Home » Rasdhar » રમેશ તન્ના
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

શુદ્ધ શાકાહારી ગુજરાતીઓ અને તેમનો બદલાતો ખોરાકઃ મન બદલાય એટલે અન્ન પણ બદલાય

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  
આખા વિશ્વમાં ખાવાની બાબતમાં ગુજરાતીઓની છાપ વેજીટેરિઅન એટલે કે શાકાહારી પ્રજાની છે. જોકે આજના ગુજરાતીઓ સખત મહેનત કરીને રૂઢ થઈ ગયેલી આ છાપને તોડી રહ્યા છે. નવી પેઢી પોતાનાથી થાય તેટલી તેમને મદદ કરી રહી છે. બહાર નીકળતા ગુજરાતીઓ કોઈ પણ ભોગે શાકાહાર શોધતા, તેના માટે ખૂબ ફરતા, રઝળતા, જો શાકાહારી ભોજન ના મળે તો ઉપવાસ કરતા પણ માંસાહારની સામે તો ના જ જોતા. જો નોનવેજ ખોરાકની સુગંધ આવી જતી તો ગુજરાતીને ઊલટી (વોમિટ) થઈ જતી. ઘણા ગુજરાતીઓને માથું ચડી જતું. કોઈ કાળે આ પૃથ્વી પર શાકાહારના એવા આગ્રહી ગુજરાતીઓ પણ વિદ્યમાન હતા જે લોકો માંસાહારની સુગંધ, ભૂલથી લેવાઈ ગઈ હોય તો પણ થોડા નકરોડા ઉપવાસ ખેંચી કાઢતા. હોટલમાં જમવા જતા ગુજરાતીઓ બે-ત્રણ વખત પૂછીને પાકું કરી લેતા કે અહીં માત્ર વેજિટેરિન ખોરાક જ મળે છે ને ? કેટલાક ચુસ્ત લોકો તો રેસ્ટોરન્ટ કે હોટલના રસોડામાં જઈને તપાસ કરી આવતા કે નોનવેજ તો નથી ને ?
એક વખત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે 70 ટકા ગુજરાત માંસાહારી છે. એમ કહીને તેમણે પોતાની વાતના સમર્થનમાં ગુજરાતના કયા કયા વર્ગ અને કઈ કઈ જ્ઞાતિઓ માંસાહાર કરે છે તેના આધાર આપ્યા હતા. (આ એ વખતની વાત છે જ્યારે આધાર કાર્ડ ફરજિયાત નહોતું.) આમ છતાં આપણે કોઈનાય સમ ખાધા વિના કહી શકીએ કે રોજબરોજના જીવનમાં ગુજરાતીઓનો ખોરાક મોટા ભાગે શાકાહારી રહ્યો છે. શહેરના લોકો ઘઉંની રોટલી, દાળ-ભાત વગરે પર ઢળે તો ગામડાંની મહેનતકશ પ્રજા બાજરી-જુવાર જેવા ધાન્યને પસંદ કરે.
ગુજરાતી પ્રજા ખાવાની શોખીન પ્રજા છે. પૈસા કમાવાનો, ખાવાનો અને ફરવાનો શોખ તેના ડીએનએમાં છે. જય જય ગરવી ગુજરાત જેવો અવિસ્મરણીય ઉદઘોષ કરનારો વીર કવિ નર્મદ એક વખત ગુજરાતીઓ પર એવો અકળાયો હતો કે એમ બોલ્યો હતો કે ગુજરાતીઓને તો ‘ખ,પ અને ચ’માં જ રસ છે. ‘ખ’ એટલે ખાવું, ‘પ’ એટલે પીવું (અહીં શરાબસેવનના અર્થમાં) અને ‘ચ’ને નર્મદે સેક્સના અર્થમાં કહ્યું હતું. ચાણક્યે કહ્યું છે જમવાનો આનંદ સૌથી મોટો હોય છે. ગુજરાતીઓ ચાણક્યની એ વાતને બરાબર પાળે છે.

કોઈ કાળે આ પૃથ્વી પર શાકાહારના એવા આગ્રહી ગુજરાતીઓ પણ વિદ્યમાન હતા જે લોકો માંસાહારની સુગંધ, ભૂલથી લેવાઈ ગઈ હોય તો પણ થોડા નકરોડા ઉપવાસ ખેંચી કાઢતા.

ગુજરાતીઓના ખાવામાં ગળપણ(મીઠું) અને તળેલાં ફરસાણનો અતિરેક જોવા મળે. ગુજરાતી થાળીમાં બે-ત્રણ મીઠાઇ કે બે-ત્રણ ફરસાણ જોઇને, ગુજરાતીઓમાં હૃદયરોગ અને ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધુ કેમ છે તેનો જવાબ મળી જાય.
ગુજરાતીઓની ઓળખ દાળ-ભાત ખાનારા તરીકેની છે તો સાથે-સાથે ઢોકળાં, થેપલાં, ખમણ, ખાખરા માટેની તેમની પ્રીતિ જગજાહેર છે. અરે, વિમાનોમાં કે જાહેર પ્રવાસસ્થળોમાં વિશ્વની બીજી પ્રજાઓને તેમના આ ખાણીપ્રેમ અનુભવ થયા વિના રહેતો નથી. જાણીતા અભિનેતા દિલીપ જોશી (જેઠાલાલ) અમેરિકાથી વિમાનમાં બેસીને અમેરિકાથી ભારત આવતા હતા. સખત ભૂખ લાગેલી. પાછળ બેઠેલા પોતાના સાથીદારને મોટેથી પૂછ્યું, કંઈ ખાવાનું છે ? તરત જવાબ મળ્યો ખાખરા છે. અને થોડી વારમાં તો આખા પ્લેનમાં ખાખરા અને લસણની ચટણી વગેરેની સુગંધ પ્રસરી ગઈ. ગુજરાતીઓ વૈશ્વિક છે, તેમની ખાણીપીણી પણ વૈશ્વિક છે.
***
ગુજરાતી પ્રજા ખાવાની શોખીન ખરી, પણ ખાવા-પીવામાં તેના ચોક્કસ આગ્રહો. વૈવિધ્યપૂર્ણ ખાવાનું, પણ માંસાહારથી દૂર રહેવાનું. ગુજરાતની કેટલીક જ્ઞાતિઓમાં માંસાહાર સહજ રીતે થાય પણ જૈન સહિતનો સવર્ણ સમાજ માંસાહારથી દૂર રહે. સલામત અંતર નહીં, અતિ સલામત અંતર રાખે. શાકાહારનો તેનો આગ્રહ એટલો બધો કડક કે તમને લોજ, રેસ્ટોરન્ટ કે હોટેલમાં ‘શુદ્ધ શાકાહારી’ એવાં બોર્ડ વંચાય. ગુજરાતીઓને માત્ર શાકાહાર જોઇએ. દૂરાગ્રહ કહી શકાય તેટલો આગ્રહ.
અમદાવાદની કેટલીક પોળમાં જૈન વસતિ વધારે રહેતી. એ પોળના રહીશ બિનજૈન, ઇવન ડુંગળી ખાય તો તેનાં ફોતરાં-ગટરમાં એવી રીતે વહાવી દેતા કે કોઇને ગંધ સુદ્ધાં ના આવે ! બોલો, ખાણી-પીણીમાં ગુજરાતીઓ આટલા ચુસ્ત હતા ! આ અત્યારની વાત નથી, એક જમાનાની વાત છે.

ગુજરાતીઓના ખાવામાં ગળપણ(મીઠું) અને તળેલાં ફરસાણનો અતિરેક જોવા મળે. ગુજરાતી થાળીમાં બે-ત્રણ મીઠાઇ કે બે-ત્રણ ફરસાણ જોઇને, ગુજરાતીઓમાં હૃદયરોગ અને ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધુ કેમ છે તેનો જવાબ મળી જાય.

જો કે સમયની સાથે ગુજરાતીઓ ઝડપથી બદલાયા છે. હવે ગુજરાતીઓને 'નોન-વેજ'ની જબરજસ્ત સૂગ નથી રહી. પહેલાં ગુજરાતનાં શહેર-નગરોમાં આમલેટની લારીઓ ક્યાંક ખૂણે-અંધારામાં-જાહેરમાં લોકોને દેખાય નહીં એ રીતે ઊભી રહેતી હતી. હવે આમલેટની લારીઓ 'ખુલ્લંખુલ્લા' ઊભી રહે છે અને લોકો પોતાની 'પ્રતિષ્ઠા'ની સહેજે ચિંતા કર્યા વિના આમલેટ આરોગે છે. ઘણાં લોકો હળવી ભાષામાં એમ પણ કહે છે કે ‘જૈન આમલેટ’ પણ મળે છે અને પર્યુષણ પૂર્ણ થયા પછી તેની માગમાં ઉછાળો પણ આવે છે!
ગુજરાતીઓ આમેય ફ્લેક્સિબલ પ્રજા છે. ગુજરાતીઓનાં વર્તનની સૌથી મોટી વિશેષતા છે, પરિવર્તન. ગુજરાતીઓ ઘણી ઝડપથી પરિવર્તન સ્વીકારી લેનારી પ્રજા છે. સમયની સાથે ચાલતાં અને દોડતાં તેને આવડે છે. ઘણી વાર તો પરિવર્તન આવ્યું ના હોય તે પહેલાં ગુજરાતીઓ બદલાઇ જાય છે. પરિવર્તનના અણસારને પણ તેઓ પૂરું માન આપે છે.
ગુજરાતીઓની ખાણી-પીણીની પરંપરામાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. જે ગુજરાતીઓ શાકાહારને અત્યંત ચુસ્ત રીતે વળગી રહ્યા હતા તે ઢીલા પડ્યા. ગુજરાતીઓ વિશ્વના ખૂણે-ખૂણે ફરનારી પ્રજા છે. તમે બહાર નીકળ્યા એટલે આગ્રહો જતા કરવા જ પડે. તમે ઘરેથી નાસ્તો કેટલો લઇ જાઓ ? બહાર બધે જ વેજ મળતું હોય તે જરૂરી નથી, અને વેજના નામે મળતું હોય તે બધું વેજ જ હોય તે ફરજિયાત નથી. પહેલાં તો ગુજરાતીઓ વેજ અને નોનવેજ સાથે મળતું હોય ત્યાં જમવાનું ટાળતા. એ બધું કાળના પ્રવાહમાં વહી જવા લાગ્યું. નોનવેજને અડીને વેજની વાનગી પડી હોય તો ગુજરાતીઓ આંખ ખુલ્લી રાખીને પણ આંખ આડા કાન કરીએ ખાવા લાગ્યા. સમયની સાથે ચાલવું પડે ભાઈ.
ખાણી-પીણીની જે ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટ કે હોટલ કે વાનગીઓની ચેનલો આવે તેમાં પણ વેજની સાથે નોનવેજ મળે. ખાવાના શોખીન ગુજરાતીઓ, આવી રેસ્ટોરન્ટમાં જાય એટલે પહેલી વાર નહીં તો ચોથી કે પાંચમી વાર નોન-વેજ વાનગીનો ટેસ્ટ કર્યા વિના રહી ના શકે.
ભણવા માટે, વેપાર માટે, નોકરી માટે, સામાજિક વ્યવહારો માટે ગુજરાતીઓને બહાર જવું પડે, સતત જવું પડે. આ બહાર-વટિયું પણ તેને વેજમાંથી નોન-વેજ તરફ લઇ જવામાં નિમિત્ત બન્યું છે.
સૌથી મહત્વની વાતઃ ડિજિટલ પેઢી. આજની યુવા પેઢી, નવી હવામાં, નવી ટેક્નોલોજી સાથે જીવી રહી છે. નોન-વેજની જેટલી સૂગ જૂની પેઢીને હતી તેટલી સૂગ કે અણગમો નવી પેઢીને નથી. નોનવેજ ખાવાથી પાપ લાગે કે જન્મારો અભડાઇ જાય કે ભૂકંપ આવી જાય કે પ્રલય થઇ જાય... એવો કોઇ ડર નવી પેઢીને નથી. એ જમવાની વાતને ઇઝી મેનરમાં સ્વીકારી લે છે. રોટલા કરતાં પીત્ઝામાં અને છાશ કરતાં પેપ્સીમાં તેને વધારે રસ પડે છે. આ પેઢી શુદ્ધ શાકાહારના સામા છેડાની પેઢી છે.
આ બધું તો ઠીક છે, મારા ભૈ. મૂળ વાત એટલી છે કે ગુજરાતીઓ જે જમે છે તે સમતોલ ખોરાક છે ખરો ? તેમના શરીરનાં જિન્સ અને જરૂરિયાતો પ્રમાણે તે જમે છે ? આરોગ્ય સચવાય તેવું તે ખાય છે અને પીએ છે ?
તેનો જવાબ જુદી રીતે મળે છે.
1. ફિટનેસમાં ગુજરાતીઓ ઘણા નબળા છે. સુખી ગુજરાતીઓને પેટ નહીં. ફાંદ હોય છે. ફિટ ગુજરાતીને જોવો હોય તો ઘણી શોધ કરવી પડે.
2. સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના સૌથી વધુ દરદીઓ ગુજરાતઓ છે. હૃદયને લગતી મોટાભાગની બીમારીઓમાં પણ ગુજરાતીઓ મોખરે હોવાનો વૈભવ ભોગવે છે. હાઇ-બીપી, કોલેસ્ટેરોલ... બાપલા, અમે ક્યાંય પાછા પડીએ તેમ નથી.
3. પહેલાં ગુજરાતીઓનાં હૃદય ખોટવાણાં, હવે ઘૂંટણ ગયાં છે. ની રિપ્લેસમેન્ટ એ ગુજરાતનો ધમધમતો આધુનિક ઉદ્યોગ છે.
'તળ્યું અને ગળ્યું' એ ગુજરાતીઓની નબળાઇ છે. ગુજરાતી ખોરાક હળવો કહેવાતો હોય પણ તે ગુજરાતીઓને અનેક બીમારીની ભેટ ધરી રહ્યો છે.
આધુનિક જીવનશૈલી, કસરતનો અભાવ, ગમે ત્યારે ગમે તે ખાઇ લેવાની નવી ટેવ, નોન-વેજનો ઝડપથી સ્વીકાર... આ બધાએ આધુનિક ગુજરાતી ખાણીવિશ્વને જબરજસ્ત પ્રભાવિત કર્યું છે.
લાગણી વેળાઃ
દરેક બાબતમાં તોલ કરતો ગુજરાતી સમતોલ ખોરાક લેવામાં નિષ્ફળ રહ્યો છે !
positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP