Home » Rasdhar » હરિ દેસાઈ
લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે.

આસ્થાપુરુષ ડૉ.શ્યામાબાબુની ભોમકાને સર કર્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી થયાનો એહસાસ નહીં

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર,૧૬ જુલાઈ ૨૦૧૮ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં ખેડૂતોની રેલી કરે એ પહેલાં સઘળી તૈયારીની કવાયતના પ્રભારી અને ભાજપના પ્રદેશપ્રમુખ દિલીપ ઘોષ સાથેની રવિવાર બપોરની ચર્ચાનો અર્ક એ નીકળતો હતો કે (૧) ભાજપના આસ્થાપુરુષ ડૉ.શ્યામા પ્રસાદ મુકરજીની આ ભૂમિ પર જ્યાં લગી ભાજપનો ભગવો લહેરાશે નહીં, ત્યાં લગી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપની સેના અને સમગ્રપણે સંઘ પરિવાર પલાંઠી વાળીને બેસશે નહીં. (૨) દેશમાં સૌથી વધુ લાંબા સમય સુધી સતત પશ્ચિમ બંગાળ પર રાજ્ય કરનાર ડાબેરી મોરચાનો મુખ્ય પક્ષ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પક્ષ ખેદાનમેદાન છે અને એના મોટાભાગના કાર્યકરો એટલેકે કેડર્સ ભાજપમાં જોડાવા દોટ મૂકી ચૂક્યા છે. (૩) અગાઉ ભાજપના વડપણવાળા એનડીએમાં રહીને અટલ બિહારી વાજપેયી સરકારમાં રેલવે પ્રધાન રહેલાં મમતા બેનરજી છેલ્લી બે મુદતથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી છે અને હવે આગામી લોકસભા ચૂંટણી ટાણે એ એનડીએમાં પાછાં ફરવા ઈચ્છે તો પણ બંગાળ ભાજપ એના માટે આડા હાથ દેશે. ચતુર-રાજકારણીદ્વય મોદી અને મમતા વચ્ચેના સંબંધો ઔપચારિક જરૂર છે, પરંતુ વિપક્ષોના ત્રીજા મોરચા કે મહાગઠબંધન માટે મમતાદીદી અનિવાર્ય હોવાનું દેશના મોટાભાગના વિપક્ષી નેતાઓ માને છે.જોકે મમતા કોંગ્રેસ વિના મોદીના પડકારને ઝીલી શકે એવો વિપક્ષી મોરચો અશક્ય હોવાનું સ્પષ્ટ કરી ચૂક્યાં છે.

દેશમાં સૌથી વધુ લાંબા સમય સુધી સતત પશ્ચિમ બંગાળ પર રાજ્ય કરનાર ડાબેરી મોરચાનો મુખ્ય પક્ષ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પક્ષ ખેદાનમેદાન છે અને એના મોટાભાગના કાર્યકરો એટલેકે કેડર્સ ભાજપમાં જોડાવા દોટ મૂકી ચૂક્યા છે.

“બંગાળની વાઘણ” સામે “દેશના સિંહ”

જોકે છેક ૧૯૭૭થી સતત રાજ્યમાં રાજ કરતા રહેલા માર્ક્સવાદીઓના મોરચાને ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ યુવા કોંગ્રેસનાં અધ્યક્ષ રહેલાં “બંગાળની વાઘણ” ગણાતાં મમતાદીદીએ ધરાશાયી કરી દીધો હતો.હવે એમનો મુકાબલો “દેશના સિંહ” ગણાતા નરેન્દ્ર મોદી સાથે છે. જોકે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની કુલ ૪૨ બેઠકોમાંથી ૩૪ બેઠકો જીતીને ડંકો વગાડનાર મુખ્યમંત્રી બેનરજીએ ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૯૪ બેઠકોમાંથી ૧૮૪ બેઠકો મેળવીને પુનઃ વિજયડંકો વગાડ્યો હતો. વર્ષ ૨૦૧૧માં તેમના પક્ષને ૧૮૪ બેઠકો મળી હતી. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસને ૪૪, માર્ક્સવાદી મોરચાને ૨૮ અને ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી. આ ત્રણ બેઠકોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઘોષનો પણ સમાવેશ છે. આ વર્ષે પંચાયતોની ચૂંટણીઓમાં પણ મમતાએ ૧૯૯૮માં સ્થાપેલા પક્ષ તૃણમૂલને ભવ્ય વિજય મળ્યો. ભાજપ બીજા અને ડાબેરીઓ ત્રીજા ક્રમે રહ્યા.બંગાળની ચૂંટણીઓમાં હિંસાચારની ફરિયાદો અગાઉ કોંગ્રેસ કરતી હતી અને માર્ક્સવાદીઓને દોષ દેતી હતી, હવે ભાજપ કરે છે અને એનો દોષ તૃણમૂલને શિરે મઢે છે, પણ માર્ક્સવાદી પક્ષ અને તૃણમૂલ બંનેને તોડીને પોતાના ઘરનાં તરભાણાં ભરવામાં રસ જરૂર લે છે. ભાજપ થકી અગાઉ કેરળમાં વિધાનસભા ચૂંટણી ટાણે સત્તા કબજે કરવા અને કોંગ્રેસ અને માર્ક્સવાદી મોરચાને ખતમ કરવા ભારે ઉધામા મારવામાં આવ્યા. બાજી ઊલટી પડી. માર્ક્સવાદી મોરચો સત્તામાં આવ્યો, પણ ત્રિપુરામાં માર્ક્સવાદીઓના ગઢને તોડીને ભાજપની સરકાર સ્થાપવામાં સફળતા મળ્યા પછી પશ્ચિમ બંગાળ કબજે કરવાની કવાયત શરૂ કરાઈ છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર બે જ બેઠકો મળી હતી. આવતી ચૂંટણીમાં ૪૨માંથી ૨૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જૂન ૨૦૧૮ના અંતમાં રાજ્યની મુલાકાત દરમિયાન આપીને ગયા છે અને અમે એ સાકાર કરી બતાવીશું, એવું પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઘોષ આ લેખકને કહે છે. આંદામાન-નિકોબારમાં સંઘના પ્રચારક રહેવા ઉપરાંત સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈય્યા સુદર્શનના અંગત સચિવ રહેલા ઘોષ પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ખડગપુર સદરના ધારાસભ્ય તરીકે મે ૨૦૧૬માં ચૂંટાયા હતા. ૨૦૧૫થી એ પ્રદેશ અધ્યક્ષ પણ છે. એ પહેલાં શ્યામાંમાબાબુની જીવનકથા લખનાર સંઘનિષ્ઠ તથાગત રાય પ્રદેશ ભાજપના અધ્યક્ષ હતા. અત્યારે તેઓ ત્રિપુરાના રાજ્યપાલ છે.

શ્યામાબાબુ-હેડગેવારનો બંગાળસંબંધ

બંગાળના રાજકારણમાં કોંગ્રેસી તરીકે શરૂઆત કરીને ૧૯૨૯માં વિધાન પરિષદમાં પ્રવેશ મેળવનાર અને ૩૩ વર્ષની વયે કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ રહેલા ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા. માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝલુલ હકની બંગાળ સરકારમાં ડૉ. મુકરજી ૧૯૪૧-૪૨માં નાણા પ્રધાન હતા.પાછળથી એમણે હિંદુ મહસાભામાંથી રાજીનામું આપીને દેશ આઝાદ થતાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી તરીકે જોડાવાનું પસંદ કર્યું હતું. જોકે તેમણે પૂર્વ પાકિસ્તાનના હિંદુઓની સુરક્ષા સહિતના મુદ્દે ૬ એપ્રિલ ૧૯૫૦ના રોજ રાજીનામું આપીને બંગાળમાં પ્રદેશ પક્ષની સ્થાપના કરી હોવાનું સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકરે નોંધ્યું છે. તેમના કહેવા મુજબ, મુકરજીએ મદદ માંગી એટલે અખિલ ભારતીય જનસંઘની સ્થાપનામાં સંઘે મદદ કરી અને તેઓ એના સંસ્થાપક અધ્યક્ષ બન્યા.

તથાગતે નોંધ્યું છે કે ડૉ.મુકરજી હિંદુરાષ્ટ્રની પરિકલ્પનાના વિરોધી હતા અને ગુરુજીએ તેમને સમજાવ્યા પછી એ ભૂમિકાના સમર્થક બન્યા હતા. કાશ્મીર મુદ્દે લડત આપવા ૧૯૫૩માં એ કાશ્મીર ગયા અને શેખ અબદુલ્લા સરકારે તેમની ગિરફ્તારી કરી હતી. અટકાયત દરમિયાન જ ૨૩ જૂન ૧૯૫૩ના રોજ તેમનું નિધન થયું હતું. સંઘ પરિવારની ભૂમિકા સ્વીકારનાર આ પક્ષ પાછળથી વાયા જનતા પાર્ટી ૧૯૮૦માં ભાજપમાં રૂપાંતરિત થયો. સંઘ પરિવારના આદ્યપુરુષ ડૉ. કેશવ બલિરામ હેડગેવાર કલકત્તાની મેડિકલ કોલેજમાં ભણ્યા એટલે એમનો ત્યાંના ક્રાંતિકારીઓ અને અનુશીલન સમિતિ સાથે ગઢ સંબંધ આવ્યો હતો. ૧૯૨૫માં સંઘની સ્થાપના કરવાથી લઈને છેક ૧૯૩૭ સુધી ડૉ. હેડગેવાર કોંગ્રેસના અગ્રણી હતા. ૧૯૪૦માં એમનું નિધન થયું હતું. ૧૯૨૮માં કલકત્તાના જે કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાતના સપૂત બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય સ્તરે ઉપાસ્ય, એ જ કોંગ્રેસ અધિવેશનમાં ડૉ.હેડગેવાર અને સુભાષચંદ્ર બોઝ સંપર્કમાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શંકર રેએ કોંગ્રેસને ડુબાડી

પહેલી લોકસભાની ૧૯૫૧-૫૨ની ચૂંટણીમાં શ્યામાબાબુ પોતાના સહિત ત્રણ સાંસદોને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાવી લાવવામાં સફળ રહ્યા હતા. જોકે છેક ૧૯૭૭ લગી બંગાળમાં મહદઅંશે શાસન તો કોંગ્રેસનું જ જળવાયું. વચ્ચે થોડો સમય કોંગ્રેસમાંથી છૂટા થયેલાઓની બાંગલા કોંગ્રેસ સત્તામાં આવી અને ગઈ હતી. છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે સિદ્ધાર્થ શંકર રે હતા. આ એ જ બંધારણ નિષ્ણાત નેતા હતા જેમને અલાહાબાદ હાઇકોર્ટના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધના ચુકાદા પછી મૂળ ચરોતરી અને મુંબઈના બેરિસ્ટર રાજની પટેલ અને કેન્દ્રીય કાયદા પ્રધાન એચ. આર. ગોખલે સાથે મળીને “ડિયર ઇન્દિરા”ને ઇમર્જન્સી(૧૯૭૫-૭૭)નો અમલ કરવા માટે પ્રેર્યાં હતાં. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીને ઇન્દિરાના સંબોધનથી બોલાવનારા કે પત્ર લખનારા એકમાત્ર પશ્ચિમ બંગાળના છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી રે જ હતા. ગુજરાતમાં પણ જે માધવસિંહ સોલંકીએ કોંગ્રેસના નેતા તરીકે ૧૯૮૫માં વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો કોંગ્રેસને અપાવી હતી, એ જ માધવસિંહે ૧૯૯૦માં કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો અપાવીને કાયમ માટે ડુબાડી હતી. અન્ય રાજ્યોમાં પણ આવાં ઉદાહરણ ટાંકી શકાય.

બંગાળના રાજકારણમાં કોંગ્રેસી તરીકે શરૂઆત કરીને ૧૯૨૯માં વિધાન પરિષદમાં પ્રવેશ મેળવનાર અને ૩૩ વર્ષની વયે કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ રહેલા ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા.

જ્યોતિદાને વડાપ્રધાનપદની ઓફર

પશ્ચિમ બંગાળમાં ૧૯૭૭માં કોંગ્રેસે સત્તા ગુમાવી અને છેક ૨૦૧૧ સુધી માર્ક્સવાદી મોરચાએ રાજ કર્યું. અગાઉ મિશ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો અનુભવ લઇ ચૂકેલા જ્યોતિ બસુ ૧૯૭૭માં મુખ્યમંત્રી થયા. એમને ૧૯૯૬માં વડાપ્રધાન થવાની ઓફર મળી, પણ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના પોલિટ બ્યૂરોએ એને નકારીને હિમાલય જેવડી ભૂલ કર્યાનું આજે માર્ક્સવાદી નેતાઓ કબૂલે છે. જ્યોતિદાને બદલે એ વેળા એચ.ડી. દેવે ગોવડા વડાપ્રધાન બન્યા હતા. સીપીએમના પોલિટ બ્યૂરોના આદેશને માથે ચડાવીને વડાપ્રધાનપદ જતું કરનાર જ્યોતિદાએ ૫ નવેમ્બર ૨૦૦૦ના રોજ મુખ્યમંત્રીપદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યને સોંપ્યું અને બે મુદત પછી એ ડાબેરી મોરચાના પરાજયનું નિમિત્ત બન્યા. ૧૯૭૭થી ૨૦૧૧ સુધીના ડાબેરી મોરચાના શાસનના વિક્રમને હજુ સુધી કોઈ પક્ષે તોડ્યો નથી, પણ ગુજરાતમાં છઠ્ઠી વાર ભાજપની સરકાર રચાઈ અને હવે આ મુદત પૂરી કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી બને તો પશ્ચિમ બંગાળની માર્ક્સવાદી સરકાર સમકક્ષ આવી શકે.

રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપે હજુ સતત ૬૧ વર્ષ રાજ કરીને જ કોંગ્રેસનો વિક્રમ તોડવાનો રહે. એની શક્યતા ઘણી ઓછી લેખી શકાય. કારણ માર્ક્સવાદી મોરચાને પોતાની સાદગી માટે અને આક્રમકતા માટે જાણીતાં અપરિણીત એવાં કવયિત્રી અને ચિત્રકાર મમતા બેનરજી ૨૦૧૧માં પરાસ્ત કરશે, એવી તો ડાબેરીઓને પણ કલ્પના નહોતી. કોંગ્રેસે તો ભગવદ્ ગીતાના અર્જુનના વિષાદની જેમ “શિદન્તી મમ ગાત્રાણિ” (ઢીલાં પડે ગાત્રો મારાં)ની અનુભૂતિ સાથે દેશમાં જેમ ચૂંટણી જીતવાના જંગમાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે ત્યારે ભાજપની સામે પશ્ચિમ બંગાળમાં મમતાની તૃણમૂલ અને માર્ક્સવાદી મોરચાને પડકાર આપીને ફતેહ કરવાની છે.

યુદ્ધમાં જતાં હાર-જીતનો વિચાર કરવાને બદલે જંગ જીતવાનો સંકલ્પ કરીને જ આગળ વધવું પડે. ભાજપને પરાજય મળવાનો હોય ત્યાં પણ પોતાની કેડરના મોરલને મજબૂત રાખવા માટે જીતની ઘોષણાઓ ફાવે છે. એટલેજ કોઈએ કલ્પના કરી નહોતી છતાં ભાજપને મે ૨૦૧૪માં ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૩ બેઠકો મળી અને કેન્દ્રમાં સરકાર બની હતી. પશ્ચિમ બંગાળમાં મોદી-શાહની જોડી ચમત્કાર સર્જે તો ફરીને દિલ્હીમાં સરકાર રચવાનું આસન બને.વિપક્ષો તો હજુ મહાગઠબંધન રચવામાં એક સાંધે ત્યાં તેર તૂટવાની સ્થિતિમાં છે એટલે રાવણહથ્થો સરખો કરવામાં રાવણું ઊઠી જાય નહીં એની સાવધાની વિપક્ષે રાખવાની જરૂર ખરી.

haridesai@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP