું કારણ છે, તેની સ્ટ્રોંગ ઈન્ટરનેશનલ ટ્રીટમેન્ટ. એક તરફ આપણા પરંપરાગત ટીવી શોઝમાં દારુની બાટલી કે સિગારેટ દેખાય તો તે પણ બ્લર કરવી પડે છે. તેની સામે આ શોમાં છૂટથી ગંદી ગાળો અને હાર્ડ લેંગ્વેજનો ઉપયોગ થયો છે. નગ્નતાનો પણ કોઈ જ છોછ રખાયો નથી. જો મેન્ટલી પ્રિપેર્ડ થઈને ન જોઈએ તો કોઈ હિન્દી-ભારતીય શોમાં આવી ન્યુડિટી અને ફાઉલ લેંગ્વેજથી હચમચી જઈએ. છતાં આ સિરીઝનાં જે કંઈ પણ વખાણ થયાં છે-થઈ રહ્યાં છે, તેનું કારણ તેમાં રહેલું એડલ્ટ કન્ટેન્ટ નહીં, બલકે તેનું સુપર્બ રાઈટિંગ, એક્ટિંગ, ડિરેક્શન, સિરીઝની થીમ, ધર્મ-સમાજ-રાજકારણ પર કરાયેલાં બોલ્ડ સ્ટેટમેન્ટ્સ છે. ખુદ અનુરાગ કશ્યપે કબૂલ્યું છે કે તેમને ‘નેટફ્લિક્સ’ની ‘નાર્કોસ’ જેવી સિરીઝ બનાવવાની વરધી અપાઈ હતી (બાય ધ વે, ‘નાર્કોસ’ એ કોલંબિયાના કુખ્યાત ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અને અન્ય ડ્રગ કાર્ટેલ્સ પર નેટફ્લિક્સે બનાવેલી ત્રણ સિઝનની વેબસિરીઝ છે. એની વાત પણ આપણે આ કોલમમાં કરીશું). ‘સેક્રેડ ગેમ્સ’ના ટાઈટલ ટ્રેક અને તેની ટ્રીટમેન્ટ બંને પર ‘નાર્કોસ’ની ચોખ્ખી અસર દેખાય પણ છે. આ સિરીઝ મને કેવી લાગી અને તેની આસપાસની બધી ઈન્ટરેસ્ટિંગ બાતેં કરેંગે મૂડ ઈન્ડિગો કી અગલી કડી મેં, હમ લોગ!

jayesh.adhyaru@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP