Home » Rasdhar » રમેશ તન્ના
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

કિશોર-કિશોરી, ચપ્પુ-છુરો, ડ્રગ્સ-ગન, ઠંડા કલેજે હત્યા... નવો યુગ શરૂ થઇ ગયો છે !

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  
૧૬ વર્ષનો વિદ્યાર્થી ૧૪ વર્ષના સહવિદ્યાર્થી પર, શાળાના ટોઈલેટમાં, નેવું સેકન્ડ સુધી છૂરા વડે એકત્રીસ ઘા મારે છે. ઘચ્ચાઘચ્ચ, ઘચ્ચાઘચ્ચ..., લોહીનું ખાબોચિયું ભરાઇ જાય છે. છોકરો મરી જાય છે. કપડાં બદલીને ૧૬ વર્ષનો કિશોર શાળાની અગાસી પરથી કૂદીને ભાગી જાય છે, કોઈ પ્રોફેશનલ હત્યારાની જેમ... આ ઘટના સલામત અને શાંતિપ્રિય ગણાતા ગુજરાતના વડોદરામાં બની.
***
૧૬ કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને સગીર ગણવામાં આવે છે. સગીર કે કિશોરનું માનસ માત્ર મનોચિકિત્સકો માટે નહીં, સમગ્ર સમાજ માટે અભ્યાસનો વિષય રહ્યો છે. કિશોરાવસ્થા સાચવી લેવાની અવસ્થા હોય છે. મુગ્ધતા શિખર પર હોય છે. હોર્મોન્સનો અદલાવ-બદલાવ વ્યક્તિને વધુ ચંચળ અને સક્રિય બનાવતો હોય છે. આ સમયકાળને સમયસર સાચવી લેવામાં ના આવે તો સમયને કાળ બની જતાં વાર લાગતી નથી.
કિશોર કે કિશોરી, તરુણ કે તરુણી, જેને અંગ્રેજીમાં ટીન-એજર કહે છે, તેમનું લોજિક જમાના કરતાં જૂદું હોય છે. માતા-પિતા, શિક્ષકો, મિત્રો કે સગાં-વહાલાં કરતાં તે જુદી રીતે વિચારે છે. આ ઉંમર ઢળી પડવાની ઉંમર છે. જ્યાં તે ઢળે છે તે અઢળક જ ઢળે છે. રસ્તો જ્યાં પણ જતો હોય તે લપસે છે.

૧૬ વર્ષનો વિદ્યાર્થી ૧૪ વર્ષના સહવિદ્યાર્થી પર, શાળાના ટોઈલેટમાં, નેવું સેકન્ડ સુધી છૂરા વડે એકત્રીસ ઘા મારે છે. ઘચ્ચાઘચ્ચ, ઘચ્ચાઘચ્ચ...

૧૬ વર્ષના જે કિશોરે વડોદરામાં ૧૪ વર્ષના નિર્દોષ છોકરાને મારી નાખ્યો તેનો તર્ક શો હતો ? એ હત્યારો છોકરો હોમવર્ક નહોતો લાવ્યો. તેણે શિક્ષકને પોતાના બદલે બીજાનું લેશન બતાવી દીધું તો પકડાઇ ગયો. શિક્ષકે તેને ફટકાર્યો તો તે ઘરેથી મા-ભાઇને બોલાવી લાવ્યો. અરે, તેણે પોલીસને પણ શાળામાં બોલાવી હતી. તેને શિક્ષક પર દાઝ હતી. જોકે તે પોતે શિક્ષક પર હુમલો કરી શકે તેમ નહોતો. શિક્ષક તેનાથી મોટા હતા અને શરીરે ખડતલ હતા. તેણે વિચાર્યું કે હું શાળાના કોઇ એક છોકરાને મારી નાખું તો શાળા બંધ થઇ જાય. તે શાળા બંધ કરાવવા માગતો હતો અને તેણે ઠંડા કલેજે હત્યા કરી નાખી.
કિશોરના અપરાધ પાછળના તર્ક સાવ જ જુદા હોય છે. તમે કદાચ કલ્પી પણ ના શકો. આવો જ એક રસપ્રદ કિસ્સો ૨૦૦૦ની સાલમાં ગાંધીનગરમાં બન્યો હતો. એક ૧૬ વર્ષનો છોકરો પોતાના મામા (ડ્રાઇવર) સાથે સ્કૂલ વાનમાં મદદ કરવા જતો હતો. (કન્ડક્ટર જેવું કામ કરતો હતો.) સ્કૂલ વાનમાં આવતી સાડા ત્રણ વર્ષની એક નાનકડી છોકરી તેને ખૂબ ગમતી હતી. એ છોકરીને પોતાના ખોળામાં લઇને રમાડતો. તેના ગાલ પર ચુંબન કરતો. એક વખત એ નાનકડી છોકરી ગુમ થઇ ગઇ. ૧૬ વર્ષનો કિશોર તેને લઇ ગયો હતો. પંદર દિવસે પકડાઈ ગયો. છોકરીનું અપહરણ કરવાનું કારણ શું હતું ? તમે કલ્પના પણ નહીં કરી શકો.
એ કિશોરને નાનકડી બાળાની મા ખૂબ ગમતી હતી. બાળાની મા, બાળાને લેવા આવે ત્યારે તે તેને જાયા કરતો. એ રૂપાળી હતી. કિશોરે વિચાર્યું કે હું આ છોકરીની મા સાથે તો કદી લગ્ન નહીં કરી શકું કારણ કે તે પરણેલી છે અને મોટી છે. આ છોકરીને મોટી થઇને તેની મમ્મી જેવી જ રૂપાળી થશે. એ પછી હું તેની જાડે લગ્ન કરી લઇશ. એ કિશોર સાડા ત્રણ વર્ષની છોકરીને મોટી કરીને તેની સાથે લગ્ન કરવા માગતો હતો.
આવું માનસ હોય છે કિશોરોનું. ૧૨થી ૧૬ કે ૧૮ વર્ષના સમયગાળામાં છોકરો કે છોકરી સાવ જુદી જ રીતે વિચારતાં હોય છે એમાંય જો તેઓ અપરાધની દુનિયામાં જતાં રહ્યાં તો તેમની શક્તિઓના જયજયકારને બદલે હાહાકાર મચી જાય છે.
***
એવા હાહાકારનાં થોડાં ઉદાહરણોઃ ૨૦૧૫માં ચાર કિશોરોએ અઢી વર્ષની (ફરીથી વાંચો, અઢી વર્ષની) નાનકડી છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. નિર્ભયા બળાત્કાર કાંડ (૧૬-૧૨-૨૦૧૨)માં પણ એક કિશોર સંડોવાયેલો હતો (જે પછીથી સગીર હાવોને કારણે જ નિર્દોષ છૂટી ગયો હતો). ૧૨ વર્ષનો એક છોકરો ક્રિકેટ સટ્ટામાં હારી ગયો તો તેણે જીતેલા છોકરાનું (જેની ઉંમર પણ ૧૨ વર્ષની હતી) મર્ડર કરી નાખ્યું હતું. ૧૪ વર્ષના એક છોકરાએ ૧૦ વર્ષની છોકરીને મારી નાખી. કારણ ? બસ મારી નાખવાની ઇચ્છા થઇ હતી. બીજું કોઈ કારણ નહીં. ૧૧ વર્ષના એક છોકરાએ છોકરીને છરો ઘુસાડી દીધો. તેનું કારણ માત્ર એ જ હતું કે તેને કોઇને છરો મારવાની તીવ્ર ઇચ્છા થઇ ગઇ હતી.
આપણા રાષ્ટ્રનું કિશોરધન ખૂબ ઝડપથી બદલાઇ રહ્યું છે. મોબાઇલ ફોન, વ્હોટ્‌સ-એપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, ટિ્વટર, પોર્નોગ્રાફી... એક નવું જ વિશ્વ તેની સામે આવી ગયું છે. દરેક પ્રશ્નનો ઉત્તર ગૂગલ પાસે હોવાથી તેને માતા-પિતા, દાદા-દાદી કે શિક્ષકોની ખાસ જરૂર રહી નથી. તેનું મન-મસ્તિષ્ક ગ્લોબલ બની ગયું છે. પહેલાંના લોકોના હાથ અને પગ ચાલતા હતા. આજની પેઢીનાં માત્ર ટેરવાં ચાલે છે. તન અને મન સ્થિર છે અને બધું આપોઆપ મળે છે. કિશોરો નવી દુનિયામાં નવી રીતે જીવવા લાગ્યા છે.
આજની પેઢીને બધુ જ તરત-શીઘ્ર-ફટાફટ જાઇએ છે અને બધુ રેડીમેઇડ-તૈયાર પણ જોઇએ છે. કંઇક મેળવવા માટે તપવું પડે છે તેવો કોઇ ખ્યાલ કે સમજણ તેમની પાસે નથી. છે તો અધૂરી છે, આવા કિશોરોને જ્યારે મનગમતું નથી મળતું, જ્યારે જોઇએ છે ત્યારે નથી મળતું ત્યારે તેઓ ખૂબ ઝડપથી અપરાધ કરે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કહે છે કે ભારતમાં ૩૦૦ ટકાના દરે કિશોર અપરાધ વધી રહ્યા છે. ૨૦૧૨માં કિશોરોએ કરેલા ગુન્હાઓ ૨૦૧૪માં ડબલ થઇ ગયા હતા. ખાસ વાત એ છે કે હવે કિશોરો ગંભીર ગુન્હા કરતા થઈ ગયા છે. તેઓ હાથમાં ચપ્પુ લઈને હત્યા કરી નાખે છે, બળાત્કાર કરે છે, કોઈનું અપહરણ કરે છે. કિશોરો અને કિશોરીની ગુન્હા કરવાની હિંમત સતત વધી રહી છે.

૧૨થી ૧૬ કે ૧૮ વર્ષના સમયગાળામાં છોકરો કે છોકરી સાવ જુદી જ રીતે વિચારતાં હોય છે એમાંય જો તેઓ અપરાધની દુનિયામાં જતાં રહ્યાં તો તેમની શક્તિઓના જયજયકારને બદલે હાહાકાર મચી જાય છે.

આમ તો માણસ માત્ર, ગુન્હાને પાત્ર, પરંતુ કિશોરોના ગુન્હા કરવાના પાછળનાં કારણો જુદાં હોય છે. ગરીબ પરિવારમાંથી આવતાં સગીર બાળકો પૈસા માટે ગુન્હા કરે છે. હવે કિશોરો સેક્સને કારણે પણ ગુન્હા કરતા થયા છે. પોર્નોગ્રાફી જોઇને તેમને સેક્સ કરવાનું મન થાય છે, તે ન મળતાં તેઓ અપરાધ કરવા લાગે છે. જ્યારે કિશોરોને ના ગમતાં કાર્યો કરવાનું કહેવામાં આવે ત્યારે પણ કિશોરો ગુન્હાઓ કરે છે.
જેમ ચીજ-વસ્તુ કે પૈસાનો અભાવ કિશોરો પાસે ગુન્હા કરાવે છે તે જ રીતે તેનો પ્રભાવ પણ કરાવે છે. ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોને બધી ચીજ-વસ્તુઓ અને સુખ-સગવડો સતત આપ્યા જ કરે છે. આમાંથી ઘણાં બાળકો ગુન્હા કરવા લાગે છે. અશ્લીલ ફિલ્મો અને ક્રાઇમની સિરિયલો કિશોરમાનસ ઉપર ઘણી મોટી અસર કરે છે. આવી સિરિયલો યુવાનો અને પ્રૌઢો પર જુદી અસર કરે અને કિશોરો પર જુદી અસર કરે તે ઘણા ઓછા લોકો સમજે છે. વડોદરાનો ૧૬ વર્ષનો કિશોર નિયમિત રીતે ક્રાઇમની સિરિયલ જોતો હતો. હત્યા કરવાની પ્રેરણા પણ તેને તેમાંથી જ મળી હતી.
ઘણાં બાળકો નાનપણથી જ ભાંગફોડનો સ્વભાવ ધરાવતાં હોય છે. તેમની યોગ્ય રીતે દવા કરાવવી જોઇએ. જે ઘરમાં બાળકોને માતા-પિતા તરફથી પૂરતો પ્રેમ ના મળતો હોય તે બાળકો પણ ગુનેગાર બનતાં હોય છે. ભાઇ-બહેન અપરાધી હોય તો તેની અસરમાં આવીને બાળક ગુન્હા કરતું થઇ જાય છે.
ગુન્હો કરતાં બાળકોને કઇ રીતે રોકવાં તે આજનો મોટો પ્રશ્ન છે. (તેમને ટોકવા કે ઠોકવાનો તો કોઇ સવાલ જ નથી. એ અધિકાર તો તેમણે ક્યારનોય માતા-પિતા પાસેથી લઇ લીધો છે.) પ્રેમ ભરેલું વાતાવરણ અને પાકી ચોકીદારી રાખીને તેમને આડા રસ્તે જતાં રોકી શકાય. સતત તેમની સાથે સંવાદ કરવાનો, તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનું. તેમના મિત્રો કોણ છે તેની ખબર રાખવાની. નિયમિત અંતરે તેમના મોબાઇલ ફોન પણ ચેક કરવાના.
કિશોર-કિશોરીને ગુન્હાના પ્રદેશમાંથી પાછા વાળવાનું કામ ભલે વિકટ છે, પણ કરી શકાય તેવું છે.
લાગણી વેળાઃ
અમેરિકામાં છાશવારે કિશોરો દ્વારા હત્યાકાંડ થાય છે. લાગે છે કે આપણે પણ એ તરફ જ ગતિ કરી રહ્યા છે. વિકાસ એમને એમ થોડો થાય છે ? વિકાસની આડપેદાશોનો સ્વીકાર કર્યે જ છૂટકો.
positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP