Home » Rasdhar » હરિ દેસાઈ
લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે.

ડોગરા મહારાજા હરિસિંહના રાજ્ય જમ્મૂ-કાશ્મીરમાં હિંદુ ડોગરા રાજપૂત નિર્મલસિંહ સરકારનાં એંધાણ

  • પ્રકાશન તારીખ14 Jul 2018
  •  

નજરો બધાની જમ્મૂ-કાશ્મીર ભણી મંડાયેલી છે : ૧૩ જુલાઈ ૧૯૩૧ના એ કમનસીબ દિવસે આ જ રાજ્યના સેક્યુલર હિંદુ ડોગરા રાજપૂત મહારાજા હરિસિંહના શાસનમાં કોમી અથડામણનો પલીતો ચાંપવાના અંગ્રેજોના કરતૂત પછી સ્વતંત્ર ભારતના આ રાજ્યમાં આજ લગી અજંપો જ રહ્યો છે.બ્રિટિશ લશ્કરી અફસર કર્નલ આલ્ફર્ડના ઘરમાં રસોઈયા તરીકે રહેનારા “રાજ્યબહારની” રહસ્યમય વ્યક્તિ અબ્દુલ કાદીર ખાન થકી કાશ્મીરી મુસ્લિમોને ઉશ્કેરતું ભાષણ કરાયા પછી એની ધરપકડ થઇ હતી.એની સામે જેલમાં અદાલતી કાર્યવાહી કરવાના દિવસે જેલને બાનમાં લેવાના હુમલાના આગેવાન શેખ અબ્દુલ્લા સહિતનાઓના પગલાને પગલે રજવાડી પોલીસે કરવા પડેલા ગોળીબારમાં ૨૨ હુમલાખોરો માર્યા ગયા હતા.જમ્મૂ-કાશ્મીર જેવા કોમી એખલાસ ધરાવતા અને અસ્પૃશ્યો માટે પણ મંદિરોમાં પ્રવેશ તથા શાળાપ્રવેશનાં પ્રગતિશીલ પગલાં લેનારા હિંદુ ડોગરા રાજપૂત શાસકના કથિત અત્યાચારી શાસન વિરુદ્ધ ક્રાંતિનું બ્યુગલ ફૂંકાયું હતું.જેલમાંથી ભાગી છૂટેલા કેદીઓમાં અબ્દુલ કાદીર પણ હતો.એ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો,એ આજ લગી રહસ્ય હોવા છતાં આ રજવાડામાં કોમી અથડામણો અને અવિશ્વાસનાં બીજનું કાયમ માટે વાવેતર કરતો ગયો.

ભારતીય જનતા પક્ષ અને જમ્મૂની નેશનલ પેન્થર પાર્ટી સિવાય રાજ્યના તમામ પક્ષો અને ભાગલાવાદી પરિબળો આજે પણ દર વર્ષે ૧૩ જુલાઈને “શહીદ દિવસ” તરીકે મનાવે છે અને સરકારી રજા પાળે છે.

શહીદ દિવસ મનાવવાનો વિરોધ

ભારતીય જનતા પક્ષ અને જમ્મૂની નેશનલ પેન્થર પાર્ટી સિવાય રાજ્યના તમામ પક્ષો અને ભાગલાવાદી પરિબળો આજે પણ દર વર્ષે ૧૩ જુલાઈને “શહીદ દિવસ” તરીકે મનાવે છે અને સરકારી રજા પાળે છે. જે મહારાજાએ પોતાના રજવાડાને ભારતમાં ભેળવ્યું એમની સ્મૃતિમાં એમના જન્મ દિન(૨૩ સપ્ટેમ્બર)ને ભાજપ અને પીડીપીની સંયુક્ત સરકારના સમયગાળામાં પણ જાહેર રજાના દિવસ તરીકે માન્ય કરાયો નહોતો ! માત્ર શેખ અબદુલ્લાના જન્મદિને જાહેર રજા પાળવામાં આવે છે. ભાજપ જ નહીં,પણ જમ્મૂવાસીઓ ૧૩ જુલાઈ ૧૯૩૧ના રોજ ૨૨ જણા માર્યા ગયાની ઘટનાને કમનસીબ ગણાવે છે,પણ એ દિવસને શહીદ દિવસ ગણાવીને રજા પાળવાનો વિરોધ કરે છે. મહારાજા હરિસિંહ થકી લંડનની ગોળમેજી પરિષદમાં ભારતીય રજવાડાઓના સ્વાતંત્ર્ય સહિતની વાત રજૂ કરી હતી,ત્યારે પણ બ્રિટિશ હકૂમતને એમના પ્રત્યેના રોષમાં વધારો થયો હતો.અંગ્રેજ શાસકોના કહ્યાગરા બની રહેવાનો ઇનકાર કરનારા મહારાજાની વિરુદ્ધ ષડયંત્રો રચતા રહેલા અંગ્રેજોના મળતિયાઓને પ્રોત્સાહન મળતું રહ્યું હતું.

આઝાદ સિવાયના મુખ્યમંત્રી કાશ્મીરી

આજે કાશ્મીર ખીણ પ્રદેશ કરતાં હિંદુબહુલ જમ્મૂ અને બૌદ્ધબહુલ લડાખ પ્રદેશ મોટા હોવા છતાં સુન્ની બહુલ એવા ખીણ પ્રદેશમાંથી જ રાજ્યના શાસકો પ્રભાવ પાડતા રહ્યા છે. કોંગ્રેસના એકમાત્ર ગુલામનબી આઝાદ સિવાયના તમામ મુખ્યમંત્રી કાશ્મીર ખીણ પ્રદેશમાંથી જ બન્યા છે. જોકે આઝાદના પૂર્વજો પણ કાશ્મીરમાંથી આવીને જમ્મૂમાં વસ્યા હતા.એમનાં પત્ની પણ કાશ્મીરી છે.ભાજપ સાથે પીડીપીનું જોડાણ કરીને ૨૦૧૫માં રચાયેલી સંયુક્ત સરકારમાં પણ પહેલાં મુફ્તી મોહમ્મદ સઈદ અને પછીથી એમનાં શાહજાદી મેહબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યાં. અગાઉની કોંગ્રેસ સાથેની સંયુક્ત સરકારોમાં જમ્મૂ જેવા હિંદુ બહુલ પ્રદેશના હિંદુ નાયબ મુખ્યમંત્રી આવતા રહ્યા હતા,એવું જ પીડીપી અને ભાજપની સંયુક્ત સરકારમાં પણ બન્યું.પહેલાં જમ્મૂના ડોગરા રાજપૂત ડૉ.નિર્મલ સિંહ અને પછીથી થોડા દિવસ માટે ( ૩૦ એપ્રિલ ૨૦૧૮થી ૧૯ જૂન ૨૦૧૮ સુધી ) કવિન્દર ગુપ્તા નાયબ મુખ્યમંત્રી રહ્યા.અગાઉ ગુપ્તા વિધાનસભાના અધ્યક્ષ હતા.એ નાયબ મુખ્યમંત્રી બન્યા એટલે ડૉ.સિંહ વિધાનસભાના અધ્યક્ષ બન્યા.ભાજપ થકી અધ્યક્ષપદ પોતાની પાસે રાખવા પાછળ લાંબી ગણતરી રાખવામાં આવી છે.રાજકીય પરિસ્થિતિ તરલ હોય ત્યારે બોમ્માઈ કેસના સર્વોચ્ચ અદાલતના ચૂકાદા મુજબ, વિધાનસભાના અધ્યક્ષ પાસે વિપુલ સત્તા આવી જાય છે.સભ્યોને ગેરલાયક ઠેરવવા કે વિશ્વાસનો મત લેવાની બાબતમાં એ રાજ્યપાલ સાથે મળીને આસમાની સુલતાની કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન બાપ-બેટીની આકરી ટીકા કરી હતી,પરંતુ ત્રિશંકુ વિધાનસભા રચાતાં “ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન” સમી મુફ્તી મોહમ્મદ સઈદની અને એમના મૃત્યુ પછી મહેબૂબા મુફ્તીની સરકાર રચાઈ હતી.

ઇતિહાસવિદ નિર્મલસિંહ ઈતિહાસ રચી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન બાપ-બેટીની આકરી ટીકા કરી હતી,પરંતુ ત્રિશંકુ વિધાનસભા રચાતાં “ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન” સમી મુફ્તી મોહમ્મદ સઈદની અને એમના મૃત્યુ પછી મહેબૂબા મુફ્તીની સરકાર રચાઈ હતી. ગઈ ૧૮ જૂને મહેબૂબા સરકારને ભાજપી નેતાગીરીએ ટેકો પાછો ખેંચી લેતાં રાજ્યપાલનું શાસન આવ્યું.વિધાનસભા હજુ મૂર્છિત અવસ્થામાં રાખી છે.ભાજપને પીડીપીના અસંતુષ્ટો અને બીજા પૂંછડિયા ખેલાડીઓનો ટેકો મળે તો અભૂતપૂર્વ ઘટનાક્રમ આકાર લઇ શકે છે. મહેબૂબાએ પોતાના પક્ષને તોડવાના પ્રયાસો થશે તો નવા આતંકવાદી આગેવાન સલાઉદ્દીનો પેદા થવાની ધમકી આપી છે.એનો ઉત્તર એમના જ પક્ષના અસંતુષ્ટોએ આપ્યો છે કે પક્ષને તોડવાનો કોઈ પ્રયત્ન નથી કરતું,પણ અમારો અંતરાત્મા જાગ્યો છે. કાલ ઊઠીને ભાજપના નાયબ મુખ્યમંત્રી રહેલા ડૉ.નિર્મળ સિંહ મુખ્યમંત્રી તરીકેના શપથ લે એ પ્રકારના વ્યૂહ ઘડાઈ ચૂક્યાના વાવડ આવે છે. દિલ્હીના શાસકો નન્નો ભણે તો એનો અર્થ ના જ થાય એવું સાવ જ નથી.ડૉ.સિંહ જમ્મૂ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક રહેલા છે અને સુપેરે જાણે છે કે એમના રાજ્યનો ઈતિહાસ સૌ કોઈ પોતપોતાની અનુકૂળતા મુજબ જ આગળ ધરે છે.ડોગરા રાજપૂત મહારાજા હરિસિંહના ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારતમાં વિલય પામેલા મુસ્લિમબહુલ રાજ્યમાં દાયકાઓ પછી પહેલીવાર કોઈ હિંદુ અને એ પણ મહારાજાના એડીસી રહેલા ડોગરા રાજપૂતનો દીકરો જ મુખ્યમંત્રી બને તો નવો ઈતિહાસ રચાશે.

કાશ્મીરી નહીં, ડોગરા ડૉ.કર્ણ સિંહ

મહારાજા હરિસિંહના રાજકુમાર, હિંદુ તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત, કોંગ્રેસી નેતા, કેન્દ્રીય મંત્રી, તેમજ અમેરિકામાં ભારતીય રાજદૂત રહેલા ડૉ.કર્ણ સિંહને કોઈ કાશ્મીરી કહે તો એ તૂર્તજ સ્પષ્ટતા કરી લે છે અને પોતે ડોગરા ગણાવવામાં ગર્વ અનુભવે છે. ભારતમાં એમના રજવાડાનો વિલય થયો ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી મહારાજા હરિસિંહ અને મહારાણી તારાદેવીએ પોતાના રાજ્યમાંથી દેશવટો સ્વીકારીને પોતાના રિજેન્ટ તરીકે ૧૮ વર્ષના કર્ણ સિંહને પોતાના અધિકાર સોંપ્યા હતા.વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચેની ગોઠવણ મુજબ,વહીવટીતંત્ર શેખ અબદુલ્લાને સુપરત કરાયું હતું. જોકે થોડા વખત માટે રાજ્ય બહાર રહેવાનું અને પછી પોતાના રાજ્યમાં પાછા ફરવાનું સરદારે મહારાજાને સૂચવ્યું હતું,પણ છેક ૧૯૬૧માં જ મહારાજાનો અસ્થિકુંભ જ જમ્મૂ આવી શક્યો હતો ! રાવી નદીને કાંઠે મહારાજાની પ્રતિમા લગાવવામાં તો ખાસ્સાં વરસ વીતી ગયાં.

ડોગરા માત્ર રાજપૂત જ હોય એવું નથી. રાવી નદીથી પીર પંજાલ માઉન્ટ લગીના વિસ્તારમાં વસનારાઓને ડોગરા ગણવામાં આવતા રહ્યા છે.શુક્રવારે લંડનવાસી ડોગરા ઇતિહાસવિદ મનુ ખજુરિયા સિંહે થકી મુસ્લિમ ડોગરા શબ્દપ્રયોગ કર્યો ત્યારે આ લખનાર પણ ચોંકી ગયો હતો. મુસ્લિમ પણ ડોગરા હોઈ શકે. ડોગરા બ્રાહ્મણ પણ હોઈ શકે.વિવિધ જાતિઓના લોકોને ડોગરા કહેવામાં આવે છે.એ પ્રદેશ સાથે સંકળાયેલો સમૂહ મનાય છે,પણ એ હિંદુ અને મુસ્લિમ બેઉ હોઈ શકે.કાશ્મીર ખીણ પ્રદેશમાંથી ૧૯૮૯ના ગાળામાં વકરેલા આતંકવાદને પગલે કાશ્મીરી પંડિતોની લાખોની સંખ્યામાં હિજરત થયા પછી એમાંના મોટાભાગનાને ફરી પાછા લાવીને વસાવી શકાયા નથી, એ વરવી હકીકત આજ લગીની સરકારોને માથે કાળી ટીલી સમાન છે.

કજોડાં રચવા પાછળ માત્ર સત્તાકાંક્ષા

આજે પણ કાશ્મીરીઓ મહારાજાને અત્યાચારી અને હત્યારા ગણાવીને તેમના ભણી ઘૃણા વ્યક્ત કરે છે એટલે મહારાજાના બંને પૌત્રો વિક્રમાદિત્ય સિંહ (પીડીપી) અને અજાતશત્રુ સિંહ (ભાજપ) થકી વિધાનપરિષદમાં પ્રસ્તાવ મંજૂર કરાવીને મહારાજાના જન્મદિનને જાહેર રજા રાખવાનો પીડીપી-ભાજપની સરકાર સમક્ષ આગ્રહ રખાયો હતો,પણ એ પ્રસ્તાવ આજ દિવસ સુધી મંજૂર રખાયો નથી ! એના વિરોધમાં વિક્રમાદિત્ય સિંહે પીડીપી અને વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના નાના ભાઈ અજાતશત્રુને પણ રાજીનામું આપવા કહ્યા છતાં એ માન્ય નહોતા.અજાતશત્રુ ૨૦૧૫માં ભાજપમાં જોડાયા એ પહેલાં નેશનલ કોન્ફરન્સના નેતા તરીકે ડૉ.ફારુક અબદુલ્લાની સરકારમાં મંત્રી રહ્યા હતા.એમ તો શેખ અબદુલ્લાને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની હત્યાનો દોષ દેતાં “શેર હમારા મારા હૈ,અબદુલ્લાને મારા હૈ”ના નારા લગાવનારા જનસંઘ-ભાજપના નેતાઓએ શેખ અબદુલ્લાની પાર્ટી સાથે વાજપેયી યુગમાં ઘર માંડ્યું જ હતું.એ વેળા કેન્દ્રમાં ઓમર અબદુલ્લા વિદેશ રાજ્યમંત્રી હતા અને જમ્મૂ-કાશ્મીરમાં ડૉ.અબદુલ્લા મુખ્યમંત્રી હતા.સત્તાની મોહિની ભલભલાં કજોડાં રચે છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી મુફ્તી બાપ-બેટીની સરકારો પછી હવે ભાજપ મુફ્તીના નારાજ સાથીઓ સાથે મળીને જમ્મૂ-કાશ્મીરમાં નવો ઈતિહાસ રચવાની વેતરણમાં છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે !

haridesai@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP