Home » Rasdhar » હરિ દેસાઈ
લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે.

કૅન્સરગ્રસ્ત પત્નીને લંડનમાં હોસ્પિટલના બિછાને મૂકીને નવાઝમિયાં અને પુત્રી જેલ ભોગવવા સ્વદેશ પાછાં ફર્યાં

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  

ક્યારેક પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ ઝિયા-ઉલ-હકના લાડકા રહેલા પંજાબના ઉદ્યોગપતિ મિયાં નવાઝ શરીફને હાથનાં કર્યાં જ હૈયે વાગી રહ્યાં છે. જોકે બિલાડીને જેમ નવ જિંદગી હોય છે એમ મિયાં સાહબ પણ વડા પ્રધાનપદેથી ગબડે છે અને વારંવાર વડાપ્રધાનપદે પહોંચે છે. ૨૫ જુલાઈ ૨૦૧૮ના રોજ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભા અને ચાર પ્રાંતિક ધારાસભાઓનું જનરલ ઈલેક્શન છે, પણ અત્યારે વ્યંગ્યમાં એને “જનરલો થકી ઈલેક્શન” ગણાવાય છે. અત્યારે લશ્કરી તંત્ર અને ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) મિયાં નવાઝ શરીફને બદલે પાકિસ્તાન તેહરિક–ઈ-ઇન્સાફ (પીટીઆઈ)ના વડા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન માટે ચૂંટણી ગેરરીતિઓ આચરીને (રિગિંગથી) તેમને વડા પ્રધાન બનાવવાની વેતરણમાં લાગે છે. જોકે પાકિસ્તાનમાં હજુ પણ આ મહિનાની શરૂઆતમાં થયેલા ચૂંટણી સર્વેક્ષણ નવાઝમિયાંની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)ને પીટીઆઈ કરતાં ૩ ટકા વધુ મત આપીને વિજય ભણી આગળ વધતી દર્શાવે છે. અગાઉ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના દોહિત્ર એવા બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ત્રીજા ક્રમે મનાય છે. પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ કોઈપણ ભોગે ચૂંટણી જીતવા મેદાને પડ્યા છે.બીજા કટ્ટરવાદી અને ડાબેરી પક્ષો ઉપરાંત આતંકી લેખાતા જમાત ઉદ- દાવાના યુસુફ હાફીઝ પણ મિલ્લી મુસ્લિમ લીગના નેજા હેઠળ ચૂંટણી મેદાનમાં ઝૂકાવી રહ્યા છે. જોકે પૂર્વ પત્ની રેહાના ખાનના પુસ્તકમાં ઈમરાનનું કથિત ચરિત્રહનન કરાયા છતાં એને વડાપ્રધાન થવાનો ભરપૂર વિશ્વાસ છે. ત્રિશંકુ રાષ્ટ્રીય ધારાસભા થાય તો લશ્કરી તંત્રની મદદથી ઈમરાનને બહુમતી કરવાની સુવિધા મળે એવી ગણતરી મૂકાય છે.

૨૫ જુલાઈ ૨૦૧૮ના રોજ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભા અને ચાર પ્રાંતિક ધારાસભાઓનું જનરલ ઈલેક્શન છે, પણ અત્યારે વ્યંગ્યમાં એને “જનરલો થકી ઈલેક્શન” ગણાવાય છે.

ચૂંટણી લડવા માટે બાપ-બેટી ગેરલાયક

પનામા પેપર્સ કૌભાંડમાં ભ્રષ્ટાચાર માટે દોષિત પૂરવાર થયેલા નવાઝ મિયાંને તેમના દેશની સર્વોચ્ચ અદાલતે દસ વર્ષની કેદ અને ૮ મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. એમની શાહજાદી મરિયમને અદાલતે ખોટા દસ્તાવેજો ઊભા કરીને અદાલતમાં રજૂ કરવા બદલ 7+1 વર્ષની કેદ અને 2 મિલિયન પાઉન્ડનો દંડ ફરમાવ્યો છે.બાપ-બેટી બેઉને અદાલતે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવ્યાં છે, એટલે મિયાં નવાઝના નાનાભાઈ શાહબાઝ શરીફ પક્ષના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. ગયા વર્ષે નવાઝમિયાંને રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય તરીકે અદાલતે ગેરલાયક ઠરાવ્યા એટલે એમણે વડાપ્રધાનપદ છોડવું પડ્યું હતું. તેમના ભાઈ પંજાબના મુખ્યમંત્રી હોવા છતાં તેમને વડાપ્રધાનપદ સોંપવાને બદલે નવાઝે પોતાના એકદમ નિષ્ઠાવંત એવા શાહીદ અબ્બાસીને વડાપ્રધાન બનાવ્યા હતા.લાહોરની જે બેઠક નવાઝને ગેરલાયક ઠરાવતાં ખાલી થઇ હતી,એ બેઠકની પેટાચૂંટણીમાં તેમનાં બેગમ કુલસુમ શરીફ લડીને જીત્યાં હતાં. બેનઝીરની હત્યા સહિતના મામલામાં શંકાના ઘેરામાં આવેલા ૧૯૯૯માં વડાપ્રધાન નવાઝમિયાંને ઉથલાવીને સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેનારા જનરલ પરવેઝ મુશર્રફ વિદેશથી સ્વદેશ આવીને અદાલતમાં હાજર થવામાં પણ ડરે છે, ત્યારે મિયાંસાહબ કેન્સરગ્રસ્ત અવસ્થામાં લગભગ છેલ્લા દિવસો ગણતાં પોતાનાં પ્રાણપ્રિય બેગમ કુલસુમ શરીફને લંડનની હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકીને ગુરુવાર, ૧૩ જુલાઈ ૨૦૧૮ના રોજ વતન લાહોરના વિમાની મથકે દીકરી મરિયમ સાથે આવી પહોંચ્યા. એમની બંનેની ધરપકડ કરાઈ. તેમને અદિયાલા જેલ લઇ જવામાં આવ્યાં.અગાઉથી તેમના જમાઈ અને નિવૃત્ત લશ્કરી અધિકારી તથા સાંસદ રહેલા કૅપ્ટન મહમ્મદ સફદર અવાનને અદાલતી આદેશ મુજબ, એક વર્ષની સજા થતાં ભ્રષ્ટાચાર વિરોધી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)એ જેલ ભેગા કરી જ દીધા છે. અગાઉ બબ્બેવાર વડા પ્રધાનપદેથી રુખસદ થયા પછી જેલવાસી થતાં લશ્કરીતંત્રે જ એમને બચાવી લઈને સાઉદી અરેબિયામાં રાજ્યાશ્રય હેઠળ જીવતા રાખ્યા એટલે એ ફરીને પોતાનાં રાજકીય શત્રુ એવાં પૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટો સાથે મળીને પાકિસ્તાનમાં લોકતંત્ર સ્થાપવામાં સફળ થયા હતા.

પાકિસ્તાનને લોકશાહી સદી નથી

પાકિસ્તાન ઇસ્લામી રાષ્ટ્ર છે અને એના ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જન્મથી લઈને આજ લગી એને લોકશાહી ઝાઝી સદી નથી. અત્રે એ યાદ રહે કે હવે પાકિસ્તાની ઈતિહાસકારો પણ ૧૪ ઓગસ્ટને બદલે ફ્રીડમ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૪૭માં ભારતને આઝાદી અને પાકિસ્તાનના જન્મની એક જ તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ હોવાનું સ્વીકારવા માંડ્યા છે.ભારત આઝાદ થયું એ પહેલાં તો નાયબ વડા પ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ અને તેમના ખાતાના સચિવ વી.પી.મેનનના સહિયારા પુરુષાર્થથી ભારતીય સીમામાં આવતાં મોટાભાગનાં દેશી રજવાડાં ભારતીય સંઘમાં સામેલ થવાનું નક્કી થઇ ગયું હતું.આનાથી વિપરીત,પાકિસ્તાનમાં એકેય દેશી રજવાડું એના જન્મ વખતે જોડાયું નહીં હોવાથી એ વેળા પશ્ચિમ પાકિસ્તાન આજના પાકિસ્તાનથી માંડ અડધુંય નહોતું ! પાછળથી દબાણ અને લશ્કરી કાર્યવાહીને પગલે નવ રજવાડાં એમાં ૧૯૫૫ સુધીમાં જોડાયાં તો ખરાં,પણ વિવિધ વિવાદો આજ લગી ચાલતા રહ્યા છે.પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧માં બાંગલાદેશ તરીકે આકાર પામ્યું અને દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને ખોટો પુરવાર કર્યો.ભારતમાં ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ વિલય પામેલા જમ્મૂ-કાશ્મીર રજવાડાના અડધા કરતાં વધુ ભાગને ગેરકાયદે ગપચાવવા માટે એણે ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ કબાઈલીઓના વેશમાં લશ્કરી અધિકારીઓને પાઠવીને આક્રમણ કર્યું હતું.૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન સાથે જોડાણ કરનાર જૂનાગઢ આરઝી હકૂમતના મિશન થકી ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતમાં પુનર્સ્થાપિત થયું.એ પછી જનમત પણ ભારતની તરફેણમાં હોવા છતાં આજે પણ જૂનાગઢનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રમાં ઊભો જ છે.જમ્મૂ-કાશ્મીરનો મામલો પણ પાકિસ્તાન છાસવારે સંયુક્ત રાષ્ટ્ર અને ઇસ્લામી દેશોના સંગઠનમાં ઊઠાવવાની ગુસ્તાખી કરે છે.

રાષ્ટ્રીય ધારાસભા અને પ્રાંતિક ધારાસભા

ભારતમાં જેમ રાજ્યસભા અને લોકસભા છે તેમ પાકિસ્તાનમાં સેનેટ અને નેશનલ અસેમ્બ્લી છે.રાષ્ટ્રીય ધારાસભાની કુલ ૩૪૨ બેઠકો છે. ૧૮ વર્ષની વયના નાગરિકને મતાધિકાર મળે છે. રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી આગામી ચૂંટણી ૨૫ જુલાઈ ૨૦૧૮ના રોજ થશે. ૨૭૨ બેઠકો જનરલ ગણાય છે અને પક્ષવાર ચૂંટણી થાય અને એના પ્રમાણમાં અનામત બેતઃકો પર સભોને નિયુક્તિ મળે છે. મહિલાઓ માટે ૬૦ બેઠકો અનામત રાખવામાં આવે છે અને બિન-મુસ્લિમો માટે એટલેકે હિંદુ, એહમદિયા, ખ્રિસ્તી,શીખ માટે ૧૦ બેઠકો અનામત રહે છે. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી ચૂંટણીની તુલનામાં આ વખતે મતદારોની સંખ્યા વધી છે અને મત વિસ્તારોના સીમાંકનમાં પણ ફેરફાર થયો છે કારણ ૧૯૯૮ પછી પહેલીવાર વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાનમાં વસ્તીગણતરી કરવામાં આવી. એ વસ્તી ગણતરીને આધારે પાકિસ્તાનના ચૂંટણીપંચે નોંધેલા કુલ મતદારો આ વખતે ૧૦૫.૯૬ મિલિયન થયા છે. ૨૦૧૩માં આ આંકડો ૮૬.૧૯ મિલિયન હતો.લઘુમતી વસ્તી વધી છે અને હિંદુ મતદારો પણ વધુ નોંધાયા છે. .૬૩ મિલિયન લઘુમતી મતદારોમાંથી ૧.૭૭ મિલિયન હિંદુ મતદારો છે.

આપણે ત્યાં કોઈ અંગૂઠાછાપ વ્યક્તિ પણ ચૂંટણી લડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાન થઇ શકે છે,પણ પાકિસ્તાનમાં માત્ર ગ્રેજ્યુએટ વ્યક્તિ જ ચૂંટણી લડવા માટે લાયક ગણાય છે.

માત્ર ગ્રેજ્યુએટ જ ચૂંટણી લડી શકે

પાકિસ્તાનમાં ચૂંટણી જાહેર થાય એટલે રાજકીય પક્ષોના વડાપ્રધાન કે મુખ્યમંત્રીઓને સ્થાને હંગામી વડા પ્રધાન કે હંગામી મુખ્યમંત્રીની વરણી કરવામાં આવે છે. ચૂંટણી તટસ્થ રીતે યોજાય એવી અપેક્ષા સાથે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે વૈજ્ઞાનિક આવા હંગામી હોદ્દે આવે છે. ચૂંટણી પછી બહુમતી ધરાવનાર જે તે પક્ષના નેતા એ હોદ્દા પર ચૂંટાય છે. વર્ષ ૨૦૧૩ની છેલ્લી રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષના નેતૃત્વવાળા જોડાણને ભારે બહુમતી મળી હતી. પંજાબ અને બલૂચિસ્તાન ધારાસભામાં એમના પક્ષની કે જોડાણની બહુમતીને કારણે તેમના મુખ્યમંત્રી હતા. સિંધમાં પીપીપીના મુખ્યમંત્રી અને ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં ઇમરાન ખાનના પક્ષના મુખ્યમંત્રી હતા. આપણે ત્યાં કોઈ અંગૂઠાછાપ વ્યક્તિ પણ ચૂંટણી લડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાન થઇ શકે છે, પણ પાકિસ્તાનમાં માત્ર ગ્રેજ્યુએટ વ્યક્તિ જ ચૂંટણી લડવા માટે લાયક ગણાય છે. અદાલતી ખટલાઓને પગલે ઘણા સંસદસભ્યો (રાષ્ટ્રીય ધારાસભાના એવાં સભ્યો)એ સભ્યપદ ગુમાવવું પડ્યું છેકે જેમની ગ્રેજ્યુએટ ડિગ્રી વિવાદાસ્પદ હોય કે ચૂંટાયેલા સભ્ય બે દેશની નાગરિકતા ધરાવતા હોય.આ બધી સારી જોગવાઈઓ છતાં પાકિસ્તાનમાં લશ્કર ક્યારે કળા કરે અને લોકશાહીનું ગળું દબાવીને સત્તા સંભાળી લે એ કહેવું મુશ્કેલ રહે છે. જોકે હવે ચૂંટાયેલા વડાપ્રધાન કે મુખ્યમંત્રી લશ્કરી વડાના ઈશારે કામ કરવામાં પોતાનું ભલું જુએ છે. પાકિસ્તાનમાં અત્યાર લગી ત્રણ “એ”નું મહાત્મ્ય હતું: અલ્લાહ,આર્મી અને અમેરિકા. હવે અમેરિકા બજાર માટે ભારત ભણી ઢળતું થયા પછી પાકિસ્તાન ચીનની સોડમાં ઘૂસ્યાની અનુભૂતિ થઇ રહી છે. ચીન સાથેનો એનો ઇકોનોમિક કરિડોર એણે ગપચાવેલા સત્તાવાર રીતે ભારતીય પ્રદેશમાંથી પસાર થાય છે.

બાપ-બેટીને જેલમાં મહેલ જેવી સુવિધા

ત્રણ-ત્રણ વાર વડાપ્રધાન રહેલા નવાઝ શરીફ અને એમનાં શાહજાદી મરિયમને જેલમાં પણ મહેલ જેવી સુવિધા મળવાની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. એમને અદિયાલા જેલમાં “બી” શ્રેણીના કેદી તરીકે રાખવામાં આવ્યાં છે. હજુ નવાઝ સામે બીજા ખટલા પણ જેલમાં જ ચાલવાના છે. જનરલ ઝિયાના શાસનમાં જેલમાં ગયેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવ્યા હતા. નવાઝનું ભવિષ્ય કેવું હશે, એ તો લશ્કરી સત્તાવાળા જ નક્કી કરશે. અગાઉ એકવાર જેલવાસને બદલે મિયાંસાહબને સાઉદી અરેબિયા જવાની તક અપાઈ હતી. આ વખતે પાકિસ્તાનના સ્ટીલ ઉદ્યોગના આ શહેનશાહને મોકળાશ અપાય એવી અપીલની તક રહે છે કે ઇમરાન જેમ કહે છે તેમ નવાઝનું સ્વાગત કરનારાઓ ગધેડાઓ છે, એનું નીરક્ષીર ચૂંટણી પછી થઇ જશે. નવાઝ અને મરિયમને એમના ખર્ચે ટીવી, એરકંડિશનર, ફ્રીઝ અને સમાચારપત્રોની વિશેષ સુવિધા પણ મળશે. ”એ” અને “બી” શ્રેણીના કેદીઓને આ પ્રકારની સુવિધા આપવાની જોગવાઈ છે. એમને હોટેલરૂમ જેવી બીજી સગવડો તો મળતી રહેશે. જોકે ફરી કોઈ રાજકીય ચમત્કાર થાય તો ફરી પાછા એ બંને નિર્દોષ છૂટી જાય, એ માટે અદાલતી કોશિશ તો ચાલતી રહે. વડાપ્રધાનપદે ચોથીવાર આવવા જેટલા નસીબદાર એ ના હોય તો પણ એમના ભાઈ શાહબાઝ શરીફ વડાપ્રધાન થાય તો લશ્કર સાથેના એમના મેળાપીપણાથી મિયાં નવાઝ શરીફ ફરી મુક્ત હવા અનુભવી શકે. હજુ એ તો પોતાને રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફસાવાયાની જ માળા જપે છે.અંતે તો એમનો નિર્ણય લશ્કરી વડાઓને હાથ જ છે.

haridesai@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP