Home » Rasdhar » સલિલ દલાલ
દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

શ્રીદેવી... મૈં ખ્વાબોં કી શહજાદી – 4

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

શ્રીદેવી માટે કે. બાલાચંદરે ૨૦૧૧માં ‘હિન્દુ’ દૈનિક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “જ્યારે મેં તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ બાળકી હતી. પણ મને એ ખૂબ ઇન્ટેલિજન્ટ લાગી. તેની ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી, ત્યારે પણ તેની સમજણશક્તિ ૨૦ વરસની યુવતી જેવી હતી. તે સ્થળ ઉપર જ (ઑન ધી સ્પૉટ) શીખી જતી...” આ વખાણ વાંચતાં તમને ‘સદમા’ યાદ આવ્યું ને? તેમાં પુખ્ત વયની થઈ ગઈ હોવા છતાં હિરોઇન ‘રેશ્મી’ પાંચ-છ વર્ષની છોકરીની જેમ બાળકબુદ્ધિથી બોલતી-વર્તતી હોય છે. બાલાચંદરના અનુભવે શ્રીદેવીનું વાસ્તવિક જીવન ‘રેશ્મી’ કરતાં ઊંધો કિસ્સો હતું. ઉંમરમાં સગીર બાળકી સમજણમાં પુખ્ત યુવતી હતી! ‘શ્રી’ની આવી જ પ્રશંસા કમલ હાસને પોતાની આગવી ઢબે કરી છે. કમલે ૨૦૧૩માં ‘ઝૂમ ટીવી’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં પોતાની એ બે ડઝન ફિલ્મોની સાથી કલાકાર વિશે કરેલી સરખામણી સચોટ લાગે છે.

કમલે કહ્યું હતું કે “શ્રીદેવીની ગ્રહણશક્તિ બ્લૉટિંગ પેપર જેવી છે...” કમલ હાસનના મતે દિગ્દર્શકની સૂચનાઓ અને જરૂરિયાતોને શ્રીદેવી એટલી ઝડપથી આત્મસાત કરી લેતાં.

કમલે કહ્યું હતું કે “શ્રીદેવીની ગ્રહણશક્તિ બ્લૉટિંગ પેપર જેવી છે...” અત્યારના કોમ્પ્યુટર અને બોલ પોઇન્ટ પેનના જમાનામાં ઘણાને ‘બ્લૉટિંગ પેપર’ શબ્દ અતડો લાગી શકે. પરંતુ, એક સમય એવો હતો, જ્યારે દસ્તાવેજો શાહીના ખડિયામાં કિત્તો/કલમ બોળીને જ લખાતા. તેના ઉપર હસ્તાક્ષર થાય ત્યારે સહી સુકાવામાં ઝડપ આવે અને એ પ્રસરી ના જાય તે માટે ખાસ શાહીચુસ કાગળ વપરાતા, જે શાહીને ઝડપથી ચુસી લેતા. અત્યારે પણ વિદેશોમાં સફાઇકામના પેપર ટોવેલમાં એ પ્રકારનો કાગળ વપરાય છે. કમલ હાસનના મતે દિગ્દર્શકની સૂચનાઓ અને જરૂરિયાતોને શ્રીદેવી એટલી ઝડપથી આત્મસાત કરી લેતાં. કમલ હાસન અને રજનીકાન્ત સાથે નિર્દેશક કે. બાલાચંદરે પોતાની પસંદગી જે ફિલ્મ માટે કરી હતી, તે ‘મુન્દ્રુ મુડીચુ’ની ‘ફી’ વિશેની એક મજેદાર વાત શ્રીદેવીએ કેટલાંક વરસ પહેલાં કરી હતી.

ફીના મામલે પોતાને હીરો કરતાં છઠ્ઠા ભાગના જ પૈસા મળવાના હતા. શ્રીદેવીએ પોતે આ ખુલાસો ‘કૌન બનેગા કરોડપતિ’ની સાઉથ એડિશનના એક સ્પેશ્યલ એપિસોડમાં કર્યો હતો. તે કાર્યક્રમનું સંચાલન અમિતાભ બચ્ચનની જેમ હિન્દી ફિલ્મોમાં વિલન બનતા દક્ષિણના સ્ટાર પ્રકાશરાજ કરતા હતા. એ વિશેષ હપ્તામાં શ્રીદેવીએ કહ્યું હતું કે “બાલાચંદરના નિર્દેશનમાં બનેલી ‘મુન્દ્રુ મુડીચુ’ માટે મને ૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા અને ‘કમલ સર’ને ત્રીસ હજાર!” તે પછી રજનીકાન્તને ચૂકવાયેલી ‘ફી’નો ખુલાસો સાંભળીએ તો થાય કે માતા રાજેશ્વરીદેવીએ હીરો-હીરોઇનની ‘ફી’માં આવડા મોટા તફાવતને મુદ્દો બનાવવાને બદલે પોતાની સગીર બાળકીના વાલી તરીકે કોન્ટ્રાક્ટ પર સહી કરવાનું મુનાસિબ માન્યું હશે. રજનીકાન્તના એ પિક્ચર ‘મુન્દ્રુ મુડીચુ’ માટે ફક્ત બે હજાર રૂપિયા નક્કી થયા હતા! શ્રીદેવીએ ‘કેબીસી’ના એ હપ્તામાં હસતાં હસતાં કહ્યું હતું કે “રજનીકાન્ત મારાં મમ્મીને તે દિવસોમાં પૂછતા હતા કે અમ્મા, મને ત્રીસ હજાર ફી ક્યારે મળશે?”

હવે રજનીકાન્ત વિશે તો એ જાણીતી હકીકત છે કે તેઓ એક સમયે બેંગ્લોરમાં બસ કડંક્ટર હતા અને પછી તેઓ કઈ ઊંચાઇઓએ પહોંચ્યા. જેમ કે ૨૦૦૫માં રજનીકાન્તને તેમની ફિલ્મ ‘ચંદ્રમુખી’ માટે ૨૦ કરોડ રૂપિયા મળ્યા ત્યારે એ ભારતના સૌથી વધુ પૈસા લેતા અભિનેતા બન્યા હતા. જ્યારે ૨૦૦૭માં ‘શિવાજી’ માટે છવ્વીસ કરોડ અપાયા ત્યારે એશિયાભરમાં બીજા નંબરે, એટલે કે જેકી ચેન પછીના ક્રમે, હતા. ‘રજની સર’ આજે તો ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ સહિતનાં રાષ્ટ્રિય સન્માનોથી વિભૂષિત અભિનેતા અને નેતા છે. (તેમની નવી રિલીઝ ‘કાલા’નો પ્રથમ સપ્તાહનો બિઝનેસ ૧૦૦ કરોડ હતો!) ‘રજની સર’ને (‘અપૂર્વ રાગાંગલ’માં) અને શ્રીદેવીને ‘મુન્દ્રુ મુડીચુ’માં પ્રથમ તક આપનારા એ નિર્દેશક કૈલાસમ બાલાચંદર જ્યારે ૨૦૧૪ના ડિસેમ્બરમાં ગુજરી ગયા, ત્યારે શ્રીદેવીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રીદેવીએ (અને સાઉથની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ) જેમને કાયમ ‘બાલાચંદર સર’ તરીકે સંબોધ્યા છે એ સર્જક કદાચ એકલા હશે જેમણે વિવિધ કેટેગરીમાં થઈને નેશનલ એવોર્ડ ૯ વખત અને ફિલ્મફેરની ટ્રોફી ૧૩ વાર જીતી હોય! કોઇ આશ્ચર્ય નહોતું કે ૨૦૧૦માં તેમને સિનેમાના સર્વોચ્ચ સન્માન ‘દાદાસાહેબ ફાળકે’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. શ્રીદેવીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, “બાલાચંદર સર વિદાય થઈ ગયા છે, આ મહાન સર્જક લાખો પ્રેક્ષકોના અને તેમના થકી સમૃદ્ધ થનારા અમ સૌ કલાકારોના હ્રદયમાં સદા જીવંત છે. તેમની ફિલ્મો હિંમતભરી હતી અને તેમના નિર્ણયો પણ. એક દિવસ તેમણે નક્કી કર્યું કે એક ચાઇલ્ડ આર્ટિસ્ટને હિરોઇન તરીકે લેવી. ‘મુન્દ્રુ મુડીચુ’ ફિલ્મે મારી જિંદગી કાયમ માટે બદલી નાખી. તામિલ સિનેમા અને મારા સહિતના તે સિનેમા સાથે સંકળાયેલા સૌ લોકો તેમના પડછાયામાં ઉછર્યા છે. તેમના પરિવારને આશ્વાસન. તેઓ આપણા હૈયામાં સદા વસવાટ કરશે.”

‘મુન્દ્રુ મુડીચુ’ પછી શ્રીદેવી તથા રજનીકાન્ત ‘ગાયત્રી’માં એક સાથે આવ્યાં, ત્યારે ૧૯૭૭માં ‘શ્રી’ની ઉંમર માત્ર ૧૪ જ વર્ષ! ‘ગાયત્રી’માં રજનીકાન્તનો રોલ પતિ તરીકેનો હોવા છતાં એઝ યુઝઅલ, નેગેટિવ હતો અને એ જ તેમની કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ પણ સાબિત થયો. ‘ગાયત્રી’ સુધી રજની ખલનાયકની ભૂમિકાઓ કરતા અને સિગારેટ ઉછાળીને મોંમાં ઝીલવાની સ્ટાઇલથી પોપ્યુલર તો હતા જ. પરંતુ, ‘ગાયત્રી’માં તેમણે શ્રીદેવીને એક સીનમાં, થપ્પડ માર્યા પછી મારવા લંબાયેલા હાથથી તરત એ જ શૉટમાં જે અંદાજથી સિગારેટ પેટાવી, તે સ્ટાઇલને પ્રેક્ષકો ભારે તાળીઓથી વધાવી લેતા! ‘ગાયત્રી’માં પત્ની બનતી શ્રીદેવીને (હિરોઇનને) મારવાના એ સીનને દર્શકો વધાવે ત્યાંથી તો શરૂઆત થઈ હતી. ફિલ્મમાં શ્રીદેવીની વહારે આવનારા (‘હીરો’) એક્ટર જયશંકર કરતાં પણ વિલન રજનીકાન્તને વધારે તાળીઓ સાથે લોકપ્રિયતા મળી. ‘ગાયત્રી’ પછી જ સિનેમાના પડદે વિલન રજનીકાન્તની હીરો તરીકેની એન્ટ્રી અને બન્યા ‘રજની સર’!

શ્રીદેવીએ જેમને કાયમ ‘બાલાચંદર સર’ તરીકે સંબોધ્યા છે એ સર્જક કદાચ એકલા હશે જેમણે વિવિધ કેટેગરીમાં થઈને નેશનલ એવોર્ડ ૯ વખત અને ફિલ્મફેરની ટ્રોફી ૧૩ વાર જીતી હોય!

‘ગાયત્રી’ના સર્જકે પોતાના નવા પિક્ચર માટે રજનીકાન્તને હીરો લીધા અને તે પછી તેમણે કદી પાછા વળીને જોવું પડ્યું નથી. રજનીકાન્તની વિવિધ રીતે સિગારેટ પીવાની-સળગાવવાની સ્ટાઇલ એ દિવસોમાં એટલી પોપ્યુલર થઈ હતી કે હિન્દી સિનેમામાં એવી અદાઓ કરનાર શત્રુઘ્ન સિંહાને પણ વિલન હોવા છતાં ઓડિયન્સનો જબ્બર રિસ્પોન્સ મળતો. એ બિશ્વજીત જેવા સરખામણીએ સૉફ્ટ કલાકાર સાથે મારામારી કરતા, ત્યારે નાયકને માર પડતો હોવા છતાં ખલનાયક શત્રુઘ્નસિન્હાને તાળીઓ મળતી, એ બહુ જાણીતી વાત છે. તે પછી શત્રુભૈયા પણ હીરો થઈ ગયા હતા. રજનીકાન્ત તો ‘સોલવા સાવન’ની મૂળ તામિલ આવૃત્તિમાં પણ કમલ હાસન અને શ્રીદેવી સામે વિલન જ હતા. ‘સોલવા સાવન’ એ, હિન્દી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી, શ્રીદેવીની હિરોઇન તરીકેના સાચા આગમનની પ્રથમ કૃતિ. હિન્દી ફિલ્મોમાં, એટલે કે રાષ્ટ્રિય કક્ષાએ, હવે શ્રીદેવીની ખરી પરીક્ષા હતી!
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP